વિશ્વના 165 દેશોમાં પુરુષો કરતાં લાંબું જીવન જીવે છે મહિલાઓ

- લેેખક, ટોમ કાલ્વર અને નિકોલસ સ્ટાલિઆનો
- પદ, બીબીસી ન્યૂઝ
દુનિયાના 165 દેશોમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ લાંબુ જીવે છે અને રશિયામાં મહિલાઓ પુરુષો કરતાં 11 વર્ષ વધુ જીવે છે.
ઇથિયોપિયાના લોકોનું આયુષ્ય 1990ના વર્ષની સરખામણીએ 19 વર્ષ લંબાયું છે, જ્યારે સૌથી લાંબો જીવનકાળ ધરાવતા દેશોમાંના લોકો સૌથી ઓછો જીવનકાળ ધરાવતા દેશોના લોકોની સરખામણીએ 34 વર્ષ વધુ જીવે છે.
આ તારણ બીબીસીના લાઇફ એક્સપેક્ટન્સી કેલક્યુલેટરનું છે, જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ મેટ્રિક્સ ઍન્ડ ઇવેલ્યુએશન(આઈએચએમઈ)ના ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ પ્રોજેક્ટની માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેનાં મુખ્ય તારણો અમે નીચે આપેલા ચાર્ટ્સમાં જણાવ્યા છે.

1. આપણું આયુષ્ય વધ્યું
1990 પછી વૈશ્વિક જીવનકાળમાં સાતથી વધુ વર્ષનો વધારો થયો છે, જે દર સાડા ત્રણ વર્ષે એક વર્ષનો વધારો સૂચવે છે.
દુનિયાભરના લોકો હવે વધારે વર્ષ જીવી રહ્યા છે, જે ઊંચી આવક ધરાવતા દેશોમાં હૃદયરોગને કારણે થતા મૃત્યુના દરમાં ઘટાડા તથા નીચી આવક ધરાવતા દેશોમાં બાળમૃત્યુદરમાં થયેલા ઘટાડાને આભારી છે.
આરોગ્ય સંભાળ તથા સ્વચ્છતાની બહેતર વ્યવસ્થા અને રોગોની સારવાર માટેની તબીબી શોધોએ પણ લોકોનો જીવનકાળ લંબાવવામાં યોગદાન આપ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


2. પશ્ચિમી યુરોપ છે ટોચ પર
લોકોનો જીવનકાળ લાંબો હોય એવા ટોચના 20 દેશો પૈકીના 14 યુરોપના છે, પણ સરેરાશની દૃષ્ટિએ પૂર્વ એશિયા ટોચ પર છે.
જાપાન અને સિંગાપુરમાં આજે જન્મેલું બાળક 84 વર્ષ જીવશે તેવી આશા છે.
81 વર્ષના જીવનકાળ સાથે ઇંગ્લૅન્ડ ટોચના 20 દેશોમાં પ્રવેશવાની તૈયારીમાં છે, જ્યારે 80 વર્ષના જીવનકાળ સાથે નોર્ધન આય ર્લૅન્ડ અને વેલ્સ અનુક્રમે 32 તથા 34મા ક્રમે છે.
સરેરાશ 79 વર્ષનો જીવનકાળ ધરાવતા 198 દેશોમાં સ્કૉટલૅન્ડ 42મા ક્રમે છે.


3. આફ્રિકન દેશો છેક નીચે
નીચલા ક્રમ પરના 20 દેશોમાં માત્ર બે દેશને બાદ કરતાં બાકીના બધા આફ્રિકાના છે.
લેસોથો અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક આંતરવિગ્રહમાં ખેદાનમેદાન થઈ ગયાં છે.
આ બન્ને દેશોમાં 2016માં જન્મેલાં બાળકનો જીવનકાળ 50 વર્ષનો હોવાની આશા છે, જે જાપાનમાં 2016માં જન્મેલા બાળકના જીવનકાળ કરતાં 34 વર્ષ ઓછો છે.
દાયકાઓ સુધી ચાલેલા યુદ્ધ, દુકાળ અને અરાજકતાને કારણે અફઘાનિસ્તાન નીચલા ક્રમના દેશોમાં સ્થાન મેળવનારો એશિયાનો એકમાત્ર દેશ છે, તેમાં જીવનકાળ 58 વર્ષનો છે.


4. પુરુષો કરતાં મહિલાઓનું આયુષ્ય લાંબુ
198 દેશો પૈકીના 195માં પુરુષો કરતાં મહિલાઓ સરેરાશ છ વર્ષ વધુ જીવે છે. જોકે, કેટલાક દેશોમાં એ તફાવત 11 વર્ષ જેટલો મોટો છે.
નીચે આપેલો ચાર્ટ દર્શાવે છે તેમ, સૌથી મોટો તફાવત ઇસ્ટર્ન યુરોપ અને રશિયામાં જોવા મળે છે.
ત્યાં દારૂ પીવાની આદત અને નોકરીની કંગાળ પરિસ્થિતિને કારણે પુરુષોનો જીવનકાળ ટૂંકો છે.
મહિલાઓની સરખામણીએ પુરુષોનો જીવનકાળ લાંબો હોય એવા ત્રણ દેશોમાં રિપબ્લિક ઑફ કોંગો, કુવૈત અને વાયવ્ય આફ્રિકાના દેશ મૌરીટેનિયાનો સમાવેશ થાય છે.


5. ઇથિયોપિયાઃ જીવનકાળ19 વર્ષ વધ્યો
96 ટકા દેશોમાં 1990 પછી લોકોનાં આયુષ્યમાં વધારો થયો છે.
1990 પહેલાં 11 દેશોમાં જન્મેલા લોકો પૂરા પચાસ વર્ષ જીવતા ન હતા, પણ 2016 સુધીમાં એ તમામ દેશોમાં લોકો વયનો એ આંકડો પાર કરતા થયાનું નોંધાયું છે.
ઇથિયોપિયા 1990ના દુકાળમાંથી હજુ પણ બેઠું થઈ રહ્યું છે. ત્યાં લોકોનો જીવનકાળ માત્ર 47 વર્ષનો હતો.
ઇથિયોપિયામાં 2016માં જન્મેલું બાળક 19 વર્ષ વધારે જીવે તેવી આશા છે અને તે આંશિક રીતે શ્વસનતંત્ર સંબંધી ચેપ અને અતિસાર સંબંધી રોગોમાં થયેલા નોંધપાત્ર ઘટાડાને આભારી છે.

6. આઠ રાષ્ટ્રોમાં ઘટ્યું આયુષ્ય
અનેક રાષ્ટ્રોમાં આયુષ્ય વધ્યું છે, ત્યારે 1990 પછીથી આઠ રાષ્ટ્રોમાં જીવનકાળ ઘટ્યો છે. તેમાંથી ચાર રાષ્ટ્રો ઉપ-સહારા આફ્રિકાના છે.
લેસોથોમાં સરેરાશ આયુષ્યમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સંયુક્ત રાષ્ટ્રોના અંદાજ પ્રમાણે, લેસોથોમાં આયુષ્ય ઘટવાનું સૌથી મોટું કારણ એઇડ્સ છે.
અહીં સરેરાશ ચારમાંથી એક વ્યક્તિને એઇડ્સ છે - વિશ્વભરમાં એઇડ્સદરની બાબતમાં લેસોથો બીજા ક્રમે છે.
2016 દરમિયાન દક્ષિણ આફ્રિકામાં જન્મેલાં નવજાત શિશુઓ 1990માં જન્મેલા બાળકો કરતાં બે વર્ષ વધુ આયુષ્ય ભોગવશે.
એ અરસા દરમિયાન દક્ષિણ આફ્રિકામાં મોટાપાયે એઇડ્સ ફેલાયેલો હતો.


7. પાડોશી દેશો વચ્ચેનો ફરક
કેટલાક પાડોશી દેશોમાં જીવનકાળમાં આશ્ચર્યજનક તફાવત જોવા મળ્યો હતો અને એ પ્રમાણ લગભગ 20 વર્ષનું હતું.
દાખલા તરીકે, ચીન અને અફઘાનિસ્તાનના લોકો વચ્ચે જીવનકાળમાં 18થી વધુ વર્ષનો તફાવત નોંધાયો હતો.
દાયકાઓ સુધી આતંકવાદ તથા આંતરવિગ્રહનો ભોગ બનેલા માલીમાં લોકોનો જીવનકાળ 62 વર્ષનો છે, પણ તેના પાડોશી અલ્જીરિયામાં એ પ્રમાણ 77 વર્ષનું છે.


8. યુદ્ધની વિનાશક અસર
ત્રીજા વિશ્વના ટોચના દેશોમાં જીવનકાળની બાબતમાં 2010માં સીરિયા 65મા ક્રમે હતું.
જોકે, સતત ચાલતા યુદ્ધને કારણે 2016માં એ 142મા ક્રમે પહોંચી ગયું હતું.
દરમ્યાન, રવાન્ડામાં 1994માં નરસંહાર તેની ચરમસીમાએ હતો, ત્યારે ત્યાં બાળકોનો જીવનકાળ માત્ર 11 વર્ષનો હતો.


9. દુકાળ અને કુદરતી આફતોની અસર
1994 અને 1998 દરમ્યાન ઉત્તર કોરિયા વિનાશક દુકાળનો ભોગ બન્યું હતું.
તેના પરિણામે લોકોના જીવનકાળમાં વર્ષોનો ઘટાડો થયો હતો.
2010માં હૈટીમાં થયેલા ધરતીકંપમાં અંદાજે બે લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
જોકે, એ પછીના વર્ષમાં ત્યાં જીવનકાળમાં સુધારો નોંધાયો હતો.

તમારી વય, જાતિ અને દેશના જીવનકાળનું પ્રમાણ જોવા માટે અમારા Life Expectancy Calculator પર ક્લિક કરો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












