ભારતનું સૈન્ય વિશ્વમાં ચોથા ક્રમે, પાકિસ્તાન ક્રમમાં ઉપર આવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
સૈન્યની દૃષ્ટિએ ભારત વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી સૈન્ય શક્તિ બન્યું છે. યુદ્ધ હથિયારો અને સશસ્ત્ર દળોના આધારે અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ચોથા ક્રમે છે.
ફ્રાંસ અને બ્રિટન ભારતથી પાછળ છે.
દુનિયામાં આધુનિક સૈન્ય અને લશ્કરી તાકાતનું વિશ્લેષણ કરતી સંશોધન સંસ્થા 'ગ્લોબલ ફાયર પાવર' દ્વારા 2017ના વર્ષને ધ્યાનમાં રાખીને થયેલી 133 દેશોની યાદી જાહેર કરી છે.
આ યાદીમાં અગાઉની જેમ જ અમેરિકા સૌથી મોટી સૈન્ય શક્તિ છે.
આ વિશ્લેષણ લશ્કર પાસે રહેલા પારંપરિક યુદ્ધ હથિયારો અને સાધનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.
તમને વાંચવું પણ ગમશે:
તેમાં પરમાણુ હથિયારોને શામેલ કરવામાં કરવામાં નથી આવ્યાં.

પાકિસ્તાન 13મા ક્રમે

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સંવાદદાતા શકીલ અખ્તરના જણાવ્યા અનુસાર, આ યાદીમાં પાકિસ્તાનને 13મા ક્રમની સૌથી મોટી સૈન્ય શક્તિ દર્શાવવામાં આવી છે.
સુરક્ષા દળોના મુદ્દે પાકિસ્તાને છેલ્લાં કેટલાંક વર્ષોમાં વર્ષ 2017માં પોતાની લશ્કરી તાકાતમાં વધારો કર્યો છે. હવે પાકિસ્તાને વિશ્વના ટોચના 15 દેશોની યાદીમાં સ્થાન પામ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાનું રક્ષા બજેટ 587 અબજ ડૉલર હતું, જ્યારે ચીનનું રક્ષા બજેટ 161 અબજ ડૉલર હતું.
ચીન પાસે સક્રિય સૈનિકોની સંખ્યા 22 લાખ અને અનામત સૈનિકોની સંખ્યા 14 લાખ છે. ચીન પાસે ત્રણ હજાર યુદ્ધ વિમાનો અને સાડા છ હજાર ટેંક છે.
જોકે, અમેરિકા અને રશિયાની સરખામણીએ ચીન ઝડપથી આ યાદીમાં ઉપર આવી રહ્યું છે.
આગામી સમયમાં તે બીજા ક્રમે પહોંચી શકે છે. ચીનનું સુરક્ષા બજેટ ભારત કરતાં ત્રણ ગણાથી વધુ છે.
ભારતનું સુરક્ષા બજેટ 51 અબજ ડૉલર હતું.

ભારત પાસે 13 લાખથી વધુ સક્રિય જવાનો

ઇમેજ સ્રોત, Getty Images
આ સંસ્થાના રિપોર્ટ પ્રમાણે અમેરિકા પાસે 13 હજારથી વધુ વિમાનો છે, જેમાં યુદ્ધ, પરિવહન અને હેલિકૉપ્ટરનો સમાવેશ થાય છે.
ભારત પાસે યુદ્ધ વિમાનોની સંખ્યા બે હજારથી વધુ છે અને 13 લાખથી વધુ સક્રિય સૈનિકો છે.
આ ઉપરાંત 28 લાખ જેટલાં અનામત સૈનિકો છે. જે જરૂર પડે સૈન્યની મદદ કરી શકે છે.
ભારત પાસે ટેન્કોની સંખ્યા લગભગ 4400 છે. વિમાનવાહક યુદ્ધ જહાજોની સંખ્યા ત્રણ દર્શાવવામાં આવી છે.
પરંતુ ઓછામાં ઓછા એક જહાજને સેવામાંથી દૂર કરવામાં આવ્યું છે.

પાકિસ્તાન પાસે કોઈ વિમાનવાહક જહાજ નથી

ઇમેજ સ્રોત, Getty Images
આ યાદી અનુસાર પાકિસ્તાન દુનિયાની 13મા ક્રમની સૈન્ય શક્તિ છે. તેમનું રક્ષા બજેટ સાત અબજ ડૉલર છે.
તેમની પાસે સક્રિય સૈનિકોની સંખ્યા છ લાખ 37 હજાર છે. આ ઉપરાંત ત્રણ લાખ અનામત સૈનિકો છે.
હેલિકૉપ્ટર અને ટ્રાન્સપોર્ટેશન વિમાનો સહિત યુદ્ધ વિમાનોની સંખ્યા લગભગ એક હજાર અને ટેંકોની સંખ્યા ત્રણ હજાર જેટલી છે.
પાકિસ્તાન પાસે વિમાનવાહક યુદ્ધ જહાજ નથી, પરંતુ અન્ય પ્રકારનાં લશ્કરી જહાજની સંખ્યા 200 છે.
આ યાદી અનુસાર માત્ર 81 લાખની વસતી ધરાવતો ઇઝરાયલ નવમા ક્રમે છે. તેની પાસે 650 યુદ્ધ વિમાનો અને અઢી હજારથી વધુ ટેંકો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















