લેબનનના બહાને વધી રહ્યો છે શિયા અને સુન્ની વિવાદ?

હિઝબુલ્લાહ નેતા નસરલ્લાહે આરોપ મૂક્યો છે કે સાઉદી અરેબિયા દ્વારા લેબનન પર યુદ્ધ થોપવામાં આવી રહ્યું છે.

લેબનના શિયા આંદોલન હિઝબુલ્લાહને ઈરાનનું સમર્થન હાંસલ છે.

સંગઠનનું કહેવું છે કે સાઉદી અરેબિયા દ્વારા લેબનન તથા મધ્ય-પૂર્વમાં અસ્થિરતા ફેલાવવામાં આવી રહી છે.

લેબનનું રાજકીય સંકટ હોય કે સીરિયા અને ઈરાકમાં પ્રવર્તમાન સંઘર્ષ, આ મુદ્દાઓમાં શિયા-સુન્ની મતભેદ ઉડીને આંખે વળગે છે.

મતભેદનાં મુખ્ય કારણ

શું આપ જાણો છો કે શિયા અને સુન્નીના મતભેદનાં મૂળમાં શું છે?

સુન્નીઓના પ્રભુત્વવાળા સાઉદી અરેબિયાને ઇસ્લામનું જન્મસ્થળ માનવામાં આવે છે.

ઇસ્લામિક વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સ્થાનો અહીં આવેલાં છે.

સાઉદી અરેબિયાની ગણતરી વિશ્વના ધનિક રાષ્ટ્રોમાં થાય છે. જેના અર્થતંત્રનો મુખ્ય આધાર ક્રૂડઑઈલ ઉત્પાદન છે.

સાઉદી અરેબિયાને ભય છેકે ઈરાન મધ્ય-પૂર્વીય રાષ્ટ્રો પર તેનું પ્રભુત્વ વધારવા માંગે છે.

એટલે જ તે શિયાઓના વધી રહેલા પ્રભાવનો વિરોધ કરે છે.

શિયા અને સુન્નીઓમાં તફાવત

મુસ્લિમોમાં મુખ્ય બે જૂથ છે : શિયા અને સુન્ની.

મોહમ્મદ પયગંબરના મૃત્યુ બાદ મુસ્લિમોનું નેતૃત્વ કોણ કરે, આ મુદ્દે વિવાદ થયો અને મુસ્લિમોમાં વિભાજન થયું.

મુસ્લિમોમાં સુન્નીઓની બહુમતી છે. એક અંદાજ પ્રમાણે, સુન્નીઓની વસતી 85થી 90 ટકા જેટલી છે.

બંને સમુદાયો સદીઓથી એકસાથે રહેતાં હતાં. બંને સમુદાયોના રીતિરિવાજો અને ધાર્મિક આસ્થા સરખી છે.

ફિરકાઓમાં વિભાજન

એક સમયે ઈરાકના શહેરી વિસ્તારોમાં શિયા અને સુન્ની સમુદાય વચ્ચે નિકાહ થવા સામાન્ય બાબત હતી.

પરંતુ તેમની વચ્ચે સિદ્ધાંત, પરંપરા, કાયદા, ધર્મશાસ્ત્ર અને ધાર્મિક સંગઠનને લગતા તફાવત છે.

લેબનન, સીરિયા, ઈરાક તથા પાકિસ્તાનમાં શિયા-સુન્ની સંઘર્ષ પ્રવર્તે છે.

જેનાં કારણે બંને ફિરકાઓ વચ્ચે તિરાડ વધુ પહોળી થઈ છે.

સુન્નીઓમાં દેવબંધી, બરેલવી, માલિકી, શાફઈ, હંબલી, અહલેહદિસ, શલફી, વહાબી અને અહમદિયાનો સમાવેશ થાય છે.

શિયાઓમાં ઇસ્ના અશઅરી, ઝૈદી પ્રમુખ છે. જ્યારે શિયાઓના ઇસ્માઇલી જૂથમાં ફાતમી, વ્હોરા, ખોજા અને નુસૈરી મુખ્ય છે.

કોણ છે સુન્ની?

સુન્ની ખુદને ઇસ્લામનો સૌથી વધુ ધર્મનિષ્ઠ અને પારંપરિક ફિરકો માને છે.

સુન્ની શબ્દ 'અહલ અલ-સુન્ના' પરથી ઉતરી આવ્યો છે. જેનો મતલબ પરંપરામાં માનનાર, એવો થાય છે.

આ મામલે પરંપરા એટલે એવા રિવાજો કે જે મોહમ્મદ પયગંબર કે તેમની નજીક લોકોના વ્યવહાર કે દ્રષ્ટાંતો પર આધારિત હોય.

કુરાનમાં જેમનો ઉલ્લેખ છે એવા તમામ પયગંબરોને સુન્નીઓ માને છે. મોહમ્મદ અંતિમ પયગંબર હતા.

કોણ છે શિયા ?

ઇસ્લામના પ્રારંભિક ઇતિહાસમાં શિયા રાજકીય સમૂહ હતા. 'શિયત અલી' એટલે કે અલીની પાર્ટી.

શિયાઓનો દાવો છે કે મુસ્લિમોનું નેતૃત્વ કરવાનો અધિકાર અલી તથા તેમના વંશજોને જ છે. અલીએ મોહમ્મદ પયગંબરના જમાઈ હતા.

મુસ્લિમોના નેતા કે ખલીફા કોણ બનશે, તે અંગે સંઘર્ષ થયો.

જેમાં અલીનું મૃત્યુ થયું હતું. તેમના પુત્રો હુસેન તથા હસનના નામે પણ ખલીફા બનવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

હુસેનનું મૃત્યુ યુદ્ધ ભૂમિમાં થયું હતું. એવું માનવામાં આવે છે કે, હસનને ઝેર આપવામાં આવ્યું હતું.

આ ઘટનાઓને કારણે શિયાઓમાં શહાદત તથા માતમને આટલું મહત્વ આપવામાં આવે છે.

એક અંદાજ મુજબ શિયાઓની વસતી 10 ટકા જેટલી છે. એટલે કે તેમની વસતી 12થી 17 કરોડની વચ્ચે છે.

ઈરાન, ઈરાક, બહેરીન અઝરબૈઝાન અને કેટલાક આંકડાઓ મુજબ યમનમાં શિયાઓ બહુમતીમાં છે.

ઉપરાંત અફઘાનિસ્તાન, ભારત, કુવૈત, પાકિસ્તાન, લેબનન, કતાર, સીરિયા, તુર્કી, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમિરાતમાં તેમની ખાસ્સી એવી સંખ્યા છે.

હિંસા માટે કોણ જવાબદાર?

જે દેશોમાં સુન્નીઓની સરકારો છે, ત્યાં શિયાઓ ગરીબ છે. તેઓ ખુદને ભેદભાવ અને દમન પીડિત માને છે.

વર્ષ 1979ની ઈરાની ક્રાંતિ સાથે ઉગ્ર શિયા ઇસ્લામિક એજન્ડા શરૂ થયો.

સુન્ની સરકારોએ આ ક્રાંતિને સંભવિત પડકાર તરીકે જોઈ, વિશેષ કરીને ખાડી દેશોમાં તેની અસર જોવા મળી.

ઈરાને અન્ય રાષ્ટ્રોના શિયા લડવૈયા તથા પાર્ટીઓને સમર્થન આપ્યું. જેના કારણે ખાડી દેશોએ પડકાર જોયો.

શિયા પડકારને પહોંચી વળવા ખાડી દેશોએ પણ સુન્ની સંગઠનોને મજબૂત કર્યાં.

સુન્ની સરકારોએ વિદેશોમાં સુન્ની આંદોલન સાથે સંપર્ક વધાર્યા, અને મજબૂત થયા.

લેબનનમાં ગૃહયુદ્ધ દરમિયાન શિયાઓને હિઝબુલ્લાહની સૈન્ય કાર્યવાહીઓને કારણે રાજકીય રીતે મજબૂતી મળી.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાલિબાન જેવા કટ્ટરવાદી સુન્ની સંગઠનો મુખ્યત્વે શિયાઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો