પ્રેસ રિવ્યૂ: 'જન ગણ મન'માંથી 'અધિનાયક' શબ્દ દૂર કરવા કોણે માગણી કરી?

'ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ મુજબ હરિયાણાના પ્રધાન અનિલ વિજે રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન'માંથી 'અધિનાયક ' શબ્દ દૂર કરવાની માગ કરી છે.

તેમણે આ મામલે માગણી કરતા કહ્યું, "અધિનાયક શબ્દનો અર્થ થાય છે સરમુખત્યાર. અને ભારતમાં તેની જરૂર નથી. કેમકે અહીં લોકશાહી છે."

ઇન્ડિયન એક્સપ્રેસે સમાચાર એજન્સી એએનઆઈને ટાંકીને આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

અત્રે નોંધવું રહ્યું કે કૉંગ્રેસના સાંસદ રીપુમ બોરા રાજ્યસભામાં પ્રાઇવેટ મેમ્બર ઠરાવ લાવ્યા હતા.

જેમાં રાષ્ટ્ર ગીતમાંથી સિંધ શબ્દની જગ્યાએ ઉત્તરપૂર્વ શબ્દ સામેલ કરવામાં એવા તેવી માગણી કરવામાં આવી હતી.

આ ઠરાવને હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજે પણ સમર્થન આપ્યું હતું.

વળી તેના એક દિવસ બાદ જ તેમણે પણ એક વધુ શબ્દ તેમાંથી દૂર કરવાની માગણી કરી હતી.

નીરવ મોદીની જમીન પર ખેડૂતોનો કબજો

'સંદેશ'ના અહેવાલ અનુસાર લોન ડિફોલ્ટર નીરવ મોદીની મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગરના કર્જત તાલુકામાં આવેલી અંદાજે 125 એકર જમીન પર ખેડૂતોએ કબજે કરી લીધી હતી.

200 જેટલા ખેડૂતોએ આ જમીન પર કબજો જમાવીને તેના પર હળ ફેરવી દીધું હતું.

ખેડૂતોનો આક્ષેપ છે કે નીરવ મોદીએ પાણીના ભાવે એ જમીન લીધી હતી.

મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓએ તે જમીન પર કબજો જમાવ્યો હતો. હવે ખેડૂતો આ જમીન પર ખેતી કરવા માંગે છે.

અત્રો નોંધવું રહ્યું કે, અહીં નીરવ મોદીની ફાયરસ્ટોન કંપનીનો ઊર્જા પ્રોજેક્ટ આકાર લેવાનો હતો.

વળી આ જમીન તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સીલ કરી દેવાઇ હતી.

જમીન પર કબજો કરનારા ખેડૂતોએ આક્ષેપ કરતા કહ્યું કે બૅન્કો સાથેની ગોઠવણોથી નીરવ મોદી જેવા લોકો કરોડોની લોન લઈને વિદેશ ભાગી જાય છે.

અને અમે લોન માટે વલખાં મારીએ છીએ. તેમનો આક્ષેપ છે કે ભૂતકાળમાં માત્ર દસ-પંદર હજાર રૂપિયા પ્રતિ એકરના ભાવે તેમની પાસેથી જમીન લખાવી લેવાઈ હતી.

જ્યારે બજાર ભાવ બે લાખ રૂપિયાનો ચાલતો હતો.

ઍન્ટાર્ક્ટિકામાં એક વર્ષ વિતાવનાર સરોના પ્રથમ મહિલા

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર 56 વર્ષીય મંગલા મણી વિશ્વના સૌથી ઠંડા પ્રદેશ ઍન્ટાર્ક્ટિકામાં એક વર્ષ વિતાવનાર ઇસરોના પ્રથમ મહિલા વૈજ્ઞાનિક બન્યા છે.

તેમણે અગાઉ બરફવર્ષાના વાતાવરણમાં રહેવાનો જરાય અનુભવ નહોતો.

તેમ છતાં આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળતા મેળવી છે. તેઓ નારી શક્તિનું એક સાચું ઉદાહરણ છે.

અહીં તાપમાન (-90) ડિગ્રી સુધી જતું હોય છે. તેઓ અહીં ભારતના સંશોધન કેન્દ્ર ભારતી ખાતે ગયેલી 23 સભ્યોની ટીમનો ભાગ હતાં.

આ ટીમ વર્ષ 2016ના નવેમ્બર મહિનામાં ઍન્ટાર્ક્ટિકા ગઈ હતી.

તેમણે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું કે આ એક પડકારજનક મિશન હતું. ત્યાંનું વાતાવરણ ખૂબ જ કઠોર હતું.

એકદમ ઠંડીમાં બે થી ત્રણ કલાક બહાર રહેવું ઘણું જ મુશ્કેલ હતું. આમારે પછી તરત જ ગરમી માટે કેમ્પ પરત આવી જવું પડતું હતું.

અત્રે નોંધવું કે, વર્ષ 2016-17 દરમિયાન આ ઝોનમાં રહેનારા તેઓ એકમાત્ર મહિલા છે.

કેમકે, આ દરમિયાન ઝોનમાં આવેલા રશિયન અને ચાઇનિઝ સ્ટેશનમાં પણ કોઈ મહિલા વૈજ્ઞાનિક ન હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો