ગુજરાત : શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવાઈ રહી છે કે કેમ એ ચકાસવાની સરકારને જરૂર કેમ પડી?

ઇમેજ સ્રોત, ADIVASI ACADEMY
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યની શાળાઓમાં ગુજરાતી વિષય પ્રાથમિક કક્ષાએ ભણાવાય છે કે કેમ તે અંગે જવાબ રજૂ કરવા અધિકારીઓને જણાવ્યું હતું
- ગુજરાત હાઇકોર્ટમાં થયેલ એક જાહેર હિતની અરજીમાં તમામ શાળાઓમાં ગુજરાતી ભણાવવા અંગેના પરિપત્રના અમલનો મુદ્દો ઉઠાવાયો હતો
- આ બાબતે હાઇકોર્ટે ગુજરાત સરકાર પાસેથી જવાબ માગતાં મામલો ફરી ચર્ચામાં આવ્યો છે

અમદાવાદ શહેર સહિત ગુજરાતનાં નાનાં અને મોટાં શહેરોમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલો વધી રહી છે પણ રાજ્ય સરકારના શિક્ષણવિભાગ દ્વારા તાજેતરમાં 4 ઑક્ટોબર 2022ના રોજ તમામ જિલ્લા શિક્ષણઅધિકારી, તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ ધિકારીને ઉદ્દેશી એક પરિપત્ર કરાયો છે. જેમાં તેઓની પાસે રાજ્યમાં આવેલી ગુજરાતી માધ્યમ સિવાયની કોઈ પણ બોર્ડની કે કોઈ પણ માધ્યમની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષયના શૈક્ષણિક કાર્ય બાબતની માહિતી માગવામાં આવી છે.
આ સાથે 2018માં ગુજરાતમાં આવેલી તમામ પ્રાથમિક સ્કૂલોમાં ગુજરાતી વિષય ભણાવવા ઠરાવ કરી આદેશ આપવામાં આવ્યો હતો તેનો ગુજરાતમાં CBSE, ICSE, IB, IGCSC જેવા બોર્ડ સાથે સંલગ્ન શાળાઓમાં અમલ થાય છે કે નહીં? તેની ચકાસણી કરી માહિતી મોકલવા આદેશ કરાયો છે.
અહીં સવાલ ઊઠી રહ્યો છે કે રાજ્ય સરકારને ગુજરાતની સ્કૂલોમાં ગુજરાતી ભાષા ભણાવાઈ રહી છે કે કેમ તે ચકાસવાની જરૂર કેમ પડી?
આ સંપૂર્ણ મુદ્દો હાલમાં કેમ ચર્ચાઈ રહ્યો છે અને રાજ્ય સરકાર માટે આ મુદ્દો કેમ મહત્ત્વનો બની ગયો?

કેમ અત્યારે ચર્ચાઈ રહ્યો છે મુદ્દો?

ઇમેજ સ્રોત, Laxmi Patel
આ સવાલોનો જવાબ તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં થયેલી એક જાહેરહિતની અરજીના સુનાવણી બાદ ઊઠ્યો છે.
ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે કામ કરતી સંસ્થા 'માતૃભાષા અભિયાન' સહિત છ પિટિશનરો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.
જેમાં, ગુજરાત સરકારના શિક્ષણવિભાગ દ્વારા 13 એપ્રિલ, 2018ના રોજ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં ફરજિયાતપણે માતૃભાષા ગુજરાતીને વિષય તરીકે ભણાવવા અંગે કરાયેલા પરિપત્રનો અમલ કરાવવા માટે દાદ માગવામાં આવી હતી.
અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત પ્રાઇમરી ઍજ્યુકેશન ઍક્ટ 1947ની જોગવાઈઓ, રાઇટ ટુ ઍજ્યુકેશન ઍક્ટ 2009ની જોગવાઈઓ અને રાજ્ય સરકારના શિક્ષણવિભાગે કરેલા 13 એપ્રિલ 2018ના પરિપત્રનો અમલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે કોઠારી કમિશનની 'થ્રી લૅન્ગવેજ ફૉર્મ્યુલા' મુજબ ગુજરાતની સ્કૂલોમાં ગુજરાતી ભાષા વિષય તરીકે ભણાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
આ સંદર્ભમાં ગત 5 ઑક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી બાદ જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠ દ્વારા પ્રાથમિક શાળાઓમાં માતૃભાષા ગુજરાતીને અલગ વિષય તરીકે સામેલ કરવાની પૉલિસી લાગુ ન કરવા બાબતે ગુજરાત સરકારની પાસેથી સ્પષ્ટતા માગી હતી.
આ અંગે ગુજરાત સરકારને નોટિસ પણ ફટકારી હતી.
ગત 21મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી તે દરમિયાન ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક ચાર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતી માધ્યમ સિવાયની અન્ય બોર્ડ સાથે જોડાયેલી સ્કૂલોમાં ગુજરાતી ભાષા વિષય તરીકે ન ભણાવવામાં આવતી હોવા અંગે માહિતી રજૂ કરાઈ હતી.
પરંતુ ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આ મુદ્દે સોગંદનામું દાખલ કરવા માટે આદેશ કરાયો હતો, સાથે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વધુ સુનવણી 16મી નવેમ્બર 2022ના રોજ રાખવામાં આવી છે.

પરિપત્રનો અમલ ન કરાવવા મુદ્દે રાજ્ય સરકાર ઘેરાઈ?

ઇમેજ સ્રોત, Archit Jani
આ સમગ્ર મામલા સાથે પરિચિત ગુજરાત હાઈકોર્ટના ઍડ્વોકેટ અર્ચિત જાનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "વર્ષ 1964-65ના કોઠારી કમિશનના રિપોર્ટના આધારે વર્ષ 1968માં દેશની પ્રથમ 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ' અંતર્ગત શાળાકીય શિક્ષણ સંદર્ભે ત્રિભાષા ફૉર્મ્યુલાની ભલામણ કરવામાં આવી હતી. આ નીતિ મુજબ પ્રથમ ભાષા તરીકે માતૃભાષા હોય છે. ગુજરાત રાજ્યમાં શાળાકીય શિક્ષણમાં પ્રથમ ભાષા તરીકે માતૃભાષા હોવી જોઈએ. તે અંગે ગુજરાત રાજ્ય દ્વારા 2018માં ધોરણ એકથી આઠમાં માતૃભાષા ફરજિયાત ભણવવા અંગે પરિપત્ર કર્યો હતો."
આ પરિપત્રના અમલ અંગે ઉદાસીન વલણ તરફ ધ્યાન દોરતાં ઍડ્વોકેટ જાની જણાવે છે કે, "આ પરિપત્રનો યોગ્ય અમલ કરવામાં આવતો નથી. રાજ્યમાં ગુજરાતી માધ્યમની શાળાઓ ઘટી રહી છે. અંગ્રેજી માધ્યમની શાળાઓ વધી રહી છે. આ અંગે કરાયેલ જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી."
તેઓ સરકારના જવાબ અંગે વાત કરતાં કહે છે કે, "રાજ્ય સરકાર દ્વારા દલીલ કરાઈ કે મોટા ભાગની શાળાઓમાં પરિપત્રનો અમલ કરાય છે. ગુજરાત બોર્ડની તમામ શાળાઓમાં આ પરિપત્રનો અમલ કરવામાં આવે છે, પરંતુ અન્ય બોર્ડ ગુજરાત સરકાર અંતર્ગત આવતા નથી. જે અંગે સરકારે એક ચાર્ટ પણ રજૂ કર્યો છે, જેમાં રાજ્યમાં 10,000 શાળાઓમાંથી 5,000 પ્રાઇવેટ શાળાઓ હોવાનું જણાવાયું હતું. એમાંથી માત્ર 20 જેટલી શાળાઓમાં જ આ પરિપત્રનો અમલ કરવામાં આવતો ન હોવાનું જણાવ્યું હતું."
સરકાર પક્ષે વધુમાં જણાવ્યું કે, "અમને મળેલ માહિતી અનુસાર કેન્દ્રીય વિદ્યાલયમાં ગુજરાતી ભાષા ફરજિયાતપણે ભણાવવામાં આવતી નથી. ICSE બોર્ડમાં ધોરણ- એકથી પાંચમાં ગુજરાતી ભણાવાતી નથી પરંતુ ધોરણ છથી આઠમાં ભણાવવામાં આવે છે. દેશનાં કેટલાંક રાજ્યો જેવાં કે, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને પંજાબ રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાદેશિક ભાષા ફરજિયાત ભણવવા અંગેનો કાયદો બનાવેલો છે. ગુજરાત રાજ્યમાં સરકારે વર્ષ 2018માં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત શીખવવા અંગેનો પરિપત્ર કરેલો છે પરંતુ કાયદો બનાવેલો નથી. આ જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે સરકારને સોગંદનામું કરીને માહિતી આપવા અંગે જણાવેલું છે. આગામી સુનાવણી તા. 16 નવેમ્બરે રાખેલી છે."

'બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું જરૂરી'

ઇમેજ સ્રોત, Getty Images
'માતૃભાષા અભિયાન સંસ્થા'ના ટ્રસ્ટી રાજેન્દ્ર પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું જોઈએ. આ વાત વિશ્વભરના વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકોએ પ્રતિપાદિત કરી છે. બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું તે તેમના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે."
તેઓ માતૃભાષામાં શિક્ષણ અને તેના મહત્ત્વ અંગે વાત કરતાં કહે છે કે, "બાળકોના ઘડતર માટે માતૃભાષાની ભૂમિકા મહત્ત્વની છે. બાળક માતૃભાષા માતાના ગર્ભમાંથી જ શીખી લે છે. બાળક પોતાની આસપાસ માતૃભાષામાં વાત કરે છે તેમજ સાંભળે છે. જેથી બાળકને ભણવા મૂકવામાં આવે ત્યારે માતૃભાષા સિવાય બીજી ભાષામાં શીખવવાથી આવે ત્યારે બાળકના મનમાં ગૂંચવાડો ઊભો થાય છે. જેથી બાળકનો આત્મવિશ્વાસ ઘટે છે. જેથી તેની સર્જનાત્મક શક્તિ ખીલતી નથી."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "બાળક પાસે તેની માતૃભાષાનું શબ્દભંડોળ હોય છે. બીજી ભાષામાં એવું હોતું નથી. જેથી બાળક પરિપક્વ થાય તે બાદ અન્ય ભાષાઓ શીખવવી જોઈએ. અંગ્રેજી ભાષાના મોહને કારણે માતૃભાષાનું શિક્ષણ ઓછું થયું છે. અમે અંગ્રેજી ભાષાના જરાય વિરોધી નથી પરંતુ ગુજરાતી ભાષાની અનિવાર્યતા પર ભાર મૂકવો જોઈએ."
તેઓ હાલના સમયમાં અંગ્રેજી ભાષાના મહત્ત્વ અંગે વાત કરતાં કહે છે કે, "અંગ્રેજી ભાષા પણ અનિવાર્ય છે અને તે પણ શીખવી જ જોઈએ. પરંતુ અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી વિષય ઉત્તમ રીતે ભણાવવો જોઈએ અને ગુજરાતી માધ્યમની શાળામાં અંગ્રેજી વિષય ઉત્તમ રીતે ભણાવવો જોઈએ. બંને ભાષા વૈજ્ઞાનિક ઢબે શીખવવી જોઈએ. જો બાળકનું માતૃભાષાનું જ્ઞાન યોગ્ય નહીં હોય તો તે અન્ય ભાષા પણ આત્મસાત્ કરી શકશે નહી. ગુજરાતી ભાષા પ્રત્યેના અનાદર માટે સમાજ, સરકાર અને વાલીઓ વગેરે જવાબદાર છે."
રાજ્ય સરકારના સંયુક્ત શિક્ષણ નિયામક એમ. આઈ. જોશીએ આ સમગ્ર મુદ્દે કોર્ટમાં જવાબ રજૂ કરવાનો હોવાથી આ વિષય પર વધુ સ્પષ્ટતા કરવાનો ઇનકાર કર્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













