You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રોહિંગ્યા : દિલ્હીમાં રોહિંગ્યા શરણાર્થીઓને ફ્લૅટ આપવાનો વિવાદ શું છે? ગૃહમંત્રાલયે આપ્યું સ્પષ્ટીકરણ- પ્રેસ રિવ્યૂ
રોહિંગ્યા શરણાર્થીઓને દિલ્હીના બક્કરવાલામાં ઈડબલ્યૂએસ ફ્લૅટમાં શિફ્ટ કરવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
હવે ગૃહમંત્રાલયે ટ્વીટ કરીને આ મામલે સ્પષ્ટીકરણ આપ્યું છે.
ગૃહમંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું કે રોહિંગ્યા શરણાર્થીઓને લઈને મીડિયામાં કેટલીક જગ્યાઓ પર સમાચાર ચાલી રહ્યા છે જે અંગે સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રાલયે નવી દિલ્હીમાં બક્કરવાલામાં રોહિંગ્યા લોકોને ઈડબલ્યૂએસ ફ્લૅટ માટે કોઈ નિર્દેશ નથી આપ્યો.
બીજા ટ્વીટમાં ગૃહમંત્રાલયે કહ્યું કે દિલ્હી સરકારે રોહિંગ્યા લોકોને એક નવી જગ્યાએ શિફ્ટ થવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ગૃહમંત્રાલયે દિલ્હી સરકારને નિર્દેશ આપ્યો છે કે અવૈધ રોહિંગ્યા પ્રવાસી પોતાની જગ્યા પર રહેશે કારણ કે ગૃહમંત્રાલયે પહેલાં જ વિદેશ મંત્રાલય મારફતે સંબંધિત દેશ સાથે તેમને પાછા મોકલવા મામલે ચર્ચા કરી છે.
આ સિવાય ગૃહમંત્રાલયે એમ પણ કહ્યું કે અવૈધ પ્રવાસીઓને પાછા મોકલવા સુધી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે, ત્યારે દિલ્હી સરકારે તે જગ્યાને ડિટેન્શન સેન્ટર ઘોષિત નથી કરી જ્યાં રોહિંગ્યા રહે છે. દિલ્હી સરકારને આવું કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
આમ તો સમગ્ર વિવાદની શરૂઆત કેંદ્રીય મંત્રી હરદીપસિંહ પુરીના ટ્વીટથી થઈ. તેમણે ટ્વીટ કર્યું કે ભારતે હંમેશાં લોકોનું સ્વાગત કર્યું છે જેમણે ભારતમાં શરણ માગ્યું છે. એક ઐતિહાસિક નિર્ણય હેઠળ બધા રોહિંગ્યા શરણાર્થીઓને દિલ્હીના બક્કરવાલા વિસ્તારમાં ઈડબલ્યૂ ફ્લૅટ્સમાં શિફ્ટ કરવામાં આવશે. તેમને મૂળભૂત સુવિધાઓ, યુએનએચસીઆર આઈડી અને 24 કલાક સુરક્ષા આપવામાં આવશે.
આ ટ્વીટ બાદ ભાજપના કેટલાક નેતાઓએ આનો વિરોધ કર્યો હતો. ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને રોહિંગ્યા પહેલાં કાશ્મીરી પંડિતો અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ શીખોને ફ્લૅટ આપવાની વિનંતી કરી.
વિશ્વ હિંદુ પરિષદે રોહિંગ્યા મામલામાં હરદીપસિંહ પુરીને ઘેર્યા હતા. વિશ્વ હિંદુ પરિષદે નિવેદન કરીને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીની ટીકા કરી હતી. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ હરદીપસિંહ પુરીના નિવેદનને લઈને સ્તબ્ધ છે. તેમણે 20 ડિસેમ્બર, 2020માં અમિત શાહ તરફથી સંસદમાં આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ગૃહમંત્રીએ જાહેરાત કરી કે ભારતમાં રોહિંગ્યાને ક્યારેય સ્વીકાર નહીં કરવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આલોક કુમારે કહ્યું હતું કે રોહિંગ્યા શરણાર્થી નથી બલ્કે ઘૂસણખોર છે અને કેન્દ્ર સરકારનું પણ આવું માનવું છે અને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ ઍફિડેવિટમાં પણ આ વાત કહી હતી. વિશ્વ હિંદુ પરિષદે કેન્દ્ર સરકાર પાસે માગ કરી છે કે તેઓ પોતાના નિર્ણય પર વિચાર કરે અને રોહિંગ્યાને શરણ આપવાને બદલે તેમને ભારતથી પાછા મોકલી દે.
ભાજપે જાહેર કર્યું સંસદીય બોર્ડનું નવું માળખું, શિવરાજસિંહ-ગડકરીને ન મળી જગ્યા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પાર્ટીના કેન્દ્રીય સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિનું ગઠન કર્યું છે.
ભાજપે આ અંગેની માહિતી સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર શૅર કરી હતી.
કેન્દ્રીય સંસદીય બોર્ડના નવા માળખાની ચર્ચા કરીએ તો તેમાં અધ્યક્ષ તરીકે જે. પી. નડ્ડા, નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, અમિત શાહ, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી બી. એસ. યેદીયુરપ્પા, સર્બાનંદ સોનોવાલ, કે. લક્ષ્મણ, સુધા યાદવ, સત્યનારાયણ જટિયા અને બી. એલ. સંતોષનો સમાવેશ કરાયો છે.
જ્યારે જૂના સભ્યો નીતિન ગડકરી અને શિવરાજસિંહ ચૌહાણનો આ યાદીમાં સમવાશે નથી કરાયો.
ગુજરાતમાં ફરી ભારે પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
ગુજરાતમાં ફરી વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ગુજરાત એટીએસ અને મુંબઈના એન્ટિ-નાર્કોટિક સેલે અનુક્રમે વડોદરા અને અંકલેશ્વર પાસે બે અલગ-અલગ દરોડામાં લગભગ રૂપિયા 2,000 કરોડની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે.
બાતમીને આધારે એન્ટિ-નાર્કોટિક સેલની વર્લી શાખાએ 13 ઑગસ્ટના રોજ ગુજરાતના અંકલેશ્વરમાં એક મૅન્યુફૅક્ચરિંગ યુનિટ પર દરોડો પાડ્યો હતો અને તેના માલિક ગિરિરાજ દીક્ષિતની ધરપકડ કરી હતી.
આ દરોડામાં રૂપિયા 1,026 કરોડની કિંમતનું 513 કિલો મેફેડ્રોન જપ્ત કર્યું છે.
દરમિયાન એટીએસના અધિકારીઓએ વડોદરા નજીક નંદેસરી જીઆઈડીસીમાં એક વેરહાઉસ પર દરોડો પાડ્યો હતો અને લગભગ 200 કિલો એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું, જેની કિંમત 1,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ કન્સાઈનમેન્ટ સાયખા જીઆઈડીસીમાં એક મૅન્યુફૅક્ચરિંગ યુનિટમાંથી લાવવામાં આવ્યું હતું.
અગાઉ પણ ગુજરાતમાં અલગઅલગ માર્ગો થકી અને ખાસ કરીને દરિયાઈ માર્ગોથી ઘણી વખત ડ્રગ પકડાઈ ચૂક્યું છે.
ગુજરાતમાં ક્યારે ક્યાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
- 25 એપ્રિલ 2022, 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
- 23 એપ્રિલ 2022, વડોદરામાંથી 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
- 21 એપ્રિલ 2022, કંડલા પૉર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું
- 3 માર્ચ 2022, અમદાવાદ ઍરપૉર્ટ પરથી 60 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
- 13 ફેબ્રુઆરી 2022, અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું
- 15 નવેમ્બર 2021, મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
- 10 નવેમ્બર 2021, દ્વારકામાંથી 65 કિલોનું ડ્રગ્સ ઝડપાયું
- 10 નવેમ્બર 2021, સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું
- 16 સપ્ટેમ્બર 2021, કચ્છના મુંદ્રા પૉર્ટ પરથી 3 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત
અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો
મુખ્ય દૂધ સપ્લાયર્સ અમૂલ અને મધર ડેરીએ બુધવારથી દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિલિટરનો વધારો કરવાની જાહેરાત કરી છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ, અમૂલ અને મધર ડેરી બંનેએ છેલ્લા લગભગ છ મહિનામાં બીજી વાર દૂધના ભાવમાં વધારો કર્યો છે.
અગાઉ માર્ચની શરૂઆતમાં બંનેએ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા બેનો વધારો કર્યો હતો.
ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે ગુજરાતના અમદાવાદ અને સૌરાષ્ટ્ર, દિલ્હી-એનસીઆર, પશ્ચિમ બંગાળ, મુંબઈ અને દૂધના ભાવમાં બે રૂપિયા પ્રતિલિટરનો વધારો કર્યો છે અને આ નિર્ણય આજથી અમલી બન્યો છે.
GCMMFએ જણાવ્યું હતું કે, "આ ભાવવધારો દૂધની કુલ અને ઉત્પાદનખર્ચમાં વધારાને કારણે કરવામાં આવ્યો છે. છેલ્લા વર્ષની સરખામણીમાં પશુઆહારની કિંમતમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. ઉત્પાદનખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અમારા સભ્ય યુનિયનોએ પણ ગયા વર્ષની સરખામણીએ ખેડૂતો માટે ભાવમાં 8-9 ટકાનો વધારો કર્યો છે.
'જાસૂસ' જહાજ શ્રીલંકાના હંબનટોટા પહોંચ્યું, ચીને શું કહ્યું?
પોતાનું જહાજ શ્રીલંકાના હંબનટોટા બંદર પર પહોંચ્યા બાદ ચીને કહ્યું છે કે તેનાથી કોઈ પણ દેશની સુરક્ષાને ખતરો નહીં થાય. ચીને કહ્યું છે કે કોઈ ત્રીજા પક્ષે જહાજને રોકવું જોઈએ નહીં.
આ જહાજ 22 ઑગસ્ટ સુધી હંબનટોટામાં રહેશે. ભારતે થોડા દિવસો અગાઉ પડોશમાં જહાજની હાજરી અંગે શ્રીલંકા સામે ચિંતા વ્યક્ત કરી હતી.
ભારતને આશંકા છે કે જહાજ યુઆન વાંગ-5ના માધ્યમથી ચીન ભારતના પરમાણુ, મિસાઈલ સંબંધિત મહત્ત્વનાં સ્થાપનોની જાસૂસી કરી શકે છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ ચીનના સત્તાવાર મીડિયા અહેવાલોને ટાંકીને જણાવ્યું છે કે આ જહાજ સેટેલાઇટ્સ અને બૅલિસ્ટિક મિસાઈલને ટ્રેક કરવા જેવી અદ્યતન ટેકનોલૉજીથી સજ્જ છે. તેમાં બે હજાર ક્રૂ મેમ્બર સવાર થઈ શકે છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને ભારતની ચિંતા સંબંધિત સવાલના જવાબમાં જણાવ્યું હતું કે જહાજ "આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર" સંશોધન માટે હંબનટોટા પહોંચ્યું છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો