'મૈં આદિત્યનાથ યોગી', ઉત્તર પ્રદેશમાં યોગી બન્યા બીજી વખત મુખ્ય મંત્રી

ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ભાજપના વિજય બાદ આજે યોગી આદિત્યનાથ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે બીજી વખત શપથ લીધા છે.

યોગી આદિત્યનાથે શુક્રવારે રાજ્યના મુખ્ય મંત્રીપદના બીજી વખત શપથગ્રહણ કર્યા હતા. ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે લખનૌના ઇકાના સ્ટેડિયમમાં તેમને પદ અને ગુપ્તતાના શપથ અપાવડાવ્યા.

ઉત્તરાખંડના એક ગામડામાં જન્મેલા યોગી આદિત્યનાથને તેમનાં માતાપિતાએ અજયસિંહ બિષ્ટ નામ આપ્યું હતું. રામમંદિરઆંદોલનમાં ભાગ લેવા માટે તેમણે તેમને છોડી દીધા હતા અને બાદમાં ગોરખપુરમાં ગોરખનાથ મઠના મહંત અવૈદ્યનાથના શિષ્ય બની ગયા હતા.

ગોરખપુર લોકસભા બેઠક પરથી સૌથી યુવાન સાંસદ સ્વરૂપે વર્ષ 1998માં તેમની રાજકીય યાત્રા શરૂ થઈ. પાંચ વખત સાંસદ રહેલા યોગી આદિત્યનાથને વર્ષ 2017માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય હાંસલ થયા બાદ મુખ્ય મંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી.

લોકસભાના સભ્યપદ પરથી રાજીનામું આપ્યા બાદ યોગીએ ગોરખપુર સદર વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી. ગોરખપુર સદર બેઠક ભાજપનો એવો ગઢ રહી છે જે જનસંઘના જમાનાથી 1967થી પાર્ટી પાસે જ રહી છે.

ઉપમુખ્ય મંત્રી અને મંત્રીઓના શપથ

યોગી આદિત્યનાથની નવી સરકારમાં કેશવપ્રશાદ મૌર્ય અને બ્રજેશ પાઠકને ઉપમુખ્ય મંત્રી બનાવાયા, જોકે કેશવપ્રસાદ મૌર્ય સિરાથૂ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા.

પરંતુ પાર્ટી નેતૃત્વે ફરી એક વાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે, પાછલી સરકારમાં ઉપમુખ્ય મંત્રી રહેલા દિનેશ શર્માને આ વખત કૅબિનેટમાં જગ્યા નથી મળી શકી.

સુરેશકુમાર ખન્ના, સૂર્પૂપ્રતાપ શાહી, સ્વતંત્રદેવ સિંહ અને બેબીરાની મૌર્યે મંત્રીપદના શપથ લીધા.

લક્ષ્મીનારાયણ ચૌધરી, જયવીરસિંહ, ધરમપાલસિંહ, નંદગોપાલ ગુપ્તાએ મંત્રીપદના શપથ લીધા.

નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદે મંત્રીપદના શપથ લીધા.

યોગી આદિત્યનાથ સરકારનો શપથગ્રહણ સમારોહ સમાપ્ત, મોદી મંત્રીઓને મળ્યા

યોગી આદિત્યનાથની નવી સરકારનો શપથગ્રહણ સમારોહ સમાપ્ત થઈ ગયો છે. યોગી આદિત્યનાથની સરકારમાં 52 મંત્રીઓએ શપથગ્રહણ કર્યા છે.

આ વખતે તેમણે કેશવપ્રસાદ મૌર્યની સાથોસાથ બ્રજેશ પાઠકને પણ ઉપમુખ્ય મંત્રી બનાવ્યા છે.

શપથગ્રહણ સમારોહ બાદ વડા પ્રધાન મોદી તમામ મંત્રીઓને મળ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો