Space Debris: ગુજરાતમાં થોડા દિવસ પહેલાં મળી આવેલા ગોળા 'ચાઇનીઝ રૉકેટ' હતા?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

તાજેતરમાં ગુજરાતના આણંદ, સુરેન્દ્રનગર તથા ખેડા જિલ્લાનાં ગામડાંમાં પોલા ગોળા જોવા મળ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં કૌતુક ફેલાયું હતું. આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, છતાં આને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

અવકાશમાંથી પડેલો કચરો

જાણકારોનું માનવું છે કે, આ ગોળા ચાઇનીઝ સેટેલાઇટ લૉન્ચ કરવા માટેના રૉકેટ સેટેલાઇટ 3-બીના હોઈ શકે છે. જોકે, ચીન દ્વારા ઔપચારિક રીતે આના વિશે કોઈ આગોતરી માહિતી આપવામાં આવી ન હતી.

ચીનની ઉપર તેના અવકાશી કાર્યક્રમ, અવકાશી કાટમાળ તથા તેના રૉકેટના ટુકડાના પૃથ્વીપ્રવેશ વિશે સમયસર આંતરરાષ્ટ્રીય સમુદાયને માહિતી નહીં આપવાના આરોપ લાગતા રહે છે, પરંતુ ચીન આ આરોપોને નકારતું રહ્યું છે.

સેટેલાઇટ ઇન્ટરનેટને માટે મોટી સંખ્યામાં ખાનગી કંપનીઓ દ્વારા અવકાશમાં ઉપગ્રહ તરતા મૂકવામાં આવી રહ્યા છે, જે ભવિષ્યમાં આ મુશ્કેલીમાં વધારો કરશે, કારણ કે આજના ઉપગ્રહ એ આવતી કાલનો અવકાશી કાટમાળ છે.

line

ગોળા વિશે શું જાણીએ છીએ?

ગુજરાતના આણંદ અને ખેડા જિલ્લાનાં કેટલાંક ગામડાંમાં તારીખ 12મી મેના રોજ સાંજેના સમયે ધાતુની કાળા કે સિલ્વર કલરની ગોળા જેવી ચીજો મળી આવી હતી. લગભગ દોઢેક ફૂટના આ ગોળાઓનું વજન પાંચ કિલોગ્રામ જેટલું હતું.

આ બધાં ગામડાં 15 કિલોમીટરની પરિઘમાં આવેલાં છે. આ સિવાય સુરેન્દ્રનગરના સાયલામાંથી પણ આવા જ દડા મળ્યા હોવાની વાત બહાર આવી હતી.

સ્થાનિકતંત્ર સૂત્રોના પ્રમાણે, આ કાટમાળના નિરીક્ષણ માટે તથા તે શું છે, તે સુનિશ્ચિત કરવા માટે અમદાવાદસ્થિત ઉચ્ચસંસ્થાઓ ઈસરો તથા પીઆરએલનો સંપર્ક સાધવામાં આવ્યો છે.

ઈસરોના અમદાવાદસ્થિત સ્પૅસ ઍપ્લિકેશન સેન્ટરના ચૅરમૅન નીલેશ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "આ અંગે અમે કશું ન જણાવી શકીએ. આ મુદ્દે જે કંઈ માહિતી આપવાની હશે તે અમારા બૅંગલુરુ ખાતેના મુખ્યાલય દ્વારા આપવામાં આવશે."

શું આવા કોઈ અવકાશી પદાર્થોના નમૂના મળ્યા છે કે કેમ? એવા સવાલનો જવાબ આપવાનું પણ તેમણે ટાળ્યું હતું.

અમદાવાદસ્થિત અન્ય એક સંસ્થા ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરીના પદાધિકારીનો પણ સંપર્ક સાધવામાં આવ્યા હતો, પરંતુ તેઓ ઉપલબ્ધ થઈ શક્યા ન હતા. તેમનો જવાબ મળ્યે અહીં અપડેટ્સ આપવામાં આવશે.

line

ચાઇનીઝ રૉકેટનો કાટમાળ

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

'સ્પૅસ સ્પાય' માર્કો લાંગબ્રૉએકના કહેવા પ્રમાણે, 'આ કાટમાળ ચાઇનીઝ ઉપગ્રહ CZ-3Bનો હોઈ શકે છે, જે 2021-080 Bનો હોઈ શકે છે.'

નૅધરલૅન્ડના વાયુદળના સ્પેસ સિક્યૉરિટી સેન્ટર તથા લિડેન યુનિવર્સિટી દ્વારા સ્પેસ સિચ્યૂએશનલ અવેરનેસ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે અને માર્કો તેના પરામર્શક છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

અમેરિકાસ્થિત સેન્ટર ફૉર ઍસ્ટ્રોફિઝિક્સના ગોળશાસ્ત્રી જોનાથન મૅકડોવેલે પણ આવો જ મત વ્યક્ત કર્યો હતો. તેમનું માનવું છે કે આ ગોળા CZ 3B તરીકે ઓળખાતા ચાઇનીઝ રૉકેટ ચાંગ ઝેંગ 3Bના હોઈ શકે છે.

તેમણે લખ્યું કે 100 કિલોમીટર કે તેની આસપાસના ખૂબ જ ઓછા દીર્ઘવૃત્તીય માર્ગને કારણે તેમનો ચોક્કસ પથ કહેવો મુશ્કેલ છે, છતાં તા. 12મી મેના કૉર્ડિનેટેડ યુનિવર્સલ સમય પ્રમાણે તે 11 વાગ્યા આસપાસ પ્રવેશ્યું હશે, જેના અવશેષો ગુજરાતમાં જમીન પરથી મળી રહ્યા છે.

સપ્ટેમ્બર-2021માં ચીને તેનો કૉમ્યુનિકેશન્સ સેટેલાઇટ ZX-9B અવકાશમાં મોકલ્યો હતો, જેના રૉકેટના ત્રીજા તબક્કાના આ ટુકડા હોઈ શકે છે. ગત વર્ષે મે મહિનામાં ચીનના રૉકેટનો (5B) કાટમાળ આઇવરી કસ્ટ પર પડ્યો હતો.

1971ની બાહ્યા અવકાશ સંધિની કલમ સાત મુજબ, કોઈ પણ દેશે અવકાશમાં કોઈ પ્રોજેક્ટ/પ્રયોગ હાથ ધર્યો હોય અને તેનો કાટમાળ ધરતી ઉપર કે ધરતી તરફની યાત્રા દરમિયાન વિમાન સાથે ટક્કર થાય તો મૂળ દેશ વળતર ચૂકવવા બાધ્ય છે.

line

'ચાઇનીઝ રૉકેટના ગોળા'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

નામ ન છાપવાની વિનંતી સાથે એક ખગોળશાસ્ત્રીએ જણાવ્યું, "સુરક્ષાની દૃષ્ટિએ ચીનના રૉકેટ CZ 3Bનો રેકર્ડ સંતોષકારક નથી."

"સમગ્ર દુનિયા કોરોનાની મહામારીથી ઘેરાયેલી હતી ત્યારે નવેમ્બર-2019માં ચીને તેના શિચાંગ સેટેલાઇટ લૉન્ચ સેન્ટર ખાતેથી CZ 3B મારફત નૅવિગેશન સેટેલાઇટ મોકલવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેના ચાર બૂસ્ટર રૉકેટમાંથી એકનો હિસ્સો એક ઘર ઉપર પડ્યો હતો અને તેમાં આગ લાગી ગઈ હતી."

"સામાન્ય રીતે વિશ્વભરના સેટેલાઇટ લૉન્ચિંગ સ્ટેશન દરિયાકિનારે આવેલા હોય છે, જ્યારે ચીનનું આ લૉન્ચપેડ માનવવસતી પાસે આવેલું છે, એટલે આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટે છે. અગાઉ પણ આવા બનાવ બન્યા છે."

"આ પહેલાં એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રના નાગપુરમાંથી જે ગોળા મળી આવ્યા હતા, તે પણ ગુજરાતમાંથી મળી આવેલા ગોળાની જેમ લગભગ દોઢ ફૂટના અને પાંચેક કિલોગ્રામ જેટલા વજનના હતા. સોશિયલ મીડિયા ઉપર વાઇરલ બંને સ્થળના ગોળાની તસવીરોને ચકાસતા બંને સમાન પ્રકારના જણાય છે."

"પ્રથમ દૃષ્ટિએ જોતા તે અવકાશી ઇંધણ માટેના સિલિન્ડર હોય એમ જણાય છે. સામાન્ય રીતે ઉપગ્રહને અવકાશમાં મોકલવા માટે હાઇડ્રાઝિન તથા નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ ભરવામાં આવે છે. આ કૉમ્બિનેશન આમ તો ખૂબ જ જ્વલનશીલ અને ભયાનક હોય છે, પરંતુ આ ત્રીજા તબક્કાનો ત્યજી દેવાયેલો ભાગ હોવાથી તે જોખમી નહીં હોય એમ માની શકાય."

નવેમ્બર2017માં લૉન્ગ માર્ચ 3B તરીકે ઓળખાતા ચાઇનિઝ રૉકેટની લૉન્ચ સમયની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવેમ્બર2017માં લૉન્ગ માર્ચ 3B તરીકે ઓળખાતા ચાઇનિઝ રૉકેટની લૉન્ચ સમયની તસવીર

"એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન ચીનનું CZ 3B રૉકેટના હિસ્સા જ પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ કરી રહ્યું હતું. ચીને ફેબ્રુઆરી-2021માં CZ 3B રૉકેટ સેટેલાઇટ છોડ્યો હતો, જેના ત્રીજા તબક્કાનો કાટમાળ પૃથ્વીમાં પ્રવેશ્યો હતો. તે રૉકેટની રિંગ પણ નાગપુરમાંથી મળી આવી હતી."

અન્ય કોઈ કૃત્રિમ ઉપગ્રહનો હિસ્સો હોવાની શક્યતાને નકારતા તેમણે જણાવ્યું, "ચોક્કસ દિવસે ઇરિડિયમ-કોસમોસ ટક્કર તથા સ્ટારલિંકના કેટલાક અવશેષની પૃથ્વીમાં રિ-ઍન્ટ્રીની વિન્ડો હતી, પરંતુ તેના પડવાનું સંભવિત સ્થાન ગુજરાત કે ભારતમાં ન હતું, જ્યારે ચાઇનીઝ ઉપગ્રહ માટે આ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી."

2009માં અમેરિકાની કંપની ઇરિડિયમ તથા સોવિયેટ સમયના નિષ્કિય મિલિટરી કૉમ્યુનિકેશન સેટેલાઇટ કોસમોસ વચ્ચે ટક્કર થઈ હતી, જેના કારણે તેમનો નાશ થયો હતો, જે કૃત્રિમ ઉપગ્રહો માટે આ કાટમાળ પૃથ્વી ઉપરાંત અવકાશમાં કેટલો જોખમી નીવડી શકે છે, તે સમજવા માટે ઉદાહરણ માત્ર છે.

જ્યારે કોઈ અવકાશી પદાર્થ હવામાનમાં પ્રવેશે છે, ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળને કારણે તે ખૂબ જ જમીન તરફ ખેંચાઈ છે, જેના કારણે વાતાવરણની સાથે તેનું પ્રબળ ઘર્ષણ થાય છે અને તે સળગી ઊઠે છે, છતાં કેટલીક વખત બહુ મોટા પદાર્થ કે અપવાદરૂપ અવશેષો પૃથ્વીમાં પ્રવેશી શકે છે.

ચીનની ઉપર અવકાશી કાર્યક્રમ વિશે માહિતી સાર્વજનિક નહીં કરવા તથા અવકાશી કાટમાળ અને તેના પૃથ્વીમાં પ્રવેશ વિશે લાપરવાહી વર્તવાના આરોપ લાગતા રહે છે, જેને ચીન નકારે છે.

line

અવકાશ અને કાટમાળ

કોસમોસ શ્રેણીના સૈન્ય સેટેલાઇટને લઈ જતું રશિયાનું રૉકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોસમોસ શ્રેણીના સૈન્ય સેટેલાઇટને લઈ જતું રશિયાનું રૉકેટ

ઑક્ટોબર-1957માં સોવિયેટ સંઘે પ્રથમ કૃત્રિમ ઉપગ્રહને અવકાશમાં પ્રસ્થાપિત કર્યો. એ પછી યુએસ અને યુએસએસઆરની વચ્ચે અવકાશી હોડ લાગી.

તેના પગલે આજે અવકાશમાં 10 હજાર ટનની કૃત્રિમ ચીજો અવકાશમાં તરી રહી છે, જેમાં હયાત ઉપગ્રહોનો પણ સમાવેશ થાય છે, પણ મોટા ભાગે કાટમાળ જ છે. યુએસ, યુએસએસઆર (અને હાલનું રશિયા) તથા ચીન 89 ટકા કૃત્રિમ અવકાશી પદાર્થો માટે જવાબદાર છે.

નાસા દ્વારા દર ત્રણ મહિને 'ઑર્બિટલ ડેબ્રિસ' પત્રિકા દ્વારા ટ્રૅક કરી શકાય એવા અવકાશી કાટમાળ વિશેની માહિતી આપવામાં આવે છે. આ સામયિકના માર્ચ-2022ના અંકમાં આપવામાં આવેલી માહિતી (પેજ નંબર 10) પ્રમાણે :

'યુએસએના ચાર હજાર 144 ઉપગ્રહ તરી રહ્યા છે, જ્યારે પાંચ હજાર 216 કાટમાળ (કુલ નવ હજાર 360) માટે જવાબદાર છે. રશિયાના (તથા અગાઉનું યુએસએસઆર) આઠ હજાર 583 કાટમાળ માટે જવાબદાર છે. તેના એક હજાર 551 ઉપગ્રહો અવકાશમાં તરી રહ્યા છે, આ સિવાય સાત હજાર 32 ટુકડા તેના કારણે તરી રહ્યા હોવાનું આકલન છે.'

ફાલ્કન 9 રૉકેટ દ્વારા સ્ટારલિંક સેટેલાઇટ લૉન્ચ કરતી વેળાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફાલ્કન 9 રૉકેટ દ્વારા સ્ટારલિંક સેટેલાઇટ લૉન્ચ કરતી વેળાની તસવીર

587 ઉપગ્રહ અને ત્રણ હજાર 854 ટુકડા સહિત કુલ ચાર હજાર 371 કૃત્રિમ અવકાશી પદાર્થ ચીનને કારણે અવકાશમાં તરી રહ્યા છે.

2007માં ચીન દ્વારા ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલના પરીક્ષણ માટે પોતાનો જ હવામાન ઉપગ્રહ તોડી પાડવામાં આવ્યો હતો, જેના કારણે ગૉલ્ફ બૉલ કે તેથી વધુ મોટા કદના ત્રણ હજાર તથા એના કરતાં નાના કદના એક લાખથી વધુ ટુકડા અવકાશમાં તરતા થયા હતા.

આજે આંતરરાષ્ટ્રીય અવકાશમથક માટે જે અવકાશી કાટમાળ જોખમરૂપ છે, તેમાંથી લગભગ એક-તૃતીયાંશને માટે ચીનનું પરીક્ષણ જવાબદાર છે.

ભારતના અવકાશી કાટમાળ અંગે સંસદમાં નિવેદન કરતા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમંત્રી ડૉ. જિતેન્દ્રસિંહે કહ્યું હતું, "ઍક્ટિવ ડેબ્રિસ રિમૂવલ (એડીઆર) માટે ભારતની અવકાશી સંસ્થા ઈસરો (ઇન્ડિયન સ્પૅસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)ના વૈજ્ઞાનિકોએ પ્રયાસ હાથ ધર્યા છે. અવકાશમાં ભારતના 103 (સક્રિય અને નિષ્ક્રિય) ઉપગ્રહ તરી રહ્યાં છે, જ્યારે 114 પદાર્થને કાટમાળ ઠેરવવામાં આવ્યા છે."

માર્ચ-2019માં 'મિશન શક્તિ' હેઠળ ભારતે ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલ મારફત પોતાનો જ નકામો ઉપગ્રહ તોડી પાડ્યો હતો અને પોતાની અવકાશી તાકતની ક્ષમતાનું નિદર્શન કર્યું હતું, એ સમયે પણ કેટલોક કચરો પેદા થયો હતો.

આ સિવાય જાપાન ઍરોસ્પૅસ એજન્સી (ઍસ્ટ્રો સ્કેલ મારફત) તથા યુરોપિયન સ્પૅસ એજન્સીએ (ક્લિરસ્પેસ મારફત) સ્ટાર્ટ-અપ્સ સાથે મળીને અવકાશની સફાઈની કામગીરી હાથ ધરી છે. અમેરિકાએ ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલનું પરીક્ષણ નહીં કરવાની સ્વૈચ્છિક જાહેરાત કરી છે.

જાહેરાત પ્રમાણે, જૂના નકામા સેટેલાઇટ, રૉકેટમાંથી ત્યજી દેવાયેલો અલગ-અલગ તબક્કાનો કાટમાળ, રંગીન રૉકેટના રંગની કપોટી વગેરેનો સમાવેશ થાય છે. અવકાશમાં રહેલા નકામા સેટેલાઇટ પ્રતિકલાક 17 હજાર 500 માઇલની ઝડપે પ્રવાસ ખેડી શકે છે.

અવકાશમાં તરતા કુદરતી તથા કૃત્રિમ પદાર્થોને કારણે આંતરરાષ્ટ્રીય અવકાશમથકની (ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) કક્ષામાં સમયાંતરે ફેરફાર કરવો પડે છે. જાન્યુઆરીથી માર્ચ-2022 દરમિયાન બે વખત ફેરફાર કરવો પડ્યો હતો.

તાજેતરમાં ઇલન મસ્કની સ્ટારલિંક તથા વન વેબ સેટેલાઇટ કન્સ્ટેલેશન માટે ડઝનબંધની સંખ્યામાં ઉપગ્રહોને અવકાશમાં છોડવામાં આવી રહ્યા છે, જે ભવિષ્યમાં આ અવકાશી કચરાની સમસ્યાને વધુ ગંભીર બનાવશે.

નાસાનું કહેવું છે કે, 600 કિલોમીટરની ઊંચાઈએ અવકાશમાં તરતો આગામી વર્ષોમાં પૃથ્વીમાં પુનઃપ્રવેશ કરશે અને નાશ પામશે, પરંતુ લગભગ એક હજાર કિલોમીટરની ઊંચાઈએ ભ્રમણકક્ષામાં તરતો કચરો એક સદી કે એથી વધુ સમય સુધી તરતો રહેશે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો