IND vs SA ODI : એ બે બૉલ જેના કારણે ભારત દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વન-ડે મૅચ હાર્યું

ભારત સાઉથ આફ્રિકા ક્રિકેટ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

લાઇન
  • ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે વન-ડે સિરીઝની પ્રથમ મૅચ
  • દક્ષિણ આફ્રિકાએ ભારતને નવ રને હરાવ્યું
  • વરસાદના કારણે 40-40 ઓવરની રમાઈ હતી મૅચ
  • ડેવિડ મિલર અને હેનરિક ક્લાસેને 139 રનની નોંધાવી ભાગેદારી
લાઇન

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વન-ડે સિરીઝની પ્રથમ મૅચમાં ભારતનો નવ રને પરાજય થયો છે.

લખનૌમાં યોજાયેલી આ મૅચ શરૂ થાય તે પહેલાં જ વરસાદ વિઘ્ન બનતાં દસ ઓવર ઓછી કરવામાં આવી હતી. ભારતે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

દક્ષિણ આફ્રિકાએ પહેલા બૅટિંગ કરીને 249 રન બનાવ્યા હતા અને ભારત સામે 250 રનનો ટાર્ગેટ મૂક્યો હતો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

દક્ષિણ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે પાંચમી વિકેટ માટે 106 બૉલમાં 139 રનની ભાગેદારી નોંધાવી હતી.

જોકે, 38મી ઓવરમાં પહેલા બે બૉલ પર જ આ બંનેના કૅચ છૂટ્યા હતા. જેના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ નિર્ણાયક સ્કોર સુધી પહોંચી શકી હતી.

line

શું થયું હતું 38મી ઓવરમાં?

ભારત સાઉથ આફ્રિકા ક્રિકેટ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલર

ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 37 ઓવર સુધીમાં 215 રન પર ચાર વિકેટ ગુમાવી હતી.

હેનરિક ક્લાસેન બૅટિંગ કરી રહ્યા હતા અને ડેવિડ મિલર નૉન-સ્ટ્રાઇક ઍન્ડ પર હતા. ભારત તરફથી આવેશ ખાન બૉલિંગ કરી રહ્યા હતા.

પહેલા બૉલ પર જ ક્લાસેને મિડ વિકેટ તરફ શોટ ફટકાર્યો હતો અને ભારતીય ખેલાડી મોહમ્મદ સિરાજ કૅચ પકડવા માટે દોડ્યા હતા. તેમની પાસે પૂરતો સમય હોવા છતાં તેમનાથી કૅચ છૂટ્યો હતો.

પહેલા બૉલ પર ક્લાસેને ત્રણ રન લીધા હતા અને સ્ટ્રાઇક પર હવે ડેવિડ મિલર હતા.

આવેશ ખાનના બીજા બૉલ પર મિલરે પણ ક્લાસેન જેવો જ શોટ ફટકાર્યો હતો. જોકે, આ વખતે મોહમ્મદ સિરાજ નહીં, પરંતુ રવિ બિશ્નોઈ કૅચ પકડવા માટે દોડ્યા હતા.

જોકે, તેઓ પણ કૅચ પકડવામાં નિષ્ફળ રહ્યા હતા અને મિલરે બે રન લીધા હતા. કૅચ છૂટ્યા બાદ મિલરે સતત ચોગ્ગો અને છગ્ગો ફટકાર્યો હતો.

ભારત સાઉથ આફ્રિકા ક્રિકેટ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હેનરિક ક્લાસેન

જેની સાથે 38મી ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર ચાર વિકેટના નુક્સાને 231 રન પર પહોંચ્યો હતો. 38મી ઓવરમાં જ બંનેએ 16 રન નોંધાવ્યા હતા.

જો, આ ઓવરમાં બંનેના કૅચ પકડાઈ ગયા હોત તો દક્ષિણ આફ્રિકાનો સ્કોર ઓછો રહ્યો હોત અને ભારતીય ટીમના પ્રદર્શનને જોતાં તેઓ તેને પાર પાડી શક્યા હોત.

ત્યાર બાદની બે ઓવરમાં મિલર અને ક્લાસેનની જોડીએ 18 રન ફટકારીને ટીમનો સ્કોર 249 રન પર પહોંચાડ્યો હતો.

મિલરે 63 બૉલમાં 75 રન અને હેનરિક ક્લાસેને 65 બૉલમાં 74 રન બનાવ્યા હતા.

ભારત તરફથી શાર્દૂલ ઠાકુરે બે અને કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી હતી.

line

ભારતીય ટીમમાંથી છગ્ગા મારનાર સેમસન એકમાત્ર ખેલાડી

ભારત સાઉથ આફ્રિકા ક્રિકેટ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંજુ સેમસન અને શ્રેયસ અય્યર

ભારત તરફથી શિખર ધવન અને શુભમન ગિલે ઇનિંગની શરૂઆત કરી હતી. જોકે, બંને અનુક્રમે ચાર અને ત્રણ રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

જોકે, ભારતીય ટીમના મિડલ-ઑર્ડરે મૅચ સાચવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો.

ભારત તરફથી સૌથી વધુ 86 રન સંજુ સેમસને બનાવ્યા હતા. જ્યારે શ્રેયસ અય્યરે પણ 50 રન માર્યા હતા. આ સિવાય શાર્દૂલ ઠાકુરે 33 રન નોંધાવ્યા હતા.

ભારતીય ટીમમાંથી માત્ર એક ખેલાડી સંજુ સેમસને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેમના સિવાય એક પણ ભારતીય ખેલાડીએ એક પણ છગ્ગો ફટકાર્યો ન હતો.

આ મૅચમાં ઋતુરાજ ગાયકવાડને ડૅબ્યૂ કરવાની તક મળી હતી. આ મૅચમાં કપ્તાન શિખર ધવન હતા.

ભારતે બૉલિંગ દરમિયાન 22 ઍક્સ્ટ્રા રન આપ્યા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકાએ 18 રન એક્સ્ટ્રા આપ્યા હતા.

આ પહેલાં બુધવારે 14 સભ્યોની ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાનીમાં વર્લ્ડ કપ માટે ઑસ્ટ્રેલિયા રવાના થઈ ગઈ છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન