You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ : PM મોદી માટે પાટીદાર મતદારો આટલા મહત્ત્વના કેમ?
વડા પ્રધાન નરેન્દર મોદીએ શનિવારે રાજકોટમાં 'શ્રી સરદાર પટેલ સેવા સમાજ' દ્વારા નિર્મિત એક મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.
લોકાર્પણ બાદ પાટીદારોને સંબોધતા તેમણે કહ્યું, "કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર રાષ્ટ્રસેવાના આઠ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. આઠ વર્ષ પહેલાં તમે મને વિદાય આપી હતી અને છતાં તમારો પ્રેમ વધતો જ રહ્યો છે."
"આ આઠ વર્ષમાં મેં માતૃભૂમિની સેવા કરવામાં કોઈ કસર છોડી નથી, મેં ભૂલથી પણ એવું કામ કર્યું નથી કે જેનાથી દેશે માથું ઝુકાવવું પડે."
તેમણે આગળ કહ્યું, "2001માં ગુજરાતમાં માત્ર નવ સરકારી મેડિકલ કૉલેજ હતી, આજે 30 છે. દરેક જિલ્લામાં એક મેડિકલ કૉલેજ બનાવવાની ઇચ્છા છે."
અહીં મહત્ત્વની વાત એ છે કે વડા પ્રધાન મોદીએ માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ગુજરાતમાં 17 કાર્યક્રમોમાં હાજરી આપી છે. જેમાંથી પાંચ કાર્યક્રમોનું આયોજન પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
પાટીદારોના ક્યા-ક્યા કાર્યક્રમોમાં વડા પ્રધાનની ઉપસ્થિતિ?
- 10 એપ્રિલ - જૂનાગઢસ્થિત ઉમિયામાતા મંદિરના 14માં સ્થાપનાદિવસે વર્ચ્યુઅલ સંબોધન
- 12 એપ્રિલ - શ્રી અન્નપૂર્ણા ધામ ખાતે હૉસ્ટેલ અને ઍજ્યુકેશન કૉમ્પલેક્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ
- 28 એપ્રિલ - ભૂજસ્થિત કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ
- 29 એપ્રિલ - ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં વર્ચ્યુઅલ સંબોધન
- 28 મે - રાજકોટ ખાતે કેડીપી મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલનું લોકાર્પણ અને ત્યાર બાદ સંબોધન
ગુજરાતમાં રાજ કરવા પાટીદારોનો સથવારો જરૂરી?
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યનું માનવું છે કે જો કોઈ પાર્ટીએ ગુજરાતમાં રાજ કરવું હોય તો પાટીદારોનો સાથ મેળવવો તેમના માટે નિર્વિવાદિત સત્ય છે.
તેઓ કહે છે, "પાટીદારોનો વિશ્વાસ મેળવવા માટે વડા પ્રધાન દ્વારા પાટીદાર સંગઠનો દ્વારા યોજાતા કાર્યક્રમોમાં વર્ચ્યુઅલી કે પ્રત્યક્ષ હાજરી આપવામાં આવી રહી છે."
છેલ્લા ત્રણ મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શા માટે પાટીદારોના પાંચ કાર્યક્રમમાં હાજરી આપી, તેને ચાર મુદ્દામાં સમજવાનો પ્રયત્ન કરીશું.
1. હાર્દિક પટેલ
હાર્દિક પટેલનો ઉદય વર્ષ 2017ની ચૂંટણી પહેલાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયો.
પાટીદાર સમાજના હકોને લઈને સરકાર સામે પડીને તેમણે સમાજનો સાથ મેળવ્યો અને ઘણા સમય સુધી તેઓ આ મુદ્દાને વળગીને રહ્યા.
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે, "હાર્દિક પટેલના કારણે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફટકો પડ્યો હતો. પાટીદાર બહુમતી ધરાવતી બેઠકો અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ તરફની બેઠકો તેના કારણે ભાજપના હાથમાંથી સરકી ગઈ હતી."
જોકે, તેમનું માનવું છે કે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ભાજપ માટે હાર્દિક પટેલ કોઈ પણ રીતે નુકસાનકારક નહીં રહે. જેથી હવે પાટીદાર મતદારોને પોતાના પક્ષે કરવામાં આ પડકાર દૂર થઈ ગયો.
વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા કહે છે, "હાર્દિક પટેલનું રાજકીય કદ 2017માં જેટલું હતું, તેવુ હવે નથી રહ્યું. કૉંગ્રેસ છોડ્યા બાદ હવે તેની પાસે ભાજપમાં જવા સિવાય કોઈ રસ્તો નથી અને ભાજપ તેમની સાથે શું કરવા માગે છે, તેનો અંદાજ લગાવવો પણ અઘરો છે."
2. નરેશ પટેલ
નરેશ પટેલ કદાવર પાટીદાર નેતા છે અને સમાજમાં તેમનું વર્ચસ્વ પણ છે. જોકે, તેમનો રાજકીય ઝુકાવ સ્પષ્ટ ન હોવાથી હજુ પણ તેઓ ભાજપ માટે પડકાર બની શકે છે.
જગદીશ આચાર્ય કહે છે, "પાટીદાર સમાજમાં હાર્દિક પટેલ અને નરેશ પટેલ જ ભાજપ માટે પડકારરૂપ બની શકતા હતા. હાર્દિક પટેલ સમીકરણમાંથી બહાર નીકળ્યા બાદ હવે નરેશ પટેલ જ છે, જો તે કૉંગ્રેસ તરફ જાય તો ભાજપને પાટીદાર મત મેળવવામાં તકલીફ પડી શકે છે."
"જેથી વડા પ્રધાને ગુજરાતમાં જે પણ જગ્યાઓની મુલાકાત લીધી છે કે પાટીદારોના કાર્યક્રમોમાં હાજરી આપી છે, તે માત્ર એક જ વસ્તુ સુનિશ્ચિત કરે છે કે તેઓ પાટીદારોને આકર્ષવા માગે છે અને પાટીદારોમાં નરેશ પટેલનું મહત્ત્વ ઘટાડવા માગે છે. આજે રાજકોટમાં ડૉ. ભરત બોઘરાને મોટા પાટીદાર આગેવાન ગણાવીને પણ તેમણે એમ જ કરવાનો પ્રયત્ન કર્યો."
જોકે, વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાનું આ વિશે કંઇક અલગ માનવું છે.
તેઓ કહે છે, "ડૉ. બોઘરાએ આખી હૉસ્પિટલ ઊભી કરી અને તેઓ સી. આર. પાટીલની નજીક છે. જેના કારણે તેમનાં વખાણ કરવામાં આવ્યાં. તેઓ પટેલ નેતાગીરીનો ચહેરો બને તેની શક્યતા ઘણી ઓછી છે."
આ વાત થઈ પાટીદાર મતોને આડે આવનારા નેતાઓની. હવે વાત કરીએ કે ગુજરાતના રાજકારણમાં પાટીદાર મતદારોની શું સ્થિતિ છે?
3. ગુજરાતમાં પાટીદારો
પાટીદાર સમુદાયની વાત કરીએ તો હાલમાં ગુજરાતમાં આશરે 12 ટકા જેટલી વસતિ પાટીદારોની છે. રાજ્યમાં આદિવાસીઓની વસતિ આશરે 15.5 ટકા જેટલી છે, જે પાટીદારો કરતાં વધારે છે, પરંતુ તેમ છતાં આદિવાસી સમુદાય કરતાં પાટીદાર સમુદાયની ચર્ચા સામાજિક-આર્થિક રીતે વધારે થાય છે, તો સામાજિક-રાજકીય લાભની રીતે પણ તેઓ આગળ છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભાજપ એમ બંન્ને પક્ષોના થઈને 51 ધારાસભ્યો પાટીદાર હતા, જે કોઈ પણ સમુદાય માટે મોટી વાત કહી શકાય.
આ 51 ધારાસભ્યો ગુજરાતના લગભગ દરેક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જોકે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ કૅબિનેટની વાત કરીએ તો તેમાં આઠ પાટીદાર સિનિયર મંત્રી હતા.
4. 2017ની ચૂંટણી
આ ચૂંટણીની વાત કરતા પહેલાં 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનની વાત કરવી જરૂરી છે.
તે સમયે હાર્દિક પટેલની આગેવાનીમાં થયેલા આ આંદોલનના કારણે તત્કાલિન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે રાજીનામું આપવું પડ્યું.
આંદોલનને પગલે 14 પાટીદારોનાં મૃત્યુ થયાં અને સેંકડો પર પોલીસ ફરિયાદ દાખલ થઈ. આ કેસ પાછા ખેંચવા હજુ સુધી મથામણ ચાલી રહી છે.
જગદીશ આચાર્યના જણાવ્યા પ્રમાણે, તે સમયે પાટીદાર સમાજમાં પોલીસદમન તેમજ સરકારના વલણને લઈને ગુસ્સો જોવા મળતો હતો.
આ ગુસ્સાના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જેટલી બેઠકો પર પાટીદારો નિર્ણાયક મતદાર હતા. ત્યાં ભાજપને નુક્સાન થયું અને એ કુલ 100 બેઠકો પણ મેળવી શક્યો નહોતો.
જોકે, ભાજપના ડૅમેજ કંટ્રોલ વિશે વાત કરતા તેઓ કહે છે, 2017ની ચૂંટણીમાં ભાજપને નુક્સાન પહોંચ્યું હોવા છતાં પેટાચૂંટણીમાં તેઓ તમામ બેઠકો જીતી ગયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો