'આઇકેન'ને શાંતિનો નોબેલ, પરમાણું અપ્રસારમાં શું છે ભૂમિકા?

નોબેલ પુરસ્કારના સમારોહની તસવીર

ઇમેજ સ્રોત, EPA/LISE ASERUD

ઇમેજ કૅપ્શન, નોર્વેની રાજધાની ઓસ્લોમાં પુરસ્કારગ્રહણ સમારોહ યોજાયો હતો

પરમાણું અપ્રસાર માટે આંતરરાષ્ટ્રીય અભિયાન ચલાવનારા સંગઠન 'આઇકેન(ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ અબૉલિશ ન્યૂક્લિઅર વેપન્સ)'ને વર્ષ 2017નો શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો છે.

નોર્વેની રાજધાની ઓસ્લોમાં યોજાયેલા પુરસ્કારગ્રહણ સમારોહમાં 'આઇકેન' અભિયાનના પ્રમુખ બિટ્રીસ ફિન હાજર રહ્યા હતા.

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના સંઘર્ષ તરફ ઇશારો કરતા તેમણે કહ્યું હતું, "ઉતાવળમાં લેવાયેલો એક નિર્ણય લાખો લોકોનાં મૃત્યુનું કારણ બની શકે છે."

તેમણે કહ્યું હતું, "આપણી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. આપણે પરમાણું હથિયારો નષ્ટ કરવા પડશે અથવા તો આ હથિયારો આપણને નષ્ટ કરી દેશે."

તમને આ પણ વાંચવું ગમશે

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેનો સંઘર્ષ તાજેતરમાં વધુ ઉગ્ર બન્યો છે.

line

'જોખમ વધ્યું છે'

નોબેલ પુરસ્કારના સમારોહની તસવીર

ઇમેજ સ્રોત, EPA/LISE ASERUD

ઇમેજ કૅપ્શન, સમારોહમાં 'આઇકેન' અભિયાનના પ્રમુખ બિટ્રીસ ફિન હાજર રહ્યાં હતાં

બિટ્રીસે ફિને કહ્યું હતું, "શીતયુદ્ધનાં વર્ષોમાં આવા પ્રકારના હુમલાનું જોખમ ઓછું હતું, પરંતુ વર્તમાન સમયમાં આ જોખમ વધ્યું છે."

નોબેલ પુરસ્કાર સમિતિના સભ્ય બ્રિટ રીસ એન્ડરસને પુરસ્કાર વિતરણ પહેલાં કહ્યું હતું, "બેજવાબદાર નેતા કોઈપણ દેશની સત્તા પર કબજો કરી શકે છે."

તેમણે કહ્યું કે 'આઇકેન' પરમાણું હથિયારોનાં ભયસ્થાનો વિશે વિશ્વને માહિતગાર કરવામાં સફળ રહ્યું છે અને આ સંકટને ખાળવાની દિશામાં કામ કરી રહ્યું છે.

હિરોશિમા હુમલાના સાક્ષી રહેલા 85 વર્ષના મહિલા સેત્સુકો થુરલો પુરસ્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓ પણ આ અભિયાન સાથે જોડાયેલાં છે.

નોબેલ પુરસ્કારના સમારોહની તસવીર

ઇમેજ સ્રોત, EPA/LISE ASERUD

ઇમેજ કૅપ્શન, હિરોશિમા હુમલાના સાક્ષી રહેલા 85 વર્ષનાં મહિલા સેત્સુકો થુરલો પુરસ્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં

સેત્સુકોએ કહ્યું કે વિશ્વએ 'આઇકેન'ની ચેતવણી પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.

સેત્સુકોને હિરોશિમા હુમલામાં ધ્વસ્ત થયેલી એક ઇમારતના કાટમાળ નીચેથી બચાવવામાં આવ્યાં હતાં.

તેમણે કહ્યું હતું કે તેમની સાથે વર્ગખંડમાં રહેલા તેમના ઘણા સહપાઠીઓ જીવતા સળગી ગયા હતા.

'આઇકેન' વર્ષ 2007માં અસ્તિત્વમાં આવ્યું હતું. લેન્ડમાઈન્સના ઉપયોગ પર પ્રતિબંધ લાદવા માટે ચાલતા કેટલાંક અભિયાનોથી પ્રેરાઈને સંગઠન શરૂ કરવામાં આવ્યું હતું.

આ સંગઠને પરમાણું હથિયારો માનવીઓ માટે કેટલા હાનિકારક નીવડી શકે છે તેના વિશે લોકો અને સરકારોને જાગરૂક કરવા તરફ ધ્યેય રાખ્યું હતું.

line

સંયુક્ત રાષ્ટ્રોની સંધિમાં મહત્વની ભૂમિકા

નોબેલ પુરસ્કારના સમારોહની તસવીર

ઇમેજ સ્રોત, EPA/BERIT ROALD

ઇમેજ કૅપ્શન, 'આઇકેન' વર્ષ 2007માં અસ્તિત્વમાં આવ્યું હતું

સ્વિત્ઝર્લેન્ડનાં જીનિવા શહેરમાં આવેલું આ સંગઠન સેંકડો એન.જી.ઓ.ના સમાવેશથી બન્યું છે.

પરમાણું હથિયારો પર પ્રતિબંધ લાદવા માટેની સંયુક્ત રાષ્ટ્રોની સંધિને લાગુ કરવામાં 'આઇકેન'એ મહત્વની ભૂમિકા નિભાવી છે.

આ સંધિ પર વર્ષ 2017માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

જુલાઈ 2017માં 122 દેશોએ આ સંધિને સમર્થન આપ્યું હતું. પરમાણુશક્તિ ગણાતા નવ દેશોએ આ સંધિનો બહિષ્કાર કર્યો હતો.

આ સંધિને લાગુ કરવા માટે ઓછામાં ઓછા 50 દેશોના સમર્થનની જરૂરિયાત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો