સાઉદી અરેબિયાથી વધારે ક્રૂડ ઓઈલ હોવા છતાં બેહાલ દેશ

ઇમેજ સ્રોત, Getty Images
હૂગો ચાવેઝે અંદાજે બે દાયકા પહેલાં ક્રાંતિના રથ પર સવાર થઈને વેનેઝુએલાને ઓઈલ કંપનીઓની જાળમાંથી બહાર કાઢ્યું હતું.
એ વેનેઝુએલા હવે બેહાલી અને મુશ્કેલીઓની એવી આંધીમાં ઘેરાયું છે કે તેને બચવા માટે કોઈ દિવાલ દેખાતી નથી.
ઇન્ટરનેશનલ ક્રેડિટ રેટિંગ એજન્સી 'સ્ટાન્ડર્ડ એન્જ પુઅર'એ વેનેઝુએલા આંશિક નાદારીમાં હોવાની જાહેરાત કરી છે.
ચાવેઝના ઉત્તરાધિકારી નિકોલસ મદુરોની નીતિઓને કારણે વેનેઝુએલા આર્થિક સમસ્યાઓની સાથે રાજકીય મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યો છે.
તમને આ પણ વાંચવું ગમશે
લોકોને દેશમાં જીવનજરૂરી ચીજોની કટોકટી તોળાતી દેખાય છે અને રાજકીય નેતૃત્વ પોતાના અધિકાર માટે લડી રહ્યું છે.
પોતાના એકથી વધુ દેવાંની ચૂકવણી સમયમર્યાદામાં ન કરી શકવાના કારણે ક્રેડિટ રેટિંગ એજન્સીએ આ દેશને આંશિક દેવાદાર જાહેર કર્યું છે.

વિશાળ તેલભંડારો

વેનેઝુએલા લેટિન અમેરિકા એટલે કે દક્ષિણ અમેરિકામાં આવેલો એક દેશ છે. આ દેશની દક્ષિણે એમેઝોનના જંગલો અને ઉત્તરે સંખ્યાબંધ દરિયાઈ બીચ આવેલા છે.
આ દેશમાં વિશાળ તેલભંડારો તેમજ કોલસા, લોખંડ, બોક્સાઇટ અને સોનાનો જથ્થો આવેલો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ છતાં પણ વેનેઝુએલાના ઘણાં નાગરિકો ગરીબીમાં જીવે છે.
વેનેઝુએલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેસનું વર્ષ 2013માં અવસાન થયું હતું. તેમના બાદ નિકોલસ માદુરોએ સત્તા સંભાળી હતી.
તેમના સત્તા સંભાળ્યાના થોડા સમય પછી દેશ પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા હતા.
વેનેઝુએલાની વસતિ ત્રણ કરોડ 10 લાખ જેટલી છે.
મોટાભાગની વસતિ સ્પેનિશ ભાષા બોલે છે અને ખ્રિસ્તી ધર્મ પાળે છે. 'બોલિવર' એ ત્યાંનું ચલણ છે.

માદુરોનો કાર્યકાળ

ઇમેજ સ્રોત, REUTERS
માર્ચ 2013માં તત્કાલીન રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેસના મૃત્યુ બાદ યોજાયેલી ચૂંટણીમાં નિકોલસ માદુરો વિજયી થયા હતા.
જોકે, તેમના હરિફ હેન્રીક કેપ્રિલ્સથી માત્ર 2 ટકા મતોના તફાવતથી તેમને વિજય મળ્યો હતો.
માદુરોએ સત્તા સંભાળી તે વર્ષ આર્થિક પડકારોથી ભરપૂર રહ્યું હતું. ત્યારે ફુગાવો વાર્ષિક પચાસ ટકાના દરે વધી રહ્યો હતો. તેથી તેમણે સરકાર પાસેથી એક વર્ષ માટે કેટલીક ખાસ સત્તાની માગણી કરી હતી.
તમને આ પણ વાંચવું ગમશે
આ સત્તા દ્વારા તેમણે દેશની કંપનીઓના નફા અને વસ્તુઓ તેમજ સેવાઓની કિંમત પર નિયંત્રણો મૂક્યા હતા.
જેના કારણે વર્ષ 2016 અને 2017માં સરકાર વિરૂદ્ધના પ્રદર્શનો થયા હતા.
ક્રૂડની કિંમતોમાં ઘટાડાના કારણે સરકારે તેના સામાજિક કાર્યક્રમોમાં પણ કાપ મૂકવાની ફરજ પડી હતી.

શા માટે ચૂકવણી ન કરી શકાઈ?

ઇમેજ સ્રોત, Getty Images
આ દેશને વિદેશમાંથી મળતી કુલ આવકના 95 ટકા ક્રૂડઑઈલ નિકાસમાંથી મળે છે. ક્રૂડની કિંમતોમાં ઘટાડાનાં કારણે વેનેઝુએલા પર આર્થિક સંકટ આવ્યું હતું.
આ સંકટના કારણે ક્રૂડઑઈલ ઉત્પાદનની પ્રક્રિયાને પણ અસર થઈ છે.
વેનેઝુએલાને 200 મિલિયન ડૉલરના દેવાંરૂપે બે બોન્ડ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. જેની ચૂકવઈનો સમય જતો રહ્યો છે.
'એસ એન્ડ પી' નામની એજન્સીનું કહેવું છે કે કુલ 420 મિલિયન ડૉલરની કિંમતના ચાર બોન્ડ હજુ પણ વેનેઝુએલાએ પરત ચૂકવવાના છે. જોકે આ ચૂકવણીની મુદ્દત હજુ બાકી છે.
ઉપરાંત રશિયા અને ચીન જેવા દેશો પાસેથી લીધેલાં 140 બિલિયન ડૉલરના દેવાની ચૂકવણી પણ હજુ બાકી છે.
વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં સરકારના અધિકારીઓ અને લેણદારોની એક બેઠક યોજાઈ હતી, જેમાં દેવા બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠક બાદ લેણદારોએ પત્રકારોને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે સરકાર પાસે કોઈ નક્કર પ્રસ્તાવ ન હોવાના કારણે 25 મિનિટ સુધી ચાલેલી આ બેઠક નિષ્ફળ રહી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












