ઉત્તર અને દક્ષિણ કોરિયા કટ્ટર દુશ્મનોમાંથી દોસ્ત બની જશે?

દક્ષિણ કોરિયાના અધિકારીઓને આવકારી રહેલા ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ-ઉન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, દક્ષિણ કોરિયાના અધિકારીઓને ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ-ઉને સોમવારે ડીનર વખતે આવકાર્યા હતા.

દક્ષિણ કોરિયામાં તાજેતરમાં યોજાયેલી વિન્ટર ઑલિમ્પિક્સમાં ભાગ લેવા ઉત્તર કોરિયા સહમત થયું તેને પગલે બન્ને દેશો વચ્ચે ફરી દોસ્તી થવાના અનુમાને વેગ પકડ્યો હતો. હવે એ દિશામાં પ્રગતિ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે.

ઉત્તર અને દક્ષિણ કોરિયાના નેતાઓ વચ્ચે આગામી મહિને શિખર બેઠક યોજાશે તેવું દક્ષિણ કોરિયાના રાજદૂતે જણાવ્યું છે.

આ શિખર બેઠક એક દાયકાથી વધુ સમય બાદની અને કિમ જોંગ-ઉને ઉત્તર કોરિયામાં સત્તા સંભાળી એ પછીની પહેલી બેઠક હશે.

રાજદૂતે એમ પણ જણાવ્યું હતું કે પોતાના દેશની સલામતીની ખાતરી મળે તો અણુશસ્ત્રોથી છૂટકારો મેળવવાની તૈયાર પણ કિમ જોંગ-ઉને દેખાડી છે.

અણુશસ્ત્રો વિકસાવવાના કાર્યક્રમને અટકાવવા સંબંધે અગાઉ આપેલાં વચનોના પાલનમાં ઉત્તર કોરિયા નિષ્ફળ રહ્યું છે.

કિમ જોંગ-ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ મૂન જાઈ-ઇન જડબેસલાક સલામતી ધરાવતી બન્ને દેશો વચ્ચેની સરહદ પરના પાન્મુન્જોમ ગામે આગામી મહિને મળશે.

ટોચના બન્ને નેતાઓ વચ્ચે હોટલાઇન સ્થાપવા પણ બન્ને દેશ સહમત થયા છે.

ઉત્તર કોરિયાના પાટનગર પ્યોંગયાંગની મુલાકાત લઈને પાછા ફરેલા દક્ષિણ કોરિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે વધુ મિસાઈલ પરીક્ષણ નહીં કરવાનું અને ડિપ્લોમસી ચાલુ રાખવાનું કિમ જોંગ-ઉને તેમને જણાવ્યું છે.

બીબીસીનાં લૌરા બેકરે દક્ષિણ કોરિયાના પાટનગર સોલથી મોકલેલા અહેવાલ અનુસાર, કિમ જોંગ-ઉનના વલણમાંનો એ મોટો ફેરફાર છે.

line

હવે શું થશે?

દક્ષિણ કોરિયાના અધિકારીઓ સાથે ખુશખુશાલ મૂડમાં વાત કરી રહેલા કિમ જોંગ-ઉન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દક્ષિણ કોરિયાના અધિકારીઓ સાથેના ડીનર દરમ્યાન કિમ જોંગ-ઉન ખુશખુશાલ મૂડમાં જોવા મળ્યા હતા

બીબીસીના સંરક્ષણ સંબંધી સંવાદદાતા જોનાથન માર્ક્સના વિશ્લેષણ અનુસાર, ઉત્તર કોરિયા શું ઓફર કરે છે તેમાં દક્ષિણ કોરિયાને વધારે રસ હશે.

કેટલાંક સૂચનો પ્રથમ દૃષ્ટિએ પ્રોત્સાહક જણાય છે.

ઉત્તર કોરિયા પરનું લશ્કરી જોખમ ઘટે અને તેની સલામતીની ખાતરી આપવામાં આવે એવી શરતે કોરિયન દ્વિપકલ્પને અણુશસ્ત્રોથી મુક્ત કરવા સંબંધે ચર્ચાની તૈયારી ઉત્તર કોરિયાએ દેખાડી છે.

આ શરતને પગલે તમામ પ્રકારના સવાલ ઉઠ્યા છે.

ઉત્તર કોરિયાએ એવું પણ જણાવ્યું છે કે વોશિંગ્ટન સાથે સંબંધ સામાન્ય બનાવવાના હેતુસર એ અમેરિકા સાથે પણ મંત્રણા કરવા તૈયાર છે.

વર્તમાન સંજોગોમાં સૌથી વધુ હકારાત્મક બાબત એ છે કે વિન્ટર ઓલિમ્પિક્સને પગલે સર્જાયેલું શાંતિનું વાતાવરણ લાંબા સમય સુધી જળવાયેલું રહેશે એવું લાગે છે.

દક્ષિણ કોરિયાએ જણાવ્યું હતું કે "મંત્રણા ચાલુ રહેશે અને ઉત્તર કોરિયા કોઈ અણુ કે મિસાઇલ પરીક્ષણ કરશે નહીં. કોઈ ઉશ્કેરણી પણ નહીં કરે."

સંબંધ સુધારવા માટે રાજદ્વારી પ્રયાસો કરવા બન્ને કોરિયા તૈયાર હોય એવું લાગે છે ત્યારે અમેરિકાના પ્રતિભાવ પર હવે બહુ મોટો આધાર છે.

line

આશ્ચર્યજનક કલ્પના

વીડિયો કૅપ્શન, ઉત્તર કોરિયાથી દ. કોરિયા ભાગનારાઓની વ્યથા

સામાન્ય રીતે અતડા રહેતા કિમ જોંગ-ઉન સાથે દક્ષિણ કોરિયાના અધિકારીઓએ સોમવારે ડીનર પણ લીધું હતું.

આ અધિકારીઓ કિમ જોંગ-ઉન સત્તા પર આવ્યા પછી તેમને મળેલા દક્ષિણ કોરિયાના પહેલા અધિકારીઓ છે.

2011માં દેશના વડા બન્યા પછી કિમ જોંગ-ઉન જૂજ વિદેશી અધિકારીઓને મળ્યા છે.

દક્ષિણ કોરિયાના અધિકારીઓ મંગળવારે સવારે સોલ પાછા ફર્યા હતા.

ઉત્તર કોરિયા સાથે થયેલી વાતચીતથી અમેરિકાને માહિતગાર કરવા દક્ષિણ કોરિયાનું પ્રતિનિધિમંડળ આ સપ્તાહ દરમ્યાન વોશિંગ્ટન જશે.

બન્ને કોરિયા વચ્ચે 2000 અને 2007ના વર્ષોમાં બે શિખર બેઠકો યોજાઈ હતી.

એ વખતના દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ કિમ દાઈ-જંગ અને રોહ મૂ-હ્યુન, કિમ જોંગ-ઉનના પિતા કિમ જોંગ-ઇલને મળ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો