You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માતાએ છેક સુધી નહોતો કર્યો માફ, બીડી બનાવી કર્યો હતો ઉછેર
- લેેખક, નિતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, સરાયમીર
અઠવાડિયામાં ઘણીવાર ચંદરની દુકાનના ગુલાબજાંબુની જિયાફત થતી, મીનારા મસ્જીદની નાન અને સાલન સલેમને બહુ ભાવતાં.
સમય પસાર કરવા ગિલ્લી-દંડા અથવા આઝમગઢથી મંગાવેલી લખોટીઓ રમાતી. મહેફિલ પણ યુનુસભાઈના ટી-સ્ટૉલ પર જ જામતી. એ સમયમાં અબુ સલેમ, અબુ સાલિમ અંસારી હતો અને સરાયમીર નામના નાનકડાં ગામમાં રખડપટ્ટી કરતો હતો.
1993નાં મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટનાં ગુનામાં દોષી સાબિત થયા બાદ સલેમને જનમટીપની સજા ફટકારવામાં આવી છે. જેમ-જેમ અબુ સલેમ 'ગેંગસ્ટર' બની કુખ્યાત બનતો ગયો, તેમ સરાયમીર નામનું તેનું નાનકડું ગામ પ્રખ્યાત બનતું ગયું.
દાયકાઓ પહેલાં પઠાન ટોલામાં નાના ઘરમાં સલેમનો જન્મ થયો હતો. તેના પિતા અબ્દુલ કય્યુમ સલેમને પરાણે ઠપકો આપીને મદરેસામાં ભણવા લઈ જતા.
આજે આ મદરેસાની બાજુમાં જ આ પરિવારનું આલિશાન ઘર છે. ત્રણ માળના આ ઘરમાં એક મોંઘીદાટ એસયુવી કાર પણ પાર્ક કરેલી છે.
અભ્યાસમાં ધ્યાન ન આપનારા પુત્ર સલેમને તેને પિતા બહુ દિવસ સુધી મદરેસા ના લઈ જઈ શક્યા. બાઈક પર ઓફિસે જતા સમયે રોડ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું. સલેમનાં પાડોશીને એ દિવસ આજે પણ યાદ છે.
મા એ સલેમને છેલ્લા શ્વાસ સુધી માફ ના કર્યો
એ દિવસ યાદ કરતા પાડોશી કહે છે કે, ''અબુ સલેમની મા ઓછી શિક્ષિત અને સારા સ્વભાવની સ્ત્રી હતી. સલેમના પિતા વકીલ હતા. તેમને વકીલ હોવાનું અભિમાન હતું. તેઓ પત્નીને દબાવીને રાખવાનો પ્રયત્ન કરતા. પતિનાં મૃત્યુ બાદ સલેમની મા એ આખા પરિવારને સંભાળ્યો.''
બીડી બનાવીને એકલા હાથે ગુજરાન ચલાવનારી સલેમની મા એ છેલ્લા શ્વાસ સુધી અબુ સલેમને માફ ના કર્યો. સલેમ પર લાગેલા અંડરવર્લ્ડ સાથે સંડોવણીના અને 1993 બ્લાસ્ટનાં આરોપોથી તે વ્યથિત હતી. એ વ્યથાની સાથે જ તેમનું મૃત્યુ થયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું કરે છે સલેમનો પરિવાર ?
હાલ તો સરાયમીર સ્થિત આ આલિશાન ઘરમાં સલેમનો સૌથી મોટો ભાઈ અબુ હાકિમ ઉર્ફે ચુનચુન તેના પરિવાર સાથે રહે છે. 'ચાઈનીઝ ઢાબા' ચલાવનાર ચુનચુનને સરાયમીરમાં ખાસ કોઈ ઓળખતું નથી. કારણ કે એ મોટાભાગે નશામાં જ રહે છે.
સલેમનો બીજા એક ભાઈ અબુલ લૈસ પરિવારથી અલગ રહે છે. 2005માં સલેમને પોર્ટુગલથી ભારત લવાયા બાદ અબુલ જ વકીલો સાથે સલેમને મળવા પહોંચ્યો હતો.
સલેમનો ત્રીજો ભાઈ યૂપીનાં લખનઉમાં રહે છે. તે ત્યાં મોટી લોજ ચલાવે છે. તેની બન્ને બહેનોનાં નિકાહ થઈ ચૂક્યા છે. એક જગદીશપુરમાં રહે છે અને બીજી મુબારકપુરમાં રહે છે, પરંતુ સરાયમીરમાં તેનો વ્યવહાર ઓછો છે.
સલેમે 15-16 વર્ષની ઉંમરમાં જ સરાયમીર છોડી દીધું હતું. ત્યાંથી દિલ્હી થઈ તે મુંબઈ પહોંચ્યો હતો અને ગૅરેજનું કામ કરવા લાગ્યો હતો. સરાયમીરના તેને જૂના બે મિત્રો કહે છે, ''અમે તેને મુંબઈમાં એક-બે વાર મળ્યા હતા. વર્ષમાં એકાદ વાર તે ઘરે પણ આવતો.''
સલેમની હાઈ ફાઈ વાતો
એક પાડોશીએ કહ્યું, ''સલેમ દર વર્ષે વધુ સ્માર્ટ થઈને આવતો. તે હાઈ-ફાઈ વાતો પણ કરવા લાગ્યો હતો. આ પહેલાં તેના પર કોઈ ધ્યાન પણ નહોતું આપતું.''
અબુ સલેમે હંમેશા એ વાત નકારી કાઢી છે કે આઝમગઢમાં તેના નિકાહ થયા હતા. તેના પાડોશના કેટલાંક લોકોનો દાવો છે કે, ''20-21 વર્ષની ઉંમરે સલેમના નિકાહ પઢાયા હતા. એ યુવતી ખુદાદાદપુર ગામની હતી. પાડોશીઓના કહેવા પ્રમાણે, નિકાહ બે-ત્રણ વર્ષ જ ટક્યા હતા. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે તે પછી તે યુવતીના બીજા નિકાહ થયા હતા. થોડાં દિવસો પહેલાં તેના પુત્રના લગ્ન થયાં છે.
પરિજનો અને મિત્રોએ વાત કરવાનું ટાળ્યું
સલેમના પરિવારના કોઈ સભ્ય વાત કરવા તૈયાર નથી. સલેમ સાથે ગપ્પા લડાવી ચૂકેલા મોટાભાગના મિત્રો પણ વાત કરવા તૈયાર નથી.
સલેમના કારણે તેમની છબી ખરાબ થશે એ વિચારી ઘણા ખરા મિત્રો વાત કરતા ડરે છે. સલેમની માનું મૃત્યુ થયું, ત્યારે કોર્ટમાંથી રજા લઈને સલેમ સરાય મીર આવ્યો હતો. એ સમયે એના મિત્રો એનાથી દૂર રહ્યા હતા. સરાયમીર અબુ સલેમના લીધે પ્રખ્યાત થઈ ગયું છે.
સલેમને એના પરિજનો બહુ પસંદ નથી કરતા. આમ છતાંય બધાનું એવું માનવું છે કે સલેમે એમનું કોઇ ને કોઇ રીતે તો ભલું કર્યું જ છે.
બદલાઈ ગયું છે સરાયમીર
સમયની સાથે સાથે સરાયમીર પણ બદલાઈ રહ્યું છે.
હવે અહીં પણ સ્માર્ટફોન આવી ગયા છે. ઇન્ટરનેશનલ કોલ કરવા સરળ થઈ ગયા છે.
1997માં જ્યારે ટી-સિરીઝના માલિક ગુલશન કુમારની મુંબઈમાં હત્યા થઈ ત્યારે સરાયમીરમાં એ સમાચાર બે અઠવાડિયા પછી પહોંચ્યા હતા. હત્યારાઓએ જે ક્ટ્ટાનો ઉપયોગ કર્યો હતો તે બાજુના જ ગામ બમહૌરમાં બનેલો.
2016માં જ્યારે અબુ સલેમ પર જેલમાં હુમલો થયો, તો એ સમાચાર અડધા કલાક પછી સરાયમીરના લોકો યુટ્યૂબ પર લાઇવ જોઈ રહ્યા હતા.
બસ હવે ફરક એટલો છે કે 25 વર્ષ પહેલાં કેટલાંક લોકો અબુ સલેમના ખભે હાથ મૂકીને ઠઠ્ઠામશ્કરી કરતા હતા, એ જ લોકો અત્યારે જેલમાં બંધ સલેમની વાત કરતાય ખચકાય છે.