You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુતિને યુક્રેનના ચાર વિસ્તારો પર કબજો કર્યાની ઘોષણા કરી , અમેરિકાએ લાદ્યા નવા પ્રતિબંધ - પ્રેસ રિવ્યૂ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના નવા વિસ્તારોને રશિયામાં સામેલ કરવાના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે મૉસ્કોમાં એક સમારોહમાં આ અંગે ભાષણ આપ્યું.
આવનારા કેટલાક દિવસોમાં આ વિસ્તારોને ઔપચારિક રૂપથી રશિયમાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.
આ રીતે વર્ષ 2014માં રશિયાએ યુક્રેનના ક્રાઇમિયાને પણ પોતાના નિયંત્રણમાં લીધું હતું. આ વિસ્તાર અત્યારે રશિયાના નિયંત્રણમાં છે.
પુતિને ક્રેમલિનમાં જ્યારે અધિગ્રહણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા ત્યારે રશિયન સૈન્યના અધિકારીઓ અને નેતાઓ તાળીઓ પાડી રહ્યા હતા.
ક્રેમલિનમાં યુક્રેનના વિસ્તારોને રશિયામાં સામેલ કરવાની જાહેરાત કરતા પુતિને કહ્યું હતું કે લોકોએ પોતાની પસંદગી જાહેર કરી દીધી છે અને આ વિસ્તારોને રશિયાનો ભાગ બનાવવો એવી અહીંયાની વસ્તીની ઇચ્છા હતી.
ક્રેમલિનના સેન્ટ જોર્જેઝ હૉલમાં આ જાહેરાતની સાથે જ રશિયાએ આધિકારિક રૂપથી યુક્રેનના દોનેત્સ્ક, લુહાંસ્ક, ખેરસોન અને ઝોપોરિઝ્ઝિયા વિસ્તારને પોતાનામાં ભેળવી લીધો છે.
રશિયાએ જનમતસંગ્રહ હેઠળ આ વિસ્તારોને પોતાના અધિકારમાં લીધા છે અને તેને સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરષ્ટ્રીયજગતમાં મોટાભાગના દેશોએ ગેરકાયદે માન્યું છે.
તેમણે યુક્રેનને કહ્યું કે તેઓ પોતાના સૈન્યઅભિયાનને રોકી દે અને રશિયા સાથે વાત કરે. પુતિને કહ્યું કે અધિકારમાં લેવામાં આવેલા નવા વિસ્તારો વિશે કોઈ વાત નહીં કરવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુક્રેને કહ્યું છે કે તે પોતાના વિસ્તારોને પાછા લેવા માટે સંઘર્ષ કરતું રહેશે.
કેજરીવાલ અમદાવાદમાં જે રિક્ષાચાલકના ઘરે જમવા ગયા, તે PM મોદીની સભામાં પહોંચ્યા
થોડા દિવસો પહેલાં જ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાત દરમિયાન ઑટોરિક્ષામાં સવાર થયા હતા અને એક રિક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા.
આ રિક્ષાચાલક આજે અમદાવાદમાં વડા પ્રધાન મોદીના કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરીને ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં વિક્રમ દંતાણી નામના આ રિક્ષા ચાલકે જણાવ્યું કે તેમણે રિક્ષા ચાલકોના યુનિયન તરફથી કહેવામાં આવ્યું હોવાથી અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપ્યું હતું.
ભાજપના કેન્દ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ ન્યૂઝ ક્લિપને ટ્વીટ કરી હતી.
વિક્રમ દંતાણી વીડિયોમાં કહેતા સંભળાય છે કે "હું પહેલેથી વડા પ્રધાન મોદીનો ફૅન છું અને ભાજપ સાથે જ જોડાયેલો છું. એ તો હું યુનિયનની મીટિંગમાં ગયો હતો. ત્યાં મને કહેવામાં આવ્યું કે આમ કરવાનું છે એટલે મેં તેમને જમવા બોલાવ્યા અને જમાડીને મોકલી દીધા. હું તેમની પાર્ટી સાથે જોડાયેલો નથી."
દિગ્વિજયસિંહે કહ્યું 'અધ્યક્ષ કોઈ પણ બને, નહેરુ-ગાંધી પરિવાર અમારા નેતા રહેશે'
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને વરિષ્ઠ કૉંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ગુરુવારે જાહેરાત કરી કે તેઓ કૉંગ્રેસ અધ્યક્ષપદ માટે ઉમેદવારી નોંધાવી રહ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું, "હું દિલ્હીમાં નામાંકન ફૉર્મ ભરવા માટે આવ્યો છું અને બાદમાં હું ભારત જોડો યાત્રામાં સામેલ થવા પાછો જઈશ. દરેક પીસીસી પ્રતિનિધિને અધ્યક્ષપદની ચૂંટણી લડવાનો અધિકાર છે. મારા નામાંકનની ચર્ચા મેં નહેરુ-ગાંધી પરિવાર સાથે કરી નથી."
દિગ્વિજયસિંહે જણાવ્યું કે તેમણે દિલ્હીમાં કૉંગ્રેસ પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓની પણ મુલાકાત લીધી, જેમાં એકે ઍન્ટની અને મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ થાય છે.
લીડરશિપના સવાલ પર વાત કરતા તેમણે કહ્યું, "નહેરુ-ગાંધી પરિવાર અમારા નેતા રહેશે. જે પણ પાર્ટી અધ્યક્ષ બનશે એ તેમના નેતૃત્વમાં કામ કરશે. અમારી પ્રાથમિકતા એ જોવાની હશે કે દેશની પરિસ્થિતિ કેવી રીતે સુધરે."
નવરાત્રી દરમિયાન ગરબા ગ્રાઉન્ડમાં 'લવ જેહાદ' ફેલાવતું અટકાવીશું : બજરંગદળ
બજરંગદળે ગુરુવારે કહ્યું કે તેઓ રાજ્યભરમાં ગરબા ગ્રાઉન્ડમાં 'અશ્રદ્ધાળુઓ' દ્વારા 'લવ જેહાદ' ફેલાતો અટકાવવા માટે તેમના સ્વયંસેવકોને મૂકશે.
બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) એકબીજા સાથે સંકળાયેલા છે.
વીએચપીના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે 'વિધર્મી'ઓનું આ પ્રકારના કાર્યક્રમોમાં હાજર રહેવાનું કોઈ કારણ નથી.
તેમણે કહ્યું, "આ તહેવાર સાંસ્કૃતિક તો છે જ, સાથેસાથે ધાર્મિક પણ છે. જો તેઓ ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશે છે, તો તેનાથી એ લોકોનો ઇરાદો સ્પષ્ટ થાય છે."
તેમણે વધુમાં કહ્યું, "નવરાત્રી દરમિયાન મારામારી, બળાત્કાર, લવ જેહાદ અને અપહરણના કિસ્સા બનતા હોય છે."
બજરંગદળના કાર્યકર રાજેશ પટેલે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, "બહેનોનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. આથી અમે દરેક ગરબા ગ્રાઉન્ડ બહાર અમારા પાંચ-છ કાર્યકરો રાખીએ છીએ. તેમના ધ્યાનમાં કોઈ વિધર્મી આવે તો તેમને પ્રવેશવા દેવાતા નથી. અમે આ બહેનોની સુરક્ષા માટે જ કરીએ છીએ."
યુક્રેનના ચાર વિસ્તારોને ખુદમાં ભેળવશે રશિયા
રશિયા યુક્રેનના વધુ ચાર વિસ્તારોને ઔપચારિક રીતે ખુદમાં ભેળવી રહ્યું છે. શુક્રવારે રાષ્ટ્રપતિ પુતિન તેના પર હસ્તાક્ષર કરશે.
આ નિર્ણય યુક્રેનમાં થયેલા એક કથિત જનમત સંગ્રહ બાદ લેવામાં આવ્યો છે, જેની યુક્રેન અને પશ્ચિમી દેશોએ નિંદા કરી છે.
રશિયાનો દાવો છે કે પાંચ દિવસના જનમત સંગ્રહમાં તેમને સમર્થન મળ્યું છે. આ જનમત સંગ્રહ લુહાન્સ્ક, દોનેત્સ્ક, જાપોરિજ્જિયા અને ખેરસૉનમાં યોજાયું હતું, જેમાં કથિતપણે મત પણ નાંખવામાં આવ્યા હતા.
હસ્તાક્ષર કર્યા બાદ રશિયન રાષ્ટ્રપતિ ક્રેમલિનમાં એક ભાષણ આપશે, જેના માટે મોસ્કોના રેડ સ્ક્વૅરમાં એક મંચ પહેલેથી તૈયાર કરી દેવાયો છે. આ મંચ પર યુક્રેનનાં ચાર ક્ષેત્રને રશિયાનો ભાગ દર્શાવતા ચાર હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યાં છે.
2014માં પણ જનમત સંગ્રહ બાદ રશિયાએ ક્રીમિયાને ખુદમાં ભેળવી લીધું હતું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો