IND W vs Pak W : પાકિસ્તાન હાર્યું પણ ભારતનાં શફાલી વર્માને આઉટ કરનાર બાઉન્ડ્રી પરની એ છલાંગે દિલ જીતી લીધાં

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે કેપટાઉનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ટી20 મહિલા વર્લ્ડ કપ મુકાબલામાં સિદરા અમીને શફાલી વર્માને આઉટ કરવા માટે બાઉન્ડ્રી લાઇનથી માત્ર ઇંચ દૂર કૅચ ઝડપી લીધો હતો.
રન ચેઝમાં શફાલી ખતરનાક ફોર્મમાં જોવા મળી રહ્યા હતાં અને 33 રન પર બૅટિંગ કરતી વખતે શફાલીએ નશરા સંધુનાં એક બૉલ પર સ્ટ્રેટ ડ્રાઈવ ફટકારી હતી. જોકે સિદરા બાઉન્ડ્રી લાઇન પર હતાં અને તેમણે કૂદકો મારીને અને માત્ર એક હાથે રોમાંચક કૅચ ઝડપી લીધો હતો.
શરૂઆતમાં મજબૂત બૉલિંગ કરનારા ભારતીય બૉલરો પાકિસ્તાનની ઇનિંગ્સના પાછલા ભાગમાં પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયા અને એ કારણે પાકિસ્તાને 4 વિકેટે 149 રન બનાવી લીધા હતા.
ટૉસ જીતીને બૅટિંગ કરનાર પાકિસ્તાનની ટીમ આઠમી ઓવરમાં 3 વિકેટે માત્ર 43 રન બનાવી શકી હતી. પરંતુ તેણે શાનદાર રિકવરી કરી, જેમાં કેપ્ટન બિસ્માહ મારુફે (55 બૉલમાં 68 રન) અને આયેશા નસીમ (25 બૉલમાં 43 રન) સાથે તેમની ઇનિંગ્સના બીજા ભાગમાં 91 રન બનાવ્યા હતા. પાંચમી વિકેટ માટે અણનમ 81 રન જોડ્યા હતા.
મારૂફે સાત ચોગ્ગા ફટકાર્યા હતા જ્યારે નસીમે બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
ભારત માટે, ડાબોડી સ્પિનર રાધા યાદવ 21 રનમાં 2 વિકેટ ઝડપી સૌથી સફળ બૉલર રહ્યા હતા જ્યારે દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકરને એક-એક વિકેટ મળી હતી.
ફોર્મમાં ચાલી રહેલાં ઑફ-સ્પિનર દીપ્તિ શર્માએ બીજી ઓવરમાં જ પાકિસ્તાની ઓપનર જવેરિયા ખાન (8)ને આઉટ કર્યાં હતાં.
શરૂઆતના ઝટકા પછી પણ પાકિસ્તાને આક્રમણનો ઇરાદો દર્શાવ્યો હતો અને ચોથી ઓવરમાં વન-ડાઉન બિસ્માહ મારુફે સતત બે બાઉન્ડ્રી ફટકારી હતી. પાવરપ્લે ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર એક વિકેટે 39 રન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બૉલિંગમાં ફેરફારથી ભારતીયોને સફળતા મળી કારણ કે ડાબોડી સ્પિનર રાધા યાદવે સાતમી ઓવરમાં મુનીબા અલી (12)ને આઉટ કર્યાં હતાં.
તે પછીની ઓવરમાં એક સ્માર્ટ રિવ્યૂના પરિણામે વધુ એક વિકેટ પડી કારણ કે પૂજા વસ્ત્રાકરના ગ્લોવ્સને બૉલ અડી ગયો હોવાથી નિદા દારને આઉટ જાહેર કરાયાં.
ઉપરાઉપરી બે વિકેટ પડતા પાકિસ્તાનની રમત ધીમી પડી હતી અને 10 ઓવરના અંતે 3 વિકેટે 58 પર મર્યાદિત રહી ગઈ હતી.
મારૂફનો સાથ આપી રહેલા સિદરા અમીન 11 રન પર 13મી ઓવરમાં યાદવનો બીજો શિકાર બન્યાં હતાં.

વર્લ્ડકપમાં ભારતની શાનદાર શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
ભારત પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ટી20 વીમેન્સ વર્લ્ડ કપમાં રમાયેલી મૅચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને આ ટુર્નામેન્ટમાં પોતાની વિજયી શરૂઆત કરી છે.
પાકિસ્તાને આપેલું 150 રનનું લક્ષ્ય ભારતીય ખેલાડીઓએ 19મી ઓવરમાં જ મેળવી લીધું હતું.
ભારત તરફથી ઋચા ઘોષે 20 બૉલમાં પાંચ ચોક્કાની મદદથી નોટઆઉટ રહીને 31 રન બનાવ્યા, જ્યારે જેમિમા રોડ્રિગ્સે 38 બૉલમાં 53 રન બનાવ્યા. જેમિમાને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો.
બન્ને ખેલાડીઓએ ચોથી વિકેટ માટે અણનમ 58 રનની ભાગીદારી નોંધાવી અને ભારતને વિજય અપાવ્યો.
13મી ઓવરમાં આયેશા નસીમના આગમન સાથે પાકિસ્તાને રન બનાવવાની ગતિ વધારી દીધી હતી. તેમણે 16મી ઓવરમાં રેણુકા સિંઘના બૉલ પર છગ્ગો અને ચોગ્ગો ફટકાર્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














