નવરાત્રી : મુંબઈમાં ગરબા રમતા પુત્રનું મૃત્યુ, આઘાતથી પિતા પણ મૃત્યુ પામ્યા

    • લેેખક, પ્રવીણ નલાવડે
    • પદ, બીબીસી મરાઠી માટે, વિરારથી
  • મુંબઈના વિરારમાં ગરબા રમતાં પુત્રના આઘાતમાં પિતાનું પણ મૃત્યુ
  • માત્ર 35 વર્ષની વયે મનીષના મૃત્યુ બાદ પિતાને પણ આઘાત લાગ્યો હતો
  • મોટી હૉસ્પિટલ લઈ જવાની સલાહ બાદ હૉસ્પિટલ પહોંચતાં જ મનીષ ઢળી પડ્યા હતા

શનિવારે મુંબઈના વિરારમાં નવરાત્રીમાં ગરબે રમે રહેલા યુવાન મનીષ જૈનનું હાર્ટ ઍટેકથી મૃત્યુ થયું હતું. આ બાદ પુત્રના નિધનના સમાચારથી આઘાતમાં તેમના પિતા નરપત જૈનનું પણ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.

વિરારની ગ્લોબલ સિટીની એવરશાઇન એવેન્યુ સોસાયટીના રહીશો આ બમણા આઘાતને કારણે શોકમાં છે.

1 ઑક્ટોબરે મનીષ જૈન તેમના સોસાયટીમાં યોજાયેલ ગરબામાં ગરબે ઘૂમી રહ્યા હતા.

રાત્રે 11 વાગ્યા 30 મિનિટે તેઓ ખૂબ બેચેની અનુભવવા લાગ્યા. શરૂઆતમાં તેમને તેમના ફૅમિલી ડૉક્ટર પાસે લઈ જવાયા. પરંતુ ડૉક્ટરે તેમને મોટી હૉસ્પિટલમાં લઈ જવા જણાવ્યું.

પરંતુ આ દરમિયાન જ હાર્ટ ઍટેકના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું. મનીષના પિતા પણ આ વખતે હાજર હતા.

નરપત જૈન તેમની આંખ સામે જ તેમના પુત્રના મૃત્યુનો આઘાત ન સહન કરી શક્યા. મનીષ બાદ નરપત જૈનને પણ હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ પણ મૃત્યુ પામ્યા.

મનીષના ત્રણ માસ પહેલાં જ થયાં લગ્ન

વિરારનો આ પરિવાર ગોલ્ડ જ્વેલરીના ધંધામાં છે. મનીષ અને તેમના પિતા એકસાથે ધંધો સંભાળતા હતા.

પરિવાર પાંચ વર્ષ પહેલાં ભાયંદરથી વિરાર સ્થાયી થયો હતો. મનીષનાં પત્ની રાખી હાઉસવાઇફ છે.

જૈન પરિવાર એવરશાઇન એવેન્યુના સ્થાપક સભ્યો પૈકી એક હતો. આ કારણે તેમની અહીંના રહેવાસીઓ સાથે સારા સંબંધો હતા. પિતા-પુત્રનાં મૃત્યુના કારણે સમગ્ર સોસાયટી શોકગ્રસ્ત થઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મનીષને તેમના પિતા, ભાઈ અને અમુક મિત્રો રિક્ષા મારફતે હૉસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. પરંતુ તેઓ હૉસ્પિટલના દરવાજે જ ઢળી પડ્યા.

આ મામલે અરનાલા સાગરી પોલીસ સ્ટેશન ખાતે એક અકસ્માતે મૃત્યુની ફરિયાદ નોંધાઈ છે.

બંને પિતા-પુત્રના અંતિમ સંસ્કાર વિરારમાં જ રવિવારે થયા હતા.

નોંધનીય છે કે મનીષના કાકાનું મૃત્યુ હજુ બે અઠવાડિયાં પહેલાં જ થયું હતું. પરિવાર જ્યાં દુ:ખમાંથી બહાર નીકળાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે સમયે તેમના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

હૃદયસંબંધી રોગો

આમ કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટઍટેક આરોગ્ય સંબંધિત એક અતિ ગંભીર સમસ્યા છે.

ફાસ્ટ બની રહેલી લાઇફમાં હૃદયરોગ સંબંધિત બીમારીઓ મામલે કાળજી લેવી અત્યંત જરૂરી છે.

કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટઍટેકથી બચવા માટે શું કરવું જોઈએ અને તે થવા પાછળનાં કારણો જાણવા માટે બીબીસી ગુજરાતીએ સુરતના સિનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અતુલ અભ્યકંર સાથે વાતચીત કરી હતી.

ડૉ. અતુલે આ વિશે જણાવ્યું કે હાર્ટઍટેક અને કાર્ડિયાક અરેસ્ટ બન્ને જુદી બાબત છે

તેમણે કહ્યું, "હૃદયરોગમાં હૃદય સાથેની નળીઓ (ધમનીઓ)માં અવરોધ અને રક્તપ્રવાહમાં ખલેલ થવાની સમસ્યા સંકળાયેલી છે."

"આ સમસ્યા હૃદયની કામગીરી અત્યંત ધીમી કે ખૂબ જ ઝડપી બનાવી દે છે, અને એથી કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિ સર્જાય છે."

"હૃદયને પૂરતું લોહી નહીં પહોંચતાં અને તેની કામગીરીમાં વિક્ષેપ ઊભો થતાં કાર્ડિયાક અરેસ્ટમાં આવી જતાં હૃદય એકાએક કામ કરવાનું બંધ કરી દે છે અને મૃત્યુ થાય છે."

"સરળ શબ્દોમાં કહીએ તો હાર્ટઍટેક હૃદયના 'ઇલેકટ્રિકલ સિસ્ટમ'માં સર્જાતી ખામી છે અને કાર્ડિયાક અરેસ્ટ એ હૃદય તદ્દન કામ કરતું બંધ થઈ જાય તે સ્થિતિ છે."

હાર્ટ ઍટેકનાં લક્ષણો

ડૉક્ટરોના કહેવા પ્રમાણે, હાર્ટઍટેકનું સૌથી મોટું લક્ષણ હૃદયમાં દુખાવો થવું છે. સામાન્ય રીતે ફિલ્મનાં દૃશ્યમાં કોઈને હાર્ટઍટેક આવે તો તેઓ પોતાની છાતી પકડી લે છે.

હૃદય સુધી પૂરતું લોહી ના પહોંચે ત્યારે ઍટેક આવે છે. સામાન્ય રીતે આપણી ધમનીઓના રસ્તામાં કોઈ અડચણ આવવાને કારણે લોહી હૃદય સુધી નથી પહોંચી શકતું. એટલા માટે હૃદયમાં તીવ્ર પીડા થાય છે.

ક્યારેક હાર્ટઍટેકમાં પીડા થતી પણ નથી, તેને સાઇલન્ટ હાર્ટઍટેક કહેવાય છે.

વર્ષ 2016માં અલગ-અલગ બીમારીઓથી મરનારની સંખ્યામાં 53 ટકા લોકોનાં મૃત્યુ હૃદયની બીમારીથી થયા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો