તિસ્તા સેતલવાડ સામે SITનું આરોપનામું, ખોટા પુરાવા ઊભા કરવાનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ, નિવૃત ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ આર.બી. શ્રીકુમાર તથા પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની સામે આરોપનામું દાખલ કર્યું છે.
'એનડીટીવી'ના અહેવાલ પ્રમાણે તેમની ઉપર ગોધરાકાંડને પગલે ગુજરાતભરમાં ફાટી નીકળેલાં હુલ્લડોના કેસોમાં ખોટા પુરાવા ઊભા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
પૂર્વ આઈપીએસ અધિકારી અને હાલમાં વકીલાત કરતા રાહુલ શર્માને આ કેસમાં સાક્ષી બનાવવામાં આવ્યા છે.
આરોપીઓની ઉપર ભારતીય દંડસંહિતાની (આઈપીસી) કલમ 498, 194 અને 218 જેવી કલમો હેઠળ અમદાવાદની મેટ્રોપોલિટિન કોર્ટમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે.
તપાસનીશ પોલીસ અધિકારી એસીપી (આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ) બીવી સોલંકીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું હોવાની પુષ્ટિ કરી હતી.
સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં સર્વોચ્ચ અદાલતે તિસ્તા સેતલવાડને વચગાળાના જામીન આપ્યા હતા અને તેઓ બહાર છે.
નીચલી અદાલતે જામીન નકાર્યા બાદ ગુજરાત હાઈકોર્ટે તિસ્તાની જામીન અરજી ઉપર લાંબા સમયની મુદ્દત આપી હતી, જેની ઉપર સર્વોચ્ચ અદાલતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર હજુ પણ જેલમાં છે. ત્રીજા આરોપી સંજીવ ભટ્ટ કસ્ટડીમાં આરોપીના મૃત્યુના કેસમાં પાલનપુર જેલમાં સજા ભોગવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ધરપકડની પૃષ્ઠભૂમિ

ઇમેજ સ્રોત, Getty Images
જૂન મહિનામાં દેશની સર્વોચ્ચ અદાલતે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટને પડકારતી ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી હતી અને કેટલાંક તીક્ષ્ણ અવલોકન કર્યાં હતાં. સર્વોચ્ચ અદાલતે અવલોક્યું હતું :
"આખરે અમને એવું લાગે છે કે ગુજરાતના અસંતુષ્ટ સરકારી અધિકારીઓ તથા અન્ય લોકોએ ખોટા ઘટસ્ફોટ કરીને સનસનાટી ફેલાવવાનો સંયુક્ત રીતે પ્રયાસ કર્યો હતો. તેમના દાવાનાં જુઠ્ઠાણાં એસઆઈટીની તલસ્પર્શી તપાસમાં સંપૂર્ણપણે ખુલ્લાં પડી ગયાં હતાં."
"રસપ્રદ બાબત એ છે કે વર્તમાન કાર્યવાહી છેલ્લાં 16 વર્ષથી ચાલુ રાખવામાં આવી હતી. તેમાં કુટિલ કાવતરાને ઉઘાડું પાડવાની પ્રક્રિયામાં સામેલ પ્રત્યેક પદાધિકારીની ઇમાનદારી સામે સવાલ ઉઠાવવાની ધૃષ્ટતાનો પણ સમાવેશ થાય છે. આ ન્યાય પ્રક્રિયાના આવા દુરોપયોગમાં સામેલ તમામ લોકો સામે વાસ્તવમાં કાયદાકીય પગલાં લેવાં જોઈએ"
આ પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ તિસ્તા સેતલવાડ સામે ફરિયાદના સંભવિત સાક્ષીઓના બનાવટી દસ્તાવેજો સહિતની હકીકત, દસ્તાવેજો અને પુરાવા ઉપજાવી કાઢ્યા હોવાનો આક્ષેપ સાથે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશ રિપોર્ટ) દાખલ કર્યો હતો. પોતાની એફઆઈઆરમાં ફરિયાદી અધિકારીએ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલાં અવલોકનોને પણ ટાંક્યાં હતાં.
ગુજરાતની ઍન્ટિ ટૅરરિસ્ટ સ્ક્વૉડે મુંબઈમાં તિસ્તા સેતલવાડની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. જેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તિસ્તાએ અરજી આપી હતી અને પોતાના જીવ ઉપર જોખમ હોવાનું તથા તપાસનીશ ટીમ ઉપર ઘરમાં ગેરકાયદેસર પ્રવેશનો આરોપ મૂક્યો હતો.
ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા તિસ્તા તથા અન્ય આરોપીઓ સામેના આરોપોની તપાસ કરવા માટે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે, જેની કમાન એસીપી સોલંકીને સોંપવામાં આવી છે.
ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર પણ લેવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













