You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસ ડેરીના સંકુલના લોકાર્પણ બાદ પીએમ મોદીએ કહ્યું, 'દેશમાં ઘઉં-ચોખા કરતા દૂધનું ટર્ન ઓવર વધારે'
"દેશમાં સાડા આઠ લાખ કરોડનું વાર્ષિક ટર્ન ઓવર દૂધ ઉત્પાદન ક્ષેત્રે છે. આટલું તો ઘઉં અને ચોખાનું પણ નથી. ડેરી સૅક્ટરનો લાભ નાનાં ખેડૂતોને મળે છે."
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના નવા સંકુલના લોકાર્પણ બાદ વડા પ્રધાને આ વાત કહી હતી.
તેમણે કહ્યું કે આ ડેરીએ નાના ખેડૂતોની મોટી ચિંતા કરી છે. આ સમયે તેમણે ખેડૂતોના ખાતામાં સીધા જમા અપાતી નાણાસહાયની પણ વાત કરી હતી.
મોદીએ ગુજરાતીમાં વાત કરતાં કહ્યું, "બનાસકાંઠાની મહિલાઓ સંતાનો કરતાં પણ વધારે લાગણીથી તેમના પશુઓને સાચવે છે. મહિલાઓ લગ્ન છોડી દે પરંતુ પશુઓને છોડીને એકલાં ન જાય. આ ત્યાગ અને તપસ્યા છે. જેને હું નમન કરું છું."
પોતાના ભાષણમાં મોદીએ નડાબેટનો પણ ઉલ્લેખ કર્યો અને સરહદ પર પ્રવાસનને વેગ આપવાની વાત કહી હતી. તેમણે કહ્યું કે આ પ્રવાસન સ્થળ વિકસવાથી નજીકનાં ગામડાંનો વિકાસ થશે.
તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નડાબેડના સંકુલનું ઉદ્ધાટન કર્યું હતું. તેને પંજાબમાં આવેલી વાઘા બૉર્ડર સાથે સરખાવ્યું હતું અને પ્રવાસનસ્થળ તરીકે વિકસાવવાની વાત કરી હતી.
અત્યાધુનિક ટૅક્નોલોજીથી સજ્જ નવું સંકુલ
બનાસકાંઠાના દિયોદર પાસે આવેલા સણાદરમાં 151 વીઘામાં બનાસ ડેરીનું નવું સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. જેનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉદ્ધાટન કર્યું છે.
આ સાથે તેમણે બનાસ ડેરીના કેટલાક નવા પ્લાન્ટનું લોકાર્પણ અને બનાસકાંઠામાં વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડેરીના નવા સંકુલમાં પ્રતિદિન 50 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ, 100 ટન બટર, 1 લાખ લિટર આઇસક્રીમ તેમજ 6 ટન ચોકલેટ બનાવવાની ક્ષમતા છે.
આ સિવાય પોટેટો પ્રોસિસંગ અને પ્રોડક્ટ યુનિટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રોજ 48 ટન બટાકાં પ્રોસેસિંગ કરીને તેના પ્રોડક્ટ તૈયાર કરવાની ક્ષમતા છે. જેનું વડા પ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું છે.
આ સિવાય બનાસ ડેરી સંકુલમાં દૂધવાણી કૉમ્યુનિટી રેડિયો સ્ટેશન પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેનું વડા પ્રધાને લોકાર્પણ કર્યું હતું.
આ કૉમ્યુનિટી રેડિયો સ્ટેશન શરૂ કરવાનો ઉદ્દેશ પશુપાલન અને ડેરી ઉદ્યોગને લઈને લોકશિક્ષણ અને જાગૃતિ પ્રસરાવવાનો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો