You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીજુ પટનાયકને શા માટે ભૂલી નથી શકતું ઇન્ડોનેશિયા?
બિજયાનંદ પટનાયકને લોકો પ્રેમથી બીજુ પટનાયક કહેતા હતા. બીજુ પટનાયક એક સ્વાતંત્ર્ય સેનાની, સાહસિક પાઇલટ અને મોટા રાજકીય નેતા તરીકે પણ ઓળખાય છે.
તેમને આધુનિક ઓડિશાના શિલ્પકાર પણ માનવામાં આવે છે. એ ઉપરાંત તેમને એક અન્ય ઘટના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે હંમેશા યાદ કરવામાં આવે છે.
ભારતના સ્વાતંત્ર્યની લડાઈમાં જવાહરલાલ નહેરુ અને બીજુ પટનાયકની દોસ્તીને બહુ ભરોસાપાત્ર ગણવામાં આવતી હતી.
ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે પ્રાચીન સમયથી સંબંધ છે. તેથી જવાહરલાલ નહેરુને ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્યની લડાઈમાં પણ રસ હતો.
પાંચમી માર્ચ 1916ના દિવસે જન્મેલા પટનાયકનું નિધન તા. 17મી એપ્રિલ 1997ના દિવસે થયું હતું.
ઇન્ડોનેશિયાની મુક્તિની જવાબદારી
આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સંસ્થાનવાદના વિરોધી હતી અને તેમણે ડચ લોકોના કબજામાંથી મુક્તિ માટે ઇન્ડોનેશિયાને મદદ કરવાની જવાબદારી બીજુ પટનાયકને સોંપી હતી.
જવાહરલાલ નહેરુએ ઇન્ડોનેશિયાના યૌદ્ધાઓને ડચ લોકોથી બચાવવા જણાવ્યું હતું.
જવાહરલાલ નહેરુના કહેવાથી બીજુ પટનાયક પાઇલટ તરીકે 1948માં ઓલ્ડ ડાકોટા વિમાન લઈને સિંગાપુર થઈને જકાર્તા પહોંચ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્ય સેનાનીઓને બચાવવા માટે જકાર્તા પહોંચ્યા હતા.
બીજુ પટનાયકનું વિમાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે એ વખતે જ તેને તોડી પાડવાના પ્રયાસ ડચ સેનાએ કર્યા હતા.
બીજુ પટનાયકે જકાર્તાની આસપાસ ઉતાવળે વિમાન ઉતારવું પડ્યું હતું. ત્યાં તેમણે જાપાની સૈન્યના બચેલા ઈંધણનો ઉપયોગ કર્યો હતો.
એ પછી તેઓ વિદ્રોહીઓના અનેક વિસ્તારોમાં ગયા હતા. તેઓ મુખ્ય વિદ્રોહી સુલતાન શહરયાર તથા સુકર્ણોને લઈને દિલ્હી આવ્યા હતા અને તેમની મુલાકાત જવાહરલાલ નહેરુ સાથે કરાવી હતી.
એ પછી ડૉ. સુકર્ણો આઝાદ દેશ ઇન્ડોનેશિયાના પહેલા રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા.
સર્વોચ્ચ સન્માનની નવાજેશ
બહાદુરીભર્યા કામ માટે બીજુ પટનાયકને ઇન્ડોનેશિયાનું માનદ નાગરિકત્વ આપવામાં આવ્યું હતું અને તેમને ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ સન્માન 'ભૂમિપુત્ર' વડે નવાજવામાં આવ્યા હતા.
આ પુરસ્કાર ભાગ્યે જ કોઈ વિદેશી વ્યક્તિને આપવામાં આવ્યો છે.
ઇન્ડોનેશિયાએ 1996માં તેના પચાસમા સ્વતંત્રતા દિવસની ઊજવણી કરી હતી અને બીજુ પટનાયકને 'બિતાંગ જસા ઉતામ' વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
જે દિવસે સુકર્ણોનાં દીકરીનો જન્મ થયો એ દિવસે જોરદાર વરસાદ પડતો હતો અને વાદળ ગરજતાં હતાં. એ કારણે બીજુ પટનાયકે સુકર્ણોને તેમની દીકરીનું નામ 'મેઘાવતી' રાખવા સૂચવ્યું હતું.
બીજુ પટનાયકે તિબેટ અને ભારતને હવાઈ માર્ગે જોડવાના પ્રયાસ કર્યા હતા.
1951માં ચીને તિબેટને કબજે કર્યું એ પહેલાં બીજુ પટનાયકે આવું કર્યું હતું, પણ સરકારની અપૂરતી મદદને કારણે તેઓ નિષ્ફળ રહ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો