ઓમ શિનરિક્યો સંપ્રદાયના વડા શોકો અસહારાને મૃત્યુદંડ

ઇમેજ સ્રોત, Getty Images
જાપાનમાં 1995માં ટોક્યો અન્ડરગ્રાઉન્ડ ટ્રેનમાં ગૅસ ઍટેક કરનારા 'ઓમ શિનરિક્યો' સંપ્રદાયના વડા શોકો અસહરાને મૃત્યુદંડ આપી દેવાયો હોવાનું જાપાનીઝ મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે.
જાપાનમાં કરાયેલા એ આતંકવાદી હુમલામાં 13 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.
આ મામલે સંપ્રદાયના વધુ 12 લોકો મુત્યુદંડની રાહ જોઈ રહ્યા છે. તમામ દોષિતોને સજા માફીની અંતિમ અરજી કરવાની તક અપાઈ હતી.
આ તક આપવાને કારણે તેમને કરાયેલી સજાની અમલવારી મોડી થઈ હતી.

ટોક્યો ઍટેક શું હતો?

ઇમેજ સ્રોત, Getty Images
20મી માર્ચ 1995એ સંબંધિત સંપ્રદાયના સભ્યોએ જાપાનની રાજધાની ટોક્યોની એક અન્ડરગ્રાઉન્ડ ટ્રેનમાં 'સારીન' નામનો ઝેરી ગેસ છોડી દીધો હતો.
આ હુમલામાં 13 લોકો માર્યા ગયા હતા જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા હતા.
આમાના કેટલાક લોકો ઝેરની અસરને કારણે અંધ પણ થઈ ગયા હતા. જ્યારે કેટલાક લોકોને લકવાની અસર પણ થઈ હતી.
આ ઘટના બાદ સંપ્રદાયે જાપાનનાં કેટલાંય રેલવે સ્ટેશનો પર 'હાઇડ્રૉજન સાઇનાઇડ'ને છોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અપરાધનો નહિવત્ દર અને સામાજિક સદ્ભાવ બદલ ગર્વ અનુભવતાં જાપાનને આ હુમલાએ ધ્રુજાવી દીધું હતું.
આ ઘટનાને પગલે સંપ્રદાયના કેટલાય સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને અસહારા સહિત 13 લોકોને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો હતો.

ઓમ શિનરિક્યો સંપ્રદાય શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
જાપાનીઝ ભાષામાં ઓમ શિનરિક્યો નામનો અર્થ 'સર્વોચ્ચ સત્ય' થાય છે.
હિંદુ અને બૌદ્ધ ધર્મની માન્યતાઓના મિશ્રણસમા આ સંપ્રદાયની સ્થાપના 1980માં કરવામાં આવી હતી.
બાદમાં ખ્રિસ્તી ધર્મમા દર્શાવેલા વિશ્વવિનાશના તત્ત્વ પર આ સંપ્રદાય ચાલવા લાગ્યો હતો.
સંપ્રદાયના સ્થાપક શોકો અસહારા ઉર્ફે ચિઝુઓ માત્સુમોતોએ પોતાની જાતને ખ્રિસ્ત અને બુદ્ધ બાદ થયેલા 'પ્રબુદ્ધ' ગણાવ્યા હતા.
1989માં ઓમ શિનરિક્યોને જાપાનમાં ધાર્મિક સંપ્રદાયનું અધિકૃત સ્થાન મળ્યું હતું.
સંપ્રદાયનો સૂર્ય જ્યારે મધ્યાહન તપતો હતો ત્યારે વિશ્વઆખામાં અસહારાના હજારોની સંખ્યામાં અનુયાયીઓ હતા.

વિશ્વવિનાશની માન્યતા

ઇમેજ સ્રોત, Getty Images
સંપ્રદાયનું માનવું હતું કે વિશ્વનો વિનાશ નિશ્ચિત છે અને તે એક માત્ર એમાથી ઊગરી શકશે.
1995માં કરાયેલા હુમલા બાદ આ સંપ્રદાય અન્ડરગ્રાઉન્ડ થઈ ગયું હતું. જોકે, 'એલેફ' કે 'હિકારી નો વા' જેવા નામ સાથે ફરીથી સામે આવ્યું હતું.
અમેરિકા સહિત કેટલાય રાષ્ટ્રોમાં ઓમ શિનરિક્યોને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું.
પણ, 'એલેફ' કે 'હિકારી નો વા' એ જાપાનમાં કાયદેસર સંગઠન છે. અલબત્ત, 'જોખમી ધાર્મિક સંગઠન' ગણાવી તેમના પર નજર ચોક્કસ રખાઈ રહી છે.
જાપાન ઉપરાંત આ સંગઠનના વૈશ્વિક અનુયાયીઓ પણ છે. ખાસ કરીને 'ઇસ્ટર્ન બ્લૉક' રાષ્ટ્રોમાં આ સંગઠન મોટી સંખ્યામાં અનુયાયીઓ ધરાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













