વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને 'માતા શૃંગાર દેવી' સંબંધિત તપાસનો મામલો શું છે?

    • લેેખક, અનંત ઝણાણે
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશની વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ ફરી એક વાર ચર્ચામાં છે. શુક્રવારે કોર્ટ દ્વારા નિયુક્ત વકીલોની એક ટીમ ત્યાં તપાસ માટે પહોંચી હતી, જેનો વિરોધ થઈ રહ્યો છે.

ચાલો સમજીએ કે આ આખો મામલો શું છે?

18 ઑગસ્ટ 2021ના રોજ દિલ્હીની પાંચ મહિલાઓએ બનારસ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. આ મહિલાઓનું નેતૃત્વ રાખીસિંહ કરી રહ્યાં છે.

તેઓ કહે છે કે તેમને મસ્જિદના પરિસરમાં મા શૃંગાર ગૌરી, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, આદિ વિશેશ્વર, નંદીજી અને મંદિર પરિસરમાં રહેલા અન્ય દેવતાઓનાં દર્શન, પૂજા અને ભોગ ધરાવવાની છૂટ મળવી જોઈએ.

આ મહિલાઓનો દાવો છે કે કાશી વિશ્વનાથ કૉરિડૉરની બાજુમાં આવેલા દશાશ્વમેધ પોલીસ સ્ટેશન વોર્ડના પ્લોટ નંબર 9130માં માતા શૃંગાર દેવી, ભગવાન હનુમાન અને ગણેશ અને દૃશ્યમાન અને અદૃશ્ય દેવતાઓ છે.

તેઓ એવી પણ માગણી કરે છે કે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદે દેવી-દેવતાઓની મૂર્તિઓને તોડતા, પાડતા કે નુકસાન પહોંચાડતા અટકાવવામાં આવે.

એવી પણ માગ છે કે ઉત્તર પ્રદેશ સરકાર "પ્રાચીન મંદિર"ના પરિસરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓનાં દર્શન, પૂજા અને ભોગ માટે તમામ સુરક્ષા વ્યવસ્થા કરવા આદેશ આપે.

તેમની અરજીમાં આ મહિલાઓએ એક અલગ અરજી કરીને એ માગ પણ કરી હતી કે અદાલત ઍડવૉકેટ કમિશનરની નિમણૂક કરીને આ તમામ દેવી-દેવતાઓની મૂર્તિઓના અસ્તિત્વને સુનિશ્ચિત કરે.

અલાહાબાદ હાઈકોર્ટે નિરીક્ષણને મંજૂરી આપી

8 એપ્રિલ 2022ના રોજ, ટ્રાયલ કોર્ટે સ્થાનિક વકીલ અજયકુમારની ઍડવૉકેટ કમિશનર તરીકે નિમણૂક કરી અને પરિસરની તપાસ અને નિરીક્ષણની વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો હતો.

આ સાથે ઍડવૉકેટ કમિશનરને પણ તપાસ અને વીડિયોગ્રાફી માટે જરૂર જણાય તો સ્થાનિક વહીવટીતંત્ર પોલીસ ફોર્સ પૂરી પાડે એવો આદેશ કરવામાં આવ્યો હતો.

બનારસમાં અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદના મૅનેજમૅન્ટે ઍડવૉકેટ કમિશનરની નિમણૂક અને પ્રસ્તાવિત નિરીક્ષણને હાઈકોર્ટમાં પડકાર્યા છે.

તેમના મતે, કોઈ પણ પક્ષકારને પુરાવા એકત્રિત કરવાની મંજૂરી નથી. મૅનેજમૅન્ટના જણાવ્યા અનુસાર, કમિશનર માત્ર સ્પષ્ટ દૃષ્ટિકોણથી પુરાવા રજૂ કરી શકે છે પણ પુરાવા એકત્રિત કરી શકતા નથી.

મસ્જિદ મૅનેજમૅન્ટે એવો પણ વાંધો ઉઠાવ્યો કે નીચલી અદાલતે અરજદારોની માગ પર ઍડવૉકેટ કમિશનર અજયકુમારની નિમણૂક કરી હતી, નહીં કે અદાલતની વર્તમાન રક્ષિત સૂચિના આધારે.

મસ્જિદ મૅનેજમૅન્ટની આ દલીલોને ફગાવી દેતા કોર્ટે કહ્યું હતું કે ઍડવૉકેટ કમિશનરને હાલના પુરાવાઓને સુરક્ષિત કરવાની સંપૂર્ણ પરવાનગી છે. અને જો મસ્જિદ મૅનેજમૅન્ટને કમિશનરના નિરીક્ષણ અહેવાલ સામે કોઈ વાંધો હોય તો તેઓ તેને કાયદાકીય રીતે પડકારી શકે છે.

હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ઍડવૉકેટ કમિશનરને સુરક્ષા બળ નિરીક્ષણ કરતી વખતે તેમની જરૂરિયાત મુજબ જ આપવાના આદેશો છે.

હાઈકોર્ટે એ દલીલને પણ નકારી કાઢી હતી કે ઍડવૉકેટ કમિશનર અજયકુમારની નિમણૂક મહિલા અરજદારોના સૂચન પર કરવામાં આવી હતી.

હાઈકોર્ટે કહ્યું કે મહિલા અરજદારોના સૂચનનો અર્થ એ નથી કે અજયકુમાર તેમની પસંદગીના વકીલ છે. તેઓ કોર્ટ પાસેની વકીલોની યાદીમાં સૂચિબદ્ધ છે અને અદાલતે સંપૂર્ણ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને તેમની નિમણૂક કરી હશે.

આ બધું કહીને હાઈકોર્ટે 21 એપ્રિલે મસ્જિદ મૅનેજમૅન્ટની અરજીને ફગાવી દીધી હતી.

હાલમાં, મસ્જિદ મૅનેજમૅન્ટે હાઈકોર્ટના આ નિર્ણયને પડકાર્યો નથી, તેથી 6 મેના રોજ નિરીક્ષણની તૈયારીઓ થઈ રહી છે.

2021: હાઈકોર્ટે એએસઆઈના સર્વે પર સ્ટે મૂક્યો

9 સપ્ટેમ્બર 2021ના રોજ, અલાહાબાદ હાઈકોર્ટે નીચલી અદાલતના એએસઆઈના સર્વે પર સ્ટે આપી દીધો હતો. આ સ્ટે એ આધાર પર લાદવામાં આવ્યો હતો કે હાઈકોર્ટે સર્વેના મુદ્દાને લગતી અન્ય એક અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

આ અરજી અંગે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદના વકીલ અભય યાદવનું કહેવું છે કે, "હાઈકોર્ટે જે નિર્ણય અનામત રાખ્યો છે તે બીજો કેસ છે. તે 1991નો 610 નંબરનો કેસ છે. તે કેસમાં કહેવામાં આવ્યું છે કે આ સ્થળ જ્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી તે તોડીને બનાવવામાં આવી છે. તે કાશી વિશ્વનાથની જમીન છે. તેમાં મસ્જિદને હટાવીને તેનો કબજો હિંદુઓને સોંપવામાં આવે તેવી માગ છે."

"એવો દાવો કરવામાં આવે છે કે મસ્જિદનું સ્થાપત્ય છે તે મંદિર તોડીને બનાવવામાં આવ્યું હતું અને તેની એએસઆઈ દ્વારા તપાસ થવી જોઈએ. તેની નીચે શિવલિંગ હોવાનું કહેવાઈ રહ્યું છે. તે મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે."

1991 અને ગૌરી શ્રીનગર સાથે સંકળાયેલા કેસ વચ્ચેના કાયદાકીય તફાવતને સમજાવતા મસ્જિદના વકીલ અભય યાદવ કહે છે, "જે આ શુક્રવારે થઈ રહ્યું છે, તેનો એક અલગ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો રાખીસિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકારનો છે."

"આ કેસમાં પ્લોટ નંબર 9130માં અનેક દેવી-દેવતાઓ, ગણેશજી, શંકરજી, મહાદેવજી, ગૌરી શ્રૃંગારની મૂર્તિઓ છે. અને તે દેવતાઓની રોજીંદી પૂજામાં કોઈ દખલગીરી ન કરવામાં આવે."

"એક સમયે શૃંગાર ગૌરીની વર્ષમાં એક વાર પૂજા થતી હતી. ચોથા નોરતાએ. પરંતુ હવે દરરોજ પૂજાની વાત કરી રહ્યા છે. તેઓ પોતે કહે છે કે તે મંદિરની પશ્ચિમી દીવાલની બહારની બાજુએ છે. મસ્જિદની અંદર નથી. અને આસપાસની મૂર્તિઓના સર્વે માટે તેમણે અરજી કરી હતી. તેના અનુસંધાને શુક્રવારે કમિશન જઈ રહ્યું છે."

બંને પક્ષોનો દાવો

બંને પક્ષોના દાવાઓને વધુ સારી રીતે સમજવા માટે અમે તેમના વકીલો સાથે વાત કરી.

પૂજા કરવા માટે પરવાનગી માગતી મહિલા અરજદારોના વકીલ મદનના કહેવા પ્રમાણે, તેમની અરજીમાં તેઓએ ઍડવૉકેટ કમિશનર પાસેથી સમગ્ર "9130 પ્લોટ"નું નિરીક્ષણ કરવાની માગ કરી હતી.

તેઓ કહે છે કે "ગૌરી શૃંગારની મૂર્તિના અસ્તિત્વને સાબિત કરવા માટે ચોક્કસપણે મસ્જિદની અંદર જવાની જરૂર પડશે."

અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદના વકીલ અભય યાદવનું કહેવું છે કે, "તેમણે દાખલ કરેલી અરજીમાં તે પોતે લખી રહ્યા છે કે તે શૃંગાર ગૌરીની મૂર્તિ છે અને મસ્જિદની પશ્ચિમ દીવાલની બહાર છે."

અભય યાદવ કહે છે, "અમને સર્વે સામે કોઈ વાંધો નથી. વાંધો માત્ર એટલો જ છે કે આ લોકો મસ્જિદની અંદર ન જાય."

અભય યાદવના કહેવા પ્રમાણે, "કોર્ટે મસ્જિદની અંદર જઈને સર્વે કરવાનો કોઈ આદેશ આપ્યો નથી."

તેઓ એમ પણ કહે છે કે જે પ્લોટ નંબર 9130નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કયા છે તે નક્કી નથી.

તેમણે કહ્યું, "તમે કેવી રીતે નક્કી કરશો કે જ્યાં મસ્જિદ આવેલી છે તે પ્લોટ નંબર 9130નો ભાગ છે? એ તો રેવન્યુ મેપ અનુસાર નક્કી થશે. અરજદારોએ કોર્ટમાં નકશો જમા કરાવ્યો નથી."

"આજે જે નિરીક્ષણ થવાનું છે તેનાથી એ નક્કી નહીં થાય કે તેઓ જેમને મા શૃંગાર ગૌરીનું મંદિર કહે છે તે પ્લોટ નંબર 9130માં આવે છે કે કેમ. તેમની પાસે આ માટે કોઈ માપ નથી. કોઈ પ્રમાણિત નકશા નથી, જેના પરથી તેઓ નક્કી કરે કે શૃંગાર ગૌરીનું મંદિર પ્લોટ નંબર 9130માં છે."

તો સવાલ એ થાય છે કે મા શૃંગાર ગૌરીની પ્રતિમા ક્યાં છે?

વકીલ અભય યાદવના કહેવા પ્રમાણે, "તે મસ્જિદની બહાર છે. તે પશ્ચિમની દીવાલની પાછળ છે. અને મૂર્તિ બહાર છે તો તમારે મસ્જિદની અંદર શા માટે આવવાની જરૂર પડે?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો