જેરુસલેમ વિવાદમાં ભારતે આપ્યો ઇઝરાયલ-અમેરિકાના વિરોધમાં મત

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા દ્વારા જેરુસલેમને ઇઝરાયલની રાજધાનીનો દરજ્જો રદ કરવાની માગણી કરતી દરખાસ્ત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પસાર થઈ ચૂકી છે.
આ દરખાસ્તમાં જણાવવામાં આવ્યું હતું કે જેરુસલેમની સ્થિતિ સંબંધી કોઈ પણ નિર્ણય અમાન્ય હશે અને તેને રદ્દ કરવો જોઈએ.
સંયુક્ત રાષ્ટ્રસંઘની આ બિન-બંધનકારક દરખાસ્તની તરફેણમાં 128 દેશોએ, જ્યારે નવ દેશોએ તેના વિરોધમાં મતદાન કર્યું હતું. 35 દેશો ગેરહાજર રહ્યા હતા.
ભારતે આ દરખાસ્તની તરફેણમાં એટલે કે અમેરિકાની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
પેલેસ્ટાઇનના વિદેશ પ્રધાને 'બ્લેકમેઈલ કરવાના અને ડરાવવાના પ્રયાસો'ને નકારવાની હાકલ મતદાન અગાઉ કરી હતી.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ જણાવ્યું હતું કે તેઓ આ પરિણામનો અસ્વીકાર કરે છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘને 'જૂઠનું ઘર' પણ ગણાવ્યો હતો.
193 સભ્ય દેશોવાળા સંયુક્ત રાષ્ટ્રસંઘની તાકીદની બેઠક આરબ અને મુસ્લિમ રાષ્ટ્રોના આગ્રહથી ગુરુવારે યોજવામાં આવી હતી.
દાયકાઓથી ચાલતી રહેલી અમેરિકાની નીતિમાં ફેરફાર કરવા બદલ આરબ અને મુસ્લિમ દેશોએ ડોનાલ્ડ ટ્રમ્પની જોરદાર ટીકા પણ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ પણ વાંચવું ગમશે

નવ નાના દેશ અમેરિકા સાથે

ઇમેજ સ્રોત, AFP
• સંયુક્ત રાષ્ટ્રસંઘની આ દરખાસ્તના વિરોધમાં અમેરિકા, ઇઝરાયલ, ગ્વાટેમાલા, હોન્ડુરસ, ધ માર્શલ આઈલેન્ડ્ઝ, માઇક્રોનેશિયા, નોરુ, પલાઉ અને ટોગોએ મતદાન કર્યું હતું.
• આ દરખાસ્તની તરફેણમાં મતદાન કરનારા દેશોમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદના ચાર સ્થાયી સભ્યો ચીન, ફ્રાંસ, રશિયા અને બ્રિટન સામેલ હતા.
• અમેરિકાના મહત્વના સાથીદાર દેશો અને મુસ્લિમ રાષ્ટ્રોએ પણ આ દરખાસ્તના વિરોધમાં મતદાન કર્યું હતું.
• આ મતદાનથી અળગા રહેલા 35 દેશોમાં મેક્સિકો અને કેનેડાનો પણ સમાવેશ થાય છે.

કાર્યવાહી કરે તો કોને અસર

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ધમકીનો અમલ કરે તો આફ્રિકાના રાષ્ટ્રોને અનેક અબજ ડોલરની સહાય કરે છે.
USAIDના આંકડા મુજબ, 2016માં અમેરિકાએ મધ્યપૂર્વનાં રાષ્ટ્રોને 1300 કરોડ ડોલરની આર્થિક અને સૈન્ય સહાય કરી હતી.
દક્ષિણ તથા મધ્ય એશિયાનાં રાષ્ટ્રોને 670 કરોડ ડોલર તથા યુરેશિયાનાં રાષ્ટ્રોને 150 કરોડ ડોલરની દદ કરી હતી.
આરબ તથા મુસ્લિમ રાષ્ટ્રોએ પ્રસ્તાવનાં સમર્થનમાં મતદાન કર્યું છે, ત્યારે ટ્રમ્પ તેમની સામે શું કાર્યવાહી કરે છે, તેના પર નજર રહેશે.

શું છે જેરુસલેમનો વિવાદ?

ઇમેજ સ્રોત, EPA
1967ના યુદ્ધમાં વિજય બાદ ઇઝરાયલે પૂર્વ જેરુસલેમ પર કબજો જમાવ્યો હતો. અગાઉ એ પ્રદેશ જોર્ડનના નિયંત્રણ હેઠળ હતો.
હવે ઇઝરાયલ અવિભાજિત જેરુસલેમને જ પોતાની રાજધાની માને છે. બીજી તરફ પેલેસ્ટાઇન પૂર્વ જેરુસલેમને તેના પ્રસ્તાવિત રાષ્ટ્રની રાજધાની માને છે.
જેરુસલેમ વિશેનો અંતિમ નિર્ણય ભવિષ્યની શાંતિ મંત્રણામાં થવાનો છે.
જેરુસલેમ પરના ઇઝરાયલના દાવાને આંતરરાષ્ટ્રીય સ્વિકૃતિ ક્યારેય મળી નથી. દુનિયાના તમામ દેશોના દૂતાવાસ હાલ તેલ અવીવમાં જ છે.
જોકે, અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાનો દૂતાવાસ તેલ અવીવથી જેરુસલેમમાં લાવવા અમેરિકાના વિદેશ મંત્રાલયને જણાવી દીધું છે.

અમેરિકાનો પ્રતિભાવ

ઇમેજ સ્રોત, EPA
સંયુક્ત રાષ્ટ્રસંઘમાંનાં અમેરિકાનાં દૂત નિકી હેલીએ મતદાન પહેલાના ભાષણમાં જણાવ્યું હતું કે અમેરિકાનો નિર્ણય જેરુસલેમ સંબંધી કોઈ પણ અંતિમ ફેંસલા પહેલાં જાહેર કરાયેલો નિર્ણય નથી.
બે રાષ્ટ્ર સહમત થાય એવી સ્થિતિમાં અમેરિકા તેને નકારતું પણ નથી.
નિકી હેલીએ કહ્યું હતું કે ''અમેરિકાને એક સ્વતંત્ર દેશ તરીકે નિર્ણય લેવા માટે એકલું પાડીને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકા આજના દિવસના યાદ રાખશે.''
નિકી હેલીએ એમ પણ કહ્યું હતું કે ''અમેરિકા જેરુસલેમમાં પોતાનો દૂતાવાસ સ્થાપિત કરશે. અમે આવું કરીએ તેવું અમેરિકાના લોકો ઇચ્છે છે અને આમ કરવું યોગ્ય પણ છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કરવામાં આવેલું કોઈ પણ મતદાન અમારા આ નિર્ણયને ફેરવી નહીં શકે.''

ડોનાલ્ડ ટ્રમ્પે આપી હતી ધમકી

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જેરુસલેમને ઇઝરાયલની રાજધાની ન માનવાવાળા દેશોને આર્થિક મદદ રોકવાની ધમકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપી હતી.
બુધવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે ''તેઓ અમારી પાસેથી અબજો ડોલરની મદદ મેળવે છે અને અમારી વિરુદ્ધ મતદાન પણ કરે છે.
તેમને અમારી વિરુદ્ધ મતદાન કરવા દો. તેનાથી અમને કોઈ ફરક નહીં પડે. અમને મોટી બચત થશે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













