ઉદ્ધવ ઠાકરેએ દશેરા નિમિત્તે યોજેલી સભામાં કહ્યું, 'હવે રાવણના 10 માથા નથી, તેની પાસે ખોખા છે' - પ્રેસ રિવ્યૂ

ઇમેજ સ્રોત, ANI
શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં પોતાના જૂથની સભાને સંબોધી હતી.
આ વર્ષે પહેલી વખત શિવસેનાના બે જૂથ પોતે અસલી શિવસેના હોવાના દાવા સાથે દશેરા નિમિત્તે બે અલગઅલગ સભાઓ યોજી રહ્યા છે.
વર્ષોથી શિવાજી પાર્કમાં થતી સભાના સ્થળ માટે બંને જૂથો વચ્ચે કાયદાકીય જંગ પણ છેડાઈ હતી.
ઉદ્ધવ ઠાકરે જૂથે હમેશાની જેમ શિવાજી પાર્કમાં એક સભાનું આયોજન કર્યું છે.
જ્યારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેના જૂથે બીકેસી મેદાનમાં સભાનું આયોજન કર્યું છે.
વિશાળ જનસમૂહને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ પ્રકારની ભીડ એકઠી થવી દુર્લભ અને ઐતિહાસિક છે.
ઉદ્ધવ ઠાકરેએ તેમની સભામાં ઉપસ્થિત લોકોને કહ્યું કે તેમનો આભાર વ્યક્ત કરવા માટે તેમની પાસે શબ્દો નથી.
તેમણે કહ્યું, "દશેરાની આ સભા દુર્લભ છે. આ પ્રકારનો પ્રેમ પૈસાથી ખરીદી શકાતો નથી. એ લોકો દગાબાજ છે. હા, એકનાથ શિંદે અને તેમના જૂથના લોકો દગાબાજ છે. અહીં એક પણ વ્યક્તિ એવો નથી જેને પૈસા આપીને લાવવામાં આવ્યો હોય. આ જ ઠાકરે પરિવારની વિરાસત છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે "જે લોકોને મેં જવાબદારી સોંપી હતી, એ લોકો ષડયંત્ર રચી રહ્યા હતા. આવું ફરીથી નહીં થાય. એ લોકો કદાચ ભૂલી ગયા કે હું માત્ર ઉદ્ધવ ઠાકરે નથી, હું ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે છું."
ઉદ્ધવ ઠાકરેએ ભીડને સંબોધિત કરતા કહ્યું કે "પરંપરા અનુસાર આજે રાવણદહન થશે. પણ હવે રાવણ બદલાઈ ગયો છે. હવે રાવણના 10 માથા નથી, તેની પાસે 50 ખોખા છે. તે ખોખાસુર છે જે ઘણો ખતરનાક છે."
તાજેતરમાં બિલકિસબાનો સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓને છોડી દેવામાં આવ્યા હતા. આ મામલો ટાંકીને તેમણે ભાજપની નીતિમત્તા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, "ભાજપના શાસનમાં બળાત્કારના આરોપીઓને છોડી દેવામાં આવે છે અને તેમનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવે છે."
ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર પ્રહાર કરતા કહ્યું કે જો એક દગાબાજ પોતાના માથેથી દગાનું નિશાન હઠાવવા માગે તો પણ તે શક્ય નથી. એ નિશાન તેમના પર કાયમ માટે રહેશે.

ગુજરાતી કૉમેડિયન પરાગ કંસારાનું નિધન, 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચૅલેન્જ' માં કન્ટેસ્ટન્ટ હતા

ઇમેજ સ્રોત, Parag Kansara/Facebook
ગુજરાતી કૉમેડિન પરાગ કંસારાનું બુધવારે નિધન થયું છે. તાજેતરમાં દિગ્ગજ કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન થયું હતું.
પરાગ કંસારાનાં પુત્રી ગ્રીવા કંસારાએ કહ્યું કે, "તેમને કફની તકલીફ હતી. તબિયત બગડતાં અચાનક જ તેમનું અવસાન થયું."
કૉમેડિયન પરાગ કંસારા 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચૅલેન્જ' માં કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂક્યા હતા. પરાગ કંસારા છેલ્લા કેટલાય સમયથી ટીવી અને કૉમેડી શોથી દૂર રહ્યા હતા. પરાગ કંસારા મૂળ ગુજરાતના વડોદરાના રહેવાસી હતા.
સ્ટેડઅપ કૉમેડિયન સુનીલ પાલે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
સુનીલ પાલે વીડિયોમાં જણાવ્યું, "હાસ્ય કલાકાર પરાગ કંસારા લોકોને દરેક વાતને ઊંધું વિચારો કહીને હસાવતા હતા. કૉમેડીની દુનિયાને કોની નજર લાગી ગઈ છે ખબર નહીં કે એક પછી એક હાસ્ય કલાકાર દુનિયાને અલવિદા કહી રહ્યા છે."
"રાજૂ શ્રીવાસ્તવના નિધનના દુ:ખમાંથી હજુ લોકો બહાર નથી નીકળ્યા ત્યાં તો આ બીજા કૉમેડિયનનું આજે નિધન થયું છે."
"પરાગ કંસારા હંમેશા મને નાના ભાઈની જેમ માનતા હતા. તેમણે શૂન્યથી તેમની શરૂઆત કરી હતી અને ધીમે-ધીમે કરીને આગળ વધ્યા હતા."
"પાર્ટટાઇમ જાદુગરનું પણ કામ કરી ચૂક્યા હતા, સાથે-સાથે તેમણે સરકસમાં પણ કામ કર્યુ હતું."

ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈર અને પ્રતીક સિન્હા નોબલ શાંતિ પુરસ્કારની રેસમાં - ટાઇમ મૅગેઝીન

ઇમેજ સ્રોત, SOURCE - @ZOO_BEAR
નોબલ શાંતિ પુરસ્કાર આ વર્ષે કોને મળશે તેની જાહેરાત શુક્રવારના નૉર્વેના ઑસ્લોમાં 11 વાગ્યે કરવામાં આવશે.
ટાઇમ પત્રિકાની વેબસાઇટ અનુસાર, આ વખતની રેસમાં ભારતથી ફૅક્ટ ચૅક વેબસાઇટ ઑલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક પ્રતીક સિન્હા અને મોહમ્મદ ઝુબૈરનું નામ સામેલ છે.
ત્રણ મહિના પહેલાં મોહમ્મદ ઝુબૈરની ભારતીય દંડસંહિતાની કલમ 153 એ અને 295 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમની પર હિંદુ ધર્મનું અપમાન કરવાનો આરોપ હતો.
ડાયનામાઇટના આવિષ્કારક અને સ્વીડિશ કેમિસ્ટ અલ્ફ્રેડ નોબલએ વર્ષ 1895માં નોબલ શાંતિ પુરસ્કારની સ્થાપના કરી હતી. આ પુરસ્કાર એ લોકોને આપવામાં આવે છે જેમણે માનવશાંતિને સૌથી વધુ ફાયદો પહોંચાડ્યો હોય.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વિજેતાની પસંદગી નૉર્વેજિયન નોબલ કમિટી કરે છે જેમાં પાંચ સભ્યો છે. આ કમિટીની નિમણૂક નૉર્વેની સંસદ કરે છે.
રૉયટર્સના એક સરવે અનુસાર નૉર્વેજિયન સાંસદોએ આ વખતે પ્રતીક સિન્હા અને મોહમ્મદ ઝુબૈર સિવાય યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી, બેલારૂસનાં વિપક્ષનાં નેતા સ્વિયાતલાના સિખાનૉસ્કાયા, બ્રિટિશ નેચર બ્રૉડકાસ્ટર ડેવિડ એટનબરૉ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, જળવાયુ કાર્યકર ગ્રેટા થનબર્ગ, પોપ ફ્રાન્સિસ, તુવાલુના વિદેશ મંત્રી સાઇમન કોફે અને મ્યાનમારની નેશનલ યુનિટી સરકારને નામાંકિત કર્યા છે.
2021ના નોબલ શાંતિ પુરસ્કાર મારિયા રેસ્સા અને દિમિત્રી મુરાતોવને આપવામાં આવ્યો હતો. આ બંનેને અભિવ્યક્તિની આઝાદીની રક્ષાના પ્રયાસ માટે પસંદ કરવામાં આવ્યાં હતાં.
આની પહેલાં આ પુરસ્કાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, પૂર્વ પૅલેસ્ટાઇનિયન નેતા યાસિર અરાફાત, મ્યાનમારનાં નેતા આંગ સાન સૂ ચીને મળ્યો છે.

કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાંથી હું ખસી જઉં એ માટે રાહુલ ગાંધીને વિનંતી કરાઈ હતી : શશી થરૂર

ઇમેજ સ્રોત, SHASHI THAROOR/FACEBOOK
કૉંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા શશી થરૂરની અધ્યક્ષપદની ચૂંટણીમાંથી ખસી જાય એ માટે રાહુલ ગાંધીને કહેવાયું હોવાનો તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરે આક્ષેપ કર્યો છે.
'ધ હિન્દુ' અખબાર અનુસાર, કેરળ પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રમુખ કે. સુધાકરણે પક્ષપ્રમુખના પદ માટે પીઢ નેતા મલ્લિકાર્જુન ખડગેને પોતાનું સમર્થન જાહેરમાં જાહેર કર્યું તેના પગલે આ નિવેદન આવ્યું છે.
શશી થરૂરે કહ્યું કે તેમને મોટા નેતાઓ સમર્થન આપશે તેવી ક્યારેય અપેક્ષા જ નહોતી અને આજે પણ નથી. પરંતુ સાથે જ તેમને દરેકના સમર્થનની જરૂર છે.
થરૂરે એમ પણ કહ્યું કે તેઓ ચૂંટણીમાંથી પીછેહઠ કરીને અત્યાર સુધી તેમને ટેકો આપનારા લોકો સાથે દગો કરવાના નથી.
સોમવારે પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા ચૂંટણીપરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે એઆઈસીસીના મહાસચિવ/પ્રભારી, સચિવો, સંયુક્ત સચિવો, પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખો, કૉંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતાઓ, સંગઠનોના વડાઓ, વિભાગોના વડાઓ, સેલના વડાઓ અને તમામ સત્તાવાર પ્રવક્તાઓ "હરીફ ઉમેદવારો માટે કે તેમની વિરુદ્ધ પ્રચાર કરશે નહીં."
કૉંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે મતદાન 17 ઑક્ટોબરે થશે. મત ગણતરી 19 ઑક્ટોબરે હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.
9,000થી વધુ પ્રદેશ કૉંગ્રેસ સમિતિ (પીસીસી) પ્રતિનિધિઓ મતદાનમાં ભાગ લેશે.

ગૂજરાત વિદ્યાપીઠે કુલપતિ ઇલાબહેનનું રાજીનામું, રાજ્યપાલને આમંત્રણ

ઇમેજ સ્રોત, ACHARYA DEVVRAT TWITTER
મંગળવારે સાંજે અમદાવાદની સંસ્થા ગુજરાત વિદ્યાપીઠના મંડળે પીઢ ગાંધીવાદી ઈલાબહેન ભટ્ટનું યુનિવર્સિટીના કુલપતિ પદેથી રાજીનામું સ્વીકાર્યું હતું.
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, કાઉન્સિલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને 102 વર્ષ જૂની યુનિવર્સિટીના 12મા કુલપતિ તરીકે આમંત્રિત કરવાનો ઠરાવ પણ પસાર કર્યો હતો.
મંગળવારે સાંજે કાઉન્સિલની મેરેથૉન બેઠક બાદ કાઉન્સિલે સર્વાનુમતે ઇલાબહેનનું રાજીનામું સ્વીકાર્યું હતું.
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા જારી કરાયેલા એક અધિકૃત નિવેદનમાં આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, "ગુજરાત વિદ્યાપીઠમંડળની બેઠક 28 સપ્ટેમ્બર, 2022 અને 4 ઑક્ટોબર, 2022ના રોજ મળી હતી. આ બેઠકોમાં વિગતવાર ચર્ચા કર્યા બાદ, ગુજરાત
વિદ્યાપીઠના કુલપતિની લાગણીઓને માન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઇલાબહેન ભટ્ટનું કુલપતિપદ પરથી રાજીનામું સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું છે."
12મા કુલપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આમંત્રિત કરવાનો બહુમતી સાથે ઠરાવ કરવામાં આવ્યો હતો. ગુજરાત વિદ્યાપીઠનું પ્રતિનિધિત્વ તેમને આમંત્રણ આપવા જશે.
અગાઉ પણ નાદુરસ્ત તબિયતને ટાંકીને ઇલાબહેને વર્ષ 2015માં કુલપતિપદેથી રાજીનામું આપ્યું હતું.
ગુજરાત વિદ્યાપીઠ એ યુજીસી ઍક્ટ 1956 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી છે. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલી યુનિવર્સિટી પહેલાંથી જ ઘણા વિવાદોમાં રહી છે, જેમાં તાજેતરમાં કુલપતિ તરીકે ડૉ. રાજેન્દ્ર ખીમાણીની નિમણૂકે પણ વિવાદ સર્જ્યો હતો.

ભૌતિકશાસ્ત્રનું નોબલ ક્વોન્ટમ થિઅરીના ત્રણ શોધકને

ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારે, નોબેલ પારિતોષિક સમિતિએ ત્રણ વૈજ્ઞાનિકો ફ્રાન્સના ઍલેન ઍસ્પેક્ટ, યુએસના જોન ક્લોઝર અને ઑસ્ટ્રિયાના ઍન્ટોન ઝીલિંગરને ભૌતિક વિજ્ઞાનના નોબેલ પારોતિષકથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, આ ત્રણેય વૈજ્ઞાનિકોએ ક્વોન્ટમ 'એન્ટેંગલમેન્ટ' ક્ષેત્રે ચાર દાયકા સુધી કામ કર્યું છે.
તેમના પ્રયોગોએ નિર્ણાયક રીતે સ્થાપિત કર્યું છે કે ક્વોન્ટમ કણોમાં જોવા મળેલી 'ઍન્ગ્લેમૅન્ટ' ઘટના 'છદ્મ' કે અજ્ઞાત દળોનું પરિણામ નથી પરંતુ વાસ્તવિક છે અને તેનો ઉપયોગ કમ્પ્યુટિંગ, હેક-ફ્રી કોમ્યુનિકેશન્સમાં પરિવર્તનકારી તકનીકી વિકસાવવા માટે થઈ શકે છે.
20મી સદીમાં વૈજ્ઞાનિકોનું અવલોકન હતું કે પ્રોટોન અથવા ઇલેક્ટ્રૉન જેવા નાના પેટા-પરમાણુ કણોનું વર્તન ભૌતિકશાસ્ત્રના શાસ્ત્રીય ન્યુટોનિયન નિયમો સાથે સુસંગત નથી. તેઓએ જેટલી વધુ તપાસ કરી, તેટલાં જ આશ્ચર્યજનક પરિણામો તેમને મળ્યાં.
તેઓએ જે જોયું તે સમજાવવાના તેમના પ્રયાસમાં, મોટા ભાગે યુવાન ભૌતિકશાસ્ત્રીઓના જૂથે આગામી 30 વર્ષોમાં શ્રેણીબદ્ધ આશ્ચર્યજનક શોધો કરી જેણે પેટા-પરમાણુ કેવી રીતે કાર્ય કરે છે તે અંગેની સમજને સંપૂર્ણપણે બદલી નાખી. તેઓએ સાથે મળીને ક્વોન્ટમ થિયરી બનાવી, જે નોંધપાત્ર ચોકસાઈ સાથે પેટા-પરમાણુ કણોના દેખીતી રીતે વિચિત્ર વર્તનનું વર્ણન કરે છે.
પરંતુ ક્વોન્ટમ થિયરી સંપૂર્ણપણે રોજિંદા અનુભવોની વિરુદ્ધ હતી. તે એક કણને એકસાથે બહુવિધ સ્થળોએ અસ્તિત્વમાં રહેવાની મંજૂરી આપે છે, જે સુપરપોઝિશન તરીકે ઓળખાતી ઘટના છે. કોઈ પણ સ્થાન પર કણ શોધવાની તક સંભવિત ગણતરીઓ દ્વારા નક્કી કરવામાં આવી હતી, અને એકવાર તે એક સ્થાન પર મળી આવે અથવા અવલોકન કરવામાં આવે, ત્યારે તેનું અન્ય તમામ સ્થળોએ અસ્તિત્વ બંધ થઈ જાય છે.
બે કણો, અમુક તબક્કે એકબીજા સાથે 'પરસ્પર ક્રિયાપ્રતિક્રિયા' દ્વારા એવી રીતે 'અટવાઈ ગયા' હોવાનું જણાયું હતું કે એકની વર્તણૂક બીજામાં ત્વરિત પ્રતિક્રિયા પેદા કરે છે, પછી ભલે તે બંને કોઈ પણ રીતે જોડાયેલા ન હોય અને એકબીજાથી ઘણા અંતરે હોય.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













