You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહ પંચમહાલમાં, અમદાવાદમાં 600 કરોડના સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે. આ માટે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો ગૃહમંત્રી અમિત શાહ બે દિવસથી ગુજરાત પ્રવાસે છે.
આજે અમિત શાહની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે, જેમાં તેમણે ગોધરાની પંચામૃત ડેરી ખાતે સહકારી ક્ષેત્રની યોજનાઓનો શુભારંભ કર્યો હતો, સાથે જ ઓ ખેડામાં ગુજરાત પોલીસ માટે સુવિધાઓ ઊભી કરતી યોજનાઓનો શુભારંભ કરાવશે.
સાંજે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં વૈશ્વિકસ્તરના સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગાંધીનગરમાં મહાત્મામંદિરમાં 'સહકારથી સમૃદ્ધિ' વિષય પર સહકારી સંસ્થાઓના આગેવાનોને સંબોધિત કર્યા હતા.
આ પહેલાં તેમણે IFFCOના નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
શું છે ગૃહમંત્રી અમિત શાહનો આજનો કાર્યક્રમ?
પહેલા કાર્યક્રમમાં તેઓ પીડીસી બૅન્કના હેડક્વાર્ટર બિલ્ડિંગનું ઉદ્ધાટન કરશે અને મોબાઇલ એટીએમ વાનનો શુભારંભ કરાવશે, સાથે જ પંચમહાલ ડેરીના ઑક્સિજન પ્લાન્ટ અને વિવિધ રાજ્યોમાં તૈયાર કરાયેલા નવા પ્લાન્ટનાં વર્ચ્યુઅલ ઉદ્ધાટન અને શિલાન્યાસ કરાવશે. બાદમાં પુરસ્કાર વિતરણ સમારોહમાં ભાગ લેશે.
બપોરે 12 વાગ્યે ખેડા જિલ્લામાં ગુજરાત પોલીસના આવાસ અને બિન-આવાસીય પરિસરોનું ઉદ્ઘાટન કરશે.
ત્રીજા અને અંતિમ કાર્યક્રમમાં સાંજે પાંચ વાગ્યે પોતાના મતવિસ્તારમાં 632 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહાત્મામંદિર ખાતે અમિત શાહનું ભાષણ
- ગુજરાતે સહકારક્ષેત્રના આત્માને બચાવી રાખવાનું કામ કર્યું છે.
- દેશભરમાં બહુ ઓછાં રાજ્યો બચ્યાં છે, જ્યાં પૅક્સ (પ્રાઇમરી ઍગ્રિકલ્ચર સોસાયટીઝ્)થી લઈને ઍપેક્સ સુધી સહકારી સંગઠનો સિદ્ધાંતો પર, પારદર્શક રીતે ચાલે છે. આવાં જૂજ રાજ્યો પૈકીનું એક ગુજરાત છે.
- દેશના આઝાદીના આંદોલન સમયથી જ ગાંધીજીના માર્ગદર્શનમાં સરદાર પટેલ અને મોરારજી દેસાઈ દ્વારા સહકારી આંદોલનનોપ્રારંભ થયો હતો.
- ત્રિભુવનભાઈ પટેલથી લઈને વૈકુંઠભાઈ મહેતાથી લઈને અનેક કાર્યકર્તા આ આંદોલનમાં જોડાતા ગયા અને સહકારીતાને મજબૂત કરવા આખું જીવન સમર્પિત કરી ગયા.
- સરદાર પટેલ અને ત્રિભુવભાઈએ વાવેલું આ બીજ આજે વટવૃક્ષ બનીને વિશ્વ અને ભારત સામે ઊભું છે.
- હું નાની ઉંમરે સહકારી ક્ષેત્ર સાથે જોડાયો હતો. નરેન્દ્રભાઈ વડા પ્રધાન બન્યા એ બાદ ભારત સરકારે આ માટે મંત્રાલયની રચના કરી.
શનિવારે રાજકોટમાં હૉસ્પિટલનું ઉદ્ઘાટન
રાજકોટના આટકોટ ખાતે આ 200 બૅડની આ હૉસ્પિટલ રાજકોટ-ભાવનગર હાઈવે પર 40 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી અલગ-અલગ જગ્યાએથી પાટીદાર સમુદાયના લોકોએ ભાગ લીધો હતો.
એક તરફ ભાજપના નેતાઓનું કહેવું છે કે આ લોકકલ્યાણનો કાર્યક્રમ છે, ત્યારે બીજી બાજુ ઘણા લોકો માને છે કે આ કાર્યક્રમ થકી નરેન્દ્ર મોદી અને ભાજપ પાટીદાર સમુદાયના લોકોને આવનારી ચૂંટણી માટે રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હૉસ્પિટલના લોકાર્પણ બાદ વડા પ્રધાને કહ્યું, "કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર રાષ્ટ્રસેવાના આઠ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. આઠ વર્ષ પહેલાં તમે મને વિદાય આપી હતી અને છતાં તમારો પ્રેમ વધતો જ રહ્યો છે."
"2001માં ગુજરાતમાં માત્ર નવ સરકારી મેડિકલ કૉલેજ હતી, આજે 30 છે. દરેક જિલ્લામાં એક મેડિકલ કૉલેજ બનાવવાની ઇચ્છા છે."
"2001માં આપણા ગુજરાતમાં માત્ર નવ મેડિકલ કૉલેજ હતી, આ બધુ યાદ રાખો છો કે ભૂલી જાવ છો, નવી પેઢીને કહેજો, તેમને ખબર નથી કે શું હતું."
"જામનગરમાં આયુર્વેદ, રાજકોટમાં એઇમ્સ અને આટકોટમાં આ મેડિકલ કૉલેજ, વટ પડી ગયો"
તેમણે કૉંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, "પહેલાં દિલ્હીમાં એવી સરકાર હતી, જે ગુજરાતના પ્રોજેક્ટને રદ કરી દેતી હતી, આપણી મા આ નર્મદાને રોકીને બેઠા હતા. સરદાર સરોવર બંધ બાંધવા ઉપવાસ પર ઊતરવું પડ્યું હતું, ઉપવાસ રંગ લાવ્યા. નર્મદામાતા કચ્છ અને કાઠિયાવાડની ધરતી પર આવી અને આપણું જીવન ઉગાર્યું."
નરેન્દ્ર મોદીનો ત્રણ મહિનામાં 17મો કાર્યક્રમ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. વડા પ્રધાન મોદી છેલ્લા ત્રણ મહિનામાં અનેક વખત ગુજરાત આવી ચૂક્યા છે, ઉત્તર પ્રદેશની ચૂંટણી બાદ આ ક્રમ વધ્યો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ત્રણ મહિનામાં વડા પ્રધાન મોદીનો આ પાટીદારો મટેનો છઠ્ઠો કાર્યક્રમ છે, જેને પાટીદારોને મનાવવા માટેનો પ્રયાસ ગણાવાય છે.
માર્ચ મહિનાથી અત્યાર સુધી ગુજરાતમાં યોજાયેલા વડા પ્રધાનના 17 કાર્યક્રમો પૈકી છ કાર્યક્રમ પાટીદાર સમાજ સાથે સંકળાયેલા જૂથો દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો