બીબીસીનાં દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલયો પર આવકવેરાનો સર્વે ત્રીજા દિવસે પૂર્ણ

ઇમેજ સ્રોત, ANI
ભારતમાં બીબીસીનાં કાર્યાલયો પર આવકવેરાના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી તપાસ પૂર્ણ કરાઈ છે.
આ સર્વે મંગળવારે સવારે શરૂ થયો હતો. જે ત્રણ દિવસ ચાલ્યો હતો અને ગુરુવારે પૂર્ણ થયો છે.
બીબીસીના પ્રવક્તાએ જણાવ્યું છે, "આવકવેરાના અધિકારીઓ અમારી દિલ્હી અને મુંબઈ ઓફિસમાંથી નીકળી ગયા છે. અમે તંત્ર સાથે સહકાર ચાલુ રાખીશું અને આશા રાખીએ છીએ કે મામલાનો વહેલાસર ઉકેલ આવી જશે."
"અમે અમારા કર્મચારીઓની સંભાળ લઈ રહ્યા છીએ. એમાંથી કેટલાકને લાંબી પ્રશ્નોતરીનો સામનો કરવો પડ્યો છે, કેટલાકને આખી રાત રોકાવું પડ્યું છે - એમની સુખાકારી અમારી પ્રાથમિકતા છે. અમારું આઉટપુટ કાર્ય ફરીથી સામાન્ય થઈ ગયું છે અને અમે ભારત અને ભારતની બહાર અમારી ઑડિયન્સને સેવા આપવા માટે પ્રતિબદ્ધ છીએ."
"બીબીસી એક વિશ્વસનીય, સ્વતંત્ર મીડિયા સંગઠન છે. અમે અમારા કર્મચારીઓ અને પત્રકારો સાથે ઊભા છીએ જે ભય કે સમર્થન વગર રિપોર્ટ કરતા રહેશે. "
સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર ભારતમાં આયકર વિભાગના પ્રવક્તાએ આ અંગે કહ્યું કે "સર્વેની કાર્યવાહી દરમિયાન માત્ર એજ કર્મચારીઓનાં નિવેદન લેવાયાં જેમની ભૂમિકા મહત્ત્વની છે."
તેમણે કહ્યું કે, "પ્રારંભિક રીતે ફાઇનાન્સ અને કન્ટેન્ટ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા કર્મચારીઓનાં જ નિવેદન લેવામાં આવ્યાં છે. સર્વેની કાર્યવાહી દરમિયાન કોઈ પણ પ્રકારનાં ડિજિટલ ડિવાઇસ જપ્ત નથી કરવામાં આવ્યાં."
સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર તેમણે કહ્યું કે "બીબીસીનો સંપાદકીય સ્ટાફ જે આ કાર્યવાહી માટે જરૂરી નહોતો સમજવામાં આવ્યો તેમને નિયમિત રીતે કામ કરવા દેવાયા હતા. બીબીસી સ્ટાફના અધિકારીઓને જ્યારે વિનંતી કરવામાં આવી તેમને રાત્રે ઘરે પણ જવા દેવાયા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ કહ્યું કે "જે ડિવાઇસ મહત્ત્વનાં ગણવામાં આવ્યાં હતાં તેમનું ક્લોનિંગ કરવામાં આવ્યું હતું. ક્લોનિંગ પછી આ ડિવાઇસ પાછાં આપવામાં આવ્યાં હતાં. જ્યાં સુધી સર્વેની કાર્યવાહી પૂર્ણ ન થયા ત્યાં સુધી આયકર અધિકારીઓ આ સ્થળને છોડી શકે નહીં. કાર્યવાહી ખતમ થયા બાદ બધા જ આયકર અધિકારીઓ ત્યાંથી નીકળી ગયા છે."
આ પહેલાં સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પાર્ટીએ આ મામલે કહ્યું હતું કે કોઈ પણ સંસ્થા કાયદાથી ઉપર નથી. જોકે, કેટલીય વિપક્ષી પાર્ટીઓએ આ કાર્યવાહીને પગલે મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.
કેટલાંક માનવાધિકાર સંગઠનોએ પણ આવકવેરાની આ કાર્યવાહીની ટીકા કરી હતી અને એને પ્રેસની સ્વતંત્રતાના વિરોધમાં ગણી હતી.
નોંધનીય છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલ કરતી ડૉક્યુમૅન્ટરી યુનાઇડેટ કિંગડમમાં રજૂ કરાયાનાં સપ્તાહો બાદ નવી દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલયો પર આ તપાસ કરાઈ હતી.
વિપક્ષ કૉંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે આવકવેરાવિભાગની કાર્યવાહી પર કહ્યું હતું, "આ નિરાશાનો ધુમાડો છે અને એ દર્શાવે છે કે મોદી સરકાર ટીકાથી ડરે છે."
એમણે પોતાના નિવેદનમાં લખ્યું હતું, "ડરાવવા-ધમકાવવાના આ પ્રયાસોની અમે આકરા શબ્દોમાં નિંદા કરીએ છીએ. આ અલોકતાંત્રિક અને સરમુખત્યારી વલણ વધુ નહીં ચાલી શકે."
જોકે, ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ બીબીસીને 'વિશ્વની સૌથી ભ્રષ્ટ સંસ્થા' ગણાવી હતી. તેમણે કહ્યું હતું, "ભારત એક એવો દેશ છે જ્યાં દરેક સંસ્થાને તક આપવામાં આવે છે, ત્યાં સુધી, જ્યાં સુધી આપ ઝેર ના ઓકો."
ગૌરવ ભાટિયાએ એવું પણ કહ્યું કે આ તપાસ કાયદાની મર્યાદામાં છે અને આના ટાઇમિંગની સરકાર સાથે કંઈ લેવાદેવા નથી.
આ દરમિયાન 'ઍડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા'એ જણાવ્યું હતું કે તે આ તપાસને લઈને "ભારે ચિંતિત" છે.
ઍડિટર્સ ગિલ્ડે કહ્યું હતું, "આ સરકારની નીતિઓ કે સરકારી સંસ્થાઓની ટીકા કરનારાં મીડિયા સંસ્થાનોને ડરાવવા માટે સરકારી એજન્સીઓના ઉપયોગના ચલણનો જ એક ક્રમ છે."
પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયાએ પણ નિવેદન જાહેર કરીને આ કાર્યવાહીની ટીકા કરી હતી.
પ્રેસ ક્લબે સરકારની કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આનાથી ભારતની છબિને નુકસાન પહોંચશે.

ડૉક્યુમૅન્ટરી

ઇમેજ સ્રોત, Reuters
બીબીસીએ તાજેતરમાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડૉક્યુમૅન્ટરી પ્રસારિત કરી હતી. જેનાં કેટલાંક સપ્તાહો બાદ દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલયોની તપાસ કરાઈ. જોકે, આ ડૉક્યુમૅન્ટરી ભારતમાં પ્રસારિત કરવા માટે નહોતી.
આ ડૉક્યુમૅન્ટરી ગુજરાતનાં રમખાણો પર હતી. એ વખતે ભારતના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા.
આ ડૉક્યુમૅન્ટરીમાં કેટલાય લોકોએ ગુજરાતનાં રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર પ્રશ્નો કર્યા હતા.
કેન્દ્ર સરકારે ડૉક્યુમૅન્ટરીને પ્રૉપેગૅન્ડા અને કૉલોનિયલ માનસિકતા ઉપરાંત ભારતવિરોધી ગણાવતાં ભારતમાં એના ઑનલાઇન શૅરિંગને બ્લૉક કરવાનો પ્રયાસ કર્યો હતો.
બીબીસીએ કહ્યું હતું કે ભારત સરકારને આ ડૉક્યુમૅન્ટરી પર પોતાનો પક્ષ રાખવાની તક અપાઈ હતી. જોકે, સરકાર તરફથી કોઈ જવાબ નહોતો મળ્યો.
બીબીસીનું કહેવું છે કે "આ ડૉક્યુમૅન્ટરી પર સંપૂર્ણ ગંભીરતા સાથે રિસર્સ કરવામાં આવ્યું, કેટલાય અવાજો અને સાક્ષીઓને સામેલ કરવામાં આવ્યા અને વિશેષજ્ઞોનો મત લેવાયો તથા અમે ભાજપના લોકો સહિત કેટલાય પ્રકારના વિચારોને પણ સામેલ કર્યા."
ગત મહિને, દિલ્હીમાં પોલીસે આ ડૉક્યુમૅન્ટરીને જોવા માટે એકઠા થયેલા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય સહિત દેશની કેટલીય યુનિવર્સિટીઓમાં આ ડૉક્યુમૅન્ટરીને પ્રદર્શિત કરવામાં આવી હતી. જોકે, કેટલીય જગ્યાએ પોલીસ અને વિશ્વવિદ્યાલયના તંત્રે એને રોકવાના પ્રયાસો કર્યા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














