You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પયગંબર ટિપ્પણી વિવાદ : ભાજપ ધારાસભ્ય ટી રાજાસિંહને બૅન કરતાં જ્યારે ફેસબુક ખચકાયું હતું
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- સમર્થકો તેમને 'રાજા ભૈયા' તથા 'ટાઇગર રાજા' તરીકે ઓળખે છે.
- ટી રાજ તેલંગણામાં ભાજપના ધારાસભ્ય છે. તેમણે પયગંબર મહમદ પર નૂપુર શર્માના નિવેદનનો પુનરોચ્ચાર કર્યો હતો.
- તેઓ પહેલાં પણ ઉશ્કેરણીજનક પોસ્ટને લઈને વિવાદમાં રહ્યા છે.
- અગાઉ ફેસુબક તેમની પ્રોફઇલને બંધ કરતાં ખચકાયું હતું.
મહમદ પયગંબર અંગે નૂપુર શર્માના નિવેદનના પડઘા હજુ શમ્યા નથી કે તેલંગણામાં ભાજપના ધારાસભ્ય ટી. રાજાસિંહે ટિપ્પણીઓ ફરી વાર ઉચ્ચારી છે. આને પગલે તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં આક્રોશનો માહોલ છે. મંગળવારે સવારે હૈદરાબાદ પોલીસ દ્વારા ટી. રાજાસિંહની ધરપકડ કરવામાં આવી અને તેમને થોડા કલાકોમાં છોડી મૂકવામાં આવ્યા હતા.
સમર્થકોમાં 'રાજા ભૈયા' તથા 'ટાઇગર રાજા' તરીકે ઓળખાતા રાજાસિંહ અને વિવાદો વચ્ચે જૂનો નાતો રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર તેમના અનેક વીડિયો છે, જેમાં અનેક નિવેદન એવાં છે કે જેને પ્રથમ દૃષ્ટિએ જ વાંધાજનક ગણી શકાય.
એક તબક્કે ટી. રાજાના વીડિયોને કારણે ભારતમાં ઘૃણાસ્પદ ભાષા અંગે ફેસબુકના બેવડાં ધોરણો ઉપર સવાલ ઊઠવા પામ્યા હતા. બીજી બાજુ, ભાજપે રાજાસિંહને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તેમને દસ દિવસમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.
ટી. રાજાસિંહનું કહેવું છે કે તેમણે વીડિયોમાં કોઈ પણ વ્યક્તિ કે ધર્મનું નામ નથી લીધું અને તે માત્ર મુન્નવર ફારુકી નામના કૉમેડિયન ઉપર હતો. આ વીડિયોનો બીજો ભાગ પણ રજૂ કરવાની વાત ટી રાજાએ કહી છે.
હાલનો વિવાદ શું છે?
રાજાસિંહે સોશિયલ મીડિયામાં સોમવારે હિંદીમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે સ્ટેન્ડ અપ કૉમેડિયન મુનવર ફારુકી સામે અભદ્ર ટિપ્પણી કરી હતી. વીડિયો દસ મિનિટ લાંબો હતો.
રાજાસિંહે વિવાદિત ધાર્મિક ટિપ્પણીઓ માટે જાણીતા છે. જોકે હાલ 20 ઑગસ્ટના હૈદરાબાદમાં મુનવ્વર ફારુકીનો શો થવા દેવાના વિરોધમાં હતા. તેમણે રાજ્ય સરકાર સામે આ માટે વિરોધ નોંધાવ્યો હતો.
તેમણે ઇવેન્ટ અને તેના માટે ભારે પોલીસવ્યવસ્થાની ટીકા કરતાં નિવેદન આપ્યું હતું કે તેઓ ઇવેન્ટના સ્થળને નુકસાન પહોંચાડશે. ધમકીઓ છતાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.
તેમણે કહ્યું હતું કે "તેઓ 23 ઑગસ્ટના આવો જ કાર્યક્રમ કરીને અપમાનજનક નિવેદનો કરશે. તેમણે કહ્યું કે, અમે મુનવ્વરને નહીં છોડીએ. અમે તેમને મારીશું. જો પોલીસ આ કાર્યક્રમ થવા દેશે તો અમે પણ આવો કાર્યક્રમ કરીશું. જેનાથી હિંદુઓને ગર્વ થશે અને દેશમાં કોમી તણાવ પ્રસરી જશે"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોસામહલથી બે વખત ધારાસભ્ય ચૂંટાયેલા રાજાસિંહ પહેલાં પણ વિવાદિત નિવેદનો કરી ચૂક્યા છે.
તેમના હાલના વીડિયોને લઈને હૈદરાબાદમાં અનેક વિરોધપ્રદર્શન થયાં છે. તેમની સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે પરંતુ તેમણે કહ્યું હતું કે તેઓ નિવેદન પર મક્કમ છે. તેમણે કહ્યું, "હું જેલમાંથી બહાર નીકળીને નવો વીડિયો બનાવીશ."
લાઇવ લૉ અનુસાર તેમના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી જેને ફગાવતાં કોર્ટે તેમને જામીન આપ્યા છે.
વિવાદનો FACE અને BOOKed
ટી. રાજાના વીડિયોમાં રહેલી કથિત વાંધાજનક સામગ્રી અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ છે. આ પહેલાં પણ તેઓ વિવાદમાં રહ્યા છે. ન્યૂ યૉર્કસ્થિત અખબાર 'વૉલ સ્ટ્રીટ જર્નલ' દ્વારા ઑગસ્ટ-2020માં એ સંશોધાત્મક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે મુજબ:
ફેસબુક દ્વારા ભાજપ તથા જમણેરી વિચારસરણી સાથે જોડાયેલા લોકો અને તેમના હેન્ડલ્સ પરની સામગ્રી ઉશ્કેરણીજનક હોવાનું 'ફ્લૅગ' થવા છતાં તેના પ્રત્યે નરમાશ વર્તી હતી અને આંખ આડા કાન કર્યા હતા.
ફેસબુક પરના વીડિયોમાં ટી. રાજાસિંહે રોહિંગ્યા મુસ્લિમોને ગોળી મારવાની અને મસ્જિદોને તોડી પાડવાની વાત કહી હતી. તેમના આ વીડિયો ફેસબુકની સામુદાયિક માર્ગદર્શિકાનો ભંગ કરે તેવા હતા. એટલે સુધી કે તે 'ભયજનક' શ્રેણીના હતા.
ટી. રાજાસિંહની પોસ્ટ તથા વીડિયોને કારણે વાસ્તવિક જીવનમાં હિંસા તથા સાંપ્રદાયિક તણાવ ફેલાઈ શકે તેમ હોવાથી કંપનીના આંતરિક નિયમ મુજબ, તેમને વિશ્વભરમાં ફેસબુકના દરેક પ્લૅટફૉર્મ પરથી પ્રતિબંધિત કરી દેવા જોઈતા હતા. આમ છતાં ટી. રાજાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ ચાલુ રહેવા પામ્યા હતા, જ્યાં લાખો યૂઝર્સ તેમને ફૉલો કરી રહ્યા હતા.
ફેસબુકની આંતરિક નીતિ પ્રમાણે, "વ્યક્તિ ગમે તે રાજકીય પદ પર હોય કે રાજકીય પક્ષ સાથે સંકળાયેલી હોય" ઉશ્કેરણીજનક નિવેદન કે હિંસાને આહ્વાન માટે તેના હૅન્ડલ વિરુદ્ધ કાર્યવાહી કરવી રહી.
ફેસબુકના તત્કાલીન તથા પૂર્વ કર્મચારીઓને ટાંકતાં અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે જ્યારે ટી. રાજાસિંહ ઉપરાંત ઓછામાં ઓછા ત્રણ હિંદુ રાષ્ટ્રવાદીઓ તથા જૂથોની ઉપર હિંસાને ઉત્તેજન આપતું નિવેદન કરવા બદલ તથા હિંસાને પ્રોત્સાહન આપવા બદલ કંપનીના નિયમો હેઠળ કાર્યવાહી કરવાની આંતરિક ચર્ચા થઈ, ત્યારે ભારતમાં ફેસબુકના ટોચના પૉલિસી ઍક્ઝિક્યુટિવ અંખી દાસે તેમને અટકાવ્યા હતા.
દાસનું કામ ફેસબુક વતી સરકારમાં લૉબિંગ કરવાનું હતું. તેમણે સ્ટાફ મૅમ્બર્સને જણાવ્યું હતું કે જો નિયમભંગ બદલ ભાજપના નેતાઓની સામે ફેસબુક પ્લૅટફૉર્મ પર કાર્યવાહી કરવામાં આવશે, તો ભારતમાં તેના ધંધાને માઠી અસર પહોંચી શકે છે. વપરાશકર્તાની સંખ્યાની દૃષ્ટિએ ભારતએ ફેસબુક માટે વિશ્વનું સૌથી મોટું બજાર છે.
અહેવાલ પ્રકાશન બાદ ફેસબુકના તત્કાલીન પ્રવક્તા ઍન્ડી સ્ટોને જણાવ્યું હતું કે રાજાસિંહ સામે કાર્યવાહી નહીં કરવાનું એકમાત્ર કારણ રાજકીય ન હતું અને તેમના ઉપર પ્રતિબંધ મૂકવો કે નહીં તે અંગે વિચારણા ચાલુ છે.
અહેવાલ પ્રકાશન બાદ ફેસબુક ઉપર દબાણ ઊભું થયું હતું, એ પછી સપ્ટેમ્બર-2020માં રાજાસિંહને ફેસબુક તથા કંપનીના અન્ય એક પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પરથી બૅન કરવામાં આવ્યા હતા. જોકે, ફૅનપેજ તથા અન્ય માધ્યમ થકી ટી. રાજાસિંહના વિચારો ફેસબુક યૂઝર્સ સુધી પહોંચતા રહ્યા છે.
2011થી ફેસબુકમાં કાર્યરત દાસે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, જેના કારણ વિશે અટકળો થતી રહી. ઉલ્લેખનીય છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રમ તથા વૉટ્સઍપના નામથી મેટા કંપની ભારતમાં કાર્યરત્ છે. આ સિવાય તેણે મુકેશ અંબાણીની ટેલિકૉમ કંપની જિયોમાં 5.7 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે.
વિવાદોના રાજા
રવિવારે હૈદરાબાદમાં ચર્ચાસ્પદ કૉમેડિયન મુનવ્વર ફારુકીનો શો હતો, જેમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ ટી. રાજાના સમર્થકોએ કર્યો હતો, પરંતુ તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે રાજાને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. એ પછી શો યોજી શકાયો હતો.
ફારુકી પર હિંદુઓની ધાર્મિક લાગણીઓ દુભાવતી કૉમેડી કરવાના આરોપ છે અને તેમની સામે આ અંગે કેસ પણ દાખલ છે, તેઓ જામીન ઉપર બહાર છે. આથી, રાજાસિંહ તેમના શોનો વિરોધ કરી રહ્યા હતા.
તેમણે કહ્યું હતું કે જો ફારુકી પોલીસસુરક્ષામાં શો કરશે, તો હું પણ શો કરીશ. જેની ઉપર હિંદુઓને ગર્વ થશે અને અપેક્ષા પ્રમાણે જ તેમણે દસ મિનિટનો વીડિયો યુટ્યુબ ઉપર મૂક્યો હતો, જેમાં તેમણે મહમદ પયગંબર અંગે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ કહેલી વાતોનો પુનરોચ્ચાર કર્યો હતો.
એ પછી સોમવારે રાત્રે જૂના હૈદરાબાદમાં લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનની બહાર ઘેરાવ કરીને ટી. રાજાની ધરપકડની માગ કરી હતી. આ દરમિયાન 'ગુસ્તાખે રસૂલ કી એક હી સજા, સર તન સે જુદા'ના વિવાદાસ્પદ નારા પણ લાગ્યા હતા.
રાજાસિંહ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 295-અ તથા 153-અ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે. હૈદરાબાદ પોલીસે ધરપકડનો વિરોધ કરી રહેલા રાજાસિંહના સમર્થકો ઉપર લાઠીચાર્જ કર્યો હતો.
ટી રાજાસિંહે કહ્યું છે કે તેઓ પોતાની ટિપ્પણી પર અફર છે અને સત્યને માટે પ્રાણ આપવા માટે પણ તૈયાર છે. જરૂર પડ્યે તેઓ બીજો વીડિયો પણ પ્રસારિત કરશે.
એક વખત ટી. રાજાસિંહે કહ્યું હતું કે, 'પોલીસ વધીને શું કરશે, કેસ દાખલ કરશે ? થવા દો. મને કોઈ ચિંતા નથી. કોર્ટ મારા ઘરની પાસે જ છે. અરધો સમય ઑફિસમાં જાય છે તો અડધો સમય કોર્ટમાં જશે. હું કોર્ટમાં પણ મારું ઑફિસનું કામ કરું છું.'
ટી. રાજાસિંહ ગોસામહલ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. તેઓ 2014 તથા 2018મા આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ ભાજપના ચીફ વ્હિપ પણ છે. રાજાસિંહનો પરિવાર મૂળ ઉત્તર ભારતનો છે અને હૈદરાબાદમાં આવીને સ્થિર થયો હતો.
ભાજપમાં જોડાયા તે પહેલાં રાજાસિંહ શિવસેના માટે કામ કરતા હતા. ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ હૈદરાબાદ આવ્યા હતા અને તેમના માટે પ્રચાર કર્યો હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો