સિડની: એટલી ગરમી પડી કે ખેલાડીઓને મેદાન છોડવું પડ્યું!

હાલમાં ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે ઠંડી પડી રહી છે. ધુમ્મસનાં કારણે ટ્રેન વ્યવહાર તથા હવાઈ પરિવહનમાં છાશવારે અવરોધ ઊભા થાય છે.

પરંતુ અહીં એવી જગ્યાની વાત કરવી છે, જ્યાંનાં નાગરિકો ગરમીથી ત્રસ્ત છે. આ જગ્યા એટલે ઓસ્ટ્રેલિયાનું સિડની.

79 વર્ષ બાદ પ્રથમ વખત તાપમાન 47.3 ડિગ્રી પર પહોંચ્યું છે. રવિવારના તાપમાને સિડનીવાસીઓને 1939ની યાદ અપાવી દીધી હતી. તે સમયે તાપમાન 47.8 ડિગ્રી પર પહોંચી ગયું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

ખેલાડીઓની સ્થિતિ કથળી

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એશિઝ શ્રેણીનો છેલ્લો ટેસ્ટ મેચ ચાલી રહ્યો છે. અહીં ખેલાડીઓએ પણ ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો.

બીજી બાજુ, સિડની ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેટ દરમિયાન મેદાન પર સવારે દસ વાગ્યે તાપમાન 40 ડિગ્રી પર પહોંચી ગયું હતું. આથી આયોજકોએ ખેલાડીઓને કોર્ટની બહાર નીકળી જવાની સૂચના આપી હતી.

ગરમીના કારણે ફ્રાન્સનાં ખેલાડી ક્રિસ્ટીના લૈડેનોવિકે મેચ અધવચ્ચે જ મૂકી દીધો હતો પ્રશંસકોની માફી પણ માગી હતી. ક્રિસ્ટીના અને ઓસ્ટ્રેલિયાનાં એલન પેરેઝની વચ્ચે મુકાબલો ચાલી રહ્યો હતો.

ક્રિસ્ટિનાએ ટ્વીટ કર્યું, "તાપમાન 43 ડિગ્રી હતું, પરંતુ કદાચ કૉર્ટ પર પહોંચતા સુધીમાં તાપમાન 50 ડિગ્રી પર પહોંચી ગયું હતું. હું મારા પ્રશંસકોની માફી માગું છું. મારી કૅરિયરમાં પહેલી વખત મેં મેચ અધૂરો છોડ્યો છે."

આગ નહીં પ્રગટાવવા સૂચના

રવિવારે સિડનીમાં તાપણું કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાવચેતીનાં પગલારૂપે આ જાહેરાત કરવામાં આવી છે, કારણ કે ગરમીને કારણે જંગલોમાં આગ લાગી જાય છે.

જો તાપણું સળગાવવામાં ન આવે તો આ અંગેની શક્યતા ઘટી જાય છે.

શનિવારે સિડનીના અનેક વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ નોંધાઈ હતી. વિક્ટોરિયા તથા દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં આગને કારણે કેટલીક સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું હોવાનાં અહેવાલ છે.

સપ્ટેમ્બર 2017માં પણ ઓસ્ટ્રેલિયાના નાગરિકોને જંગલમાં લાગતી આગ પ્રત્યે ચેતવવામાં આવ્યા હતા.

ડિસેમ્બર 2016થી ફેબ્રુઆરી 2017 દરમિયાન ઓસ્ટ્રેલિયામાં હવામાન સંબંધિત 200થી વધુ રેકોર્ડ તૂટ્યા હતા.

હવામાન ખાતાના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, જળવાયુ પરિવર્તનને કારણે હજુ પણ ખરાબ સ્થિતિ ઊભી થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો