ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, આ જિલ્લાઓમાં ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images

- આગામી ત્રણથી ચાર દિવસમાં પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
- ગુજરાતમાં 22થી 25 ઑગસ્ટ સુધી ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
- મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે.
- રાજ્યના કયા ભાગોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, વાંચો આ અહેવાલમાં.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં ફરી નવો વરસાદી રાઉન્ડ શરૂ થયો છે.
હાલ મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, હવે એ સિસ્ટમ આગળ વધતાં જ ગુજરાત પર તેની અસર શરૂ થઈ છે.
સૌપ્રથમ પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. જે બાદ સિસ્ટમ આગળ વધતા ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વધવાની શક્યતા છે.
ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 39 ટકા વધારે વરસાદ થયો છે. એટલે કે અત્યાર સુધી જે સરેરાશ વરસાદ થવો જોઈએ એના કરતાં રાજ્યમાં વધારે વરસાદ થયો છે.

ગુજરાતના કયા જિલ્લાઓમાં આગાહી?

ઇમેજ સ્રોત, Getty Images
બંગાળની ખાડી પરથી આગળ વધીને મધ્ય ભારત પર પહોંચેલી સિસ્ટમ ગુજરાતને પણ અસર કરશે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવનારા ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં 22થી 25 ઑગસ્ટ સુધી ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહિસાગર સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લામાંઓમાં 23થી 25 તારીખ સુધી વરસાદ પડવાની સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે.
થોડા દિવસો પહેલાં જ બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ હતી.
કચ્છમાં પણ બેથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે જારી કરેલી માહિતી પ્રમાણે વેલમાર્ક્ડ લૉ પ્રેશર રાજસ્થાન પર પહોંચતા તેની અસર ગુજરાત પર થવાની શરૂ થશે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે અને ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. હાલ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા ઓછી છે.

ગુજરાતમાં વરસાદ ધીમો ક્યારે પડશે?
ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં જો વધારે વરસાદ પડે તો ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની પણ શક્યતા છે.
તાજેતરમાં જ ભારે વરસાદ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. જોકે, આ વરસાદી રાઉન્ડ લગભગ ત્રણથી ચાર દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે.
ગુજરાતમાં 25 ઑગસ્ટ બાદ વરસાદ ધીમો પડી જશે અને 26 ઑગસ્ટથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થવાની શક્યતા હાલ દેખાઈ રહી છે.
જે બાદ રાજ્યમાં લગભગ છથી સાત દિવસ સુધી હાલની સ્થિતિ પ્રમાણે વરસાદ પડવાની શક્યતા નથી. એટલે કે ઑગસ્ટના અંત સુધી વરસાદ પડવાની શક્યતા નથી.
બંગાળની ખાડીમાં ઉદ્ભવતી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, ફરી નવી સિસ્ટમ હાલ બંગાળની ખાડીમાં સર્જાવાની શક્યતા ઓછી છે. જેથી રાજ્યમાં આ વરસાદી રાઉન્ડ બાદ વરાપ નીકળવાની શક્યતા છે.

ગુજરાતમાં સતત વરસાદ કેમ પડી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં ચોમાસાનો આધાર દરિયામાં બનતી વરસાદી સિસ્ટમ પર આધારિત હોય છે. એટલે કે ચોમાસાનો મોટાભાગનો વરસાદ વરસાદી સિસ્ટમોને કારણે આવે છે.
ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થઈ હતી. જોકે, જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ કરતાં વરસાદ ઓછો પડ્યો હતો. જે બાદ જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે.
ભારે અને અતિભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ પેદા થઈ હતી.
બંગાળની ખાડીમાં સર્જાતી વરસાદી સિસ્ટમો એટલે કે લૉ-પ્રેશર આ વર્ષે ગુજરાત અને રાજસ્થાન પર આવી રહી છે. જેના કારણે સતત વરસાદ પડી રહ્યો છે.
આ વર્ષે જુલાઈ અને ઑગસ્ટમાં બંગાળની ખાડી સતત સક્રીય રહી છે અને તેમાં સતત સિસ્ટમો સર્જાતી રહી છે. જે સતત પશ્ચિમ તરફ એટલે કે ગુજરાત તરફ આવતી હોવાથી રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













