WHOના વડા આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે - પ્રેસ રિવ્યૂ

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વડા ડૉ. ટૅડ્રોસ ગેબ્રિયેસિસ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. તેઓ વડા પ્રધાન મોદી સાથે કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે.

ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, તેઓ 18 એપ્રિલે સવારે રાજકોટ પહોંચશે. જ્યાં રાત્રિરોકાણ બાદ મંગળવારે સવારે જામનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડબલ્યૂએચઓના 'ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મૅડિસિન'નું ખાતમૂહુર્ત કરશે.

આ સેન્ટર વિશ્વનું પ્રથમ અને એકમાત્ર એવું સેન્ટર હશે જ્યાં પરંપરાગત દવાઓ પર સંશોધન કરવામાં આવશે.

ત્યાર બાદ બુધવારે ડૉ. ગેબ્રિયેસિસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી 'ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઇનોવેશન સમિટ'માં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતે કોરોનાથી થયેલા મૃત્યુ ગણવાની પદ્ધતિને લઈને વિશ્વ આરોગ્ય સંગઠન પર સવાલ ઊઠાવ્યા છે. શનિવારે ભારતે કહ્યું હતું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાથી થયેલા મૃત્યુ ગણવાની જે પદ્ધતિ અપનાવી છે, તે ભારતના સંદર્ભમાં ઠીક નથી.

ભારતે તરફથી આ વાતના સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું કે ભારત જેવા વિશાળ દેશમાં, જ્યાં વસતિ ખૂબ વધારે છે, ત્યાં આ રીત ન અપનાવવી જોઈએ.

ગુજરાતમાં ક્યાં પડી શકે છે કમોસમી માવઠું?

હવામાનવિભાગે રાજ્યના કેટલાક શહેરોમાં આગામી ત્રણ દિવસમાં ભારે પવન સાથે માવઠાની આગાહી કરી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે. ત્યારે બુધવાર સુધીમાં રાજ્યના કેટલાક શહેરોમાં વરસાદ પડી શકે છે.

અહેવાલ મુજબ, લો-પ્રેશર સર્જાતા સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, દાહોદ, અમરેલી અને ભાવનગરમાં બુધવાર સુધીમાં માવઠું પડી શકે છે.

હવામાનવિભાગની આગાહી પ્રમાણે, આ સમય દરમિયાન 40થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે.

દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા મામલે પકડાયેલા લોકોનો ગુનાહિત ભૂતકાળ, પોલીસનો દાવો

દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસે કહ્યું છે કે તેઓ આ મામલે 'એક મોટા ષડ્યંત્ર'ના ઍન્ગલ પર તપાસ કરી રહી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે પોલીસે અત્યાર સુધી 23 લોકોની ધરપકડ કરી છે. જેમાં બે સગીરોનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ મામલે બે મુખ્ય શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.

અખબારે સૂત્રોને ટાંકીને લખ્યું છે કે પોલીસ દ્વારા તપાસ વર્ષ 2020માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા તોફાનો અને સીએએ-એનઆરસીના પ્રદર્શનો સાથે જોડીને પણ કરવામાં આવી રહી છે.

પોલીસ કેટલીક તપાસ એજન્સીઓની મદદ પણ લઈ રહી છે અને તેમનું કહેવું છે કે પકડાયેલા લોકો પૈકી મોટાભાગના લોકો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો