જી-7 દેશો કન્યા કેળવણી માટે 3 બિલિયન ડોલર આપશે

ઇમેજ સ્રોત, Getty Images
કેનેડાએ કહ્યું છે કે વિશ્વમાં ગરીબ કિશોરીઓ અને મહિલાઓનાં શિક્ષણ માટે તે જી-7 દેશોની સંયુક્ત ભાગીદારીથી 2.9 અબજ અમેરિકન ડોલર (20 અબજ રૂપિયા)નું યોગદાન આપવાનું આયોજન ધરાવે છે.
કેનેડાની સરકારે નિવેદનમાં જણાવ્યું કે વિશ્વભરમાં શિક્ષણ અને શિખવાની સમાન તકો ઉપલબ્ધ કરાવવા માટે આ ભંડોળ મદદરૂપ થશે.
શનિવારે થયેલી આ જાહેરાતમાં વિલંબ થયો હતો કેમ કે જર્મની, જાપાન, યુ.કે., અને યુરોપિયન સંઘ તથા વિશ્વ બૅન્કે યોગદાન માટે એક પછી એક ભંડોળના પ્રસ્તાવ મૂકવાનું ચાલુ રાખ્યું હતું.
કેનેડાના ક્યુબેકમાં જી-7 બેઠક થઈ હતી.
કેનેડાએ જણાવ્યું કે ભંડોળનું વચન યુદ્ધગ્રસ્ત અને સંકટમાં રહેલા દેશોમાં કિશોરીઓ અને મહિલાઓના શિક્ષણ માટેનું સૌથી મોટું ભંડોળ છે.
તેનાથી 80 લાખ કિશોરીઓ અને મહિલાઓને શિક્ષિત કરી શકે છે.
નોબેલ પ્રાઇઝ વિજેતા મલાલા યુસુફઝાઈએ આ પગલાને આવકાર્યું હતું.

આસામમાં બે યુવકોની માર મારીને હત્યા

ઇમેજ સ્રોત, Facebook
પોલીસનો દાવો છે કે ટોળાએ 'બાળકોની ચોરી' કરતા હોવાની શંકાને કારણે આ યુવકો પર હુમલો કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આસામના કાર્બી-આંગ્લોંગ જિલ્લામાં લોકોના ટોળાએ બે યુવકોની કથિત રીતે માર મારીને હત્યા કરી નાખી.
આ ઘટના શુક્રવારની સાંજે લગભગ 8 વાગ્યે બની. તેમાં માર્યા ગયેલા યુવાનોના નામ નીલોત્પલ દાસ અને અભિજીત નાથ છે.
નીલોત્પલ દાસ વ્યવસાયે સાઉન્ડ એન્જિનિયર હતા, જ્યારે અભિજિત ગુવાહાટીમાં વેપાર કરતા હતા.
પોલીસનો દાવો છે કે ટોળાએ આ બન્ને યુવકો 'બાળકોની ચોરી' કરતા હોવાની શંકાથી તેમની પર હુમલો કર્યો હતો.
આ ઘટનામાં હજી સુધી પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે અને અન્યોની તપાસ કરવામાં આવી રહી છે.
કાર્બી-આંગ્લોંગ જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ વી શિવા પ્રસાદે બીબીસીને જણાવ્યું, "ગુવાહાટીથી બે યુવકો શુક્રવારે કાર્બી-આંગ્લોંગ આવ્યા હતા. એકનું નામ નીલોત્પલ દાસ અને બીજાનું નામ અભિજિત નાથ હતું. અમારી માહિતી અનુસાર બન્ને યુવકો કાર્બી-આંગ્લોંગમાં સુશોભન માટેની માછલીઓ પકડવાના ઇરાદાથી આવ્યા હતા."
પોલીસ અધિકારી કહે છે કે આ વિશે બન્ને યુવકોએ કોઈને જણાવ્યું નહોતું અને તે પોતાની સાથે કોઈ સ્થાનિક ગાઈડને પણ નહોતા લઈ ગયા.


ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનના ઇતિહાસમાં ચરનપ્રીત સિંહે પોતાનું નામ એવા સુરક્ષાકર્મી તરીકે નોંધાવી લીધું છે જેમણે પાઘડી પહેરીને પારંપરિક કલર પરેડમાં ભાગ લીધો.
ક્વીન અલિઝાબેથના સત્તાવાર જન્મદિવસના પ્રસંગે આયોજિત સમારોહમાં લગભગ હજાર જેટલા સૈનિકોએ ભાગ લીધો હતો.
તેમાં 22 વર્ષીય શીખ સુરક્ષાકર્મી ચરનપ્રિત સિંહ લાલે તેમની પારંપરિક પાઘડી પહેરીને સમારોહમાં ભાગ લીધો હતો.
સામાન્ય રીતે આ પરેડમાં સામેલ થતા બ્રિટિશ સૈનિકો લાલ રંગના પોશાક સાથે માથે એક લાંબી રૂંવાદાર ટોપી પહેરતાં હોય છે.
સુરક્ષાકર્મી ચરનપ્રિતનું કહેવું છે કે તેઓ આશા કરે છે કે આ બાબતને ઇતિહાસમાં બદલાવ તરીકે જોવામાં આવશે.
તેમણે પાઘડીમાં સ્ટાર પણ લગાવ્યો હતો જેથી તેઓ અન્ય સૈનિકો જેવા લાગી શકે.
ચરનપ્રિત લાલનો જન્મ પંજાબમાં થયો હતો પણ તેમના માતાપિતા તેમને નાની ઉંમરમાં જ બ્રિટન લઈ આવ્યા હતા.

ટ્રમ્પ - કિમ જોંગની મુલાકાતથી જાપાન ચિંતામાં

ઇમેજ સ્રોત, AFP
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના કિમ જોંગ-ઉન વચ્ચે સિંગાપોરમાં 12મી જૂને બેઠક મળવાની છે.
એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ બેઠકથી કોરિયન દ્વીપમાં શાંતિ સ્થપાશે.
તેમ છતાં જાપાન ઉત્તર કોરિયાની મિસાઇલોથી ડરેલું છે. ડર એટલો છે કે ગત વર્ષે બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત હવાઈ હુમલાથી બચવાનો યુદ્ધ અભ્યાસ હાથ ધર્યો હતો.
જાપાન એવું પણ વિચારી રહ્યું છે કે જો અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે સમજૂતી થાય છે, તો તે ઉત્તર કોરિયાની તમામ મિસાઇલો વિશે હશે અથવા માત્ર એ જ મિસાઇલો માટે જેની રેન્જમાં અમેરિકા આવે છે.
નિષ્ણાતોનું માનવું છે કે જાપાનના વડાપ્રધાન શિંજો એબેનું લાગે છે કે ટ્રમ્પ બેઠકમાં જાપાનના આ ચિંતાનું ધ્યાન રાખશે.
પણ શિંજો આબે કેટલા ચિંતિત છે તે એ પરથી જોઈ શકાય છે કે છેલ્લા બે મહિનામાં તેમણે બે વખત અમેરિકાની મુલાકાત લીધી હતી.


ઇમેજ સ્રોત, EON
જેમ્સ બોન્ડની ફિલ્મમાં પ્રથમ અભિનેત્રી 'બોન્ડ ગર્લ' તરીકે કામ કરનારાં એયુનિસ ગેસોનનું 90 વર્ષની વયે નિધન થયું છે.
1962માં પ્રથમ બોન્ડ ફિલ્મમાં તેમણે સિલ્વિયા ટ્રેન્ચનું પાત્ર ભજવ્યું હતું.
ફિલ્મ દરમિયાન તેમણે સીન કોનરીને બોન્ડનું પાત્ર ભજવવામાં મદદ કરી હતી.
તેમના ટ્વિટર હેન્ડલ પર તસવીર સાથે આ સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા.
જેમાં લખ્યું હતું કે તેમને ઘણાં યાદ કરવામાં આવશે. 'બોન્ડ. જેમ્સ બોન્ડ' એક પ્રસિદ્ધ ડાયલોગ છે. તેમાં તેમની પણ ભૂમિકા રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












