You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેશેલ્સના ખભા પર ભારતની બંદૂક, નિશાન પર ચીન!
એશિયાના બે મોટા દેશો એકબીજાને દ્વેષથી જુએ છે વસ્તીના આધારે તે વિશ્વની બે સૌથી મોટા દેશો છે અને સૌથી મોટું અર્થતંત્ર ધરાવે છે.
બંને સીમાઓ, સંધિઓ અને સંસાધનો એક બીજા સાથે વહેંચે છે. આમ છતાં ભારત અને ચીનના સંબંધો ઘણીવાર જટિલ અને ખટાશભર્યા બની જાય છે.
લગભગ અડધી સદીથી બંને દેશો વચ્ચે સરહદનો વિવાદ વધતો જ રહ્યો છે.
તમને આ પણ વાંચવું ગમશે
બન્ને દેશો વચ્ચે અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશ સહિત કેટલાક અન્ય વિસ્તારોમાં વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ ભૂતકાળમાં યુદ્ધ સુધી પણ પહોંચ્યો છે.
જોકે, તાજેતરનાં વર્ષોમાં બન્ને દેશોના વધતા જતા કૂટનીતિ અને આર્થિક સંબંધોએ તેમના તણાવને કાબૂમાં લેવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
હિંદ મહાસાગરમાં તણાવ
છેલ્લા કેટલાક અરસામાં ભારત અને ચીન વચ્ચે હિંદ મહાસાગરને લઈને તણાવ વધ્યો છે.
કેનેડાની મૅકગિલ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ રિલેશન્સના પ્રોફેસર ટીવી પૉલ મુજબ, "ચીન પરંપરાગત રીતે દક્ષિણ ચીન સાગર સહિત પ્રશાંત મહાસાગરને તેનું ‘બૅકયાર્ડ’ માને છે, જ્યારે ભારત દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગરને પોતાનો 'ખાસ વિસ્તાર' માને છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત-ચીન સંબંધો પર નજર રાખનારાઓનું મંતવ્ય છે, "જેમ જેમ બંને દેશોની તાકાત વધી છે, તેમ તેમ તેમના વિસ્તારોમાં તેમના વર્ચસ્વ અંગે તેમના વિચારો પણ બદલાયા છે."
પ્રોફેસર ટીવી પોલ કહે છે, "અને હવે એવી સ્થિતિ ઊભી થઈ રહી છે, જેમાં ચીન હિંદ મહાસાગરમાં દાખલ થઈ રહ્યું છે. ભારત હિંદ મહાસાગરમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની સાથે સાથે પ્રશાંત મહાસાગરના ક્ષેત્રમાં તેની હાજરી દેખાડવા માંગે છે. તે અમેરિકા અને આ ક્ષેત્રના બીજા દેશો સાથે સંબંધ મજબૂત કરી રહ્યું છે. તે આ વિસ્તારમાં તેના સૈનિકોની ઉપસ્થિતિ વધારી રહ્યું છે.
ભારતની ચિંતાઓ
પરંતુ ભારત માટે હિંદ મહાસાગરનું મહત્ત્વ વધારે છે. કારણ કે હિંદ મહાસાગરમાં તેની 7500 કિમી લાંબી સીમા છે.
ભારતના શિપિંગ મંત્રાલયના મુજબ તેમનો 95 ટકા વેપાર હિંદ મહાસાગરના માર્ગે થાય છે.
પરંતુ હાલના વર્ષોમાં હિંદ મહાસાગરમાં ચીનની વધતી રુચિએ ભારતની ચિંતાઓ વધારી દીધી છે.
વર્ષ 2013 માં ચીન દ્વારા તેના સિલ્ક રોડ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી હતી. જેના હેઠળ ચીન, પાકિસ્તાન સાથેનો તેનો દરિયાઈ માર્ગ ઓછો કરવા માંગે છે.
ચીનની દખલ
ત્રણ વર્ષ પછી ચીને વિદેશમાં પોતાનો પહેલો સૈનિક અડ્ડો બાબ અલ-મનદાબ જલડમરૂમધ્યની પાસે જિબૂટીમાં સ્થાપિત કર્યો.
દરિયાઈ ટ્રાફિક પર નજર રાખતી વેબસાઇટ મરીન ટ્રાફિક મુજબ અહીં જળમાર્ગના બે સૌથી વ્યસ્ત રૂટ છે. જેમાં હિંદ મહાસાગરથી વેપારનો મુખ્ય રસ્તો છે.
ઘણા મહિનાઓ પછી, શ્રીલંકાએ ચીનને હમ્બનટોટા બંદર 99 વર્ષ માટે લીઝ પર આપવાની જાહેરાત કરી છે.
મરીન ટ્રાફિક મુજબ હમ્બનટોટા પોર્ટ મલક્કા ખાડીથી સુએઝ નહેરને જોડતા માર્ગથી 20 કિલોમીટર દૂર આવેલું છે. અને એટલું જ નહીં, હિંદ મહાસાગરમાં વેપારનો આ એક મુખ્ય માર્ગ પણ છે.
રસપ્રદ બાબત એ છે કે શ્રીલંકાએ હમ્બનટોટા પોર્ટની રજૂઆત પહેલાં ભારતને આપી હતી. પરંતુ ભારતને લાગ્યું કે 2004ની સૂનામીમાં બર્બાદ થયેલા આ પોર્ટનું પુનઃ નિર્માણ વ્યવહારિક નથી.
જો કે ચીનએ પોતાની હાજરી માટે આ રજૂઆત સ્વીકારી લીધી કારણ કે આ પ્રદેશમાં હજુ સુધી તેના પગલા પડ્યા ન હતા.
ભારતની પ્રતિક્રિયા
પ્રોફેસર ટીવી પૉલ કહે છે, "ચીનની આ નવી વ્યૂહરચનાથી ભારતની ચિંતા વધી છે. તેની પાસે ચીનની જેમ રિસોર્સ નથી અને સૌથી વધુ ચિંતાની વાત એ છે કે આ બધું જ માટે માત્ર આર્થિક નિયંત્રણ માટે નથી થઈ રહ્યું.
આ પરિસ્થિતિમાં ભારતનું પ્રતિક્રિયા બે દિશાઓમાં જોવા મળે છે.”
પૉલ કહે છે, "એક તરફ ભારત પ્રશાંત ક્ષેત્રે તેની શક્તિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ હિંદ મહાસાગરમાં તેની સ્થિતિ મજબૂત કરવા માંગે છે."
વોશિંગ્ટન સ્થિત સેન્ટર ફોર ફોરેન અફેરર્સ મુજબ, ભારત છેલ્લા દાયકામાં અમેરિકા પાસેથી 15 અબજ ડોલરથી વધારેની કિંમતના શસ્ત્રો ખરીદ્યા છે. જેમાં એરક્રાફ્ટ, સમુદ્રી દેખરેખ માટે મશીનો, શિબિર પર હુમલો કરવા મિસાઇલ્સ અને હેલિકોપ્ટર સામેલ છે.
સેશેલ્સમાં ભારતની હાજરી
પ્રોફેસર પૉલ કહે છે કે ભારત આ સર્કલમાં સમુદ્રમાં ફલેશને વધારી રહ્યું છે. જેમાં વ્યાપારિક વહાણો અને મોટા જંગી જહાજો સામેલ છે. અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા ઉપરાંત તે વિસ્તારમાં ચીનની અગ્રતા અટકાવવા માટે નવા સહયોગીઓની શોધ કરી રહ્યું છે.
અને આ જ કડીમાં ભારત સેશેલ્સમાં પોતાના સૈનિકોને સ્થાપિત કરવા માટે વાત કરી રહ્યું છે અને આ વાતનો મોટો અર્થ નિકળે છે.
પૉલના કહેવા પ્રમાણે અત્યાર સુધી આ સમજૂતી વિશે ખૂબ ઓછી માહિતી મળી છે. પરંતુ તે સ્પષ્ટ છે કે હિંદ મહાસાગરમાં ચીનનું વધતી દખલના જવાબમાં ભારતે આ પગલું ભર્યું છે.
સેશેલ્સ ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં જણાવાયું છે કે આ સંધિમાં હિંદ મહાસાગરની સુરક્ષા વધારવા માટે બંને દેશોનો એકસરખો સહયોગ જરૂરી છે.
સેશેલ્સ પર ભારતની અસરનો અંદાજ આ બાબતથી પણ લગાવી શકાય કે વર્ષ 2014 થી જ ભારતીય નૌસેના સેશેલ્સની ચારેય વિસ્તારોની દેખરેખ રાખે છે. વર્ષ 2016 માં ભારતે અહીં એક રડાર મોનિટરિંગ સિસ્ટમ લગાડી હતી.
જો કે સેશેલ્સમાં ભારતીય સૈનિકોની ઉપસ્થિતિને લઈને ખૂબ વધારે ઉત્સાહનો માહોલ નથી. સેશેલ્સ દક્ષિણ એશિયામાં સહેલાણીઓનું પ્રિય સ્થળ છે અને સેશેલ્સ ન્યૂઝ એજન્સીનું કહેવું છે કે અહીં રહેતા લોકો સૈનિક અડ્ડાને દેશની સ્થિરતાની વિરુદ્ધ માને છે.
ભારત અને સેશેલ્સની સંધિ પબ્લિક ડોમેઇનમાં નથી, પરંતુ એ ચોક્કસ છે કે ભારતને સેશલ્સમાં પોતાનો સૈનિક અડ્ડો સ્થાપિત કરવાની પરવાનગી મળી ગઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો