હિજાબ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટનો વિભાજિત ચુકાદો, હવે મોટી બૅન્ચ કરશે સુનાવણી

ભારતની સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતની સુપ્રીમ કોર્ટ
લાઇન
  • સ્કૂલ-કૉલેજોમાં હિજાબ પહેરવા મુદ્દે બે ન્યાયાધીશોની ખંડપીઠે વિભાજિત ચુકાદો આપ્યો છે
  • જસ્ટિસ હેમંત ગુપ્તાએ પોતાના ચુકાદામાં 11 સવાલો કરીને કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને બહાલ રાખ્યો છે.
  • જ્યારે જસ્ટિસ સુધાંશુ ધૂલિયાએ કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા સાથે અસહમતી દર્શાવી છે.
  • હવે હિજાબના આ કેસની સુનાવણી માટે મોટી બૅન્ચનું ગઠન કરવા માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને મોકલવામાં આવશે
લાઇન

સુપ્રીમ કોર્ટ દ્વારા કર્ણાટકમાં સ્કૂલ અને કૉલેજમાં જતી મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરી શકશે કે નહીં તે મુદ્દે વિભાજિત ચુકાદો આપ્યો છે. બીબીસીના સહયોગી પત્રકાર સુચિત્ર મોહંતીએ જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશો જસ્ટિસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધૂલિયાની બૅન્ચ વર્ગખંડોમાં હિજાબ પહેરવાના અધિકાર મામલે થયેલી અરજી પર આજે 13 ઑક્ટોબરના રોજ સવારે 10:30 કલાકે ચુકાદો આપ્યો હતો.

જસ્ટિસ ગુપ્તાએ કહ્યું કે "આ ચુકાદો સ્પ્લિટ વર્ડિક્ટ (વિભાજિત ચુકાદો છે). તેમણે હિજાબ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવીને અરજીઓનો નિકાલ કર્યો છે, જ્યારે જસ્ટિસ ધૂલિયાએ કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા સાથે અસહમતી દર્શાવી છે."

હવે આ કેસને વધુ સુનાવણી માટે એક મોટી બૅન્ચનું ગઠન કરવા માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને મોકલવામાં આવશે.

આ કેસની સુનાવણી 22 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ ચૂકી હતી અને ચુકાદો અનામત હતો. કર્ણાટક હાઈકોર્ટ દ્વારા ઉડુપીની પ્રિ-યુનિવર્સિટી કૉલેજમાં અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા થયેલી વર્ગખંડોમાં હિજાબ પહેરવાના અધિકાર મામલે થયેલી અરજીને 15 માર્ચના રોજ નામંજૂર કરી હતી.

કર્ણાટક હાઈકોર્ટના આ ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેનો ચુકાદો બૅન્ચ દ્વારા આપવામાં આવ્યો છે.

line

અત્યાર સુધી શું થયું છે?

હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓની પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગત વર્ષે કર્ણાટકના ઉડુપી જિલ્લામાં એક જુનિયર કૉલેજે વિદ્યાર્થિનીઓને કૉલેજમાં હિજાબ પહેરીને આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

1 જુલાઈ 2021ના રોજ ગવર્નમેન્ટ પીયૂ કૉલેજ ફૉર ગર્લ્સે નિર્ણય કર્યો હતો કે કેવા પ્રકારના પોશાકને કૉલેજ યુનિફૉર્મ સ્વીકાર કરવામાં આવશે અને જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીઓએ આ માર્ગદર્શિકાનું પાલન કરવું અનિવાર્ય છે.

જ્યારે કોવિડ લૉકડાઉન બાદ કૉલેજ ફરીથી ખૂલી તો કેટલીક વિદ્યાર્થિનીઓને જાણ થઈ કે તેમની સિનિયર વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને કૉલેજ આવતી હતી. જેનો આધાર લઈને વિદ્યાર્થિનીઓએ કૉલેજના વહીવટીતંત્ર પાસે હિજાબ પહેરવાની મંજૂરી માગી હતી.

ઉડુપી જિલ્લામાં સરકારી જુનિયર કૉલેજોનો પોશાકને ડેવલપમેંન્ટ સમિતિ નક્કી કરે છે અને સ્થાનિક ધારાસભ્ય તેના અધ્યક્ષ હોય છે.

ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ધારાસભ્ય રઘુવીર ભટ્ટે મુસલમાન વિદ્યાર્થિનીઓની માગણી માની નહીં અને તેમને વર્ગખંડની અંદર હિજાબ પહેરવાની મંજૂરી નહોતી મળી.

આ વર્ષે ફેબ્રુઆરીમાં બીબીસી સાથે વાત કરતા રઘુવીર ભટ્ટે કહ્યું હતું કે, "આ શિસ્તનો વિષય છે, દરેકે યુનિફૉર્મના નિયમોનું પાલન કરવું જોઈએ." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમનો આ નિર્ણય તેમના પક્ષની વિચારધારાથી પ્રભાવિત છે તો તેમણે કહ્યું હતું, "રાજકારણ માટે તો બહુ બધી વસ્તુઓ છે, આ શિક્ષણનો મામલો છે."

નવી માર્ગદર્શિકા અનુસાર મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 2021માં વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને કૉલેજના સંકુલમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેમને બહાર જ રોકી દેવાઈ હતી.

ત્યારબાદ આ વિદ્યાર્થિનીઓએ કૉલેજ સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું અને જાન્યુઆરી 2022માં તેમણે કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ પર પ્રતિબંધની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.

line

વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર અને હિંસા

ભગવા ખેસ સાથે વિદ્યાર્થીઓનું ટોળું

ઇમેજ સ્રોત, UMESH MARPALLY/BBC

ઇમેજ કૅપ્શન, ભગવા ખેસ સાથે વિદ્યાર્થીઓનું ટોળું

આ મામલે વિવાદની શરૂઆત તો ઉડુપી જિલ્લામાંથી થઈ હતી, પરંતુ આગની જેમ બાકીના જિલ્લાઓમાં પણ ફેલાઈ ગયો.

રાજ્યના શિવમોગા અને બેલગાવી જિલ્લામાં પણ હિજાબ પહેરીને આવતી વિદ્યાર્થિનીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. ભગવા ખેસ પહેરેલા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું.

કોંડાપુર અને ચિકમંગલૂરમાં વિરોધ પ્રદર્શન અને એ પ્રદર્શનોના વિરોધમાં હિંદુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓનાં પ્રદર્શનો ચાલુ થઈ ગયાં.

એક વીડિયો પણ વાઇરલ થયો જેમાં હિજાબ પહેરીને કૉલેજ આવી રહેલી વિદ્યાર્થિની મુસ્કાન ખાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહેલા વિદ્યાર્થીો જોવા મળતા હતા.

ભગવો ખેસ ધારણ કરેલા આ વિદ્યાર્થીઓનું ટોળું હિજાબ પહેરેલી મુસ્કાન ખાનનો જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે પીછો કરી રહ્યું હતું.

તેની સામેની પ્રતિક્રિયામાં મુસ્કાને પણ અલ્લાહ હૂ અકબરનો સૂત્રોચ્ચાર કર્યો. આ ઘટના કર્ણાટકના મંડ્યા જિલ્લામાં બની હતી.

જોકે કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબના મામલે સુનાવણી શરૂ થવાના ત્રણ દિવસ પહેલાં જ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈની સરકારે એક આદેશ જાહેર કરીને તમામ વિદ્યાર્થીઓ માટે કૉલેજ વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલો યુનિફૉર્મ પહેરવાનું ફરજિયાત કરી દીધું.

આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું કે ખાનગી શિક્ષણ સંસ્થાઓ એ નક્કી કરી શકશે કે વિદ્યાર્થિનીઓને યુનિફૉર્મ પહેરવા માટે કહેવું કે નહીં. આ આદેશના બે દિવસોની અંદર જ વિરોધ પ્રદર્શનો સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયા અને ઘણાં સ્થાને હિંસક ઘટનાઓ પણ થઈ.

આઠ ફેબ્રુઆરી 2022 નો દિવસે ઉડુપીના એમજીએમ કૉલેજમાં સેંકડો વિદ્યાર્થીઓના ટોળાએ હિજાબ પહેરેલી છોકરીઓ વિરુદ્ધ જય શ્રી રામનો સૂત્રોચ્ચાર કર્યો. કર્ણાટકના ઘણાં વિસ્તારોમાં હિંસક ઘર્ષણ થયાં. પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગૅસના શેલ છોડવા પડ્યા.

મુખ્ય મંત્રીએ સાવચેતીના પગલાંરૂપે ઘણા દિવસો સુધી તમામ સ્કૂલોને બંધ રાખવાનો આદેશ આપવો પડ્યો. ત્યારબાદ આ મામલો કર્ણાટક હાઇ કોર્ટમાં ત્રણ ન્યાયાધીશોની બેન્ચમાં પહોંચ્યો.

line

હાઈકોર્ટનો ચુકાદો

હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓની પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

હાઈકોર્ટે 11 દિવસો સુધી આ મામલાની સુનાવણી કરી અને પાંચમી ફેબ્રુઆરીએ જાહેર કરવામાં સરકારના આદેશને જાળવી રાખ્યો. આ આદેશ મુજબ એ સ્કૂલો અને કૉલેજોમાં હિજાબ પર પ્રતિબંધ લગાવી શકાતો હતો, જ્યાં પહેલાંથી જ યુનિફૉર્મ નિર્ધારિત કરેલો હતો.

કોર્ટે કહ્યું કે 'સ્કૂલ યુનિફૉર્મ નિર્ધારિત કરવો એ યોગ્ય પ્રતિબંધ છે જે બંધારણીય રીતે સ્વીકાર્ય છે.'

મુખ્ય ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા દીક્ષિત, જસ્ટિસ જે એમ કાઝીની ખંડપીઠે એમ કહીને અરજીનો નિકાલ કરી દિધો કે, "એ તર્ક ન આપી શકાય કે હિજાબ પોશાકનો ભાગ હોવાથી ઇસ્લામની આસ્થાનાં મૂળમાં છે. એવું નથી કે હિજાબ પહેરવાની કથિત પ્રથાનું જો પાલન કરવામાં ન આવે તો, જે લોકો હિજાબ નથી પહેરતાં તે ગુનેગાર બની જશે. અથવા ઇસ્લામ પોતાની ચમક ખોઈ દેશે અને ધર્મ નહીં રહે."

line

હિજાબનો વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

કર્ણાટકમાં હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓની તસવીર

ઇમેજ સ્રોત, UMESH MARPALLY

હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને તાત્કાલિક અપીલ કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાની સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખી લીધો હતો. આ ચુકાદો ગુરુવારે આવ્યો છે.

કર્ણાટક સરકારની તરફથી ઉપસ્થિત રહેલા ઍડવોકેટ જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, "વર્ષ 2004 બાદ કોઈ પણ વર્ગખંડમાં હિજાબ પહેરીને નથી આવતું. આ બધું ડિસેમ્બર 2021થી શરૂ થયું, જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને કૉલેજ આવવા લાગી. વર્ષ 2022માં ઇસ્લામિક સંસ્થા પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઈ)એ હિજાબ પહેરીને કૉલેજ આવવાના સમર્થનમાં અભિયાન ચલાવ્યું હતું."

પીએફઆઈએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. સપ્ટેમ્બરમાં ભારત સરકારે પીએફઆઈ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

તુષાર મહેતાએ કહ્યું હતું કે, "આ વિદ્યાર્થિનીઓનું કોઈ અચાનક શરૂ કરેલું અભિયાન નથી. વિદ્યાર્થિનીઓ મોટા ષડ્યંત્રનો ભાગ હતી. કોઈ તેમને પાછળથી નચાવી રહ્યું હતું."

મહેતાએ ભારપૂર્વક કહ્યું કે આ ધર્મનો મામલો નથી, પરંતુ વિદ્યાર્થીઓને સમાનતાનો અધિકાર આપવાનો મામલો છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયા કરી રહ્યા હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન