ગોવામાં દેખાયેલા દુબઈનાં રાજકુમારી લાતિફા ક્યાં ગુમ થયાં?

ઇમેજ સ્રોત, SHEIKHA LATIFA
- લેેખક, ગ્રેબિએલ ગેટહાઉસ
- પદ, બીબીસી ન્યૂઝનાઇટ
માનવાધિકારો માટે કામ કરતી સંસ્થા હ્યૂમન રાઇટ્સ વૉચે કહ્યું છે કે દુબઈનું તંત્ર ગુમ થયેલાં રાજકુમારી શેખ લાતિફા વિશે દુનિયાને જાણકારી આપે.
માનવામાં આવે છે કે દુબઈના શાસકના દીકરી શેખ લાતિફાએ માર્ચ મહિનામાં દેશ છોડવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેઓ વિદેશમાં સ્વતંત્રતાથી જીવન વિતાવી શકે.
પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે તેમના એશઆરામના સામાનથી ભરેલું સમુદ્રી જહાજ નોસ્ટ્રોમો, ભારતના તટ પાસે ઇન્ટરસેપ્ટ કરી લેવામાં આવ્યું હતું.
ત્યારબાદ તેમને પરત દુબઈ લઈ જવામાં આવ્યાં હતાં.

'આપરાધિક રેકોર્ડ'

આ ઘટના બાદ રાજકુમારી સાર્વજનિક રૂપે દેખાયાં નથી. દુબઈ સરકારનું કહેવું છે કે તેઓ કાયદાકીય કારણોસર આ વિષય પર વાત નહીં કરી શકાય.
હ્યુમન રાઇટ્સ વૉચે કહ્યું છે કે દુબઈએ રાજકુમારીનાં લોકેશન અને તેમની કાયદાકીય સ્થિતિ અંગે નિવેદન આપવું જોઈએ.
તમે આ વાંચ્યું કે નહીં?
સંસ્થાએ કહ્યું, "જો સરકારે રાજકુમારીનાં લોકેશન અને સ્થિતિ જાહેર ન કર્યા, તો તેમને જબરદસ્તી ક્યાંક ગુમ કરવામાં આવ્યાં છે તેવું માનવામાં આવશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુબઈ સરકારે બીબીસીને જણાવ્યું કે જે લોકો શેખ લાતિફાના ગુમ થવાનો દાવો કરી રહ્યા છે તેમનો રેકોર્ડ આપરાધિક છે.

કોણ છે શેખ લાતિફા?

શુક્રવારના રોજ બીબીસીના કાર્યક્રમ ન્યૂઝનાઇટમાં આ સમગ્ર મામલે એક વિસ્તૃત રિપોર્ટ બતાવવામાં આવ્યો.
શેખ લાતિફા દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમના દીકરી છે.
માહિતી અનુસાર તેમને દેશ છોડવાના પ્રયાસ કરતા સમયે પકડી લેવામાં આવ્યાં હતાં.
ન્યૂઝનાઇટ કાર્યક્રમમાં જણાવ્યા અનુસાર દુબઈનાં રાજકુમારીને ભાગવામાં એક ભૂતપૂર્વ ફ્રેંચ જાસૂસ અને ફિનલેન્ડનાં એક માર્શલ આર્ટ ટ્રેઇનરે મદદ કરી હતી.

રાજકુમારીનો વીડિયો સંદેશ

ઇમેજ સ્રોત, FRANCOIS NEL/GETTY IMAGES
રાજકુમારીને પહેલાથી જ શંકા હતી કે જો તેમની યોજના ગુપ્ત ન રહી, તો તેમની માટે પરિણામ ઘાતક હોઈ શકે છે.
તેમણે એક વીડિયો સંદેશમાં આ વાત તરફ ઇશારો કર્યો હતો.
વીડિયોમાં રાજકુમારી એ કહેતાં જોઈ શકાય છે, "હું આ વીડિયો બનાવી રહી છું. એવું બની શકે છે આ મારો છેલ્લો વીડિયો હોય. જો તમે મારો વીડિયો જોઈ શકો છો તો હું જણાવી દઉં કે કદાચ હું અત્યાર સુધી મરી ગઈ છું અથવા તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છું."
આ વીડિયો રાજકુમારીનાં મિત્રોએ રિલીઝ કર્યો છે. ગુમ થતાં પહેલાં બનાવવામાં આવેલા વીડિયોને સાર્વજનિક કરવાનો ઉદ્દેશ સંયુક્ત અરબ અમીરાતની સરકાર પર દબાણ નાખવાનો છે.
વીડિયોમાં રાજકુમારી આગળ કહે છે, "મારા પિતાને માત્ર તેમની આબરૂની ચિંતા છે."
પરંતુ પરિસ્થિતિ હંમેશા આવી ન હતી. શેખ લાતિફા એક લોકપ્રિય રાજકુમારી હતાં. તેમને સ્કાય ડાઇવિંગનો પણ શોખ હતો.
આકાશમાંથી કૂદતા પહેલાં તેઓ ઘણી વખત પોતાને રાષ્ટ્રધ્વજમાં લપેટી લેતાં હતાં. તેમનાં સ્કાય ડાઇવિંગના વીડિયોમાં તેઓ ખુશ દેખાય છે.

સોનાનાં પાંજરામાં કેદ પક્ષી

પરંતુ વાસ્તવિકતા તેનાથી ઘણી દૂર અને ભયાનક હતી.
તેમનાં એક મિત્રએ બીબીસીને જણાવ્યું કે તેઓ સોનાનાં પાંજરામાં પૂરાયેલાં એક પક્ષીની જેમ રહેતાં હતાં.
તેમનાં મિત્ર છે ફિનલેન્ડનાં નાગરિક અને માર્શલ આર્ટ્સ ટ્રેનર ટીના યોહિયાનેન.
ટીનાએ ન્યૂઝનાઇટને જણાવ્યું, "લાતિફા પોતાનાં જીવનને ભરપૂર જીવવા માગતાં હતાં. રાજકુમારીએ વર્ષ 2002માં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તમને પકડીને જેલમાં નાખી દેવાયાં હતાં. લાતિફાએ સાડા ત્રણ વર્ષ જેલમાં વિતાવ્યા હતા."

એક પૂર્વ ફ્રેન્ચ જાસૂસ

ગત વર્ષે ઉનાળામાં રાજકુમારીએ ફ્રાંસની જાસૂસી સેવાના પૂર્વ અધિકારી સાથે સંપર્ક સાધ્યો.
અર્વે ઝબેયર નામના આ એજન્ટ પોતે પણ ઘણા વર્ષો પહેલા વેશ બદલીને દુબઈથી ભાગ્યા હતા. ત્યારે દુબઈમાં ઝબેયર પર ઉચાપત કરવાનો આરોપ લાગ્યો હતો.
ઝબેયરે બીબીસીને જણાવ્યું, "શરૂઆતમાં તેઓ પણ એ જ રસ્તો અપનાવવાના હતા જે મેં અપનાવ્યો હતો. મેં કહ્યું પહેલાં તમારે અંડરવૉટર ટૉરપીડો અને નેવી સીલ જેવા કપડાંનો ઉપયોગ કરતાં શીખવું પડશે. ત્યારબાદ લાતિફાએ આશરે 30 હજાર ડોલર ખર્ચી આ સામાન ખરીદ્યો હતો."
પરંતુ ત્યારબાદ લાતિફાએ ભાગવાનો આ રસ્તો છોડી દીધો.

ભાગવાનો પ્લાન

રાજકુમારીએ એક સહેલી યોજનાને પસંદ કરી. તેઓ પોતાનાં મિત્ર ટીના યોહિયાનેનની સાથે કારમાં સીમા પાર ઓમાન પહોંચ્યાં.
ત્યાંથી તેઓ એક નાની બોટમાં સવાર થયાં, જે તેમને આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં ઊભેલા નોસ્ટ્રોમો નામના એક લક્ઝરી યૉટ સુધી લઈ ગઈ.
નોસ્ટ્રોમો પર પૂર્વ ફ્રેંચ જાસૂસ ઝબેયર પહેલેથી જ તેમની રાહ જોઈ રહ્યા હતા. ત્યાંથી આ જહાજે ભારત તરફ પોતાના પ્રવાસની શરૂઆત કરી.
માર્ચમાં સંયુક્ત અરબ અમીરાતના નિવેદન પર ઇન્ટરપોલે એક નવી રેડ કોર્નર નોટિસ જાહેર કરી.
આ નોટિસ ઉપર દર્શાવવામાં આવેલી વાતની ખરાઈ કરે છે. જોકે, રેડ કોર્નર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે લાતિફા પોતાની મરજીથી ગયાં નથી પણ તેમનું અપહરણ કરી લેવાયું છે.

જીપીએસથી ટ્રેકિંગ બંધ

ત્યારબાદ આખી ઝાંખી પડી જાય છે અને તેને કારણે તથ્યોની ખરાઈ કરવી મુશ્કેલ બની જાય છે.
પકડાઈ જવાના ડરથી નોસ્ટ્રોમોની પબ્લિક ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી દેવાઈ હતી. આ કારણોસર આગળના રસ્તા વિશે સાર્વજનિક રેકોર્ડ નથી.
પરંતુ બીબીસીને નોસ્ટ્રોમોના સેટેલાઇટ કમ્યૂનિકેશન સિસ્ટમનો ડેટા મળ્યો છે. આ ડેટામાં જહાજને ગોવાના સમુદ્ર નજીક પહોંચતું જોઈ શકાય છે.
પરંતુ ત્યારબાદ સેટેલાઇટ ટ્રેક પણ બંધ થઈ જાય છે. ફ્રાંસીસી જાસૂસે જણાવ્યું કે ઓમાનથી ભારત તરફ જતા સમયે જ કેટલીક બોટે તેમનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતું.

અને પછી ચાર માર્ચનો એ દિવસ...

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે ચાર માર્ચના રોજ રાજકુમારીની દોડનો અંત આવી ગયો. ઝબેયર ડેક પર હતા.
રાજકુમારી પોતાનાં મિત્ર ટીના સાથે નીચે પોતાની કેબિનમાં હતાં.
ટીના જણાવે છે, "મેં કંઈક અવાજ સાંભળ્યો. જહાજના ડેકમાંથી ગોળી ચાલવાનો અવાજ આવવા લાગ્યો. ત્યારબાદ મને ખબર પડી કે અવાજ સ્ટન ગ્રેનેડ્સનો હતો."
આગળની કહાણી ઝબેયરના શબ્દોમાં, "હું બહાર ઊભો હતો. મને લાગ્યું કે કંઈક તો ગડબડ છે. ત્યાં જ મેં જોયું કે એક બોટ હાઈ સ્પીડમાં અમારી તરફ આગળ વધી રહી છે. એ બોટ પર સવાર સૈનિકોએ અમારી તરફ બંદૂકો તાકીને રાખી હતી. તેમના ચહેરા પર સ્પષ્ટ લખ્યું હતું કે તેઓ અમને મારી નાખવાના છે."

હેલિકોપ્ટરનો અવાજ અને સ્ટન ગ્રેનેડ

ટીના કહે છે કે નીચેની કેબિનમાં રાજકુમારી અને તેઓ એક બાથરૂમમાં છૂપાઈ ગયાં અને એ બન્ને એકબીજાને વળગી પડ્યાં. તેઓ કહી રહ્યાં હતાં કે મને કોઈ પરત લઈ જવા આવ્યું છે.
"ત્યારબાદ અમે કેબિનમાંથી બહાર આવ્યા. બહાર આવતા જ મને ધક્કો મારીને જમીન પર પછાડી દેવાઈ. અને મારા હાથ મારી પીઠ પર બાંધી દેવાયા."
ત્યારબાદ ફ્રાંસીસી જાસૂસે લાતિફાની બૂમોનો અવાજ સાંભળ્યો. તેમણે સાંભળ્યું કે લાતિફા કહી રહ્યા હતા કે તેઓ પરત જવાને બદલે, આ જ જહાજ પર મરવાનું પસંદ કરશે.
પાંચ મિનિટ બાદ હેલિકોપ્ટર આવ્યું અને રાજકુમારીને લઇને ઊડી ગયું.
અહીં કહાણીમાં એક નવો વળાંક આવે છે.

'કમૉન લાતિફા, લેટ્સ ગો હોમ'

જહાજ પર બધી વાત અરેબિકમાં નહીં પણ અંગ્રેજીમાં થઈ રહી હતી.
ઝબેયરનું કહેવું છે કે નોસ્ટ્રોમો પર આવનારા નાવિકો અમીરાતી નહીં પણ ભારતીય હતા.
"પહેલા મને ખબર ન પડી કે તેઓ ભારતીય છે. પરંતુ ત્યારબાદ મેં જોયું કે તેમની બોટ પર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ લખ્યું છે."
અને તેઓ રાજકુમારીને કહી રહ્યા હતા- 'કમૉન લાતિફા, લેટ્સ ગો હોમ'
ઝબેયરે લાતિફાને એ કહેતા પણ સાંભળ્યા કે તેઓ રાજકીય શરણું લેવા માગે છે. ભારત સરકારે આ વિશે બીબીસીના સવાલ પર કોઈ ટિપ્પણી કરી નથી.
જ્યારે હેલિકોપ્ટર નાસ્ટ્રોમો પરથી લાતિફાને લઈને ઊડ્યું તો જહાજ પર અમીરાતી સૈનિક આવ્યા અને તેને લઈને દુબઈ તરફ નીકળી પડ્યા.
ટીના અને ઝબેયર પણ સાથે જ હતા. એક અઠવાડિયા સુધી ધમકીઓ અને પૂછપરછ બાદ બન્નેને છોડી દેવાયાં.
તે દિવસથી લાતિફા ગુમ છે. તેમને કોઈએ જોયાં નથી અને ન તો કોઈએ તેમના વિશે વાત કરી છે.
તેમના મિત્રોએ વીડિયો જાહેર કર્યો છે અને અંતે લાતિફાને એ કહેતા સાંભળી શકાય છે, "મને આશા છે કે આ મારા જીવનનું નવું ચેપ્ટર હશે જ્યાં મારે ચૂપ નથી રહેવાનું. જો હું છૂટી ન શકી તો પણ હું ઇચ્છીશ કે કોઈ સકારાત્મક બદલાવ આવે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












