ટેમ્પરિંગ વિવાદ: 'ગેમને કલંકિત કરવા બદલ' વોર્નરે માફી માગી

ઓસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ડેવિડ વોર્નરે 'ઓસ્ટ્રેલિયા તથા વિશ્વભરના' ક્રિકેટ પ્રેમીઓને 'દુઃખી કરવા' બદલ માફી માગી છે.

બહાર પાડવામાં આવેલા નિવેદનમાં વોર્નરે કહ્યું, "કેટલીક એવી ભૂલો થઈ છે કે જેના કારણે ક્રિકેટની રમતને નુકસાન થયું છે."

"જે રમતને આપણે પ્રેમ કરીએ છીએ, તેની ઉપર કલંક લાગ્યું છે."

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભવિષ્યમાં ડેવિડ વોર્નરને 'ટીમમાં નેતૃત્વના પદ' માટે ધ્યાને ન લેવાનો નિર્ણય કર્યો છે.

આઈસીસીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથ પર એક ટેસ્ટ મેચનો પ્રતિબંધ મૂક્યો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક વર્ષ માટે સ્ટિવ સ્મિથ પર પ્રતિબંધ મૂક્યો અને દંડ ફટકાર્યો હતો.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટિવ સ્મિથ તથા ડેવિડ વોર્નર પર એક-એક વર્ષના પ્રતિબંધ મૂક્યો છે.

જ્યારે અન્ય એક બૅટ્સમૅન કેમરૂન બેનક્રૉફ્ટ પર નવ માસ માટે પ્રતિબંધ મૂક્યો છે.

બીસીસીઆઈએ પણ એક વર્ષ માટે સ્મિથ તથા વોર્નર દ્વારા આઈપીએલ રમવા પર પ્રતિબંધ મૂક્યો છે.

Time 100ની યાદીમાં મોદી

Time મૅગેઝિન દ્વારા 100 પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડવામાં આવી છે.

જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા માઇક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઈઓ સત્યા નડેલાનો સમાવેશ થાય છે.

ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જેવા રાજનેતાઓનો સમાવેશ થાય છે.

ઉપરાંત એમેઝોનના વડા જેફ બેઝોસ, ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ, પાકિસ્તાની અભિનેતા કુમૈલ નાનજિયાની જેવા નોન-પોલિટિકલ લોકોનો પણ સમાવેશ થાય છે.

છેલ્લા લગભગ એક દાયકાથી ટાઇમ મૅગેઝિન દ્વારા આ પ્રકારની યાદી બહાર પાડવામાં આવે છે.

જેમાં સાંપ્રત સમયના વિજ્ઞાનીઓ, નેતાઓ, કલાકારો, ચળવળકર્તાઓ તથા ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ કરવામાં આવે છે.

વાચકો પાસેથી ઑનલાઇન મત માગવામાં આવે છે, જોકે, અંતિમ નિર્ણય સંપાદકો દ્વારા લેવામાં આવે છે.

અગાઉ વર્ષ 2017 અને 2016માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ અંતિમ દાવેદારોની યાદીમાં થતો હતો, પરંતુ તેઓ 'સૌથી પ્રભાવશાળી વ્યક્તિ' જાહેર થયા ન હતા.

જોકે, તેઓ Time મૅગેઝિન તેમના વિશે કવર સ્ટોરી કરી ચૂક્યું છે.

વેનેઝુએલામાં 68 કેદીઓના મોત

વેનેઝ્યુએલાના કારાબોબોના વૅલેન્સિયા શહેરમાં પોલીસ સ્ટેશનમાં આગ અને હુલ્લડને કારણે 68 લોકોના મૃત્યુ થયા છે.

કેદીઓએ જેલમાંથી નાસી છૂટવા માટે કથિત રીતે પથારીઓ સળગાવી હતી.

આગના સમાચાર પસરતા પોલીસ સ્ટેશનની બહાર કેદીઓનાં પરિવારજનો એકઠા થઈ ગયા હતા.

તેમને વિખેરવા માટે પોલીસે ટિયરગેસનો પ્રયોગ કર્યો હતો.

પરિવારજનોનો આરોપ છે કે, ગૂંગળાઈ જવાને કારણે અનેક કેદીઓના મૃત્યુ થયા છે.

ચીફ સ્ટેટ પ્રોસિક્યૂટરના કહેવા પ્રમાણે, સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવા માટે ટૂંક સમયમાં તપાસ હાથ ધરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો