નરેન્દ્ર મોદી ગુજરાતમાં : રાજકોટમાં પાટીદારોને સંબોધશે પણ પટેલ મતદારો કોની સાથે?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં ચૂંટણીની મોસમ બેસી રહી છે અને એ વચ્ચે આઈપીએલની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સની ટીમ રમવાની છે, ત્યારે આજથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે.

ઘણા લોકો માને છે કે આ કાર્યક્રમ થકી નરેન્દ્ર મોદી અને ભાજપ પાટીદાર સમુદાયના લોકોને આવનારી ચૂંટણી માટે રિઝવવાનો પ્રયાસ કરી રહ્યાં છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા લોકો માને છે કે આ કાર્યક્રમ થકી નરેન્દ્ર મોદી અને ભાજપ પાટીદાર સમુદાયના લોકોને આવનારી ચૂંટણી માટે રિઝવવાનો પ્રયાસ કરી રહ્યાં છે

નરેન્દ્ર મોદી આજે શ્રી સરદાર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત એક મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. 200 બૅડની આ હૉસ્પિટલ રાજકોટ-ભાવનગર હાઈ-વે પર 40 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.

ગુજરાતની રાજનીતિમાં હાર્દિક પટેલથી લઈને નરેશ પટેલની ચર્ચા થઈ રહી છે, ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહના અનેક કાર્યક્રમોમાં આ કાર્યક્રમ ખાસ ધ્યાન ખેંચી રહ્યો છે, કારણ કે તેના કેન્દ્રમાં પાટીદાર સમાજ છે.

આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી અલગ-અલગ જગ્યાએથી પાટીદાર સમુદાયના લોકો ભાગ લેશે.

એક તરફ ભાજપના નેતાઓનું કહેવું છે કે આ લોકકલ્યાણનો કાર્યક્રમ છે, ત્યારે બીજી બાજુ ઘણા લોકો માને છે કે આ કાર્યક્રમ થકી નરેન્દ્ર મોદી અને ભાજપ પાટીદાર સમુદાયના લોકોને આવનારી ચૂંટણી માટે રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, પ્રશ્ન એ થાય કે ખરેખર પાટીદાર સમુદાય છે, કોની સાથે.

પાટીદારો માટે એક તરફ એ ભાજપ છે, જેના પાયામાં પાટીદારો છે, બીજી બાજુ હાર્દિક પટેલ જેવા નેતા જેમાં હતા એવો કૉંગ્રેસ પક્ષ છે, ત્યાં હવે તેમની સામે આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં એક ત્રીજો વિકલ્પ પણ સામે આવ્યો છે.

રાજકીય તેમજ આર્થિક રીતે આગળ એવા પાટીદારોને સાથે રાખવામાં તમામ રાજકીય પક્ષો પ્રયાસરત છે અને તેમાં ભાજપ સૌથી આગળ છે.

line

ગુજરાતમાં પાટીદારો

પાટીદાર સમુદાયની વાત કરીએ તો હાલમાં ગુજરાતમાં આશરે 12 ટકા જેટલી વસતિ પાટીદારોની છે. રાજ્યમાં આદિવાસીઓની વસતિ આશરે 15.5 ટકા જેટલી છે, જે પાટીદારો કરતાં વધારે છે, પરંતુ તેમ છતાં આદિવાસી સમુદાય કરતાં પાટીદાર સમુદાયની ચર્ચા સામાજિક-આર્થિક રીતે વધારે થાય છે, તો સામાજિક-રાજકીય લાભની રીતે પણ તેઓ આગળ છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભાજપ એમ બંન્ને પક્ષોના થઈને 51 ધારાસભ્યો પાટીદાર હતા, જે કોઈ પણ સમુદાય માટે મોટી વાત કહી શકાય.

આ 51 ધારાસભ્યો ગુજરાતના લગભગ દરેક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જોકે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ કૅબિનેટની વાત કરીએ તો તેમાં 8 પાટીદાર સિનિયર મંત્રી હતા.

line

પાટીદારો ભાજપથી દૂર જશે કે ભાજપમાં જ રહેશે

શું પાટીદારો 2017ની જેમ ભાજપથી દૂર જશે કે તેનાથી વિપરિત પરિસ્થિતિ સર્જાશે જેમાં પાટીદારો ભાજપથી દૂર તો જશે પણ કૉંગ્રેસ પાર્ટીમાં નહીં પરંતુ આપ પાર્ટીમાં જશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શું પાટીદારો 2017ની જેમ ભાજપથી દૂર જશે કે તેનાથી વિપરિત પરિસ્થિતિ સર્જાશે જેમાં પાટીદારો ભાજપથી દૂર તો જશે પણ કૉંગ્રેસ પાર્ટીમાં નહીં પરંતુ આપ પાર્ટીમાં જશે.

હાલમાં તમામ અનેક વિશ્લેષકો, રાજકીય પક્ષો માટે એક પ્રશ્ન એ છે કે શું પાટીદારો 2017ની જેમ ભાજપથી દૂર જશે કે તેનાથી વિપરિત પરિસ્થિતિ સર્જાશે, જેમાં પાટીદારો ભાજપથી દૂર તો જશે પણ કૉંગ્રેસ પાર્ટીમાં નહીં પરંતુ આપમાં જશે.

આમ આદમી પાર્ટીનું સુકાન યુવા પાટીદાર નેતા ગોપાલ ઇટાલિયાને સોંપવામાં આવ્યું છે, તો શું એનાથી ફરક પડશે?

બીબીસી ગુજરાતીએ કેટલાક રાજકીય નિષ્ણાતો સાથે વાત કરી અને જાણવા મળ્યું કે દરેક પાર્ટીના ભવિષ્યમાં પાટીદાર વોટ સંતાયેલા છે, પરંતુ નબળી કૉંગ્રેસ અને અસંગઠિત એવી આમ આદમી પાર્ટીને જોતાં ભાજપ પાટીદારોને ચૂંટણીમાં રાજી રાખી શકશે, એવું અનેક લોકોનું માનવું છે.

વિજય રૂપાણી મુખ્ય મંત્રી હતા એ વખતે છડેચોક પાટીદાર મુખ્ય મંત્રીની માગ કરવામાં આવી અને ભાજપે સંતોષી પણ ખરી. વિજય રૂપાણી સહિત આખી સરકાર બદલી દેવામાં આવી અને ભૂપેન્દ્ર પટેલ હાલ ગુજરાતના મુખ્ય મંત્રી છે.

ગુજરાતનાં 61 વર્ષના રાજકીય ઇતિહાસમાં તેઓ પાંચમા પાટીદાર મુખ્ય મંત્રી છે. કુલ 17 મુખ્ય મંત્રીઓ પૈકી પાંચ પાટીદાર.

ગુજરાતના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો ચીમનભાઈ પટેલ પહેલા પાટીદાર મુખ્ય મંત્રી હતા. તેઓ પહેલાં જનતા દળ અને પછી કૉંગ્રેસમાંથી મુખ્ય મંત્રી બન્યા હતા. તેમની અગાઉના તમામ મુખ્ય મંત્રીઓ વણિક અને બ્રાહ્મણ સમુદાયના રહ્યા છે. ચીમનભાઈ પટેલ બાદ બાબુભાઈ જશભાઈ પટેલ બે વાર મુખ્ય મંત્રી બન્યા અને એ બાદ કેશુભાઈ પટેલ અને આનંદીબહેન પટેલ મુખ્ય મંત્રી બન્યાં હતાં.

ઉમિયામાતાના મંદિરના લોકાર્પણની વાત હોય કે પછી પાટીદારોએ બનાવેલી હૉસ્પિટલના ઉદ્ઘાટનની વાત હોય, નરેન્દ્ર મોદી ક્યારેય પાટીદાર સમુદાયની વચ્ચે આવવાનો મોકો જવા દેતા નથી અને આજે પણ એવો જ દિવસ છે, જેમાં મોદી આશરે બે લાખ પાટીદારોને સંબોધન કરશે.

line

'કૉંગ્રેસ ઇઝ પાટીદાર ઍન્ડ પાટીદાર ઇઝ કૉંગ્રેસ'

પાટીદાર અનામત આંદોલન ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

આ વિશે બીબીસી ગુજરાતીએ રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ સાથે વાત કરી. ગુજરાત અને દેશની રાજનીતિના અભ્યાસુ ઘનશ્યામ શાહે 1950થી 2020 સુધીની ગુજરાતની રાજનીતિ પર અનેક લેખો અને પુસ્તકો લખ્યાં છે.

ઘનશ્યામ શાહ કહે છે કે, "આઝાદીની લડાઈ અને મુખ્યત્વે ખેડા સત્યાગ્રહ વિશે ઇતિહાસકાર ડેવિડ હર્ડિમાનએ લખ્યુ હતું કે કૉંગ્રેસ ઇઝ પાટીદાર ઍન્ડ પાટીદાર ઇઝ કૉંગ્રેસ. એટલે કે કૉંગ્રેસના પાયામાં પણ પાટીદારો છે, જેમાં સરદાર પટેલ એક મોટું નામ છે."

તેઓ કહે છે કે, "ગુજરાતના અન્ય સમાજોથી વિપરીત પાટીદારો પોતાના સમાજને એક કરવા માટે સતત પ્રયત્નશીલ છે. ભલે તે સમુદાયમાં કડવા અને લેઉઆના નામે ભાગલા પડ્યા હોય, પરંતુ તેમણે 'સોશિયલ પેટ્રોનેજ' પર ખૂબ ભાર મૂક્યો છે."

"એટલે કે પૈસા થકી સમાજને કેવી રીતે ઉપયોગી બનવું. દાખલા તરીકે ગુજરાતના કોઈ પણ સમુદાયના ગરીબ બાળકને ભણવું હોય, હૉસ્ટેલમાં રહેવું હોય કે ફીની મદદ જોઈતી હોય, તો તેને તે માટે ખૂબ સંઘર્ષ કરવો પડશે પરંતુ પાટીદાર વિદ્યાર્થીને એવો સંઘર્ષ નહીં કરવો પડે. "

ઘનશ્યામભાઈ કહે છે કે, "તેમની પાસે જમીનો ઉપરાંત ધંધો કરવાની આવડત છે, તેઓ માત્ર ખેડૂત નથી, માટે દરેક રાજકીય પક્ષે તેમની વાત કરવી જ પડે. કારણ કે તેમની પાસે જમીનો છે, ઉદ્યોગો છે, શાળાઓ છે, એકંદરે તેમની પાસે ઇકૉનૉમી છે."

"પાટીદારોનો વર્ષોથી ઇતિહાસ રહ્યો છે કે તેઓ જેમની સાથે હોય તે પક્ષ ચૂંટણી જીતે છે, અથવા જે પક્ષ ચૂંટણી જીતવાનો હોય તેની સાથે પાટીદારો હોય છે."

આ વિશે સમાજશાસ્ત્રી ગૌરાંગ વ્યાસે કહ્યું કે, "કોઈ વડા પ્રધાન જ્યારે કોઈ એક સમુદાયના કાર્યક્રમમાં એક સમુદાય માટે આવે તો લોકોમાં અલગ સંદેશો જાય. આજકાલ ગુજરાતની રાજનીતિ માત્ર પાટીદારોની આસપાસ ફરી રહી છે."

"એ હાર્દિક પટેલ હોય કે પછી નરેશ પટેલ હોય. પાટીદારો માટે રાજકીય પક્ષોનો પ્રેમ અન્ય સમુદાયોની ઉપેક્ષા કરવા સમાન છે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો