થાઇલેન્ડ: બાળકોને બચાવતા એક મરજીવાનું મોત

ઇમેજ સ્રોત, O2Max Triathlon Team
થાઇલેન્ડની એક ગુફામાં ફસાયેલાં 12 બાળકો અને તેમના ફૂટબૉલ કોચને બચાવવાની કોશીશમાં લાગેલાં થાઇ નૌકાદળના એક ભૂતપૂર્વ મરજીવા (ડાઇવર)નું મૃત્યુ થયું છે.
અધિકારીઓએ જણાવ્યા અનુસાર 38 વર્ષના સમન કુનન ખોવાઈ ગયેલાં જૂથને ભોજન અને જરૂરી સામાન પહોંચાડીને પરત ફરતી વખતે બેભાન થઈ ગયા હતા.
તેમના સહકર્મચારીઓ તેમને ભાનમાં લાવવામાં નિષ્ફળ રહ્યા.
સમન કુનને થાઇલેન્ડની નેવી છોડી દીધી હતી, પરંતુ આ બચાવ કાર્યમાં જોડાવા માટે અહીં આવી ગયા હતા.

ઇમેજ સ્રોત, Facebook/Ekatol
સ્થાનિક ઉપ રાજ્યપાલ પાસાકોર્ન બૂનયાલકે પત્રકારોને જણાવ્યું, "સ્વેચ્છાએ આ રાહત-બચાવ કાર્યમાં મદદ માટે જોડાયેલા એક ભૂતપૂર્વ સૈનિકનું મોડી રાત્રે મૃત્યુ થઈ ગયું."
શું તમે આ વાંચ્યું?
તેમણે કહ્યું, "તેમનું કાર્ય ઓક્સિજન પહોંચાડવાનું હતું, પરંતુ પરત ફરતી વખતે તેમની પાસે જ પૂરતી માત્રામાં ઓક્સિજન નહોતો."

ઇમેજ સ્રોત, Thai Navy Seal
ઉત્તર થાઇલેન્ડની એક ગુફામાં પૂરને કારણે બાર દિવસોથી ફસાયેલાં 12 છોકરા અને તેમના ફૂટબૉલ કોચને સુરક્ષિત રીતે બહાર લઈ આવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.
સૌથી મોટી મુશ્કેલી એ છે કે ફસાયેલાં કોઈ પણ બાળકને તરતાં નથી આવડતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાળકો અને માતાપિતાની વચ્ચે વાતચીત થઈ શકે એક ટેલીફોન લાઇન પણ નાખવાની યોજના બનાવવામાં આવી રહી છે.
આ બાળકો અને તેમના કોચ 23મી જૂનની સાંજે ફૂટબૉલની પ્રૅક્ટિસ બાદ ઉત્તર થાઇલેન્ડની આ ગુફા જોવાં ગયાં હતાં.
પરંતુ પૂરનું પાણી ગુફામાં ભરાઈ જવાને કારણે તેઓ ત્યાં જ ફસાઈ ગયાં હતાં.
બચાવ દળની એક ટુકડીએ નવ દિવસ બાદ તેમને શોધી કાઢ્યાં હતાં અને દસમા દિવસે તેમના સુધી દવાઓ અને ભોજન પહોંચાડ્યું હતું.
થાઇ સેનાનું કહેવું છે કે, બાળકોને બહાર કાઢવામાં ચાર મહિના સુધીનો સમય લાગી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













