You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ભાજપને કોળી સમાજમાં પડેલા ભાગલાથી કેટલો ફાયદો થશે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં ચૂંટણીનું વર્ષ હોય એટલે અલગઅલગ જ્ઞાતિ દ્વારા એક થઈ પોતાની પડતર માગણીઓ રાજકીય પક્ષ પાસે પૂરી કરાવવાનો રિવાજ વર્ષોથી ચાલતો આવે છે, પરંતુ આ વર્ષે ચૂંટણી નજીક આવી રહી છે અને કોળી સમાજમાં વિખવાદ અને ભાગલાનું વાતાવરણ જામ્યું છે.
ઘણા લાંબા સમયથી કોળી સમાજના પ્રમુખપદે બેઠેલા કુંવરજી બાવળીયાને એક જૂથે હઠાવી દેતાં કોળી સમાજ બે ફાંટામાં વહેંચાઈ જતો દેખાઈ રહ્યો છે.
કોળી સમાજ ગુજરાતની મોટી વોટબૅન્ક ગણાય છે અને એ કઈ તરફ ઝૂકે છે એના પર તમામ રાજકીય પક્ષો નજર રાખીને બેઠા છે.
થોડાં સમય પહેલાં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજી બાવળીયા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હતા. જૂન 2021માં એમની મુદત પૂરી થઈ એ પછી પણ તેઓ પ્રમુખપદે રહ્યા અને કોળી સમાજમાં વિવાદ શરૂ થયો.
અજિત પટેલે કોળી સમાજના પ્રમુખપદેથી એમને દૂર કર્યા અને ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ એને સમર્થન પણ આપ્યું, તો બીજી તરફ બાવળીયા પ્રમુખપદ છોડવા તૈયાર નથી.
અમુક રાજકીય પક્ષો કોળી સમાજમાં પડી રહેલા ભાગલાને ભાજપ માટે ફાયદા તરીકે જુએ છે કારણે કે તૌકતે વાવાઝોડા પછી સમાજ સરકારથી નારાજ છે અને ભાગલા પડવાથી મત વહેંચાઈ જવાની નવી સંભાવના ઊભી થાય છે.
જોકે કોળી સમાજમાં વિભાજનની વાતને ફગાવતા બીબીસી સાથે વાત કરતાં ભાજપના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયા જણાવે છે, "કોળી સમાજમાં વિભાજનની વાત તથ્યથી વેગળી છે. જ્યાંથી એ વાતને વેગ મળ્યો હતો તે સુરતના સંમેલનમાં 500 જણા હાજર હતા. થોડા દિવસમાં સૌરાષ્ટ્રમાં આગેવાનોને મળીને બતાવશું કે કોળી સમાજમાં વિભાજન જેવું કંઈ નથી."
પ્રમુખપદના વિવાદ અંગે કુંવરજી બાવળિયાએ કહ્યું, "પ્રમુખપદનો સાડાં ત્રણ વર્ષનો કાર્યકાળ હોય છે. કોરોનાને કારણે મિટિંગમાં એક વર્ષ કાર્યકાળ ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ફરી પ્રમુખપદ માટે મારે દાવેદારી કરવાની નહોતી. પરંતું કહેવાતા આગેવાનો દ્વારા છ મહિના પહેલાં જ અજમેરમાં રાતે મિટિંગનો ઍજન્ડા તૈયાર કરાયો, સવારે ચૂંટણી કરાવી. આ ગેરકાયદેસર પ્રક્રિયાને કોર્ટમાં પડકારવામાં આવી છે. કૉર્ટ કાર્યવાહી ચાલું છે અને કૉર્ટે એમ કહ્યું કે હાલ જે છે એ સ્થિતિમાં રાખવામાં આવે."
કોળી વોટબૅન્કની તાકાત
ગુજરાતના કોળી સમાજમાં અનેક પેટા વિભાગો છે. આ અંગે વિસ્તૃત છણાવટ કરતા હરકાંત રાજપરા નોંધે છે કે તળપદા કોળી કે જેઓ તળપદના રહેવાસી કહેવાય છે તેના 22 વિભાગો છે. ચુંવાળના રહીશ કે જે 44 ગામોનો ગોળ કહેવાય છે તેની 21 શાખાઓ છે.
જેમાં જહાંગીરિયા, પાટણવાડિયા વગેરે મુખ્ય છે. આ ઉપરાંત ઘેડ-માંગરોળ- ગોસાબારા (સોરઠ પંથક)ના ઘેડિયા કોળી, જાફરાબાદ પંથકના શિયાળ, દીવના દિવેચા, ખસ (ભાલ)ના ખસિયા, ખાંટ કોળી, પતાંકિયા, થાન પંથકના પાંચાળી, નળ સરોવર આસપાસ પઢાર, મહી કાંઠાના મેવાસા, અમદાવાદના રાજેચા, દેવગઢ બારિયાના બારૈયા, સુરતના ભીમપોરિયા તેમજ કચ્છ પંથકમાં વાગડિયા, ઠાકરડા, ધારાળા, તેગધારીનો પણ સમાવેશ થાય છે.
આ સિવાય ભીલ કોળી, માછીમાર કોળી, સોરઠીયા કોળી, ઠાકોર કોળી, હુણ કોળી, ડાંડા (મુંબઈ) કોળી વગેરે પેટાજ્ઞાતિઓમાં કોળી સમાજ વહેંચાયેલો છે.
કોળી વોટબૅન્કની તાકાતની વાત કરતા જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં સૌથી મોટી વોટબૅન્ક કોળી સમાજની છે.
પાટીદાર સમાજમાં જેમ કડવા અને લેઉવા સમાજ છે એમ કોળી સમાજમાં તળપદા, ચુંવાળિયા , બાબરીયા, પટેલ અને કેડિયા કોળી છે.
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે કે, "કોળી મતદાતા ગુજરાતની 44 વિધાનસભા બેઠકો પર પ્રભાવી છે. સુરેન્દ્રનગરથી ભાવનગર અને રાજકોટના કેટલાક વિસ્તારમાં એમનો પ્રભાવ છે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ-નવસારીના પટ્ટામાં એમનો પ્રભાવ છે. જોકે, શિક્ષણના અભાવે અને આર્થિક અસમાનતાને કારણે વિધાનસભામાં 15થી 20 ધારાસભ્યો જ ચૂંટાઈને આવે છે."
તેઓ ઉમેરે છે કે, "કોળી સમાજમાં હવે જાગૃતિ વધી છે પણ ગુજરાતમાં પટેલ સમાજ જેટલી રાજકીય જાગૃતિ અને આર્થિક તાકાત તેમની નથી. કોળી સમાજ પહેલાં કૉંગ્રેસ સાથે હતો, પછી થોડો સમય ભાજપ સાથે ગયો. "
"2017માં કૉંગ્રેસ તરફ પરત ગયો હતો. હમણાં કોળી સમાજમાં પડેલા ફાંટાને કારણે આગામી ચૂંટણીમાં કૉંગ્રેસને કોળી મતનો ગઈ ચૂંટણી જેટલો ફાયદો નહીં થાય. જો કોળી સમાજ એક રહ્યો હોત તો એનો ફાયદો કૉંગ્રેસને મળત."
તેઓ ઉદાહરણ આપતાં કહે છે કે, "થોડાં સમય પહેલાં દેવભૂમિ દ્વારકાની ચૂંટણીમાં કોળી સમાજના લોકોએ સંગઠિત થઈ પોતાની 'વ્યવસ્થાપરિવર્તન પાર્ટી' બનાવીને ચૂંટણી લડ્યા હતા અને સૌથી વધુ બેઠકો મેળવી હતી. ગુજરાતમાં ઓબીસીમાં પ્રભુત્વ ધરાવતા આ સમાજમાં ભાગલા પડવાને કારણે ભાજપને ફાયદો થઈ શકે છે."
ચીમનભાઈ પટેલે પાડ્યું પહેલું ગાબડું
તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને જાણીતા સેફોલોજિસ્ટ ડૉક્ટર એમ. આઈ. ખાને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "1990 સુધી કોળી સમાજ કૉંગ્રેસ તરફી હતો. એમાં પહેલી વાર ચીમનભાઈ પટેલના જનતા દળે સવશી મકવાણાને લઈ ગાબડું પાડ્યું હતું પણ એ ગાબડું મોટું ન હતું."
"એ પછી ચીમનભાઈ પટેલ કૉંગ્રેસમાં જોડાયા એટલે કૉંગ્રેસની વોટબૅન્ક જળવાઈ રહી. 1998માં કોળી સમાજમાં ગાબડાં પડવાની શરૂઆત થઈ. કોળી સમાજના આગેવાન પુરષોત્તમ સોલંકી, હીરા સોલંકીની મદદથી એ ગાબડું પડ્યું અને પટેલોની પાર્ટીની છાપ ધરાવતા ભાજપની ઇમેજમાં બદલાવ આવ્યો."
"2012થી નરેન્દ્ર મોદીએ ઓબીસી (અન્ય પછાત વર્ગ)ને પડખે લીધો પછી કોળી સમાજ ભાજપ તરફ વળ્યો હતો. 2015માં થયેલાં પટેલ, ઓબીસી અને દલિત આંદોલનો પછી આવેલી 2017ની ચૂંટણીમાં ચિત્ર બદલાતું ગયું અને કૉંગ્રેસ પટેલની સાથે કોળી વોટબૅન્કમાં ગાબડું પાડવામાં સફળ રહી હતી."
ઉલ્લેખનીય છે કે 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે માત્ર 2.57 ટકા વધારે મત મેળવી 32 વર્ષ પછી 77 બેઠકો જીતી અને 150 બેઠકો જીતી લેવાનો દાવો કરનાર ભાજપને 99 બેઠકો પર અટકાવી દીધો હતો.
ડૉક્ટર એમ. આઈ. ખાન કહે છ કે "ગયા વર્ષે મે મહિનામાં ગુજરાતમાં તૌકતે વાવાઝોડું આવ્યું હતું અને એ બાદ સરકારી સહાય નહીં મળતાં કોળી સમાજ નારાજ હતો. "
"આ વાવાઝોડામાં સૌથી વધુ નુકસાન દરિયાકાંઠે રહેતા કોળી સમાજનાં લોકોને થયું હતું. આ નારાજગીનો કૉંગ્રેસને ફાયદો થઈ શકે એમ હતું પણ હવે કોળી સમાજમાં ભાગલા પડવાથી કૉંગ્રેસને મોટો ફાયદો નહીં થાય. "
ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડામાં નુકસાન થયા પછી કોળી સમાજની બેઠક મળી હતી જેમાં આવનારી ચૂંટણીમાં કોળી સમાજનો હિસ્સો મોટો હોવો જોઈએ એમ પણ ચર્ચાયું હતું.
'ધૂપિયું' કઈ દિશામાં ફરશે?
સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "કોળી સમાજમાં જે રીતે પ્રમુખપદ માટે ભાગલા પડ્યા છે એ જોતાં હવે કોળી મતો વહેંચાઈ જશે અને ભાજપને ફાયદો થશે. ચૂંટણી પહેલાં તળપદા અને ચુંવાળિયા કોળી સમાજમાં 'ધૂપિયું' કઈ દિશામાં ફરશે એ અત્યારે કહેવું ઉતાવળભર્યું રહેશે."
"'ધૂપિયું' એ સૌરાષ્ટ્રના કોળી સમાજની એવી પરંપરા છે કે સમાજના આગેવાનો ભેગા થઈને નક્કી કરે અને ત્યારબાદ ધૂપ પ્રગટાવવામાં આવે અને ધૂપિયું લઈને જે પક્ષને મત આપવાનું નક્કી થયું હોય એ ગામમાં સંદેશો અપાય એટલે આખોય સમાજ એ પક્ષને વોટ આપે."
દક્ષિણ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર વિક્રમ વકીલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અહીંના કોળી પટેલો પહેલાં કૉંગ્રેસ તરફી હતા. 2007ની ચૂંટણીમાં થોડો કોળી સમાજ ભાજપ તરફ ગયો અને 2012ની ચૂંટણીમાં પણ ભાજપ તરફ એમનો ઝોક વધ્યો હતો. 2017માં ફરી એ કૉંગ્રેસ તરફ વળ્યા હતા. એ પછી ભાજપે કુંવરજી બાવળિયાને લઈ બાજી બદલવાની શરૂઆત કરી. પણ હવે બાવળિયાને કોળી સમાજના પ્રમુખપદેથી હઠાવવાનો નિર્ણય દક્ષિણ ગુજરાતના કોળી નેતા અજિત પટેલે લીધો છે."
"બીજી તરફ કોળી સમાજના લોકો 2022માં જે પક્ષ એમના સમાજને વિધાનસભામાં વધુ બેઠકો ફાળવે તેની પડખે રહેવાનું નક્કી કરી રહ્યા હતા."
"આ સમાજમાં પડેલા ફાંટા ને કારણે કોળી મત વહેંચાઈ જશે એટલે આ ચૂંટણીમાં કોળી મતનો કૉંગ્રેસને ફાયદો થવાની સંભાવના હતી એ ઘટી છે."
"જોકે, અત્યારે એ કહેવું અઘરું છે કારણકે કોળી સમાજના નેતાને દૂર કરવા માટે ભાજપ તરફી નેતાઓ જ સામ-સામે આવ્યા છે, જો કૉંગ્રેસ એનો ફાયદો ઉઠાવવામાં સફળ રહે તો પરિણામ અલગ આવી શકે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો