ગુજરાતમાં લમ્પી વાઇરસથી સેંકડો પશુઓનાં મૃત્યુ, આટલી ઝડપથી કેવી રીતે પ્રસર્યો?

ગુજરાતમાં હાલ પશુઓમાં લમ્પી વાઇરસનું સંક્રમણ વ્યાપકપણે પ્રસરતું જોવા મળી રહ્યું છે. રાજ્યના 33 જિલ્લા પૈકી 14 જિલ્લામાં પશુઓમાં આ વાઇરસ જોવા મળ્યો છે એમ આ મામલે ગુજરાત સરકારમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે ટ્વિટર પર લખ્યું હતું.

ઇન્ડિયને એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર આ રોગના કારણે લગભગ એક હજાર પશુનાં મૃત્યુ થયાં છે.

આ રોગ કેપ્રીપૉક્સ જીનસ વાઇરસ વડે થાય છે.

ગુજરાત સરકારે આ અંગે જાહેર કરેલ માહિતી અનુસાર ગુજરાતનાં 880 ગામોમાં 37,121 ચેપગ્રસ્ત પશુઓને સારવાર અપાઈ ચૂકી છે.

હાલમાં કચ્છ જિલ્લામાં આ વાઇરસ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં ઘણાં પશુનાં મૃત્યુ થઈ રહ્યાં હોવાની વાત પણ જાણવા મળી રહી છે.

જો પશુધનમાં રોગના પ્રસારની વાત કરવામાં આવે તો અહીં એ એક પ્રશ્ન વાજબી બને છે કે કેમ ગુજરાતમાં આટલી ઝડપથી પશુઓમાં આ જીવલેણ રોગ પ્રસરી રહ્યો છે? આજથી અમુક મહિના પહેલાં પણ ગુજરાતમાં પશુધનમાં આ રોગ દેખાયો હતો, તેમ છતાં તેને અટકાવવામાં ક્યાં ચૂક થઈ જેની કિંમત તરીકે હાલ ખેડૂતોએ પોતાનું પશુધન ગુમાવીને ચૂકવવી પડી રહી છે.

કેમ લમ્પી વાઇરસના હજારો કેસ નોંધાયા?

કચ્છના ભુજ તાલુકાના પશુ રોગ સંશોધનના આસિસ્ટન્ટ ડિરેક્ટર ડૉ. વી. ડી. રામાણી લમ્પી વાઇરસને નિયંત્રણમાં રાખવામાં થયેલ વિલંબ મામલે કહે છે કે, "આ રોગનો પ્રથમ કેસ કચ્છના લખપત તાલુકાના કૈયારી ગામે નોંધાયો, જ્યાં મોટા ભાગે માલધારીઓ બનાસકાંઠાથી પશુઓની લે-વેચ અને હેરફેર માટે આવતા હોય છે. આ લોકો સેંકડોની સંખ્યામાં પશુઓ રાખે છે તેથી આ રોગમાં જરૂરી એવું રોગગ્રસ્ત પશુનું આઇસોલેશન શક્ય ન બની શક્યું."

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, "હેરફેર સિવાય પણ રોગગ્રસ્ત પશુ એકબીજાના સંપર્કમાં આવવાથી, મચ્છર-માખીના કારણે સંક્રમણ પ્રસરવાથી અને અંધવિશ્વાસના કારણે રસી ન મુકાવવાથી આ રોગ કચ્છના અન્ય તાલુકામાં પણ ફેલાયો અને હવે હજારોની સંખ્યામાં કેસ નોંધાયા છે."

લમ્પી વાઇરસનાં લક્ષણો

  • મુખ્યત્વે પશુનાં શરીર (ચામડી) પર ગૂમડાં જેવી ગાંઠો ઊપસી આવે છે.
  • પશુને સામાન્ય તાવ આવવો, દૂધ ઉત્પાદન ઘટી જવું, કેટલાક કિસ્સાએ પશુઓમાં ગર્ભપાત જોવા મળે છે.
  • કોઈકવાર પશુઓમાં વંધ્યત્વ જોવા મળે છે તેમજ નિર્બળ/અશક્ત પશુઓ ક્યારેક મૃત્યુ પણ પામે છે
  • ચેપગ્રસ્ત પશુની આંખ અને નાક્માંથી સ્ત્રાવ નીકળે છે અને મોઢામાંથી લાળ પડે છે.

સરકારે શું પગલાં લીધાં?

સરકારે રોગગ્રસ્ત પશુ અંગે માહિતી અને સારવાર મેળવવા માટે 1962 ટોલફ્રી નંબર જાહેર કર્યો છે.

152 પશુચિકિત્સા અધિકારીઓ અને 438 પશુધન નિરીક્ષકો દ્વારા સઘન સર્વે હાથ ધરાયો છે. સરકારના દાવા પ્રમાણે આ પગલાં અંતર્ગત સારવાર અને રસીકરણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યાં છે.

અત્યાર સુધી 2.68 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરાયો હોવાનો દાવો કરાયો છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ મુજબ, રાજ્ય સરકારે 'ગોટ(બકરી) પૉક્સની રસી'ના 11 લાખ ડોઝ ખરીદવાનો નિર્ણય કર્યો છે.

કૃષિમંત્રી રાઘવજી પટેલને ટાંકીને અખબાર લખે છે, "ઘણા સમયથી પશુઓમાં બીમારીનું કારણ બનેલા આ વાઇરસને નિયંત્રણમાં લેવા સૌરાષ્ટ્ર અને કચ્છમાં યુદ્ધના ધોરણે રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે."

રાઘવજી પટેલે મીડિયાને સંબોધતાં કહ્યું હતું કે જ્યાં-જ્યાં આ બીમારી જોવા મળી છે, ત્યાં-ત્યાં રસીકરણ હાથ ધરાઈ રહ્યું છે. પશુઓના મૃત્યુનો ચોક્કસ આંકડો તો નથી પણ મૃત્યુ થઈ રહ્યા છે એ વાત સત્ય છે.

તેમણે વધુમાં જણાવ્યું, "અત્યાર સુધી અમે ત્રણ લાખ પશુઓને રસી આપી છે. હાલ અમારી પાસે બે લાખ ડોઝ ઉપલબ્ધ છે. વધુ ડોઝની જરૂર હોવાથી 11 લાખ ડોઝ ખરીદવાનો નિર્ણય પણ લીધો છે."

'આ વાઇરસ મનુષ્યને સંક્રમિત કરતો નથી'

જામનગર જિલ્લા પંચાયતના પશુપાલનવિભાગના ડેપ્યુટી ડાયરેકટર અનિલ વિરાણીએ અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ એક વાઇરલ રોગ છે. આ રોગ પશુઓમાં જોવા મળે છે. પશુઓના સીધા સંપર્કથી અથવા તો માખી, મચ્છર કે ઇતરડી દ્વારા ફેલાય છે."

"આ રોગ બે વર્ષ પહેલાં ગુજરાતમાં સૌપ્રથમ જોવા મળ્યો હતો. આ રોગમાં ગૉટ પૉકસ નામની વૅક્સિન અસરકારક છે. વૅક્સિનની અસર થતાં 15થી 20 દિવસ થાય છે. આ રોગમાં મરણનું પ્રમાણ એકથી પાંચ ટકા સુધીનું છે. આ વાઇરસ મનુષ્યને સંક્રમિત કરતો નથી."

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પશુપાલનવિભાગના ડેપ્યુટી ડાયરેકટર મહેશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લમ્પી સ્કિન ડિસીઝનો પ્રથમ કેસ 9 મે 2022ના રોજ જોવા મળ્યો હતો."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો