ટ્રિપલ મર્ડર: ગટરલાઈનના મામૂલી ઝઘડામાં એક જ પરિવારના ત્રણની હત્યા કેમ થઈ?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારો ભાઈ વાડીએથી આવીને મારા પાનના ગલ્લે ઊભો રહ્યો. એ ગલ્લેથી ઘેર જવાનો નીકળ્યો એના પાંચ જ મિનિટમાં તેની હત્યા થઈ ગઈ. હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યાં સુધીમાં મારા ભાઈ અને તેમની પત્ની મૃત્યું પામ્યાં હતાં. મારા પિતા હજુ જીવિત હતા. તેઓ કશુ બોલી ન શક્યા, મને જોયો અને પ્રાણ ઊડી ગયા."

આ શબ્દો છે ફરિયાદી હિતેશ મેમકિયાના.

અમદાવાદ શહેરથી 131 કિલોમીટર દૂર આવેલા વઢવાણના ફુલગ્રામ ગામે ગટર જેવી નજીવી બાબતે એક જ પરિવારના ત્રણ સભ્યની હત્યા કરાઈ છે.

આરોપીએ પિતા, પુત્ર અને પુત્રવધૂને મોતને ઘાટ ઉતારી દીધા. ઘટના અંગે આગળ વાત કરતા હિતેશના ગળે ડૂમો બાઝી જાય છે.

તેઓ વારંવાર એક જ સવાલ કરે છે કે આટલી નજીવી બાબતમાં કોઈ વ્યક્તિ ત્રણ-ત્રણ હત્યા કેવી રીતે કરી શકે? ટ્રિપલ મર્ડરની આ ઘટના 6 ફેબ્રુઆરીની સવારે બની હતી.

બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર, ફુલગ્રામમાં સામ-સામે મકાનમાં રહેતા બે પરિવારો વચ્ચે એક મહિના પહેલા રસ્તા ઉપર ગટરની પાઇપલાઈન નાંખવા મુદ્દે બોલાચાલી થઈ હતી.

આ શાબ્દિક ટપાટપીની અદાવત રાખીને આરોપી અગરસંગ માતરણિયાએ સામેના મકાનમાં રહેતાં હમીર મેમકિયા, તેમના પુત્ર ધર્મેન્દ્ર અને પુત્રવધૂ દક્ષા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધાં.

હવે મૃતકના સ્વજનો ન્યાયની માગ કરી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીના 10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

'મારા ઘર તરફ બાઈક કેમ વાળ્યું?'

ધર્મેન્દ્રભાઈ અને તેમનાં પત્ની બાઈક પર વાડીએથી ઘરે પરત ફરતા રસ્તામાં મોટા ભાઈના પાનના ગલ્લે સોપારી-તમાકુનો મસાલો ખાવા રોકાયા અને બાદમાં ઘરે ગયા.

ઘરે પહોંચતા જ ઘરની સામે રહેતા આરોપી અરસંગે દંપતી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો. હુમલામાં પુત્ર અને પુત્રવધૂને બચાવવા ગયેલા પિતા હમીરભાઈ પર પણ આરોપીએ હુમલો કરી દીધો.

હિતેશ મેમકિયા બીબીસી સાથે વાત કરતા કહે છે, "મારો અડધો પરિવાર ખતમ થઈ ગયો. મારો પરિવાર વિખેરાઈ ગયો છે. અમારા પરિવારમાં અમે પુખ્તવયના છ લોકો અને ત્રણ બાળકો હતાં."

હિતેશ ઉમેરે છે,"મારો નાનો ભાઈ ધર્મેન્દ્ર ખૂબ જ શાંત સ્વભાવનો હતો, ક્યારેય અમારા પરિવારમાં પણ કોઈની સાથે ઝઘડો કર્યો નથી. તે એસટી બસમાં ડ્રાઇવર હતો. જૂના ઘરમાં સંકડાશ પડતા મારો ભાઈ પરિવાર સાથે દોઢ વર્ષ પહેલાં જ નવા ઘરમાં રહેવા ગયો હતો."

હિતેશે જણાવેલા ઘટનાક્રમ અનુસાર, એક મહિના પહેલા તેમની શેરીમાં ગટરલાઈનનું કામ ચાલી રહ્યુ હતું ત્યારે ધર્મેન્દ્રના ઘરની ગટરલાઈન આરોપીના ઘર પાસેથી પસાર થતી હતી. પછી તેમના ભાઈએ નોકરીથી આવીને લાઈન હટાવી લીધી હતી અને તે સમય ઝઘડો ખતમ થઈ ગયો હતો.

6 ફેબ્રુઆરીએ ધર્મેન્દ્ર અને તેમનાં પત્ની વાડીએથી ઘરે પરત ફર્યાં ત્યારે તેમની બાઈક પર પાણીનો કેરબો હતો. આથી તેણે લાંબો ટર્ન લઈને બાઇકને વાળી હતી. આ મુદ્દે આરોપીએ પોતાના ઘર તરફ બાઈક કેમ લાવી તેમ કહીને ઝઘડો કર્યો હતો.

હિતેશ કહે છે, "બોલાચાલી દરમિયાન તે અચાનક દોડીને ઘરેથી છરી લઈને આવ્યો હતો. મારો ભાઈ અને તેની પત્ની કંઈ સમજે તે પહેલાં તે તેમની પર તૂટી પડ્યો હતો. પહેલાં આરોપીએ મારા ભાઈની પત્ની પર હુમલો કર્યો હતો, પછી મારા ભાઈને છરીના ઘા માર્યા હતા.

તેઓ ઉમેરે છે, "ચીસાચીસ સાંભળીને મારા પિતા ઘરમાંથી દોડી આવ્યા હતા, તેમણે મારા ભાઈને બચાવવા માટે આરોપીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેણે મારા પિતાને પણ છરીના ઘા મારી દીધા હતા અને તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા."

"આ સમયે મારા ભાઈનો 7 વર્ષનો દીકરો ઘરે હતો, જે ત્યાંથી ભાગી ગયો હતો. આરોપી તેની પાછળ પણ છરી લઈને દોડ્યો હતો અને તેનો પીછો કર્યો હતો. જોકે, પડોશીઓએ મારા ભત્રીજાને ઘરમાં સંતાડી દીધો હતો. જેથી તેનો જીવ બચી ગયો હતો."

તેઓ કહે છે, "મારા પરિવારના ત્રણ લોકોને મારીને આરોપી પોતાના ઘરમાં પરત ફર્યો હતો. પડોશીઓએ સમયસૂચકતા દાખવીને આરોપીને તેના જ ઘરમાં પૂરી દીધો અને તત્કાલ પોલીસ બોલાવી હતી. પોલીસે અગરસંગની ધરપકડ કરી હતી."

"આ ઘટના સમયે અમારા સમાજના 200થી વધુ લોકો ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા હતા. અમે કાયદો અને વ્યવસ્થામાં માનીએ છીએ. જેથી અમે કાયદો હાથમાં લેવાના બદલે અમે આરોપીને પોલીસને હવાલે કરી દીધો હતો. અમને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે."

વઢવાણ તાલુકાના જોરાવર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર રાજદીપસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "મૃતક પરિવાર અને આરોપી વચ્ચે થોડાક સમય અગાઉ ગટરની પાઇપલાઈન નાખવા અંગે ઝઘડો થયો હતો. તે સમયે માત્ર સામાન્ય બોલાચાલી જ થઈ હતી."

"આ ઘટના બાદ આરોપી અગરસંગે છરી વડે હુમલો કરીને પિતા, પુત્ર અને પુત્રવધૂને મોતને ઘાટ ઉતારી દીધાં. મૃતક દંપતી વાડીએથી બાઈક પર આવી રહ્યું હતું અને તે કંઈ સમજે તે પહેલાં જ આરોપીએ તેમની પર છરી વડે હુમલો કર્યો હતો."

તેઓ ઉમેરે છે, "આ સમગ્ર ઘટનામાં પોલીસ તપાસ ચાલી રહી છે. મૂળ મોરવાડ ગામનો વતની આરોપી છેલ્લાં સાત વર્ષથી તેની માતા સાથે ફૂલગ્રામ ગામમાં રહેતો હતો. આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ હજુ સુધી તપાસમાં ધ્યાને નથી આવ્યો. દરેક પોલીસ સ્ટેશન પાસેથી આરોપીની વિગતોની તપાસ ચાલી રહી છે."

મૃતક દંપતીને એક 11 વર્ષની દીકરી અને 7 વર્ષનો દીકરો છે. હાલ તો આ બે બાળકો મૃતકના મોટાભાઈની પાસે છે, આ ઘટના બાદ બંને બાળકો પણ ડરેલાં છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો