ગાંધીનગરમાં દલિત સમુદાયના લોકો એકઠા થયા, બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે

આજે ડૉ. બાબાસાહેબની જન્મજયંતી નિમિત્તે આજે ગાંધીનગરના રામકથામેદાનમાં ગુજરાતભરમાંથી આવેલા દલિત સમુદાયના લોકો બૌદ્ધધર્મનો અંગીકાર કરશે.

સ્વયંસૈનિક દળ સંગઠન દ્વારા અડાલજના ત્રિમંદિરથી લઈને ગાંધીનગર સુધી વાહનરેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રેલીમાં ગુજરાતભરમાંથી લગભગ 350 બસ ભરીને દલિત સમુદાયના લોકો ભાગ લેવા માટે આવ્યા હતા.

એસએસડી સંગઠનના આગેવાનોએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે આ રેલીમાં ગુજરાતભરમાંથી જેટલા લોકો આવ્યા છે, તેમાંથી મોટા ભાગના લોકો ગાંધીનગરના રામકથામેદાન ખાતે બૌદ્ધધર્મ અંગીકાર કરશે.

અમેરિકા: ટેક્સાસના ડેરી ફાર્મમાં વિસ્ફોટ, 18 હજાર ગાયોનાં મોત

અમેરિકાના ટેક્સાસ પ્રાંતના પશ્ચિમ વિસ્તારમાં એક ડેરી ફાર્મમાં વિસ્ફોટ થવાના કારણે 18 હજાર ગાયોનાં મોત થયાં છે.

અમેરિકામાં ફાર્મમાં લાગેલી આ અત્યાર સુધીની સૌથી મોટી આગ કહેવાઈ રહી છે.

ડિમિટ શહેર નજીક બનેલી સાઉથ ફોર્ક ડેરીમાં આ અઠવાડિયાની શરૂઆતમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં એક વ્યક્તિના ઘાયલ થવાની વાત પણ સામે આવી રહી છે.

અધિકારીઓનું માનવું છે કે ડેરી ફાર્મની મશીનરીના કારણે મિથેન ગૅસમાં આગ લાગી હશે.

કૅસ્ટ્રો કાઉન્ટી શેરિફના કાર્યાલયે આ વિસ્ફોટની તસવીરો શેર કરી છે, જેમાં ફાર્મમાંથી ધુમાડો બહાર નીકળતો જોવા મળી રહ્યો છે.

આગ અને ધુમાડાના કારણે ગભરામણ થવાથી કેટલી ગાયો મરી ગઈ છે, તેનો ચોક્કસ આંકડો ખબર પડી શક્યો નથી, પરંતુ શેરિફના કાર્યાલયે બીબીસીને જણાવ્યું હતું કે 18 હજાર ગાય ગુમ છે.

શેરિફે કહ્યું છે કે ફાર્મના જે ભાગમાં ગાયો હતી, ત્યાં સુધી આગ ફેલાઈ ગઈ હતી, તેથી ગાયોનાં મોત થયાં છે.

વડા પ્રધાન મોદીએ ઋષિ સુનક સાથે ફોન પર વાત કરી, ભારતવિરોધી તત્ત્વો સામે કડક કાર્યવાહીની માગ કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના પીએમ ઋષિ સુનકને બ્રિટનમાં ભારતીય દૂતાવાસની સુરક્ષા વધારવા અને ભારતવિરોધી તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા કહ્યું છે.

સુનક સાથે ફોન પર વાતચીત દરમિયાન મોદીએ એ તેમની સાથે ભારતમાં આર્થિક અપરાધો કરીને બ્રિટન ભાગી ગયેલા લોકોના પ્રત્યર્પણ મુદ્દે પણ વાત કરી હતી.

તેમણે સુનક પાસેથી તેમને ભારત પરત મોકલવા અંગે અત્યાર સુધીની પ્રગતિ વિશે જાણ્યું હતું.

હાલમાં જ ખાલિસ્તાની સમર્થકોનાં તત્ત્વોએ લંડનસ્થિત ભારતીય હાઈકમિશનની બારીઓ તોડી નાખી હતી અને ભારતના રાષ્ટ્રીય ધ્વજને પાડવાના પ્રયાસ કર્યા હતા. ત્યારથી જ ભારતીય હાઇકમિશનની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને માહિતી આપી છે કે બંને વડા પ્રધાનો વચ્ચે વેપાર અને આર્થિક ક્ષેત્રમાં સહયોગ સહિત અનેક દ્વિપક્ષીય મુદ્દા પર વાત કરી હતી. વડા પ્રધાન મોદીએ સુનકને વૈશાખીના પર્વ પર શુભકામનાઓ પણ પાઠવી હતી.

તેઓએ ઋષિ સુનકને સપ્ટેમ્બરમાં યોજાનારા જી20 શિખર સમ્મેલન માટે પણ આમંત્રણ આપ્યું છે. સુનકે જી20ના ભારતના અધ્યક્ષ પદ માટે બ્રિટનનું પૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું. બંને નેતા ગયા નવેમ્બરમાં ઇન્ડોનેશિયાના બાલીમાં જી20 બેઠકમાં મળ્યા હતા.

ફોર્ડ મોટર્સના છટણી કરાયેલા 350 કર્મચારીઓએ અમદાવાદમાં કર્યો વિરોધ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સાણંદના ફોર્ડ મોટર્સ દ્વારા છટણી કરાયેલા લગભગ 350 કામદારોએ ગુરુવારે અમદાવાદમાં ખાનપુરમાં આવેલા ડેપ્યુટી લેબર કમિશનરના કાર્યાલય સામે વિરોધપ્રદર્શન કર્યું હતું.

સાણંદ ખાતે ફોર્ડ મોટર્સના કામદારોના યુનિયન કર્ણાવતી કામદાર એકતા સંઘના પ્રમુખ વિજય બાપોદરાએ કહ્યું હતું કે, "અમે માત્ર વિરોધ નથી કર્યો, પરંતુ ગુજરાત સરકારને એક મેમોરેન્ડમ પણ આપ્યું હતું કે ફોર્ડ મોટર્સમાંથી 355 કામદારોની કયા આધારે છટણી કરવામાં આવી છે."

બાપોદરાએ વધુમાં કહ્યું હતું કે, "આ કામદારોને 11 જાન્યુઆરીએ ટર્મિનેશન લેટર આપવામાં આવ્યા હતા અને અમને મીડિયાનો સંપર્ક ન કરવા કહેવામાં આવ્યું હતું. કંપનીમાંથી આટલા બધા લોકોને કાઢી મૂકતા પહેલાં કંપનીએ રાજ્ય સરકારની પરવાનગી લેવી પડતી હતી. તેથી અમે જાણવા માગીએ છીએ કે, શું રાજ્ય સરકારે તેના માટે પરવાનગી આપી હતી અને તેમણે યુનિયનની જાણ બહાર આવું કેમ કર્યું."

અહેવાલ અનુસાર, 10 જાન્યુઆરી 2023ના રોજ ટાટા મોટર્સે ઔપચારિક રીતે સાણંદમાં ફોર્ડ મોટર્સની સંપત્તિ હસ્તગત કરી હતી અને લગભગ 37 ટકા કર્મચારીઓ ટાટા મોટર્સના કાર્યબળમાં જોડાયા હતા.

ગુરુવારે કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ખાનપુરમાં લેબર કમિશનર કાર્યાલયની મૂલાકાત લીધી હતી અને વિરોધ કરી રહેલા કામદારોને સમર્થન આપ્યું હતું.

મેવાણીએ વધુમાં કહ્યું હતું કે, "ગુજરાતમાં જે પોતાને એક મૉડલ તરીકે ગર્વ કરે છે, ત્યારે ફોર્ડ મોટર્સના 350થી વધુ કામદારો અહીં વિરોધપ્રદર્શનમાં બેઠા છે અને માગ કરી રહ્યા છે કે તેમને કંપનીમાંથી કાઢી મૂકવામાં ન આવે."

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, "અહીં બનેલી હજારો કાર પાછળ આ કામદારોનો હાથ છે અને આજે પણ તેઓ કામ કરવા તૈયાર છે, પરંતુ શ્રમ ધોરણો અને કરારોનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે, તેથી હું શ્રમમંત્રી પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરું છું અને એક સ્થાયી ઉકેલ લાવવા માગું છું."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો