સોનાલી ફોટાગ : ડ્રગ, 'બળાત્કાર' અને સીસીટીવી ફૂટેજ, શું છે મૃત્યુની અસલ કહાણી?

સોનાલી ફોગાટ

ઇમેજ સ્રોત, FB/SONALI

લાઇન
  • સોનાલી ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવ્યાં હતાં. પરંતુ સોનાલીની વાત ઘણા ભેદભરમથી ભરેલી છે
  • 2019માં સોનાલીના સોશિયલ મીડિયા એપ ટિકટોક પર લગભગ 1 લાખ 25 હજાર ફોલોઅર્સ હતા
  • 2019માં, સોનાલીએ તેના ચૂંટણી એફિડેવિટમાં તેની સંપત્તિ 2 કરોડ 74 લાખ રૂપિયા જાહેર કરી હતી
  • સોનાલી ફોગાટ 2020-2021માં બિગબોસમાં પણ જોડાયાં હતાં
લાઇન

ભાજપ નેતા અને ટિક ટૉક સ્ટાર સોનાલી ફોગાટનાં મૃત્યુને લઈને દિવસેદિવસે બદલાઈ રહેલા ઘટનાક્રમ અને તેમનાં પરિવાર તરફથી કરવામાં આવેલા ગંભીર દાવાઓ ચર્ચામાં છે.

સોનાલીના પરિવારજનોએ આરોપ લગાવ્યા છે કે સોનાલી ફોગાટની હત્યા કરવામાં આવી છે અને તે પહેલાં કથિતપણે તેમના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

ફોગાટના ભાઈ રિંકૂ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો ઉલ્લેખ અખબાર 'હિંદુસ્તાન ટાઇમ્સે' પોતાના અહેવાલમાં કર્યો છે.

સોનાલીના ભાઈએ દાવો કર્યો છે કે સોનાલી 24 ઑગસ્ટે ગોવામાં શૂટિંગ કરવાનાં હતાં પરંતુ તેમણે 21 અને 22 ઑગસ્ટ માટે હૉટલમાં રૂમ બુક કરાવ્યો હતો.

સમાચાર એજન્સી એએનઆઈએ ગોવા પોલીસના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે સોનાલી ફોગાટને એક પાર્ટીમાં બે સહયોગીઓએ બળજબરીપૂર્વક ડ્રગ્ઝ આપ્યું હતું.

આ બંનેને હત્યાના આ કેસમાં આરોપી તરીકે જોડવામાં આવ્યા છે અને તેમની ધરપકડ પણ કરી દેવાઈ છે.

ગોવાના ઇન્સપૅક્ટર જનરલ ઓમવીરસિંહ બિશ્નોઈએ એએનઆઈને જણાવ્યું "સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે સુધીર સાંગવાન અને સુખવિંદર સિંહ મૃતક સાથે ક્લબમાં હતા. જ્યાં તેમણે બળજબરીપૂર્વક કંઈક પીવડાવ્યું હતું. પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે તેમણે જાણીજોઈને ડ્રિન્કમાં ભેળસેળ કરી હતી." બન્નેની ધરપકડ પણ કરી લેવાઈ છે. ગુરુવારે ગોવા પોલીસે સોનાલી ફોગાટના મૃત્યુના મામલામાં હત્યાનો કેસ નોંધ્યો છે.

સોનાલી ફોગાટના ભાઈએ પણ પોતાની બહેનને મૃત્યુ પાછળ કોઈનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો.

સોનાલી ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવ્યાં હતાં.

ટિકટૉક, ભાજપ, સરકારી અધિકારીઓ સાથે ગેરવર્તન અને પતિના મૃત્યુને લગતા ઘણા પ્રશ્નો તેમના જીનનમાં સામેલ છે.

line

કોણ હતાં સોનાલી ફોગાટ?

સોનાલી ફોગાટ

ઇમેજ સ્રોત, FB/SONALI

ઇમેજ કૅપ્શન, 2019માં સોનાલીના સોશિયલ મીડિયા ઍપ ટિકટૉક પર લગભગ 1 લાખ 25 હજાર ફૉલોઅર્સ હતા.

સોનાલીનો જન્મ વર્ષ 1979માં હરિયાણાના હિસાર પાસેના એક ગામમાં થયો હતો. સોનાલીએ 1995માં હરિયાણામાંથી 10મું પાસ કર્યું હતું.

સોનાલીનો પરિવાર હિસારના હરિતા ગામમાં ચાર પેઢીઓથી રહે છે. સોનાલીના પરિવારમાં તેમનાં સાસુ, નણંદ, દિયર અને દિકરીનો સમાવેશ થાય છે.

સોનાલી હરિયાણી દૂરદર્શન ટીવી સહિતના ઘણા શો સહિત કેટલીક હરિયાણવી ફિલ્મોમાં પણ જોવા મળ્યાં હતાં. સોનાલી 2008માં પહેલીવાર ભાજપમાં જોડાયાં હતાં અને તે ભાજપ મહિલા મોરચામાં પણ રહ્યાં હતાં.

2019 સુધી, સોનાલીનો હરિયાણા અને આસપાસના વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર સારો ચાહક વર્ગ હતો. 2019માં સોનાલીના સોશિયલ મીડિયા ઍપ ટિકટૉક પર લગભગ 1 લાખ 25 હજાર ફૉલોઅર્સ હતા. સોનાલીના વીડિયોને લાખો વ્યૂઝ મળતા હતા.

આ લોકપ્રિયતાને ઇલેક્ટોરલ વોટમાં કન્વર્ટ કરવા માટે ભાજપે સોનાલી ફોગાટને હિસારની આદમપુર સીટ પરથી ટિકિટ આપી હતી. 2019માં, સોનાલીએ તેમના ચૂંટણી ઍફિડેવિટમાં તેમની સંપત્તિ 2 કરોડ 74 લાખ રૂપિયા જાહેર કરી હતી.

સોનાલીની સામે કૉંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ બિશ્નોઈ હતા. ચૂંટણી પરિણામો પહેલાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે સોનાલી ફોગાટ કુલદીપસિંહ બિશ્નોઈને ટક્કર આપી શકે છે. પરંતુ ચૂંટણી પરિણામોમાં સોનાલી ફોગાટનો પરાજય થયો હતો.

કુલદીપસિંહ બિશ્નોઈએ સોનાલીને લગભગ 29 હજાર મતોથી હરાવ્યા હતા. જોકે બાદમાં કુલદીપસિંહ બિશ્નોઈ પણ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

થોડા દિવસો પહેલાં સોનાલી અને કુલદીપસિંહ બિશ્નોઈ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો.

line

મારપીટ કરીને ચર્ચામાં આવ્યાં

કુલદીપસિંહ અને સોનાલી

ઇમેજ સ્રોત, FB/SONALI

ઇમેજ કૅપ્શન, કુલદીપસિંહ અને સોનાલી

સોનાલી ફોગાટ ચૂંટણી હારી ગયાં બાદ પણ ચર્ચામાં રહ્યાં હતાં.

2020માં સોનાલીનો માર્કેટિંગ યાર્ડના અધિકારી સાથે મારપીટનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સોનાલી ઑફિસર સાથે ઝઘડો અને મારપીટ કરતાં જોવા મળ્યાં હતાં.

એ વીડિયોમાં ઑફિસર એમ કહેતા જોવા મળે છે કે "સોનાલી જે પણ કામ કરવાનું કહેતાં હતાં, તે તેઓ કરી રહ્યા હતા".

વીડિયોમાં સોનાલીએ કહ્યું હતું કે, "તે મારી સાથે ખરાબ વર્તન કરી રહ્યા હતા." વીડિયો સામે આવ્યા બાદ કૉંગ્રેસે હરિયાણા ભાજપને ઘેરી લીધો હતો.

વીડિયો વાયરલ થયા બાદ સોનાલીએ પણ પોતાનો ખુલાસો રજૂ કર્યો હતો.

line

બિગ બૉસ અને પતિનું મૃત્યુ

સોનાલી ફોગાટ

ઇમેજ સ્રોત, FB/SONALI

સોનાલીના પતિના મૃત્યુને લઈને સોશિયલ મીડિયા પર ઘણી બધી વાતો કહેવામાં આવી રહી છે.

સોનાલી એક વીડિયોમાં આ વિશે વાત કરતા જોવા મળ્યાં હતાં.

એ વીડિયોમાં સોનાલીએ જણાવ્યું હતું કે, "જો મારા પતિએ આત્મહત્યા કરી હોત અથવા મેં તેને મારી નાખ્યા હોત તો શું હું ઘરમાં રહેતી હોત. મારા પતિ શા માટે આત્મહત્યા કરે?"

"તેમની પાસે શું ખૂટતું હતું? મારા પતિ ખૂબ જ જીંદાદીલ માણસ હતા. હું આજે જ્યાં છું ત્યાં મારા પતિના કારણે પહોંચી છું."

"જે દિવસે મારા પતિનું અવસાન થયું તે દિવસે હું મુંબઈમાં હતી. હિસારના સિમાડે અમારી પાસે 7-8 કિમી દૂર ખેતર છે. ત્યાં પણ ઘર બાંધવામાં આવ્યું છે."

"મારી જેઠાણી ત્યાં રહે છે. તે સમયે તે બધા પણ હાજર હતા. રાત્રે તેમનું હૃદય બંધ પડી ગયું, સવારે તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. મારો આખો પરિવાર ત્યાં હાજર હતો અને હું રાત્રે ત્યાં પહોંચી હતી."

સોનાલી ફોગાટ 2020-2021માં બિગબૉસમાં પણ જોડાયાં હતાં.

આ શો દરમિયાન પણ સોનાલીએ તેમના પતિ અને પતિના મૃત્યુ પછીના સમય વિશે વાત કરી હતી. શોમાં રાહુલ વૈદ્ય સોનાલી ફોગાટને પૂછે છે - "તમારા પતિ બાદ તમે છેલ્લે ક્યારે પ્રેમમાં પડ્યાં હતાં?"

ત્યારે સોનાલીએ જવાબ આપ્યો, "બે વર્ષ પહેલાં મારું દિલ કોઈના પર આવી ગયું હતું. પરંતુ કોઈ કારણસર વાત આગળ વધી શકી ન હતી. મને યોગ્ય નહોતું લાગ્યું." સોનાલીએ એ જ શોમાં અન્ય સ્પર્ધક અલી પ્રત્યે પણ પ્રેમ વ્યક્ત કર્યો હતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન