શું આપ જાણો છો કે સનસ્ક્રીન કેવી રીતે કામ કરે છે?

સનસ્ક્રીન કેવી રીતે કામ કરે છે? ગરમીમાં બહાર નીકળીએ ત્યારે ત્વચાનું રક્ષણ કરવા માટે સનસ્ક્રીન લગાવીએ છીએ. તેમાં આવતા સન પ્રોટેક્શન ફેક્ટર (SPF) વિશે પણ ઘણા લોકો જાણતા થયા છે.

સનસ્ક્રીનની બોટલ પર મોટા અક્ષરે તેનો આંક લખેલો હોય છે. આ આંક જેટલો મોટો તેટલું રક્ષણ સૂર્યના કિરણો સામે મળે.

કેટલીક બ્રાન્ડ સાથે ફાઇવ સ્ટાર રેટિંગ પણ લાગેલું હોય છે. રેટિંગ શા માટે હોય છે તે પણ સમજવું અગત્યનું છે.

SPFનો આંક એ દર્શાવે છે કે સૂર્યના UVB રેડિયેશનથી કેટલું રક્ષણ મળશે, જ્યારે સ્ટાર રેટિંગ દ્વારા એ દર્શાવાય છે કે કેટલા ટકા UVA રેડિયેશન સનસ્ક્રીન દ્વારા શોષી લેવામાં આવે છે.

UVA અને UVB એટલે શું?

અલ્ટ્રા વાયોલેટ એ અને અલ્ટ્રા વાયોલેટ બી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સૂર્યના કિરણોના રેડિયેશનના જુદા જુદા પ્રકારના વેવલેન્થ છે.

આ ઉપરાંત સૂર્યના કિરણોની એક ત્રીજી વેવલેન્થ પણ છે, જેને UVC કહે છે, જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા નથી.

તેથી આપણે તેના વિશે બહુ ચિંતા કરવાની રહેતી નથી.

UVA રેડિયેશનની અસર ત્વચાની ઉંમર સાથે અને તેના પિગમેન્ટની સાથે જોડાયેલી હોય છે અને તેના કારણે કેન્સર થઈ શકે છે.

કાચની પાછળથી આવતા કિરણો પણ મનુષ્યની ત્વચાને નુકસાન કરી શકે છે.

UVBને કારણે સનબર્ન થાય છે અને તેનાથી પણ ચોક્કસ પ્રકારનું ત્વચાનું કેન્સર (basal cell carcinoma) થાય છે, જે સાર્વત્રિક પ્રકારનું ત્વચાનું કેન્સર છે અને malignant melanoma પણ તેનાથી થઈ શકે છે.

સનસ્ક્રીનના કારણે ત્વચાને થતું બધું જ નુકસાન અટકાવી શકાતું નથી. તેથી સૂર્ય પૂર્ણ કળાએ ખીલ્યો હોય ત્યારે શરીરને ઢાંકી રાખવું જરૂરી હોય છે.

રેડિયેશનના આંકનો શું અર્થ થાય છે?

કેટલા પ્રમાણમાં UVB શોષી લેવામાં આવે છે, તેના પ્રમાણ સામે UVAનો રેશિયો કેટલો છે, તે ટકાવારીમાં દેખાડવા માટે સ્ટાર દેખાડવામાં આવે છે.

તેનો અર્થ એ થયો કે સનસ્ક્રીનમાં SPFનું પ્રમાણે નીચું હોય તો પણ ઊંચું સ્ટાર રેટિંગ જોવા મળી શકે છે.

તેનાથી મહત્તમ રક્ષણ ના મળતું હોવા છતાં રેશિયોમાં પ્રમાણ ગણીને દેખાડવામાં આવ્યું હોય છે એટલે વધારે સ્ટાર હોઈ શકે છે.

તેથી માત્ર વધારે સ્ટાર રેટિંગ નહિ, SPFનું પ્રમાણ પણ ઊંચું હોય તેની ખાતરી કરવી જોઈએ.

બોટલ પર SPFનાં આંક દર્શાવ્યો હોય છે, તેના આધારે નક્કી થતું હોય છે કે કેટલા પ્રમાણમાં UVB ત્વચા સુધી તે આવવા દેશે.

SPF 15ના આંક સાથેનું સનસ્ક્રીન સૂર્યના કિરણોનો 15માં ભાગનું રેડિયેશન એટલે કે લગભગ 7% સૂર્યકિરણો તમારી ત્વચા સુધી પહોંચવા દે છે.

તેનો અર્થ એ થયો કે આ આંક સાથે UVB કિરણોમાંથી 93% ફિલ્ટર થઈ જાય છે, જ્યારે SPFનો આંક 30 હોય તો તેના દ્વારા કિરણોમાંથી 97% ફિલ્ટર થઈ જાય છે.

આ આંક ખરેખર કેટલું રેડિયેશન શોષાયું તે દર્શાવે છે, કેટલું રેડિયેશન રોકવામાં આવ્યું તે બતાવતું નથી. એટલે આંકને ઊંધી રીતે સમજવો પડે.

નીચો આંક હોય તેટલું વધારે રેડિયેશન ત્વચાની અંદર ઉતરવાનું છે. વધારે રેડિયેશન રોકાવાનું નથી.

આ વાતને જુદી રીતે પણ સમજો. જો તમે તડકામાં 10 મિનિટ કશું લગાવ્યા વિના ઊભા રહો તો તમારી ચામડી બળી જાય.

તેના બદલે તમે સનસ્ક્રીન લગાવો અને તેમાં SPF 15નો આંક હોય તો તમને 15 ગણા વધારે સમય સુધી રક્ષણ મળે. એટલે કે તમે અઢી કલાક તડકામાં રહો ત્યારે ચામડી બળી ઊઠે.

જોકે આ આદર્શની વાત થઈ, વાસ્તવિકતામાં મોટા ભાગના લોકો સનસ્ક્રીન બરાબર લગાવતા નથી. થોડી વારમાં સનસ્ક્રી ભૂંસાઈ પણ જતું હોય છે.

અથવા પરસેવા સાથે તે નિતરી જતું હોય છે. બીજું જાણકારો કહે છે કે ભલામણ કરવામાં આવી હોય તેનાથી અડધું જ સનસ્ક્રીન મોટા ભાગના લોકો લગાવતા હોય છે.

બ્રિટીશ એસોસિયેશન ઑફ ડર્મેટોલોજિસ્ટ કહે છે કે સનસ્ક્રીનમાં SPF 30નો આંક હોય તે જરૂરી છે.

"યોગ્ય વસ્ત્રો સાથે છાંયડામાં ઊભા રહેવા ઉપરાંત આટલા પ્રમાણમાં સનસ્ક્રીન લગાવ્યું હોય ત્યારે સંતોષકારક" રક્ષણ મળે છે.

બીજું SPFનો આંક ગમે તે હોય, દર બે કલાકે ફરીથી સનસ્ક્રીન લગાવવું જરૂરી છે.

યુરોપિયન યુનિયનની માર્ગદર્શિકામાં જણાવાયું છે કે સનસ્ક્રીનના માર્કેટિંગ વખતે સૂર્યના કિરણો સામે માત્ર "50+" રક્ષણ મળે છે તે રીતે જ લખાવું જોઈએ.

અન્ય દેશોમાં દર્શાવાય છે તે રીતે 80 કે 100 એવું રેટિંગ આપવું જોઈએ નહિ. તેના કારણે ગ્રાહકો ગેરમાર્ગે દોરાઈ શકે છે અને એમ માની બેસે કે 80થી 100 ટકા રક્ષણ મળે છે.

(SPF 50નો આંક લગભગ 98% પ્રોટેક્શન આપે છે, જ્યારે 100નો આંક 100% ટકા કરતા ઓછું પ્રોટેક્શન આપે છે).

સાચી વાત એ છે કે કોઈ પણ પ્રોડક્ટ સૂર્યના કિરણો સામે 100% ટકા રક્ષણ આપતી નથી.

દિવસમાં એક જ વાર?

બજારમાં ઘણી સનસ્ક્રીન એવી હોય છે, જે પોતાનો પ્રચાર 'લાંબો સમય ચાલનારી' અને 'દિવસમાં એક જ વાર' એવી રીતે કરતી હોય છે.

કેટલાકમાં આઠ કલાક તે ચાલતી હોવાનો દાવો કરાયેલો હોય છે.

જોકે ડર્મેટોલોજિસ્ટ ભલામણ કરે છે આવા દાવા છતાં દર બે કલાકે સનસ્ક્રીન લગાવી લેવું જોઈએ.

તેનું કારણ એ છે કે સનસ્ક્રીન બરાબર લગાવવામાં ના આવ્યું હોય તેવું બને અને તેના કારણે જરાક અમસ્થો ભાગ ખુલો રહી ગયો હોય ત્યાં નુકસાન થઈ શકે છે.

અથવા તો તે ઘસાઇ જાય કે આછું થઈ જાય તેવું બની શકે છે.

2016માં એક અહેવાલમાં આ પ્રોડક્ટ્સ તેના દાવા પ્રમાણે અસરકારક નહોતી તેની ટીકા કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો