You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોહમ્મદ ઝુબૈરને 2018ના ટ્વીટ મુદ્દે જામીન મળ્યા, અન્ય કયા કેસ નોંધાયા છે?
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
ઑલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબૈરને દિલ્હીની એક કોર્ટે 2018ના ટ્વીટ મામલે જામીન આપ્યા છે.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કહ્યું છે કે મોહમ્મદ ઝુબૈર પૂર્વાનુમતિ વગર દેશ છોડીને જઈ શકશે નહીં. કોર્ટે તેમને 50 હજાર રૂપિયાના બૉન્ડ પર જામીન આપ્યા છે.
ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને નફરત ફેલાવવાના આરોપસર મોહમ્મદ ઝુબૈરની દિલ્હી પોલીસના સ્પેશિયલ સૅલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ટ્વિટર હૅન્ડલ વિશે મળેલી ફરિયાદ બાદ મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
તો ઉત્તર પ્રદેશના પાંચ જિલ્લામાં તેમની સામે 6 એફઆઈઆર નોંધાયેલી છે.
યુપી સરકારે આ કેસોની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરી છે, જેનું નેતૃત્વ રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક કરશે.
મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ યુપી ઉપરાંત દિલ્હીમાં પણ બે કેસ નોંધાયા છે. આ તમામ કેસ છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોહમ્મદ ઝુબૈરે કરેલા ટ્વીટ સાથે સંબંધિત છે.
ઝુબૈરે તાજેતરમાં જ ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માની પયગંબર મહમ્મદ પર કરેલી ટિપ્પણી પર પણ ટ્વીટ કર્યું હતું, જેના પછી આ મામલો ચર્ચામાં આવ્યો અને ભાજપે નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દીધાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુસલમાન મહિલાઓને લાઉડસ્પીકર પર બળાત્કારની ધમકી આપનાર મહંત બજરંગ મુનિના વાંધાજનક નિવેદનને પણ ઝુબૈર સામે લાવ્યા હતા.
દિલ્હી અને યુપી પોલીસે નૂપુર શર્મા અને બજરંગ મુનિ સામે આઈપીસીની કલમો - 153A (ધર્મ, ભાષા, જાતિ વગેરેના આધારે લોકોમાં નફરત ફેલાવવી) હેઠળ કેસ દાખલ કર્યો છે.
યુપી પોલીસે નફરત ફેલાવવા બદલ બજરંગ મુનિની ધરપકડ પણ કરી હતી, પરંતુ હવે આ બજરંગ મુનિને 'નફરત ફેલાવનાર' કહેવા બદલ ઝુબૈર વિરુદ્ધ સીતાપુરમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
આવી જ રીતે અવારનવાર વિવાદોમાં રહેતી ન્યૂઝ ચેનલ સુદર્શન ટીવીના પત્રકારે લખીમપુર ખીરીમાં તેમની સામે કેસ દાખલ કર્યો છે.
ઝુબૈરે સુદર્શન ટીવી ન્યૂઝના કથિત વાંધાજનક કવરેજ સામે પગલાં લેવાની માગ કરી હતી.
ઝુબૈર પર ક્યારે, ક્યાં અને કઈ કલમો હેઠળ કેસ નોંધાયા
દિલ્હી પોલીસે 2018માં કરાયેલા એક ટ્વીટના આધારે મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એફઆઈઆરમાં અગાઉ આઈપીસીની કલમ 153A અને 295 લગાવવામાં આવી હતી. ત્યાર બાદ ગુનાહિત કાવતરું (120-B), પુરાવાનો નાશ (201) અને ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન ઍક્ટ (એફસીઆરએ)ની કલમ 35 પણ ઉમેરવામાં આવી હતી. દિલ્હી પોલીસે 27 જૂને મોહમ્મદ ઝુબૈરની ધરપકડ કરી હતી.
ઑગસ્ટ 2020માં દિલ્હી પોલીસે મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ ઓફેન્સ ઍક્ટ (પોક્સો) હેઠળ પણ કેસ નોંધ્યો હતો. નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સ (એનસીપીસીઆર)નાં વડાં પ્રિયંકા કાનૂંગોની ફરિયાદ પર આ કેસ નોંધવામાં આવ્યો હતો.
સપ્ટેમ્બર 2020માં દિલ્હી હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતા મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ કડક કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં પોલીસને અત્યાર સુધીની તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા કહ્યું હતું. આ પછી મે મહિનામાં દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું કે મોહમ્મદ ઝુબૈરનું ટ્વીટ ગુનાની શ્રેણીમાં આવતું નથી.
'હિન્દુ શેર સેના'ના જિલ્લા અધ્યક્ષ ભગવાન શરણની ફરિયાદ પર 1 જૂનના રોજ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીએ કહ્યું છે કે "હિન્દુ શેર સેનાના રાષ્ટ્રીય સંરક્ષક આદરણીય પ્રબંધક મહંત બજરંગ મુનિજીને નફરત ફેલાવનારા જેવા અપમાનજનક શબ્દોથી સંબોધવામાં આવ્યા હતા. તે જ ટ્વીટમાં મોહમ્મદ ઝુબૈરે યતિ નરસિમ્હાનંદ સરસ્વતી અને સ્વામી આનંદ સ્વરૂપનું પણ અપમાન કર્યું હતું."
સુદર્શન ટીવી ન્યૂઝ ચેનલના સ્થાનિક પત્રકાર આશિષ કટિયારે 18 સપ્ટેમ્બર 2021ના રોજ લખીમપુર ખીરીમાં મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ ફરિયાદ (એફઆઈઆર નંબર - 0511) નોંધાવી હતી, સુદર્શન ટીવીના પત્રકારે જણાવ્યું હતું કે મોહમ્મદ ઝુબૈર "રાષ્ટ્ર વિરોધી ટ્વીટ કરવામાં પાવરધા છે જેના પર ન્યાયના હિતમાં પગલાં લેવા જરૂરી છે."
એવી પણ ફરિયાદ કરવામાં આવી છે કે ઝુબૈરે "સમગ્ર વિશ્વના મુસ્લિમોને એક થવાની અપીલ કરી છે કે તેઓ એકસંપ થઈને અરાજકતા ફેલાવે અને દેશનું વાતાવરણ બગાડતી ન્યૂઝ ચેનલના વિરોધમાં સાંપ્રદાયિકતા ફેલાવે જેથી દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાય."
24 જુલાઈ 2021ના રોજ, અંકુર રાણાએ મુઝફ્ફરનગરના ચરથાવલ પોલીસ મથકે ફરિયાદ (એફઆઈઆર નંબર 0199) નોંધાવી છે કે "ઝુબૈરે ફોન પર વાતચીત દરમિયાન તેમને મારી નાખવાની ધમકી આપી હતી." આ કેસ પણ સુદર્શન ન્યૂઝના સમાચાર સાથે પણ જોડાયેલો છે જેને મોહમ્મદ ઝુબૈરે વાંધાજનક કહીને કાર્યવાહીની માગ કરી હતી.
સીતાપુરમાં નોંધાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે મોહમ્મદ ઝુબૈરને 7 સપ્ટેમ્બર સુધી વચગાળાના જામીન આપ્યા છે. હાલમાં તેઓ સીતાપુર જેલમાં કેદ છે.
ઝુબૈર સામે કાયદાકીય કાર્યવાહી પર ઊભા થતા સવાલો
સવાલ 1 - રાજકીય રીતે પ્રેરિત કાર્યવાહી?
સૌથી મોટો સવાલ એ છે કે નૂપુર શર્મા, બજરંગ મુનિ અને મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ જે કલમમાં કેસ નોંધવામાં આવ્યો છે, તેમાં નૂપુર શર્માની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી, જ્યારે બજરંગ મુનિ જામીન પર બહાર છે અને મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ કેસોની તપાસ માટે વિશેષ તપાસ ટીમ બનાવવામાં આવી છે.
એટલું જ નહીં, મોહમ્મદ ઝુબૈરની જે ટ્વીટના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે તે 2018નું છે, પરંતુ કેસ 20 જૂન 2022ના રોજ નોંધવામાં આવ્યો હતો.
આ એફઆઈઆર રાજકીય રીતે પ્રેરિત હોવાનું કહેવાય છે, કારણ કે આ નૂપુર શર્માના નિવેદનને લઈને થયેલા વિવાદ બાદ નોંધવામાં આવી છે.
જોકે, પોલીસે તેને રાજનીતિ પ્રેરિત ગણાવી નથી.
પ્રશ્ન 2 - એફઆઈઆરની નકલ શા માટે ન આપવામાં આવી?
ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક પ્રતીક સિન્હાએ લખ્યું છે કે 'કાનૂની જોગવાઈઓ મુજબ, જે કલમો હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે તે મુજબ એફઆઈઆરની નકલ આપવી ફરજિયાત છે, પરંતુ વારંવાર વિનંતી કરવા છતાં પણ અમને નકલ આપવામાં આવી નથી.'
બીબીસી સાથેની વાતચીતમાં કાનૂની નિષ્ણાત ફૈઝાન મુસ્તફાએ કહ્યું કે "આરોપી અથવા તેના વકીલને એફઆઈઆરની કોપી આપવી જરૂરી છે, નહીં તો આરોપી અને તેના વકીલ કયા આધારે તેમનો પક્ષ તૈયાર કરે."
પ્રશ્ન 3 - આરોપીને ધરપકડ પહેલાં કેમ જાણ કરવામાં આવી ન હતી?
પ્રતીક સિન્હાએ લખ્યું છે કે 'દિલ્હી પોલીસે 2020માં નોંધાયેલા કેસમાં મોહમ્મદ ઝુબૈરને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે ધરપકડ સામે રક્ષણ આપ્યું છે. પરંતુ 27 જૂનની સાંજે અમને કહેવામાં આવ્યું કે તેમની બીજી એફઆઈઆર હેઠળ ધરપકડ કરવામાં આવી છે.'
ડૉ. ફૈઝાન મુસ્તફા કબૂલ કરે છે કે "ઝુબૈરના કેસમાં પોલીસે આગોતરી નોટિસ આપી નથી. આ કારણે સવાલો ઊભા થાય છે. જો એફઆઈઆરમાં માત્ર કલમ 153A અને 295 જ લગાવવામાં આવી હોય અને પોલીસે આગોતરી નોટિસ મોકલી હોત તો કાયદાની દૃષ્ટિએ યોગ્ય ગણાત. પોલીસે પણ ધરપકડ ન કરવી જોઈએ. સાત વર્ષથી ઓછી સજાના કેસમાં સુપ્રીમ કોર્ટનો આવો અગાઉનો ચુકાદો છે. જો પુરાવા સાથે ચેડાં થઈ શકે છે અથવા આરોપી ફરાર થઈ શકે છે એવી આશંકા ન હોય તો ધરપકડ ટાળવી જોઈતી હતી."
સીતાપુર કેસમાં મોહમ્મદ ઝુબૈર તરફથી હાજર રહેલા વરિષ્ઠ સુપ્રીમ કોર્ટના વકીલ કોલિન ગોન્સાલ્વિસે બીબીસી હિન્દીને કહ્યું, "જો ઝુબૈર સામેના તમામ એફઆઈઆર રિપોર્ટ્સ વાંચવામાં આવે તો ક્યાંય ગુનાનો આરોપ મળતો નથી. સવાલ એ છે કે શું ઝુબૈરે ધર્મ વિરુદ્ધ કંઈ કહ્યું હતું? જવાબ છે - ના. ધર્મ વિરુદ્ધ નિવેદનો કરવા એ ગેરકાયદેસર છે.
ગોન્સાલ્વિસ કહે છે, "ઝુબૈરે નફરત ફેલાવનારાઓ વિશે વાત કરી હતી કે તમારે નફરત ફેલાવતા ભાષણ આપવાનુ બંધ કરવું જોઈએ, પછી જે લોકો નફરત ફેલાવતા ભાષણ આપે છે તેઓ ફરિયાદી બન્યા અને ઝુબૈર જે એવા ભાષણ સામે લડી રહ્યા છે, તે જેલમાં છે. આ કેસની વિચિત્ર બાબત છે."
સવાલ 4 - શું સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું હતું?
સુપ્રીમ કોર્ટે ગયા સોમવારે 'સતેન્દ્રકુમાર અંતિલ વિરુદ્ધ સીબીઆઈ' કેસમાં ઐતિહાસિક નિર્ણય આપતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે જામીન પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવો કાયદો બનાવવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે તપાસ એજન્સીઓ અને તેમના અધિકારીઓને કલમ 41 (અત્યંત જરૂરી હોય ત્યારે ધરપકડ) અને સીઆપીસીની 41A (જે વ્યક્તિની ધરપકડ કરવાની હોય તેમને તપાસ અધિકારીએ અગાઉથી માહિતી આપવી જોઈએ જેથી કરીને તે તપાસ એજન્સીને સહકાર આપી શકે.)નું પાલન કરવા બંધાયેલા છે. તેમની તરફથી કોઈપણ પ્રકારની બેદરકારી અદાલત દ્વારા ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર લાવવામાં આવે.
આ સાથે કોર્ટે સાત વર્ષથી ઓછી સજાના ગુનામાં ધરપકડ ટાળવાનું કહ્યું છે.
સીતાપુર કેસમાં મોહમ્મદ ઝુબૈર તરફથી હાજર રહેલા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કોલિન ગોન્સાલ્વિસે બીબીસી હિન્દીને કહ્યું, "ઝુબૈરના કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય 100% લાગુ પડે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો મહત્તમ સજા 7 વર્ષ કે તેથી ઓછી હોય તો કોઈ ધરપકડ ન થવી જોઈએ.
જો પોલીસ ધરપકડ કરે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ. આ મામલામાં દાખલ કરાયેલા અલગ-અલગ એફઆઈઆર રિપોર્ટમાં જે કલમો લગાવવામાં આવી છે તેમાં મહત્તમ સજા પાંચ વર્ષથી ઓછી જ હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે ઝુબૈરના કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય લાગુ પડે છે અને તેની ધરપકડ કરવી યોગ્ય નથી અને કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ પોલીસ અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થવી જોઈએ."
પ્રશ્ન 5 - બળાત્કારની ધમકી આપનાર 'સન્માનિત ધર્મગુરુ' કેવી રીતે?
સીતાપુર કેસમાં સુપ્રીમ કોર્ટની કાર્યવાહી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું હતું કે 'બજરંગ મુનિ એક સન્માનિત ધાર્મિક નેતા છે. સીતાપુરમાં તેમના ઘણા સમર્થકો છે. તમે કોઈ ધાર્મિક નેતાને દ્વેષી કહો તો તેનાથી સમસ્યાઓ ઊભી થાય છે."
સવાલ એ ઊઠી રહ્યો છે કે નફરત ફેલાવવા બદલ જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે વ્યક્તિએ ખુલ્લેઆમ મુસ્લિમ મહિલાઓનું અપહરણ કરીને તેમના પર બળાત્કાર કરવાની ધમકી આપી હતી, જે વ્યક્તિએ વાંધાજનક ટિપ્પણી કરી હતી તેને સન્માનિત મહંત કેવી રીતે કહી શકાય?
બજરંગ મુનિના બળાત્કારની ધમકી આપતા વીડિયો વાઇરલ થયા છે જે ઘણા અશ્લીલ અને મહિલાઓ પ્રત્યે અપમાનજનક છે.
પ્રશ્ન 6 - ધરપકડ થવી જોઈતી હતી?
મોહમ્મદ ઝુબૈરની ધરપકડ બાદ તપાસના સંબંધમાં તેને બેંગ્લુરુ અને ઉત્તર પ્રદેશ લઈ જવા પર સવાલો ઊઠી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે યોગેન્દ્ર યાદવ સાથે સોશિયલ મીડિયા પર વાતચીત દરમિયાન આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
તેમણે કહ્યું છે કે, "મોહમ્મદ ઝુબૈરના કેસમાં મૂળ મુદ્દો એ છે કે તે તમામ પ્રકારના નફરતભર્યા ભાષણની રૂપરેખા આપી રહ્યા હતા અને કહેતા હતા કે નફરતભર્યું ભાષણ ન આપવું જોઈએ, પછી તે મુસ્લિમોના પક્ષમાંથી હોય કે હિન્દુઓના પક્ષમાંથી. એવામાં કોઈ એમ ન કહી શકે કે તે એકપક્ષીય રીતે કામ કરી રહ્યા હતા. પરંતુ જો એક ક્ષણ માટે પણ એવું માની લેવામાં આવે કે તે માત્ર ફેક ન્યૂઝ અથવા હિંદુઓ પ્રત્યે દ્વેષપૂર્ણ ભાષણનો પર્દાફાશ કરતા હતા, તો તે પણ અપરાધ નથી."
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ બીબીસીને કહ્યું છે કે મોહમ્મદ ઝુબૈર સામે નોંધાયેલા કેસોમાં કોઈ દમ નથી.
બીબીસી હિન્દી સાથેની વાતચીતમાં તે કહે છે, "મેં મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર જોઈ છે. હું માનું છું કે કોઈ પણ એફઆઈઆરમાં તેમની વિરુદ્ધ કોઈ કેસ કરવામાં આવ્યો નથી. આ એફઆઈઆર તેમને હેરાન કરવા માટે નોંધવામાં આવી છે. કેટલીક એફઆઈઆર છે. એક પ્રકારનું ષડયંત્ર, સરકાર અને પોલીસ સંકલનથી કામ કરી રહી છે, જેથી તેમને કોઈ પણ રીતે પકડી શકાય અને અંદર રાખી શકાય."
સવાલ 7- કોર્ટ પહેલાં દિલ્હી પોલીસે કેમ નિર્ણય સંભળાવ્યો?
દિલ્હી પોલીસના ડીસીપી કેપીએસ મલ્હોત્રાએ ગત 2 જુલાઈએ ઝુબૈરની ધરપકડના સંબંધમાં ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ સ્નિગ્ધા સરવરિયાનો નિર્ણય આવે એ પહેલાં જ મીડિયાને તેની જાણકારી આપી દીધી હતી, આના પર પણ સવાલ ઉઠાવાઈ રહ્યા છે.
મૅજિસ્ટ્રેટ સ્નિગ્ધા સરવરિયાએ 2 જુલાઈ 1.30 વાગ્યે બંને પક્ષોની દલીલો સાંભળી લીધી હતી અને લંચ બ્રૅન્ક બાદ પોતાનો નિર્ણય સંભળાવવાનું એલાન કર્યું હતું, પરંતુ કેપીએસ મલ્હોત્રાએ અંદાજે 2.30 વાગ્યે પત્રકારોને સંદેશ મોકલ્યો હતો કે "જામીન અરજી ફગાવી દીધી છે અને 14 દિવસની ન્યાયિક કસ્ટડી આપી છે."
પ્રશાંત ભૂષણ આ મામલે કહે છે, "લોઅર કોર્ટનો નિર્ણય પાંચ કલાક પહેલાં દિલ્હી પોલીસ જ સંભળાવી દે તો સમજી શકાય છે કે લોઅર કોર્ટ દિલ્હી પોલીસના પ્રભાવમાં કામ કરી રહી છે. માટે તેની તપાસ થવી જોઈએ. કૅમ્પેન ફૉર જ્યુડિશિયલ અકાઉન્ટેબિલિટીએ હાઈકોર્ટને ખુલ્લો પત્ર લખ્યો છે કે હાઈકોર્ટે તેની તપાસ કરવી જોઈએ, કેમ કે આ ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર બહુ મોટું કલંક છે."
સવાલ 8- સુપ્રીમ કોર્ટે ટ્વીટ કરવાથી કેમ રોક્યા?
સુપ્રીમ કોર્ટે મોહમ્મદ ઝુબૈરને ટ્વીટ નહીં કરવાનો નિર્દેશ જારી કર્યો છે.
આના પર પ્રશાંત ભૂષણે સવાલ ઉઠાવતા કહ્યું કે "સુપ્રીમ કોર્ટે આવી કન્ડિશન લગાડવાની જરૂર નહોતી કે તમે કોઈ ટ્વીટ નહીં કરો. કોર્ટે એ કરવાની જરૂર હતી કે આ રીતના ટ્વીટ્સના આધારે જે એફઆઈઆર નોંધાઈ રહી છે, તે મામલે કમસે કમ ધરપકડ પર રોક લગાવવી જોઈતી હતી. માની લો કે કોઈ એમ કહી દે કે તેમનું ટ્વીટ એવું હતું કે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી, તેમ છતાં તેમની ધરપકડ કરવાનું કોઈ ઔચિત્ય નહોતું."
સવાલ 9- એફઆઈઆરમાં ફેરફાર શા માટે?
દિલ્હી પોલીસે સ્થાનિક કોર્ટને ઝુબૈરની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં કલમો હટાવવા અને જોડવાની સૂચના આપી છે.
ઝુબૈર વિરુદ્ધ દિલ્હીમાં નોંધાયેલી એફઆઈઆરમાં પહેલાં આઈપીસીની ધારા 295 લગાવી હતી, પરંતુ ઝુબૈરના વકીલે આ કલમ પર સવાલ ઉઠાવ્યો હતો. બાદમાં કલમ 295 હટાવીને 259એ લગાવી દીધી. બાદમાં 2 જુલાઈએ થયેલી સુનાવણીમાં કલમ 120બી અને 35 પણ લગાવી.
ઘણા કેસમાં અનેક ઉચ્ચ ન્યાયાલયોએ કહ્યું છે કે એફઆઈઆરમાં ચેડાં ન કરી શકાય.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો