નૂપુર શર્મા વિવાદ : 'તમે એક ઘર જ નહીં, પરિવારને તોડી નાખ્યો'
- લેેખક, ઝોયા માતીન
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
19 વર્ષીય સોમૈયા ફાતિમા પ્રયાગરાજના કારેલી વિસ્તારમાં આવેલા મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતાં હતાં.
બાલ્કનીમાં બેસીને લીચી ખાવી તથા બહેનો સાથે ગપ્પાં મારવાં; અબ્બુની લાઇબ્રેરીમાંથી પુસ્તકો ચોરવાં; અને જ્યારે તેના માટે ઠપકો પડે એટલે ખુદને બાથરૂમમાં બંધ કરીને રડવું; ફાતિમાની આવી અનેક યાદો એ બે માળની ઇમારત સાથે જોડાયેલી હતી.

ઇમેજ સ્રોત, Vivek Singh
ફાતિમાના કહેવા પ્રમાણે, ઘરનાં ઈંટ, પથ્થર અને લાકડાં તેમને મુક્તિ અને સલામતીનો અહેસાસ કરાવતાં, જ્યાં તેઓ પોતાનાં પરિવાર સાથે નિર્ભયપણે રહેતાં.
પરંતુ આ બધું રવિવારે અચાનક જ બદલાઈ ગયું. ફાતિમાનું કહેવું છે કે સ્થાનિક સત્તાધીશોએ "કોઈ પણ જાતની ચેતવણી" વગર ઘરને તોડી પાડ્યું અને ધૂળ-કાટમાળમાં ફેરવી નાખ્યું. સત્તાધીશોનું કહેવું છે કે આ ઇમારતનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું. જોકે ફાતિમા તથા તેમનો પરિવાર આ આરોપોને નકારે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભાજપ સરકારના ટીકાકારોનું કહેવું છે કે જ્યારથી 2014માં કેન્દ્રમાં - અને 2017માં ઉત્તર પ્રદેશમાં ભાજપ સત્તા પર આવ્યો છે, ત્યારથી મુસ્લિમો ઉપરના હુમલા તથા તેમના વિરુદ્ધનાં નિવેદનોમાં ધરખમ વધારો થયો છે, અને તાજેતરની કાર્યવાહી પણ મુસ્લિમ સમુદાયને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી છે.
ફાતિમાનું કહેવું છે કે તેમને વસ્તુઓ બહાર કાઢવાનો સમય પણ આપવામાં આવ્યો ન હતો. તેઓ તૂટી પડેલી છત અને કૉંક્રિટના ઢગની તસવીરની વચ્ચે એક પડેલ એક ચિત્ર દેખાડે છે, જે તેમણે પોતાના ભાઈ માટે બનાવ્યું હતું. તેઓ કહે છે કે અગાઉ ક્યારેય આટલી અસલામતી નહોતી અનુભવાઈ.
હતાશ અને તૂટી ગયેલાં ફાતિમા કહે છે, "ઘર હવે યાદ બની ગયું છે. ત્યાં કશું નથી વધ્યું."

આરોપ, આરોપી અને આશિયાના

ઇમેજ સ્રોત, SOMAIYA FATIMA
ઉત્તર પ્રદેશ પોલીસનું કહેવું છે કે પ્રયાગરાજમાં થયેલા હિંસક પ્રદર્શનોનું આયોજન ફાતિમાના પિતા જાવેદ મોહમ્મદે કર્યું હતું. શુક્રવારની હિંસા પછી રવિવારે તેમનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેખાવકારોની માગ હતી કે કથિત રીતે મહમદ પયગંબર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારાં ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની ધરપકડ કરવામાં આવે. ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે.
પોલીસે મોહમ્મદ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ સ્થળે થયેલા ઉગ્ર દેખાવો સંદર્ભે 300થી વધુ લોકોની ધરપકડ કરી છે. મોહમ્મદનાં એક દીકરી - આફરીન ફાતિમા - મુસ્લિમ ચળવળકર્તા છે, જેમણે અગાઉ વિવાદાસ્પદ સિટીઝનશિપ ઍક્ટ તથા શાળાઓમાં હિજાબ પહેરવા મુદ્દે થયેલાં દેખાવોમાં ભાગ લીધો હતો.
વિપક્ષ દ્વારા ફાતિમાના ઘરને તોડી પાડવાનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમનો આરોપ છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન નથી કર્યું. ઉત્તર પ્રદેશમાં જુમ્માની નમાઝ પછી પથ્થરમારો કરવાના આરોપીઓ અન્ય બે મુસ્લિમોનાં ઘર પણ તોડી પાડવામાં આવ્યાં હતાં.
તાજેતરમાં ધાર્મિક હિંસા પછી ઉત્તર પ્રદેશ તથા અન્ય ભાજપશાસિત રાજ્યોમાં મુસ્લિમોનાં ઘરોને તોડી પાડવાનો ક્રમ શરૂ થયો છે. સત્તાધીશોનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક કાયદાકીય નિષ્ણાતો આ કાર્યવાહી ઉપર સવાલ ઉઠાવે છે.

'ચોક્કસ રીતે વર્તવાની ચેતવણી'

ઇમેજ સ્રોત, Vivek Singh
પૉલિટિકલ સાયન્ટિસ્ટ અસીમ અલીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "ઘરને તોડી પાડવાનું કૃત્ય ખૂબ જ ક્રૂરતાપૂર્ણ છે, કારણ કે તે ઘર એ સુરક્ષાનું પ્રતીક છે - તેના નિર્માણમાં જીવનભરની મહેનત લાગી જતી હોય છે."
તેઓ ઉમેરે છે, "મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે બુલડોઝરોનો ઉપયોગ કરીને રાજ્ય (સરકાર) દ્વારા તેમને સંદેશ આપવામાં આવી રહ્યો છે કે તેમણે અમુક રીતે વર્તવું અન્યથા તેમને સજા આપવા માટે ગેર-બંધારણીય રીતોનો પણ ઉપયોગ થઈ શકે છે. બંધારણ કે ન્યાયતંત્ર તેમને બચાવી નહીં શકે."
પોલીસનો આરોપ છે કે મોહમ્મદ હિંસાના "મુખ્ય કાવતરાખોરો"માંથી એક છે. વરિષ્ઠ અધિકારીએ તેમની ધરપકડ બાદ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે આફરીન ફાતિમા પણ "કુખ્યાત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાં" છે તથા તેમણે અને તેમના પિતાએ "મળીને દુષ્પ્રચાર" કર્યો હતો. હજુ સુધી આફરીનની ધરપકડ કરવામાં નથી આવી.
સોમૈયા ફાતિમા તથા તેમના ભાઈ મોહમ્મદ ઉમામે આ દાવાઓને નકાર્યા છે, તેમનું કહેવું છે કે તેમનાં પિતા કે બહેન દેખાવોમાં સંડોવાયેલાં ન હતાં.
ફાતિમા હળવાશમાં કહે છે, તેમના અબુમાં અનેક મૂંઝવી દેતી ખાસિયતો હતી - તેઓ ફેસબુકનો "વધુ પડતો" ઉપયોગ કરતા, "ઘરમાં વિચિત્ર જગ્યાઓએ" સિંક નખાવી હતી અને બાળકોની ટ્રૉફીઓને સારી રીતે ગોઠવવામાં વધુ પડતો સમય પસાર કરતા હતા.
ફાતિમા ઉમેરે છે કે તેમના પિતાનું ગૌરવપૂર્ણ વર્તન અન્યોને પ્રેરિત કરે તેવું હતું. તેઓ કહે છે, "અબ્બા બધાને મદદ કરતા અને સત્તાધીશોથી માંડીને પાડોશીઓ અને અજાણ્યાઓ સાથે પણ તેમના સારા સંબંધ બંધાઈ જતા." તેઓ ઉમેરે છે કે તેમનાં પુત્રી હોવાનો તેમને "ખૂબ ગર્વ" છે.

સંક્ષિપ્તમાં: 'તમે એક ઘર જ નહીં, પરિવારને તોડી નાખ્યો'

- રવિવારે સોમૈયા ફાતિમાના પ્રયાગરાજના કારેલી વિસ્તારમાં આવેલાં ઘરને "કોઈ પણ જાતની ચેતવણી" વગર તોડી પાડ્યું
- પોલીસનું કહેવું છે કે પ્રયાગરાજમાં થયેલાં હિંસક પ્રદર્શનોનું આયોજન ફાતિમાના પિતા જાવેદ મોહમ્મદે કર્યું હતું
- મોહમ્મદનાં એક દીકરી - આફરીન ફાતિમા - મુસ્લિમ ચળવળકર્તા છે.
- તેમણે અગાઉ સીએએ ઍક્ટ તથા હિજાબ મુદ્દે થયેલા દેખાવોમાં ભાગ લીધો હતો
- પોલીસનો આરોપ છે કે મોહમ્મદ હિંસાના "મુખ્ય કાવતરાખોરો"માંથી એક છે
- પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આફરીન ફાતિમા પણ "કુખ્યાત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાં" છે
- પ્રયાગરાજ વિકાસ સત્તામંડળનું કહેવું છે કે ગેરકાયદેસર બાંધકામ બદલ તા. 10મી મેના રોજ મોહમ્મદને નોટિસ આપવામાં આવી હતી
- ઉમાન કહે છે કે મારા બધા વેરા અને નળવેરો મારાં અમ્મીનાં નામે જ આવતાં, જ્યારે નોટિસ મારા અબ્બુના નામે કાઢવામાં આવી છે
- અલ્લાહબાદ હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોવિંદ માથુરે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સત્તાધીશોની કાર્યવાહી "ભારે અન્યાયપૂર્ણ" છે
- ફાતિમાના ઘરને ધ્વસ્ત કરવાની કામગીરીની અસર તેમના પાડોશીઓ પર પણ જોવા મળી રહી છે
- ફાતિમા તથા તેમના પરિવારનું દર્દ અન્યાયની લાગણીને કારણે વધી જાય છે


આખાબોલાં હોવાની સજા?

ઇમેજ સ્રોત, SOMAIYA FATIMA
ભાઈ-બહેનનું કહેવું છે કે ઘરે પરિવારમાં વારંવાર જોક થતો કે કોઈક દિવસ બહેન અને પિતાનાં "આખાબોલાપણાં"ને લીધે તેમને "સજા" થશે.
ફાતિમા કહે છે, "મારા ભાઈઓ ઘણી વખત તેને (આફરીન) તેની વાચાળપણા માટે ચેતવતા." તેઓ ઉમેરે છે કે, "અમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે અમારે આવી રીતે કિંમત ચૂકવવી પડશે."
મોહમ્મદના પરિવારે તેમના ઘરને તોડી પાડવા પાછળના સત્તાધીશોના તર્ક ઉપર સવાલ ઉઠાવ્યા છે. પ્રયાગરાજ વિકાસ સત્તામંડળનું કહેવું છે કે ગેરકાયદેસર બાંધકામ બદલ તા. 10મી મેના રોજ મોહમ્મદને નોટિસ કાઢવામાં આવી હતી અને તા. 24મી મેના રોજ તેમને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમના દીકરા ઉમાન આ વાતને નકારે છે. તેમનું કહેવું છે કે તોડફોડની કાર્યવાહી હાથ ધરવામાં આવી, તેની આગલી રાતે તેમને પહેલી વખત નોટિસ મળી હતી, એ પહેલાં કોઈ નોટિસ મળી ન હતી.
ઉમાન કહે છે, "વધુમાં, આ જમીન મારાં અમ્મીના નામે છે - મારા નાનાએ તેમને ભેટ આપી હતી. મારા બધા વેરા અને નળવેરો મારાં અમ્મીનાં નામે જ આવતા, જ્યારે નોટિસ મારા અબ્બુના નામે કાઢવામાં આવી છે."
બીબીસીએ પ્રયાગરાજ વિકાસ સત્તામંડળના બે અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ તેમણે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો.
અલ્લાહબાદ હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોવિંદ માથુરે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સત્તાધીશોની કાર્યવાહી "ભારે અન્યાયકારી" છે.
"જો કોઈ નિર્માણકાર્યમાં ખામી રહી ગઈ હોય અને મંજૂર કરવામાં આવેલાં પ્લાનથી વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોય, તો સત્તાધીશો તેમને રાજ્યના મ્યુનિસિપલ કાયદા હેઠળ દંડ કરી શક્યા હોત. અથવા કમ સે કમ તેમણે પરિવારને પોતાની સ્થિતિ સમજાવવાની તક આપવી જોઈતી હતી."
અસીમ અલીના કહેવા પ્રમાણે, મુસ્લિમોમાં ભયનું વાતાવરણ ઊભું કરવા માટે આ તોડફોડની કાર્યવાહી કરવામાં આવી હતી. તેઓ કહે છે, "આ સમગ્ર મુસ્લિમ સમાજને ચેતવણી છે કે તેઓ પોતાના નાગરિક તથા રાજકીય અધિકારોનો આગ્રહ ન રાખે."

'...તો શહેર ભૂતિયું બની જશે'

ઇમેજ સ્રોત, SOMAIYA FATIMA
ફાતિમાનું ઘર પ્રયાગરાજના કારેલી વિસ્તારમાં આવેલું છે, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમો તથા બહુ થોડી સંખ્યામાં હિંદુઓનાં ઘર આવેલાં છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં ધમધમાટ જોવા મળે છે. ફાતિમાના ઘરને ધ્વસ્ત કરવાની કામગીરીની અસર તેમના પાડોશીઓ પર પણ જોવા મળી રહી છે.
કોઈ સામાન્ય દિવસે અહીં ફેરિયાઓના અવાજ, દુકાનોની ચહલપહલ તથા મોટરસાઇકલોની અવરજવર જોવા મળતી, પરંતુ કથિત ગેરકાયદેસર ઇમારતને ધ્વસ્ત કરવાની કાર્યવાહીના બીજા દિવસે ત્યાં ભયને અનુભવી શકાતો હતો અને શાંતિ પ્રવર્તમાન હતી.
અનેક સ્થાનિકોએ પોતાના મનની વાત કરવાનો ઇનકાર કરી દીધો અને પછી વળતી કાર્યવાહીની આશંકા વ્યક્ત કરી.

ઇમેજ સ્રોત, VIVEK SINGH
એક પાડોશીએ નામ ન આપવાની શરતે કહ્યું કે મોહમ્મદને તેમના ઘર ઉપર ખૂબ જ ગર્વ હતો અને તેઓ તેમાં વારંવાર ફેરફાર અને સુધારા કરાવતા રહેતા. નામ ન આપવાની શરતે અન્ય એક શખ્સે પૂછ્યું કે શા માટે મુસ્લિમોનાં ઘરોને કથિત ગેરકાયદેસર બાંધકામ માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.
તેઓ કહે છે, "જો શહેરમાં સરવે હાથ ધરવામાં આવે તો યોગ્ય દસ્તાવેજ વગરની સેંકડો સંપત્તિ મળી આવશે. તમે એ બધાયને તોડી ન શકો - નહીંતર સમગ્ર શહેર ભૂતિયું ભાસવા લાગશે."

ઇમેજ સ્રોત, Getty Images
ફાતિમા તથા તેમના પરિવારનું દર્દ અન્યાયની લાગણીને કારણે વધી જાય છે. ફાતિમા અને તેમના ભાઈ કહે છે કે હજુ થોડા મહિના પહેલાં જ તેમણે ઘરમાં ઈદ ઉલ-ફિત્રની ઉજવણી કરી હતી, ત્યારે "ઘર ખુશીઓથી ભરેલું હતું."
"તમે માત્ર ઘર જ નથી તોડ્યું, એક પરિવારને પીંખી નાખ્યો અને અમારા એક હિસ્સાને તેના કાટમાળમાં દફનાવી દીધો."
(પ્રયાગરાજથી વિવેક સિંહ દ્વારા પૂરક રિપોર્ટિંગ)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2












