પાકિસ્તાનમાં ટામેટાં 300 રૂપિયે કિલો!

ટામેટા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મોહમ્મદ ઝુબેર ખાન
    • પદ, ઇસ્લામાબાદ

પાકિસ્તાનમાં સત્તત ત્રણ અઠવાડિયાથી વધી રહેલી ટામેટાંની કિંમતો પર કાબુ મેળવી શકાયોનથી. પાકિસ્તાનમાં ટામેટાં 300 રૂપિયે કિલો થયાં છે.

ટામેટાંની વધતી જતી કિંમતોએ સામાન્ય પરિવારોના બજેટ પર અસર કરી છે. જેને કારણે ઘણા લોકોએ ટામેટાંનો ઓછો ઉપયોગ કરવાનું પસંદ કર્યું છે.

ઈસ્લામાબાદ સ્થિત એક ગૃહિણી આફતાબ નસરીને કહ્યું, "અમે દરરોજ સો રૂપિયાથી વધારે શાકભાજી પર ખર્ચ કરી શકતા નથી. ઘરમાં છ લોકોના ભોજન પર બસો થી પાંચસો રૂપિયાનો ખર્ચ થાય છે. જેમાં ક્યારેક ક્યારેક માંસ, ચિકન, દાળ અને શાકભાજીનો સમાવેશ થાય છે. આવી પરિસ્થિતિમાં ૨૫૦ રૂપિયે કિલોના ભાવના ટામેટાં ખરીદવા મુશ્કેલ છે."

તમને આ પણ વાંચવું ગમશે

બીજી અન્ય ગૃહિણી ગુલ ફિશાએ કહ્યું, "ટમેટાંના ભાવે અમારા સમગ્ર બજેટને પ્રભાવિત કર્યું છે. તે ખોરાકનો સ્વાદ અને સુગંધ વધારે છે. જો ભોજનમાં ટામેટાં ન હોય તો બાળકો જમતા નથી. અમે અમારા રોજિંદા ખર્ચમાં થોડો વધારો કરી ને બાળકો માટે થોડા પ્રમાણમાં ટામેટાં ખરીદી શકીયે છીએ."

પાકિસ્તાનમાં ટામેટા

પાકિસ્તાનમાં શાકભાજી વહેંચનારો

ઇમેજ સ્રોત, Getty Images

ગુલ ફીશા કહે છે કે આ પહેલાં ટામેટાં અથવા અન્ય કોઈ શાકભાજીની કિંમત આટલા લાંબા સમય માટે વધેલી નથી રહી. સરકારે શક્ય તેટલી વહેલી તકે આ પરિસ્થિતિ પર કાબુ મેળવવો જોઈએ.

પાકિસ્તાનમાં વિવિધ શહેરોના બજારો પર નજર રાખનારા લોકોના કહેવા અનુસાર સોમવારે ટમેટાં ભાવ ૨૧૦ થી ૩૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતા. ટામેટાંની આવી કિંમત પહેલા કદી જોવા મળી નથી.

ઓલ પાકિસ્તાન ફ્રૂટ એન્ડ વેજીટેબલ બજારના અધ્યક્ષ મલિક સોની કહે છે, "પાકિસ્તાનમાં ઉપયોગમાં લેવામાં આવતા શાકભાજીમાં સૌથી વધુ ઉપયોગ ટામેટાંનો કરવામાં આવે છે. એક અંદાજ અનુસાર પાકિસ્તાનમાં પ્રતિ દિન બે હજાર ટન ટામેટાંનો વપરાશ થાય છે."

વધુમાં મલિક સોની ઉમેરે છે, "પરંતુ કમનસીબે છેલ્લી સિઝનમાં સિંધ પ્રાંતના ઠટ્ટા જિલ્લા અને ખૈબર પખ્તૂનખ્વાહના દરગઈમાં ટામેટાંનો પાક બરબાદ થઈ ગયો છે. જેને કારણે આ વર્ષે ઓગસ્ટ અને ઓક્ટોબર સુધીની ટામેટાંની જરૂરિયાત અફઘાનિસ્તાનથી પૂરી કરવામાં આવતી હતી."

અફઘાન સરહદથી...

પાકિસ્તાનમાં ટામેટા ઉગાવનારો ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

મલિકે આગળ કહ્યું, "પરંતુ આ વર્ષે અફઘાન સરહદ ઉપર અનિશ્ચિતતા વધી ગઈ છે. ઘણી વખત સરહદ બંધ હોવાથી ટામેટાંનો પૂરવઠો અવરોધાયો હોય, દેશમાં (પાકિસ્તાનમાં) ટામેટાંનો અછત વર્તાય છે અને એને કારણે ટામેટાંના ભાવ વધ્યા છે."

મલિક સોની અનુસાર, "પાકિસ્તાનને દૈનિક ૪૦ ટનના ૫૦ ટ્રક ભરેલા ટામેટાંની જરૂરિયાત છે, પરંતુ સોમવાર સુધીમાં ટામેટાં ભરેલા માત્ર દસ ટ્રક પહોંચ્યા. આ એક કારણથી ટામેટાંના એક ૧૨ કિલોના કરંડિયા કે ટોપલાની કિંમત ૧,૩૦૦ થી ૧,૬૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ"

તેમણે જણાવ્યું હતું કે જો અફઘાનિસ્તાનથી ટામેટાંનો એક અવિરત પુરવઠો શરૂ થાય અને સરહદ બંધ ન હોય તેવી પરિસ્થિતિ સર્જાય તો ટામેટાંની કિંમતો ઓછી થઈ શકે છે.

છેલ્લા 20 વર્ષોમાં શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા મિયાં વકારે જણાવ્યું હતું કે સ્વાત (અફઘાનિસ્તાન) પણ મોટા પાયે ટામેટાંની માંગ પૂર્ણ કરી શકે છે પરંતુ આ વર્ષે ટામેટાંની સીઝન મોડી શરૂ થઇ છે.

પાકિસ્તાનમાં શાકભાજી વહેંચનારો

ઇમેજ સ્રોત, Getty Images

મિઅન વકારે કહ્યું, "ટામેટાંનો પાક ઠટ્ટા અને દરગઈમાં પહેલાથી જ ખરાબ થઈ ગયો હોવાને કારણે અને અફઘાનિસ્તાન સરહદ પર વારંવાર પ્રતિબંધ લાગવાને કારણે દેશમાં ટામેટાંની અછત વર્તાઈ રહી છે. આ કારણોસાર ટામેટાંનો જથ્થો ઉપલબ્ધ નથી. ટામેટાંની કિંમતો સત્તત વધી રહી છે અને બેકાબુ થઈ ગઈ છે."

મિયાં વકારે વધુમાં જણાવ્યું, "સ્વાતના ટામેટાં આગામી થોડા દિવસોમાં બજારમાં આવી જશે, પરંતુ આ સ્વાતના ટામેટાંનો જથ્થો માત્ર ખૈબર પખ્તુનખ્વાહમાં પડેલી પાકની ખોટને પૂરી કરી શકશે. જ્યારે સમગ્ર ખોટને પૂર્ણ કરવા માટે બલુચિસ્તાન અને સિંધના પાકની રાહ જોવી પડશે."

તેમણે કહ્યું, "આ પાક ડિસેમ્બર સુધીમાં બજારમાં આવશે અને હાલમાં પાકિસ્તાને પોતાની ટામેટાંની જરૂરિયાત પુરી કરવા માટે અફઘાનિસ્તાન પર આધાર રાખવો પડશે. જેના માટે સીમાપરથી કોઈ વિક્ષેપ વિના પુરવઠો ચાલુ રહે તેની ખાતરી કરવી પડશે."

જોકે, નિષ્ણાતો માને છે કે જેવો નવો ટામેટાંનો પાક બજારમાં આવશે તેની સાથે સાથે ટામેટાંની કિંમતો ઘટી પણ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો