You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂતોની સમસ્યા : 'મોદીજી ૬૮ પૈસા તમારા અપમાન માટે નથી મોકલ્યા'
- લેેખક, મુરલી રાવ કૃષ્ણન
- પદ, બીબીસી તેલુગુ
“અમે આર્થિક રીતે ખૂબ જ નબળા છીએ, તેથી તમારા જન્મદિવસે૬૮ પૈસાનોજ ચેક મોકલી શકીએ છીએ, આટલી વિનમ્રતા સાથે મોકલેલા આ ચેકનો સ્વીકાર કરીને રાયલસીમા ક્ષેત્રની જનતા માટે પ્રાર્થના કરશો,” ચેક મોકલ્યા બાદ આરએસએસએસ એ આ અપીલ કરી છે.
આરએસએસએસનો અર્થ અહીં “રાયલસીમા સાગુનીતી સાધના સમિતિ” છે. રાયલસીમા આંધ્રપ્રદેશનો એક પછાત વિસ્તાર મનાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આરએસએસએસ તરફથી મોકલવામાં આવેલો ૬૮ પૈસાનો આ ચેક હવે સોશિઅલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
આરએસએસએસે જણાવ્યું હતું કે વડાપ્રધાન તેમને મોકલાયેલા 68 પૈસાના ચેકને તેમનું અપમાન ન સમજે, પરંતુ રાયલસીમા વિસ્તારના લોકોની ખરાબ પરિસ્થિતિને સમજે.
આરએસએસએસ છેલ્લા ઘણા વર્ષોથી રાયલસીમા વિસ્તારમાં સિંચાઈ યોજનાઓને અમલમાં મુકવાની માંગણી સાથે કામ કરી રહ્યું છે.
તમને આ વાંચવું પણ ગમશે :
આરએસએસએસની માંગણી છે કે, આંધ્રપ્રદેશ રાજ્ય વિભાજન સમયે અધિનિયમો જે વાયદા કરવામાં આવ્યાં હતાં તેનો અમલ થાય.
પોતાની સમસ્યાઓ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન ખેંચવા માટે આરએસએસએસ સાથે જોડાયેલા સેંકડો ખેડૂતોએ ૬૮ પૈસાના ચેક પીએમના નામે મોકલ્યા હતા.
આરએસએસએસના પ્રમુખ બોજ્જા દસરાધા રામિરેડ્ડીએ કહ્યું, “અમે ઇચ્છીયે છીએ કે પીએમ મોદીને વધુ રકમની ભેટ આપીએ, પરંતુ અમારી આર્થિક સ્થિતિ તેવી નથી.”
તેમણે વધુમાં કહ્યું, “અમારી માંગણી છે કે, આંધ્રપ્રદેશ રાજ્ય વિભાજન અધિનિયમમાં કરવામાં આવેલા તમામ વચનોને પૂરા કરે અને રાયલસીમા ક્ષેત્ર અને અન્ય વિસ્તારો જેવો જ વિકાસ કરાવે. અમે વચન આપીએ છીએ કે આર્થિક રીતે સક્ષમ થયા બાદ અમે તેમને મોટી રકમ ભેટમાં આપીશું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરએસએસએસએ જણાવ્યું કે કડપ્પામાં સ્ટીલ પ્લાન્ટ સાથે વિકાસના અનેક કાર્યો માટેના વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ અમલીકરણ થયું જ નથી.
આરએસએસએસે એમ પણ જણાવ્યું કે, રાયલસીમામાં કૃષ્ણા, તુંગભદ્રા, પેન્ના, ચિત્રાવતી જેવી નદીઓ હોવા છતાં પણ દુષ્કાળની સમસ્યાનો કોઈ ઉકેલ નથી શોધાયો.
આરએસએસએસે ચેક સાથે લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે “આંધ્ર પ્રદેશ રાજ્ય વિભાજન અધિનિયમમાં રાયલસીમામાં પણ બુંદેલખંડની જેમ એક ખાસ પેકેજ આપવાની જાહેરાત થઈ હતી અને વચન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ તે વચન પૂર્ણ કરવાને બદલે રાયલસીમા વિસ્તારને માત્ર ૫૦ કરોડ રૂપિયા આપી દેવાયા.”
આરએસએસએસના પ્રતિનિધિ ડૉ. સીલમ સુરેન્દ્રએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, વિરોધ પ્રદર્શન પર તેમની ધરપકડ થઈ શકે તેવી શક્યતાઓ હોવાથી, સમિતિએ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાનું પસંદ કર્યું.
તેમણે કહ્યું કે, તમિલનાડુના ખેડૂતોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો કર્યા, પરંતુ કેન્દ્ર સરકારે તેમના આ વિરોધ પ્રદર્શનોને કોઈ મહત્વ નથી આપ્યું. આ જ કારણોસર આરએસએસએસના સભ્યોએ અલગ અંદાજમાં વિરોધ કરવાનું નક્કી કર્યું.