ફેસબુક લાઇવ દરમિયાન પત્રકારનું ગોળીબારમાં મૃત્યુ

અમેરિકાના નિકારાગુઆમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર સરકાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં એક પત્રકારનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે.

સ્થાનિક પત્રકાર અને અલ મેરીદિયાનો કાર્યક્રમના દિગ્દર્શક એંજેલ ગહોના દેશના દક્ષિણ કેરેબિયન કિનારે આવેલા બ્લૂફીલ્ડ્સ શહેરથી લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર, ગહોના સોશિયલ મીડિયા ફેસબુક પર લાઇવ બ્રોડકાસ્ટ કરી રહ્યા હતા ત્યારે જ તેમને ગોળી વાગી હતી.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જે સ્થાનિક મીડિયાના દાવા અનુસાર ગહોનાનો હોવાનું કહેવાય છે.

વીડિયોમાં રિપોર્ટર (ગહોના) લોકોના વિરોધ પ્રદર્શન વખતે મેયરની ઓફિસને થયેલાં નુકસાન વિશે જણાવી રહ્યા હતા.

અચાનક ત્યાં ગોળીબાર થાય છે અને એ નીચે પડી જાય છે. જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ગોળી કોણે અને શા માટે ચલાવી હતી.

સોશિયલ મીડિયા ટ્વિટરના એક યૂઝર જણાવે છે કે આ એંજલ ગહોના છે. તેમનું મૃત્યુ ફેસબુક લાઇવ દરમિયાન થયું છે.

શું તમે આ વાંચ્યું?

બ્લૂફીલ્ડ્સમાં પોલીસ અને પ્રદર્શન કરનારા લોકો વચ્ચે તણાવ વધી જવાને કારણે ગોળીબાર થાય છે અને તે ત્યાં જ પડી જાય છે.

એ વધુમાં લખે છે કે એંજલ ગોળી વાગતા પહેલાં પોતાના લાઇવમાં એમ કહી રહ્યા હતા કે, 'પોલીસ આવી રહી છે અને અમારે મદદની જરૂર છે.'

શનિવારની બપોર સુધી સરકારી આંકડા અનુસાર આ પ્રદર્શનમાં દસ લોકોનું મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. પરંતુ માનવ અધિકાર સંગઠનોનું કહેવું છે કે, વિરોધ પ્રદર્શનમાં 25 થી વધુ લોકો માર્યા ગયા છે.

બુધવારથી નિકારાગુઆમાં સામાજિક સુરક્ષા અને પેંશનમાં મળનારા લાભોમાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યાં છે.

રાષ્ટ્રપતિ ડેનિયલ ઑર્ટેગાએ ઘોષણા કરી હતી કે તેમાં સુધારો કરવા માટે વિચાર કરવામાં આવશે. આમ છતાં નિકારાગુઆમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શનો ચાલું રહ્યાં.

રાષ્ટ્રપતિ ઑર્ટેગાએ વાતચીત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ પ્રદર્શનકારીઓના નેતાએ તેને માનવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમનું કહેવું છે કે સૌ પ્રથમ તો પોલીસ દ્વારા થઈ રહેલી હિંસાને રોકવામાં આવે.

વિરોધ પ્રદર્શનમાં સરકારી બિલ્ડિંગને પણ આગ ચાંપીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. કેટલાંક શહેરોમાં લશ્કર બોલાવવામાં આવ્યું છે.

માંગુઆની પોલિટેક્નિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાના કૅમ્પસને ચારેય બાજુથી ઘેરી લીધું હતું. લગભગ 100 લોકોના ઘાયલ થવાના પણ સમાચાર છે.

પોપ ફ્રાંસિસે પોલીસ અને પ્રદર્શન કરનારા લોકો વચ્ચે થયેલા મતભેદ અને હિંસાને શાંતિથી સમાપ્ત કરવા જણાવ્યું છે.

વર્ષ 2007માં પદ સંભાળ્યા બાદ ઑર્ટેગાના વિરોધમાં આ પ્રદર્શન સૌથી મોટો પડકાર બની ગયું છે.

એમણે કહ્યું કે, નવા નિયમો એક જુલાઈથી લાગુ થશે. એટલે સરકાર અને પ્રાઇવેટ ક્ષેત્ર વચ્ચે વાતચીત કરવાનો સમય છે.

વિરોધ પ્રદર્શન કરનારા લોકોએ હિંસા માટે પોલીસ અને સરકારી સમર્થકોને જવાબદાર ઠેરવ્યા છે.

દેશના ઘણા ભાગોમાં પ્રદર્શન કરનારા લોકો અને પોલીસ વચ્ચે અથડામણની ઘણી ઘટનાઓ બની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો