બ્રિટિશ ગુજરાતી મૂળના મંત્રી પ્રીતિ પટેલનું રાજીનામું, ક્યાં થઈ ચૂક?

ઇમેજ સ્રોત, PA
બ્રિટનની સરકારમાં ગુજરાતી મંત્રી પ્રીતિ પટેલે તેમની ખાનગી યાત્રા દરમિયાન ઇઝરાયલના નેતાઓ સાથે કરેલી મુલાકાતો બાબતે વિવાદ થવાથી કારણે રાજીનામું આપ્યું છે.
ઑગસ્ટમાં ખાનગી પારિવારિક રજાઓ પસાર કરવા માટે ઇઝરાયલ ગયેલાં પ્રીતિ પટેલે વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ અને અન્ય ઇઝરાયલી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાતોની જાણકારી તેમણે બ્રિટનની સરકાર કે ઇઝરાયલમાં બ્રિટનના રાજદૂત કાર્યાલયને આપી નહોતી.
જોકે, ત્યારબાદ પ્રીતિ પટેલે વિવાદ બાદ સોમવારે માફી માંગી હતી, પરંતુ તેની કોઈ ખાસ અસર ન થઈ અને તેમણે આફ્રિકાનો પ્રવાસ વચ્ચે છોડીને દેશ પરત ફરવું પડ્યું હતું.
તમને આ વાંચવું પણ ગમશે:
બુધવારે આપેલાં રાજીનામામાં પટેલે જણાવ્યું છે કે ''તેમની પાસેથી જે ઉચ્ચ માપદંડોની અપેક્ષા રાખવામાં આવે છે તેમનાં કાર્યો તેનાથી નીચા રહ્યાં છે.''

કોણ છે પ્રીતિ પટેલ?

ઇમેજ સ્રોત, EPA
45 વર્ષનાં બ્રિટિશ રાજકારણી પ્રીતિ પટેલ લંડનના એસેક્સમાં વિટહેમ બેઠક પરથી કન્ઝર્વેટિવ પાર્ટીનાં સાંસદ છે.
તે યુ.કે.નાં રાજકારણમાં ઉચ્ચ પદ મેળવનાર અત્યાર સુધીનાં એક માત્ર મૂળ ગુજરાતી છે. તેમની પાર્ટીમાં તેમને એક આશાસ્પદ નેતા તરીકે જોવામાં આવે છે.
તેમણે બ્રિટિશ સરકારમાં ઘણાં પદો પર કામ કર્યું છે. જુલાઈ-2016માં તે 'ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ' મંત્રી નિમાયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પદ પર વિકાસશીલ દેશોને આપવામાં આવતી આર્થિક મદદ બાબતનાં કાર્યો પર દેખરેખ રાખવાનો પણ સમાવેશ થાય છે.
તે સૌપ્રથમ મે-2010માં યુ.કે.ની વિતમ બેઠક પરથી સાંસદ ચૂંટાયા હતા.
જ્યારે વર્ષ 2015માં તે ફરીથી સાંસદ ચૂંટાયા હતા પણ 2017માં થેરેસા મે દ્વારા જાહેર કરાયેલા સ્નેપ ઈલેક્શનમાં પણ તેમણે ચૂંટણી જીતીને બેઠક જાળવી રાખી.
વર્ષ 2016માં પ્રીતિ પટેલ બ્રિટને યુરોપિયન સંઘમાંથી બહાર નીકળવું કે કેમ તે માટેના જનમત સંગ્રહમાં 'લીવ' એટલે કે બ્રિટને તેમાંથી નીકળી જવું જોઈએ તેના સમર્થનનું અભિયાન ચલાવ્યું હતું.
તેમણે સજાતીય લગ્નો વિરુદ્ધ મતદાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ધુમ્રપાન પર પ્રતિબંધના વિરોધમાં પણ અભિયાન કર્યું હતું. તે વર્ષોથી ઇઝરાયેલનાં સમર્થક રહ્યાં છે.

વિવાદોમાં કેમ છે પ્રીતિ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images
ગયા અઠવાડિયે બીબીસીએ જણાવ્યું હતું કે તેમણે ઓગસ્ટમાં ઇઝરાયલમાં પારિવારિક રજાઓ ગાળવાં ગયેલાં પ્રીતિ પટેલે ઇઝરાયલના અધિકારીઓ અને વેપાર જગતના લોકો સાથે ગુપ્ત મુલાકાત કરી હતી.
તેમણે ઇઝરાયલની એક મુખ્ય વિપક્ષી પાર્ટીના એક નેતા સાથે મુલાકાત કરી હતી અને ઘણી સંસ્થાઓના પ્રવાસ પણ કર્યા હતા, જ્યાં આધિકારિક કાર્યો વિશે પણ ચર્ચા થઈ હતી.
તે અસામાન્ય હતું કેમ કે સરકારના મંત્રીઓએ વિદેશોમાં પોતાના કાર્ય વિશે સરકારને જાણકારી આપવી પડે છે.
પોતાની યાત્રા બાદ પ્રીતિ પટેલે સૂચન કર્યું કે બ્રિટનના આર્થિક બજેટનો કેટલોક ભાગ ઇઝરાયલની સેના માટે પણ જવો જોઈએ.
પ્રીતિ પટેલના આ પ્રસ્તાવને અનેક અધિકારીઓએ અયોગ્ય ગણાવ્યો હતો. અન્ય દેશોની જેમ બ્રિટને ક્યારે પણ સીરિયાના ગોલન હાઇટ્સ વિસ્તાર પર ઇઝરાયલના નિયંત્રણને માન્યતા આપી નથી.
ઇઝરાયલના 1967ના યુદ્ધ બાદ આ ક્ષેત્ર પર કબ્જો કર્યો હતો.

શું હતી પ્રીતિ પટેલની પ્રતિક્રિયા?

ઇમેજ સ્રોત, Getty Images
રાજીનામું આપ્યા પહેલાં પ્રીતિ પટેલે પોતાની મુલાકાતો વિશે વિદેશ વિભાગને જાણકારી ન આપવા બદલ માફી માગી હતી. તેમણે સંકેત આપ્યા હતા કે વિદેશ મંત્રી બોરિસ જોનસનને તેની યાત્રા વિશે ખ્યાલ હતો.
સરકારે શરૂઆતમાં પ્રીતિ પટેલની માફીને સ્વીકારતા કહ્યું હતું કે વડાપ્રધાન ટેરેસા મેએ તેમને જવાબદારીનું ભાન કરાવ્યું છે.
વિદેશી વિભાગના એક મંત્રીએ તેમની મુલાકાતોનો બચાવ કરતા કહ્યું હતું કે તેમના કારણે બ્રિટનની વિદેશ નીતિમાં કોઈ ફેરફાર થયો નથી.
જો કે, વિપક્ષી લેબર પાર્ટીએ માંગ કરી હતી કે પ્રીતિ પટેલની તપાસ થવી જોઈએ અથવા તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. લેબર પાર્ટીએ તેમના પર નિયમોનું ઉલ્લંઘનના આરોપો પણ લગાડ્યા હતા.
સોશિઅલ મીડિયા પર પણ પ્રીતિ પટેલે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ સવાલ કર્યો હતો કે પારિવારિક રજાઓ પર કોઈ અન્ય દેશના નેતાને શા માટે મળે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












