મિસાઇલ : રાજનાથસિંહે સંસદમાં જણાવ્યું કે 'મિસાઇલ મુદ્દાની તપાસ થશે' - પ્રેસ રિવ્યૂ
ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંગળવારે કહ્યું કે પાકિસ્તાનના વિસ્તારમાં નવ માર્ચે ભૂલથી લૉન્ચ થયેલી મિસાઇલના મામલામાં ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
રાજ્યસભામાં તેમણે કહ્યું કે, "નવ માર્ચે દુર્ભાગ્યવશ એક મિસાઇલ ભૂલથી લૉન્ચ થઈ હતી. આ ઘટના સામાન્ય નિરીક્ષણ દરમિયાન બની હતી. અમને પછી ખબર પડી કે આ મિસાઇલ ભૂલથી પાકિસ્તાનમાં લૅન્ડ થઈ ગઈ."

ઇમેજ સ્રોત, ANI
ઇન્ડિયા ટુડે અનુસાર રાજનાથ સિંહે કહ્યું કે ભારત પોતાની હથિયાર પ્રણાલીની સુરક્ષા અને રક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તેમણે કહ્યું કે કથિત દુર્ઘટનાના સટીક કારણ તપાસ પછી જ જાણવા મળશે.
તેમણે કહ્યું, " અમને પછી ખબર પડી કે આ મિસાઇલ પાકિસ્તાનમાં પડી હતી. આ ઘટના માટે અમને ખેદ છે. અમે રાહત અનુભવી રહ્યા છીએ કે દુર્ઘટનાને કારણે કોઈને ઈજા થઈ નથી. સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. ઔપચારિક ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે."
" આ તપાસ પછી દુર્ઘટનાનાં કારણ જાણવાં મળશે. હું એ પણ કહેવા માગું છું કે આ ઘટનાને જોતાં સંચાલન, રખરખાવ અને નિરીક્ષણ માટે માનક સંચાલન પ્રક્રિયાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. અમે અમારી હથિયાર પ્રણાલીઓની સુરક્ષા અને રક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છીએ. જો આમાં કોઈ ખામી જોવા મળશે તો તેને તરત દૂર કરવામાં આવશે."
પાકિસ્તાને આ ઘટના અંગે જર્મનીને માહિતી આપી હતી.
પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશીએ સોમવારે જર્મનીના વિદેશ મંત્રી એનાલિન બેયરબૉકને ફોન કરીને મિસાઇલ પડવાની ઘટનાની માહિતી આપી હતી.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે વિદેશ મંત્રી કુરૈશીએ જર્મન સમકક્ષ સાથે ફોન પર વાતચીત દરમિયાન નવ માર્ચે 2022ના ભારતીય મિસાઇલના પાકિસ્તાનના વિસ્તારમાં પ્રવેશ્યા હોવાની માહિતી આપી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોસ્ટ અનુસાર, કુરૈશીએ જર્મનીના વિદેશ મંત્રીએ જણાવ્યું કે ભારતે "ભૂલ"થી આવેલી મિસાઇલ પર ખેદ વ્યક્ત કર્યો. મિસાઇલના ગંભીર મુદ્દાનું સમાધાન ભારતીય અધિકારીઓ તરફથી આપવામાં સાધારણ સ્પષ્ટતાના આધારે ન થવું જોઈએ.
પાકિસ્તાને એ પણ કહ્યું કે તેમના તરફથી આ મુદ્દાની સંયુક્ત તપાસ કરવાની માગ કરવામાં આવી છે. કુરૈશીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ. આ મુદ્દા પર જર્મનીના વિદેશ મંત્રીના પક્ષ વિશે માહિતી આપવામાં નથી આવી.

કબડ્ડીની ચાલુ ટુર્નામેન્ટમાં ખેલાડીની હત્યા, વીડિયો કૅમેરામાં કેદ

ઇમેજ સ્રોત, Getty Images
આંતરરાષ્ટ્રીય સ્તરના કબડ્ડીના ખેલાડી સંદીપસિંહ નાન્ગલની પંજાબના જલંધરમાં કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન હત્યા કરી દેવાઈ હોવાનું પોલીસ જણાવે છે.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે સંદીપસિંહની ઉંમર 40 વર્ષ હતી.
પોલીસે કહ્યું છે કે સંદીપસિંહ ટુર્નામેન્ટના સ્થળે આવ્યા ત્યારે ચાર શખ્સોએ તેમના પર ફાયરિંગ કરી દીધું હતું અને આઠથી દસ જેટલી બુલેટ્સ ધરબી દીધી હતી.
આ ઘટનાનો વીડિયો કૅમેરામાં કેદ થઈ ગયો હતો અને સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થઈ ગયો છે.

ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 283 સિંહનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, AFP
ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં કુલ 238 એશિયાટિક સિંહોનાં મૃત્યુ થયાં છે. રાજ્યની વિધાનસભામાં સોમવારે આ અંગે માહિતી આપવામાં આવી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, પ્રશ્નકાળ દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમના પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે 'ગીર અભયારણ્યમાં અને તેની આસપાસ 31 ડિસેમ્બર, 2021 સુધીમાં કુલ 674 સિંહનો વસવાટ છે. જેમાં 206 નર, 309 માદા અને 29 બચ્ચાંનો સમાવેશ થાય છે. તેમાંથી 345 સિંહો અભયારણ્યની અંદર, જ્યારે 329 બહાર વસવાટ કરે છે.'
સરકારે જણાવ્યું હતું કે, ''2020 અને 2021 દરમિયાન કુલ 283 એશિયાટિક સિંહનાં વિવિધ કારણોસર મૃત્યુ થયાં હતાં. તેમાંથી 29 સિંહ અકસ્માતોમાં મૃત્યુ પામ્યા હતા. બાકીના 254નાં કુદરતી મૃત્યુ થયાં હતાં. શિકારને કારણે કોઈ મૃત્યુ નોંધાયા નથી. 2020માં 159 સિંહ અને 2021માં 124 સિંહનાં મોત થયાં હતાં.''
સરકારના જવાબ પ્રમાણે, ''સિંહનું રેડિયો કૉલરિંગ, સંરક્ષિત વિસ્તારોમાં ખુલ્લા કૂવાઓને આવરી લેવા, નાઇટ પેટ્રોલિંગ અને સીસીટીવી સર્વેલાન્સ અમલમાં મૂકવામાં આવ્યા છે અને રાજુલા-પીપાવાવ રેલ્વે ટ્રેકની બંને બાજુઓ પર સાંકળ-લિંક ફેન્સિંગ કરવામાં આવી છે, સરકારે ઉમેર્યું હતું.''

વિપક્ષના પેટ્રોલના ભાવવધારાના પ્રશ્નના જવાબમાં સરકારે શું જવાબ આપ્યો

ઇમેજ સ્રોત, ANI
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલની કિંમતો સતત આસમાનને આંબી રહી છે. જો કે ભારતમાં હજુ સુધી તેની અસર જોવા મળી નથી. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે વધશે તેવા સવાલના જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં નિવેદન આપ્યું છે.
અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઈમ્સે આ મુદ્દાને મુખ્ય સમાચાર તરીકે છાપ્યા છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રીએ સોમવારે રાજ્યસભામાં કહ્યું હતું કે, "ગ્રાહકોને રાહત આપવા માટે વડાપ્રધાન મોદીએ 4 નવેમ્બર, 2021ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. પરંતુ નવ રાજ્યોએ તેની કિંમતોમાં ઘટાડો કર્યો નથી."
તેમણે કહ્યું કે, "સરકાર ગ્રાહકો પર વધી રહેલા બોજને પહોંચી વળવા માટે સતત પગલાં લઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ તરત જ ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે."
હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, "આપણી ઑઇલ કંપનીઓ અને સરકાર રશિયા અને કેટલાક નવા બજારો સાથે વાટાઘાટો કરી રહી છે. આ સ્થિતિમાં, આશા છે કે ટૂંક સમયમાં નવા બજારો ખુલશે અને આ અંગેની મૂંઝવણ દૂર થશે."

સંયુક્ત કિસાન મોરચો 21 માર્ચે એમએસપી સપ્તાહનું આયોજન કરશે

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN
સરકાર પાસેથી લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની માગણી માટે ખેડૂત આંદોલનના બીજા ભાગની શરૂઆતનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)એ સોમવારે, 14 માર્ચે જણાવ્યું હતું કે તેઓ 11 થી 17 એપ્રિલ દરમિયાન એમએસપી ગૅરંટી સપ્તાહનું આયોજન કરશે.
ધ ક્વિન્ટ અનુસાર, કિસાન મોરચાએ એવી પણ જાહેરાત કરી હતી કે તેઓ લખીમપુર ખીરીમાં "ગુનેગારોને સંરક્ષણ અને નિર્દોષ ખેડૂતોને ફસાવવા"ના સંદર્ભમાં સરકારની કાર્યવાહીનો વિરોધ કરશે.
40 થી વધુ ખેડૂત સંસ્થાઓની છત્ર સંસ્થા સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે સ્વામીનાથન કમિશન દ્વારા ભલામણ કરવામાં આવેલ લઘુતમ ટેકાના ભાવની તમામ કૃષિ પેદાશો પર કાયદેસર ગૅરંટી માગવા માટે "ધરણાઓ, પ્રદર્શનો, સેમિનારો" આયોજિત કરીને એમએસપી ગૅરંટી સપ્તાહ મનાવવામાં આવશે."
સોમવારે નવી દિલ્હીમાં સંયુક્ત કિસાન મોરચા સાથે સંકળાયેલા તમામ ખેડૂત સંગઠનોની બેઠક બાદ આ યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી.
મોરચાએ એવી પણ જાહેરાત કરી હતી કે મોરચાને સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરીઓ સાથે વિશ્વાસઘાત સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ કરશે.
સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે ખેડૂતોનું સંગઠન 28 અને 29 માર્ચે ટ્રેડ યુનિયનો દ્વારા 'ભારત બંધ' માટેના આહવાનને સમર્થન આપશે, અને ઉમેર્યું હતું કે દેશભરના ખેડૂતો તેમાં સક્રિયપણે ભાગ લેશે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












